લાફ્ટર આફ્ટર : હાથે કરેલાં…યુ નો, કયાં વાગ્યાં…!

-પ્રજ્ઞા વશી
‘સાંભળો છો? આ આત્મનિર્ભરતા વિશે તમે અનેક ભાષણો ને સેમિનારો કર્યાં છે તો તમે સમય કાઢીને આ તમારી પત્ની તેમ જ બાળકોને પણ એ થોડુંક જ્ઞાન આપતા હો તો આપણો પણ ઉદ્ધાર થઈ જાય. ખરું ને? ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ને પડોશીને આટો.’ એના કરતાં આજે થોડો પ્રકાશ ઘરમાં પણ પાડી જ દો.’
‘શારદા, તું ભણેલી છે, પણ ગણેલી નથી. આખા સમાજનાં દરેક ઘરોમાં મેં મારાં આત્મનિર્ભર ભાષણો દ્વારા એવી જાગૃતિ આણી છે કે દરેક ઘરોમાં માથાદીઠ આવક શરૂ થઈ ગઈ. દરેકેદરેક સવારે ઊઠીને પોતાનાં ‘સ્વ’ ને જાગૃત કરી અવનવાં કામો અને ગૃહ ઉદ્યોગોમાં લાગી પડ્યાં છે. પછી એ સ્ત્રી, પુરુષ કે પછી નવયુવાનો કેમ ન હોય!’
‘એમ? તો તો આપણાં ઘરનાંને જાગૃત કરવામાં તમારું ભાષણ અને અવનવી ટેક્નિક કામ આવશે. ‘સ્વ’ જાગૃતિની એમ પણ (તમારા સહિત) તમારા વારસદારોને ખૂબ જરૂર છે.’
સમીરભાઈએ ઘરનાને ખૂણે ખૂણેથી શોધીને પહેલાં એમના મોબાઇલ સ્વિચ ઑફ કરાવીને એક પેટીમાં મૂકી દીધા. ભાષણ સાંભળવા નહીં ટેવાયેલા એવા વારસદારોમાંથી એકે પૂછ્યું, : ‘વોટ ઇઝ મિનિંગ ઑફ આત્મનિર્ભર?’
દાદા સમીરભાઈની બહાર દાદાગીરી ચાલતી, પણ પૌત્ર સામે શું બોલે? અંગ્રેજીમાં ત્રણ વાર નાપાસ થયેલા દાદાએ મોટાને વઢતાં કહ્યું, : ‘અલ્યા દીપ, તેં તારા છોકરાને કશું શીખવાડ્યું જ નથી કે શું? ચાલ, ઊભો થઈને તું જ તારા છોકરાને આત્મનિર્ભર એટલે હું, એને અંગ્રેજીમાં હું કહેવાય, તે સુપેરે સમજાવ. ગામડા ગામમાં અંગૂઠાછાપને હો આત્મનિર્ભર એટલે હું, એ ખબર છે. આપણા નેતાઓએ હો રોજ આત્મનિર્ભરની વાતો ટી.વી. રેડિયો પર કરી કરીને પોતાનું ગળું ઘહી નાખ્યું, પણ આ તારા છોકરા…’
ત્યાં બીજા પૌત્રે પૂછ્યું, : ‘દાદા, વોટ ઇઝ મિનિંગ ઑફ ઘહી નાખ્યું?’
સમીરભાઈએ બાળકોને મોં પર આંગળી મૂકીને બેસવા કહ્યું અને શારદા તરફ કરડાકીભરી નજરે જોઈને કહ્યું :
‘જુઓ, સાંભળો. આત્મનિર્ભર એટલે જાતનું કામ દરેકે જાતે કરવું. પોતાનાં કામ બીજા પાસે ન કરાવવાં અને કંઈક નવું કામ કરીને આવક ઊભી કરવી.’
પછી છોકરાઓ તરફ કરડાકી ભરેલી આંખે જોતાં કહ્યું, : ‘અને હા, બાપાની પેઢીમાંથી બેઠાં બેઠાં ખાવાનું છોડીને, પોતે પોતાના પગ પર ઊભા રહેવું. કંઈક નવો ધંધો કરવો.’
ફરી એક ટાબરિયાએ મોં ઉપરની આંગળી ઉઠાવીને ઊભા થતાં કહ્યું, : ‘ઇટ મિન્સ… દાદુ, ઓન લેગ ઉપર ઊભા રહેવું. એમ જ કહેવું છે ને? મારી જેમ જ લેગ પર…! સો આઈ એમ આત્મનિર્ભર!’
‘દીપ, પહેલાં તારા ટાબરિયાને બરાબર ગુજરાતી અને અંગ્રેજી ભણાવ. સભા બરખાસ્ત…!’
