‘જનરલ’ શબ્દ જ એટલો જનરલ થઈ ગયો છે કે, દવાખાના આગળ જનરલ લખવાથી તરત જ ‘જનરલ કરિયાણા સ્ટોર’, ‘જનરલ બુક સ્ટોર’, ‘જનરલ ટોય શોપ’, ‘જનરલ શાકભાજી માર્કેટ’ કે પછી ‘જનરલ વોર્ડ’ની યાદ આવી જાય. આ શબ્દને આપણે વાપરી વાપરીને સાવ નિર્માલ્ય અને સસ્તો બનાવી દીધો છે.
ગરીબની દીકરીને જેમ આખું ગામ મન ફાવે તેમ લઈ જઈને, મન ફાવે તે કામ કરાવે અને મન ફાવે તેમ બોલી શકે… બસ, એમ જ આ ‘જનરલ’ શબ્દને આપણે મન ફાવે તે શબ્દની આગળ મૂકી દઈએ અને એને મન ફાવે તેમ હાસ્યાસ્પદ બનાવીએ.
કશે જગ્યા ન મળે તો તરત જ સલાહ મળશે કે, ‘જનરલ ડબ્બામાં ચડી જજે. એમાં કંઈ વાંધો નહીં આવે. ટી.ટી.ને બે કડક નોટ પકડાવી દેજે.’
‘મંગી ક્યાંથી પૈસા ભરવાની? આ તારી મંગી કામવાળીને નાકાના જનરલ દવાખાનામાં મોકલી આપજે. એને તો જનરલ દવાખાનું જ પોહાય. હમજી?’
‘આઘે જવાની જરૂર નથી. મુન્ના, લખોટી, પેન્સિલ… જેવું નાનું-મોટું તો નાકા પરના જનરલ સ્ટોરમાંથી જ મળી જશે. સમજ્યો?’
આમ ‘જનરલ’ શબ્દ સાવ જનરલ બની ગયો છે.
શહેરના તમામ લત્તામાં દવાખાનું ખોલી થાકી ગયેલ ઢબુવાલા ડૉક્ટરે આખરે જ્યોતિષનું શરણ લીધું. જ્યોતિષી ભસ્માસુર બાબાએ ભસ્મની પડીકી આપીને કહેલું કે, “શહેરના ભરચક લત્તામાં જા અને ત્યાં ‘જનરલ દવાખાનું’ નામનું બોર્ડ અને એની નીચે મોટા અક્ષરે ‘સેવા પરમો ધર્મ’ એમ લખીને એના પર મારી ભસ્મ છાંટીને એક ભાડાની ઓરડી ઉપર ચડાવી દે. પછી જો મારી ભસ્મની અને મારા આપેલ નામની કમાલ! તારું જનરલ દવાખાનું જનરલ ના રહેતાં એકદમ ખાસ બની જશે. જનરલ દર્દીઓથી તારું દવાખાનું ઊભરાઈ જશે.
હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે તારે માત્ર ‘હા’ કે ‘ના’ કે ‘ઊંહું…’ કે ‘યસ…’ માં જ જવાબ આપવો. તારે ઓછામાં ઓછું બોલવું અને દર્દીને વધારેમાં વધારે બોલવા દેવા. હંમેશાં યાદ રાખજે. ઘરમાં જે જે બોલી શકાતું નથી, તે તે બધું જ ડૉક્ટર સામે રજૂ કરીને દર્દીને હલકાં થવું હોય છે એટલે જે દર્દીને નિરાંતે સાંભળે, તે ડૉક્ટર સુપર! પછી દવામાં તારી લાલ, પીળી, કાળી, ભૂરી… કોઈ પણ ગોળી કામ કરી જશે.’
અને ખરેખર! આ જનરલ દવાખાનાના ડૉક્ટર ઢબુવાલાએ વર્ષોથી જામી ગયેલા ડૉક્ટરોનાં પાટિયાં બેસાડી દીધાં!
આમ તમે આ જનરલ દવાખાનામાં દાખલ થાવ, કે તમને દરેક ધર્મનાં દેવી-દેવતા, ગુરુ-મસીહાના ફોટા અને ધૂપ-દીપથી મઘમઘતો ઓરડો હાશકારો કરાવી જાય! બીજી ભીંતે ઢબુવાલાની હોનુલુલુની ડિગ્રીઓ અને ગોલ્ડ મેડલ મેળવતા ફોટાઓની વણજાર ભીંત ઉપરના ખાડા-ટેકરાઓને ઢાંકવાનું કામ કરે તેમ જ જનરલ દર્દીઓને ઇમ્પ્રેસ કરવા કાફી બની રહે છે.
આનાથી વિશેષ જનરલ દર્દી બિચારો શું માગવાનો? ઓરડીનાં બારી-બારણાં ઉપર જનરલ દર્દીઓને બેસાડી રાખવા અને ડૉક્ટર તરફની આસ્થા બરકરાર રાખવા માટે આ જરૂરી પણ છે. એક બારી ઉપર લખ્યું હતું, ‘જનરલ લોકોનાં ખિસ્સાંને પરવડે, એ પ્રમાણેની રાહત દરે દવા પણ અહીં જ મળી રહેશે.’
