પુરુષ

લાફ્ટર આફ્ટર: મહેમાન માટે અભ્યાસક્રમ

-પ્રજ્ઞા વશી

હવે તો જાતજાતના અભ્યાસક્રમો શરૂ થયા છે. એમ પણ કહેવાયું છે કે ‘ટોળાથી અલગ થઈને પોતાનો નોખો રસ્તો ચીતરનારાં જ જીવનમાં સફળ થાય છે.’ એક ભાઈ અનેકવાર નિષ્ફળ થયા પછી આ વાક્યને જીવનમંત્ર બનાવીને, ટોળાથી અલગ થઈને નવા નવા અભ્યાસક્રમ, સ્કિલ વર્ગો શરૂ કરે છે. એમાંના બે એક અભ્યાસક્રમ – જેવા કે ‘યજમાન માટે અભ્યાસક્રમ અને મહેમાન માટે અભ્યાસક્રમ’ માં ખૂબ ભીડ થવા લાગી. એ મુજબ અમે પણ આ અભ્યાસક્રમ પૂર્ણ કરી એક અઠંગ મહેમાન બનવા વિચાર્યું. નક્કી કર્યું કે દરેક નાના- મોટા વેકેશનમાં સ્વજનોને તેમજ મિત્રોને ત્યાં ‘માન કે ન માન, મૈં તેરા મહેમાન’ બનવું.

અભ્યાસક્રમના નુસખા પ્રમાણે પહેલું સ્ટેપ… યજમાનને ફોન કરી તારીખ – વાર – સમય નક્કી કરવાં. અને અમે યોગ્ય મુહૂર્ત કઢાવીને ફોન કર્યો. એકદમ નજીકના સ્વજનને જ ફોન જોડ્યો, પણ… ચાર વાર યજમાને (કહેવાતા સ્વજને) ફોન નહીં ઉપાડ્યો. (પણ એ ક્યાંથી ઉપાડે? આ સ્વજનની પરીક્ષા અગાઉ ઘણીવાર અમે કરી ચૂક્યા હતા.) તો પણ અભ્યાસક્રમ મુજબ હિંમત હાર્યા વિના પાંચમી વાર ફોન જોડ્યો. તો સામે પેલા સ્વજન ‘હેલો…’ એમ બોલે તે પહેલાં જ અમે અમારી ભાવવાહી ભાષામાં શરૂ કરી દીધું :

‘ભાઈ, તમને મળ્યાને જાણે કેટલો લાંબો સમય થઈ ગયો હોય એમ લાગ્યા કરે છે અને સતત તમને મળવાનું મન થયા કરે છે. નાના હતાં ત્યારે ગામમાં આપણે સાથે રમેલાં, હીંચકે ઝૂલેલાં… એ બધાં સ્મરણો આંખ સામે આવે છે.’

મને એમ કે હમણાં ભાઈ આર્દ્ર સ્વરે, રોતલ સ્વરે કહેશે, ‘બહેન, ઉનાળાનું વેકેશન છે. તું જલદી જે પહેલી ગાડી મળે એમાં બેસીને આવી જા. આપણે ભેગાં મળીને ખૂબ મજા કરીશું.’ પણ હું એક તરફી, એક પછી એક બાળપણનાં સ્મરણને બહેલાવી બહેલાવી એક કલાક જેવું બોલતી રહી. પણ સામેથી એક પણ હોંકારો ન થતાં, અમે અભ્યાસક્રમ મુદ્દો બે યાદ કર્યો. જ્યાં સુધી સામેથી જવાબ ન આવે, ત્યાં સુધી હિંમત હારવી નહીં. ‘હિંમતે મર્દા, તો મદદે ખુદા.’ (એકવાર યજમાન પકડાઈ જાય પછી બધું સાટું વાળવાનું જ છે. એ આપણો ટાર્ગેટ હોવો જોઈએ.)

કલાક બાદ ભાઈએ નાછૂટકે, ‘સોરી, હું જરા અન્ય કામમાં પડી ગયો. યુ સી, આજકાલ કામ ઘણું વધી ગયું છે. વારંવાર ધંધાને કામે બહારગામ જવાનું થાય છે. આ વેકેશનમાં પણ મારે બેંગ્લોર એક-બે મહિના માટે જવાનું છે.’ (યજમાને પણ એનો અભ્યાસક્રમ વાંચેલો હતો અને આગળ માર ખાઈ ચૂક્યો હતો. હવે એક એક ડગલું ફૂંકી ફૂંકીને ચાલવાનું છે, એ વાત એ જાણે છે.)

‘પણ ભાભી અને બાળકો તો ઘરમાં જ હશે ને? આ તો શું… મારો નાનકો ટીનિયો, તમારા ચીમ્પુ સાથે હળી ગયો છે. એટલે છોકરા ભેગા મળીને દિવસો પસાર કરે તો આત્મીયતા પણ વધે.’

‘હા. પણ બહેન, આ વખતે બાળકો અને એની મમ્મી પણ સાથે આવવાનાં છે. ઑફિસનું કામ અને બાળકોનું ફરવાનું થઈ જાય.’ (પણ ભાઈ, અમારું શું થાય? અમારું ફરવાનું શું?)