એમ કહી સમીરભાઈ પોતાના કોપભવનમાં જતા રહ્યા. પણ જતાં જતાં મોટાનું છેલ્લું વાક્ય સંભળાયું :
‘મમ્મી, પપ્પા અંગ્રેજીમાં કેટલી વાર નાપાસ થયેલા?’
રાતે જમતી વેળા શારદાબેહેને સમીરભાઈને કહ્યું, ‘ટેબલ ઉપર બધું મૂકી દીધું છે. જાતે લઈને જમી લેજો.’
‘કેમ? તમે ક્યાં જવાના છો?’
‘ઘરમાં જ છું. કશે નથી જવાની.’
‘તો પછી પીરસી દો, જાવ.’
એવું સમીરભાઈ જેવું બોલ્યા કે શારદાબહેને વળતાં કહ્યું, : ‘જાતે લેશો તો તમે આત્મનિર્ભર બનશો. ‘ગોળ ખાવો શરીર માટે હાનિકારક છે.’ એમ કહેનારે પહેલાં ગોળ ખાવાનો બંધ કરવો પડે છે. સમજ્યા?’ (મેરી બિલ્લી મુજીકો મ્યાઉં!)
‘મારા ભાષણનો ગર્ભિત અર્થ સમજવા જેટલી બુદ્ધિ પણ તારામાં નથી.’
‘હા, હું અભણ છું, તો અભણ… પણ મને આત્મનિર્ભર એટલે શું તે બરાબર ખબર છે અને તમને પણ જ્યારે આપણે અમેરિકા જઈશું, ત્યારે તેનો અર્થ બરાબર સમજાશે. હમણાં તો મારા ઉપર બહુ ઑર્ડર કરો છો, પણ… ત્યાં ખબર પડશે.’
બંને અમેરિકા પહોંચ્યાં.
ચાર દિવસ દીકરા – વહુએ ખાટલેથી પાટલે કર્યાં. પછી ભયંકર ઠંડીમાં ઘરમાં રહીને અકળાયેલા સમીરભાઈને સવારની ચા હજી મળે એ પહેલાં જ વહુએ જોબ પર જતાં જતાં કહ્યું, ‘પપ્પા, તમે કપડાંની લોન્ડ્રી કરી લેજો અને ઝાડુ (ઊભા ઊભા મશીનથી) કાઢી લેજો. ગાર્ડનમાં ગ્રાસ બહુ થઈ ગયું છે, તે બપોર પછીના સેશનમાં કાપી નાખજો. સાધનો ગેરેજમાંથી શોધી લેજો. ટાઇમપાસનો ટાઇમપાસ… હેલ્થ પણ સારી રહે અને તમને આત્મનિર્ભરતા જેવો અહેસાસ પણ જીવંત રાખશે. અને મોમ, તમે સાંજનું ડિનર બનાવી લેશો.
અને હા, અગત્યના ખાસ પાંચેક મહેમાનો પણ આવવાના છે એટલે એકાદ સ્વીટ ડિશ અને ફરસાણ પણ બનાવજો. તમારે પણ કામ હોય તો ટાઇમપાસનો પ્રશ્ન જ ના ઊભો થાય. ખરું ને? અને હા, અમને મોડું થાય છે. તમે તમારી ચા બનાવી લેજો અને બાળકોને દૂધ, સિરિયલ, બ્રેડ… જે ખાવું હોય તે બનાવીને ખવડાવજો. પપ્પા, તમે ટાઇમસર બાળકોને સ્કૂલે મૂકી આવજો. ખાલી વીસથી ત્રીસ મિનિટને અંતરે જ સ્કૂલ છે. જેકીએ સ્કૂલ જોઈ છે. એ રસ્તો બતાવશે. અહીં બાળકો સાથે વાલીએ જવું જ પડે. મેં તમારો ફોટો વગેરે સ્કૂલમાં આપી દીધો છે…બાય મોમ… ડેડ… એન્જોય યોર પ્રિસિયસ ટાઇમ વિથ ચિલ્ડ્રન…!’
‘શારદા, મારી ચાનાં ઠેકાણાં નથી અને આ કામોનું લિસ્ટ થમાવી… વોટ ઈઝ ધીસ શારદા…’
‘ધીસ ઈઝ આત્મનિર્ભરતા! સમીર ડાર્લિંગ… લેટ્સ રેડી ફોર આત્મનિર્ભરતા…!’
ત્યાં ટાબરિયાં બોલ્યાં, ‘દાદુ, વોટ ઈઝ મિનિંગ ઑફ આત્મનિર્ભરતા?’
સમીરભાઈએ માથે હાથ મૂક્યો ને બોલ્યા :
‘હાથે કરેલાં હૈયે વાગ્યાં!’