
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
‘આખરે માણસને ઘડવાનું કામ તો માણસે જ કરવું પડે.’ એમ હું હજાર વાર, વારે વારે, જ્યાં પણ લાગ મળે (તક મળે), ત્યાં ત્યાં મારા આ જ્ઞાનને પીરસવાનું કામ કર્યે જ રાખું છું.આમ છતાં, આજ સુધી મારી આ અતિ સંવેદનશીલ અને ખૂબ જ જરૂરી એવી વાતને કોઈએ ધ્યાન પર લીધી નથી, પણ આજે જ્યારે માનવ માત્ર ખરાબ આદતોને રવાડે ચડ્યો છે અને સમાજના તેમજ માનવ સંસ્કારના પાયા જ્યારે ડામાડોળ થવા લાગ્યા છે, ત્યારે આ AI (કૃત્રિમ બુદ્ધિમત્તા- ચેટબોટ)ના કહેવાથી લોકોના મગજમાં આ વાત ઊતરી છે કે માનવનું ઘડતર તો એક માનવ જ કરી શકે. AI પણ ન કરી શકે.
નાની નાની વાત કે પ્રશ્નો ઊભા થાય કે તરત જ જુવાનિયાઓ તો જુવાનિયા, અને મ્હોંમાં દાંત વિનાના પણ AI પાસે પહોંચી જઈને જવાબ માટે ફાંફાં મારે છે.
એકવાર ‘રામજીભાઈ – ભરથાણાના વતની’ ઉપર ક્લિક કરીને અમારા દાદા જાણે કોઈ નવો રાઝ શોધી કાઢ્યો હોય એમ ખુશ થતાં થતાં… ‘આ સાંજ સુધીમાં આવ્યો.’ એમ કહીને માથે પાઘડી ને ખેસ, ધોયેલું ધોતિયું ને કડક કફની બંડી પહેરીને ઊપડ્યા. ઘરનાએ જતી વેળા વારી વારીને પૂછ્યું, ‘આમ સજીધજીને ક્યાં જાઓ છો?’ પણ જવાબ આપે એ બીજા! દાદાની બાળહઠ સમજીને એમને એમના જ ભરોસે જવા દીધા. પૂરા દોઢ દિવસ પછી મરણતોલ હાલતમાં દાદાને કોઈ અજાણ્યો માણસ ગાડામાં નાખીને પોટલાની જેમ ઉતારી ગયો.
ઘાયલ સિપાહીની જેમ, ‘હામો મળે તો એનો તો હું ભુક્કો કરી નાખા. એના મગજમાં એ હમજે છે હું?’ ઘાયલ સિપાહીની જેમ બોલી બોલીને એ થાક્યા. પછી અમે પૂછ્યું, ‘ક્યાં ગયા હતા? કેમ ગયા હતા? અને આ માર ક્યાં ખાઈને આવ્યા છો?’
‘ભરથાણા ગામે ગયો હતો. આપણી આ માધવી સારું માગું નાખવા!’
‘તે પછી હું થીયું?’
‘કંઈ નહીં. માર ખાઈને પાછો આવ્યો… પણ મૂઆને તો હું હીધો કરી દેવા. હમજે છે હું એ?’
‘તે મુરતિયો કેવો હતો? અને એનું કુટુંબ, મા- બાપ, ભાઈ – બહેન કેવાં હતાં?
‘તમે એક કામ કરો. પહેલાં આ ફોનને ઉકરડામાં ફેંકી દો.’
‘પણ કંઈ સમજાય એમ બોલો ને! તમે માર ખાધો, એમાં મોબાઇલનો હું વાંક છે?’
‘બધો વાંક મોબાઇલનો જ છે. જુઓ, તમે મને હીખવાડેલું કે આ AIને પૂછવાથી બધું જ જાણવા મળી જહે. તે મેં ભરથાણા ગામ લખ્યું. તો એને મને રસ્તો બતાવ્યો. મારે ભરથાણામાં ગામના પ્રમુખ લલ્લુભાઈને ઘેર એના છોકરાનું આપણી માધવી હારે ચોકઠું ગોઠવવું હતું. ગામમાં ગયો તો ત્યાં પ્રમુખ આપણી ન્યાતના નહોતા. મેં પૂછયું કે, ‘ભાઈ, આ ઘર લલ્લુભાઈ બારોટનું છે ને?’
‘ના ભાઈ, આ ઘર તો રામચંદ્રભાઈ દેસાઈનું છે અને હું એક નિવૃત્ત આચાર્ય છું. મારાં છોકરાંઓને ત્યાં પણ છોકરાંઓ છે…’ એમ એમણે આખો પરિચય આપી દીધો. (આચાર્ય અને પાછા નિવૃત્ત!)