‘તો ભાઈ, એક કામ થઈ શકે. તમે તમારી પાછા ફરવાની તારીખ કહો, તો અમે તે રીતે પ્લાન કરીશું. પહેલાં મોટાભાઈને ત્યાં જઈ આવીએ. પછી વચલાને ત્યાં અને પછી તમારે ત્યાં… એટલે શું, કોઈપણ ભાઈને ખોટું નહીં લાગે કે બહેન મારે ત્યાં તો આવતી જ નથી.’ (નહીં ખોટું લાગે… ખોટું લાગે તો બે ભાખરી વધારે ખાઈ લેશું.) પણ હવે ભાઈએ બહાનું કાઢવું, તોય શું કાઢવું?

‘તારી વાત બરાબર બહેન. પણ ફરીને હું એકલો જ આવીશ. તારી ભાભી ને છોકરાં, પછી ભાભીને પિયર જવાનાં છે. (અગાઉ દસ વેકેશન બગાડી ગયેલ અઠંગ ખેલાડીને માત કરવી, તો કઈ રીતે… એનો ઉકેલ મળી ગયો.)

‘તો ભાઈ, તું ફરીને એકલો ઘરે આવે, ત્યારે અમે આવી જઈએ. એટલે તમને જમવાની આપદા પણ નહીં પડે.’ (હું તને જાતજાતનું ખવડાવું અને સાથે અમે પણ ઝાપટીએ!)

‘હા. પણ બહેન, મારે તો ઑફિસમાં જ જમવાનું હોય છે અને ક્યારે ક્યાં ક્યાં દોડવું પડે… તમારું વેકેશન નકામું બગડી જાય.’

‘એમ પણ ભાઈ, અમારે તો કંઈ ફરવા તો આવવું જ નથી. આ તો પરિવાર ભેગો થાય તો પ્રેમ વધે અને તમે લોકો ન હોવ તો બાપદાદાનું ઘર છે, ગામ છે, ફળિયું છે. અને બધા જ પડોશી ઓળખીતાં ને પ્રેમાળ! એટલે હું તો નિશ્ર્ચિંતપણે તારે ત્યાં જ…’ અને ત્યાં જ ફોન કપાયો. (સ્વાભાવિક છે કે યજમાન જ ફોન કાપે. જો કે આપણે હોઈએ, તો પણ આપણે આમ જ કરીએ છીએ ને? ખોટી વાત થોડી છે?)

મહેમાન હાર માને એવા ક્યાં હોય છે? ફરી પાંચેક વાર ફોન કર્યો. છઠ્ઠી વાર ફોન પર ‘હેલો’ સંભળાયું. અને ફરી સંબંધોની સાંકળ શરૂ થઈ.

‘બહેન, હમણાં કશું નહીં કહેવાય. આગળ જતાં અમારે બધાને રજા હશે, ઘરે હોઈશું, ત્યારે ફોન કરીને તરત જ જણાવીશ.’ એમ કહી જવાબની રાહ જોયા વિના ફોન કટ થયો. (ફરી બલા ગળે પડે તો?)

પછી તો મહેમાને કોઈ કસર છોડી નહીં. પણ યજમાન પક્ષે દરેકે પોતાના ફોન સ્વીચ ઑફ કર્યા હોય એમ લાગ્યું. જોકે છેલ્લા સૂત્ર પ્રમાણે જાણવા મળ્યું છે કે યજમાને કંટાળીને આખરે ઘરના તમામે તમામના નંબર બદલી નાખ્યા, પરંતુ મહેમાન તો મહેમાન જ છે! એ પોતાનો હક કેવી રીતે છોડી શકે?

આ પણ વાંચો ફેશન: ઇટ્સ સમર, સ્કિન કેર ઇઝ મસ્ટ!

ભાઈએ ફોન કટ કર્યા, તેથી શું? મહેમાન તો યજમાન કરતાં અનેક ગણા હોશિયાર! સપરિવાર મહેમાન કાર લઈને નીકળ્યાં અને કોઈપણ જાતની જાણ કર્યા વિના કે વિના પરવાનગી પહોંચી જઈને બારણે ટકોરા માર્યા. રવિવારે નિરાંતે 10 વાગ્યે ફિલ્મ જોઈ, એક વાગ્યે સારી હોટલમાં લંચ લઈને ઘરે જઈને નિરાંતે ઊંઘી જશું… એવું વિચારી હજી તૈયાર થઈ બહાર નીકળતા યજમાનભાઈ, એના મહેમાન બનેલા પરિવારને જોઈને હવે કયો દાવ અજમાવવો એ નક્કી કરવામાં અસમર્થ રહ્યા અને બહેનનો આખો પરિવાર અંદર દાખલ થઈને ‘કેમ છો? મજામાં ને?’ એવું બોલતાં બોલતાં કોઈ સોફા પર, કોઈ હીંચકે, તો કોઈ રસોડે પહોંચી ગયું.

યજમાને વિચાર્યું કે આના કરતાં તો ફોન ચાલુ રાખ્યો હોત, તો મહેમાન કંઈ નહીં તો જાણ કરીને તો આવત!

‘તૈયાર થઈને બધા બહાર જાવ છો કે શું? એવું હોય તો અમે પણ સાથે જ આવીએ.’

એ સાથે જ યજમાન બોલી ઊઠ્યા. ‘ટિફિન લેવા જાઉં છું. દર રવિવારે અડધી કિંમતે ભોજન મળે છે. તમારે ચાલશે?’

‘અમારે તો બધું જ ચાલશે. એક મહિનો હવે અહીંયા જ છીએ. ભાઈ, જે હશે તે ચાલશે!’

હવે ધરાર યજમાન બનવું પડ્યું એ ભાઈ શું બોલે?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button