ઢબુવાલાએ મદદનીશ ડૉક્ટર તરીકે પોતાની પત્ની હેડંબાને દવા વિતરણ ટેબલ ઉપર નિયુક્ત કરી હતી. વાત એમ છે કે દવાખાનું શરૂ થયા પછી ડૉક્ટર ઢબુવાલા બે વાર પોતાના પગના ચંપલની જગ્યાએ કોઈ પેશન્ટની અને એ પણ કોઈ મહિલાની ચંપલ, ભૂલમાં પહેરીને એક વાર ઘેર પરત આવ્યા. એ પછી હેડંબાને ઢબુવાલાના ચારિત્ર્ય ઉપર શંકા જતાં રોજ દવાખાને આવીને બેસવાની જીદ કરી. ડૉક્ટરે પાંચ જુદા જુદા રંગની ટીકડીઓના મોટા ડબ્બા ઉપર દવાનું અને રોગનું નામ લખીને, દર્દીને એ આપવી અને એના પૈસા લેવા… એ કામ માટે એને બેસાડી દીધી.
જ્યોતિષીના કહ્યા મુજબ દર્દીને વધારેમાં વધારે બોલવાની છૂટ હતી. અહીં જનરલ ડબ્બાની માફક ભીડ વધવા લાગી અને સાથે સાથે કાયમી થઈ પડેલા દર્દીઓનો આર્તનાદ પણ સાંભળ્યે જ છૂટકો થઈ પડ્યો. ‘હોનુલુલુની ડિગ્રી કેટલામાં લીધી?’થી લઈને, ‘મને આવી ડિગ્રી મેળવી આપો તો માગો એટલા રૂપિયા આપું.’ એવું કહેનારાને પણ એમણે પ્રેમથી સાંભળી લીધા. ભસ્માસુર બાબાએ કીધું જો હતું!
‘ડૉક્ટર, ભયંકર જાળા થાય છે.’ એમ મોટેથી બોલતો એક દર્દી પેટ દબાવતો દાખલ થયો.
‘કેવા જાળા? પેટમાં જાળા? જાળા તો ભીંત ઉપર હોય.’
‘ડૉક્ટર, જાળા એટલે કે ખાધેલું પચે નહીં, પણ સીધું છૂટી પડે તે…’
‘ઓહ! તો એમ કહો ને ઝાડા થાય છે!’
ડૉક્ટર, એક કામ કરો. પેલી લાલ કલરની બે ગોરી તાત્કાલિક આપી દો. એટલે જલદી હાશ થઈ જાય!’
“અહીં કોઈ ગોરી મેમ નથી, ભાઈ.’
‘ડૉક્ટર, ગોરી નહીં – ગોળી… ગોળી એટલે તમે આપો છો તે લાલ કલરની ટીકડી… ને એનાથી બંધ ની થાય, તો એક સોય ભોંકી દો… એટલે પત્યું!’
‘ભાઈ, તમે ડૉક્ટર છો કે હું?’
હજી આ કેસ ઠેકાણે પાડે, ત્યાં બીજો દાખલ થઈને ઝડપી સમાચારની કોઈ ન્યૂઝ ચેનલ હોય એમ, ડૉક્ટર સાહેબ, શરદી, તાવ, ખાંસી અને નાક બંધ છે. હવે મારા શરીર ઉપર કાચીપોચી દવા કામ આવતી નથી. એટલે સીધું ઇન્જેક્શન જ ઠોકી દો તો ચાલશે. ઊંઘ આવતી નથી એટલે એમાં થોડી ઊંઘની દવા ઉમેરી દેજો. બાકી પ્રેશર, સુગરમાં કોઈ પ્રોબ્લેમ નથી.’
‘ડૉક્ટર કોણ છે? હું કે તમે?’
‘તમે જ, પણ જરા આ તો હું અનુભવે શીખી ગયો છું…!’
ત્યાં જ ડૉક્ટરની નજર પેલા ભાઈના પગ ઉપર પડી ડૉક્ટર બોલ્યા, તમે દવાખાનામાં ચંપલ પહેરીને આવ્યા?’
‘હા ડૉક્ટર, આ ચંપલ ગયા અઠવાડિયે દવા લેવા આવેલો ત્યારે પહેરી ગયેલો. તમને બતાવવા લાવ્યો છું.
‘એ ભાઈ, આ ચંપલ તો મારાં છે. દવાખાનામાંથી ગુમ થયાં હતાં.’
‘હું મારી પત્નીની ચંપલ ગયા વખતે પહેરીને આવેલો. એ અહીં ભૂલીને તમારી ચંપલ ભૂલમાં પહેરી ગયો હતો.’
ડૉક્ટર ઢબુવાલાએ પત્ની હેડંબા તરફ લાલ ડોળા ફેરવ્યા ને મનમાં જ બોલ્યા, ‘એક ચંપલે ઘરની જંજાળને દવાખાને લાવવી પડી!’
જય ભસ્માસુર બાબા કી…!