આ નિવૃત્ત આચાર્યએ મને માહિતી આપી કે બીજા એક ભરથાણામાં દસ ઘર બારોટનાં છે અને ત્યાં તમને રતનસિંહના ઘરે યોગ્ય છોકરો મળી રહેશે. વધારે વિગત મને ખબર નથી. પણ AI ને તમે પૂછી લેજો. એ રસ્તો પણ બતાવશે. મેં AI ને પૂછ્યું. તો એણે ગામ, ઘર, રતનસિંહ અને તેના છોકરાથી લઈ, ગામના ઇતિહાસ, ભૂગોળ અને લોકો વિશે પણ જ્ઞાન આપી દીધું.
એ ગામથી બે બસ પકડીને, એ દૂર દૂર આવેલ ભરથાણા ગામમાં ગયો. તો ત્યાં ગામમાંથી શહેર બની ચૂકેલા ભરથાણા ગામમાં એ ગામનો (મૂળ નિવાસી) એક પણ બારોટ ત્યાં નહોતો. બધા ઘરબાર, જમીન વેચીને સુરત શહેરમાં બાળકો ભણાવવા અને નોકરી કરવા સ્થળાંતર કરી ચૂક્યા હતા. હવે ત્યાં બિહારી, કાઠિયાવાડી, નેપાળી, બાંગ્લાદેશી અને મરાઠી સિવાય બીજું કોઈ જોવા નહીં મળ્યું. ખાલી એક ખુમાનસિંહ બારોટનું બોર્ડ વાંચીને AIના આદેશ અને આશીર્વાદ લઈને બારણે ટકોરા માર્યા. એક બે ટકોરે બારણું ના ખૂલ્યું, તો બીજી દસ- બાર વાર ડોરબેલ મારી. ત્યાં એક ડાંગ લઈને ભૈયા જેવો માણસ બારણું ખોલીને પ્રગટ થયો અને હજી કંઈ પણ બોલું, ત્યાં તો બે ચાર દંડાની રમઝટ – જાણે હું કોઈ ચોર લૂંટારો હોઉં – એમ બોલાવી દીધી. એમાં વળી હું મારી ધોળી મૂછ ઉપર વળ ચડાવવા લાગ્યો. (ટેવ મુજબ વળી!) એટલે બીજી બે – ચાર ઓર સહીની ગણતરીએ ફટકારી દીધી.
મેં એ ભાઈને હાથ જોડીને કહ્યું કે, ‘હું તો મારી દીકરી હારુ વરરાજા હોધવા નીકળ્યો છું ભાઈ…! તારે ઘેર હો કુંવારી દીકરીઓ હશે, તો તું મારી વેદના હમજહે.’ પછી તો એણે દંડો ફેંકી દીધો ને મને અંદર લીધો ને હાથ જોડી રડમલ આંખે બોલ્યો. ‘મારે હો ઘરમાં ચાર ચોટલા (દીકરીઓ) છે. આ ચાર બાધાને આ ડેલીમાં પૂરીને બેઠો છું. જીવની જેમ હાચવું છું. કોઈ હારો મુરતિયો હોય તો બાપલા, મુને હો બતલાવજો. આ ચાર ચારનો બોજો માથે છે. ડેલો હવે જરા પણ ખુલ્લો મુકાય એમ નથી બાપલા… આ તમારો વેહ જોઈને તમને દંડા ફટકારી દીધા…! બાપલા, માફ કરજો… હાલો, ચા- પાણી કરાવીને તમને તમારા ગામ ભેગા કરી દઉં.’
આપણ વાંચો: તરુણાવસ્થામાં અમુક બદલાવને સ્વીકારી લો
તે બિચારો મને હમણાં ઠાલવીને ગીયો, તે ચાર દીકરીનો બાપ! મને ભરથાણા ગામની ખોટી માહિતી AI એ આપેલી અને એનાથી ખોટી માહિતી ગામના કારભારીએ આપેલી. આ AI અને કારભારીની ગોળ ગોળ વાતમાં માર ખાવાનો વારો આવે! ઓ મારા બાપલા…! ઘરડે ઘડપણ હાડકાં ખોખરાં કરાવીને એટલું તો હીખી ગીયો કે માણહને ઘડવાનું કામ તો એક માણહ જ કરે અને આ હાચો રસ્તો હો માણહે જાતે જ હોધવો પડે…! મશીન કંઈ માણહનું સ્થાન ના લઈ હકે… હમજ્યા ને?’