ભારતની ઘોડેસવારીના હૃદયને ફરી ધબકાવનાર કચ્છી ખેલાડી હૃદય છેડા
હૃદયે માત્ર છ વર્ષની નાની વયથી જ ઘોડેસવારી કરવાનું શરૂ કર્યું હતું.
વિશેષ -શ્રદ્ધા ભગદેવ
ચીનના હેંગઝોઉમાં રમાઇ રહેલી ૧૯મી એશિયન ગેમ્સ-૨૦૨૩માં ભારતની ઘોડેસવારી ટીમે ૪૧ વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ઘોડેસવારીના ૪૦ વર્ષના ઇતિહાસમાં એશિયન ગેમ્સમાં પહેલી વાર સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. જેનો સંપૂર્ણ શ્રેય ભારતના ઘોડેસવારો હૃદય છેડા, સુદિપ્તિ હજેલા, દિવ્યકીર્તિ સિંહ અને અનુશ અગ્રવાલને જાય છે. ભારતીય ટીમે ડ્રેસેજ ઇવેન્ટની ફાઇનલમાં અદભૂત પ્રદર્શન કરી ચીનને પછાડી વિદેશી ધરા પર ભારતનો ડંકો વગાડ્યો છે.
ભારતની શાનદાર ટીમનો અવ્વલ ખેલાડી અને હાલ મુંબઇમાં રહેતો ૨૫ વર્ષીય હૃદય છેડા મૂળ ગુજરાતના કચ્છનો વતની છે. હૃદયે માત્ર છ વર્ષની નાની વયથી જ ઘોડેસવારી કરવાનું શરૂ કર્યું હતું.
એમ પણ કહી શકાય કે તેણે તેના જીવનનો મોટા ભાગનો સમય ઘોડા પર જ પસાર કર્યો છે. બાળપણમાં તેમના જુહુના ઘરની બહાર રમણીય ટટ્ટુની સવારી જોઇને હ્રદયને ઘોડાઓ સાથે આત્મીયતા બંધાઇ ગઇ અને ઘોડા સાથે પ્રેમ થયો. તેની ઘોડેસવારીની ઉત્કટતા દિવસેને દિવસે વધતી ગઇ અને પુણે નજીકના જપાલુપ્પે અશ્વારોહણ કેન્દ્રમાં તાલીમ લેવાનું શરૂ કર્યું. ત્યારબાદ મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે એમટર રાઇડર્સ ક્લબ(એઆરસી)માં જોડાયો. અહીંથી તેને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળી. બસ ત્યારથી પાછા વળીને જોવાની તક મળી નથી. એઆરસીનો હૃદયની કારકિર્દી પર ઘણો પ્રભાવ રહ્યો છે. તે જણાવે છે કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની ઘોડેસવારી સુવિધાઓ ધરાવતા આ ક્લબનો હું આભારી છું. જેણે મને કોવિડ દરિમયાન પણ નિયમિતપણે તાલીમ પૂરી પાડવામાં મદદ કરી છે.
હૃદયે વિશ્વના વિવિધ ભાગોમાંથી તાલીમ લીધી છે અને દેશના મુખ્ય અને ઉમદા ડ્રેસેજ રાઇડર્સમાંના એક તરીકે ઉભરી આવ્યો છે. છેલ્લા આઠ વર્ષથી તે સતત તાલીમ લઇ રહ્યો છે અને યુરોપમાં હેન્સ બોમગાર્ટ, જોહાન ઝેગર્સ જેવા ટ્રેનર્સ સાથે કામ પણ કર્યું છે. તેમજ ઇંગ્લેન્ડ યાત્રા દરમિયાન તેણે બ્રિટિશ ઓલિમ્પિયન એમિલ ફૌરી સાથે પણ સમય ગાળ્યો હતો. ૨૦૧૯માં હૃદય છેડાએ જર્મનીમાં ટૂંકા કાર્યકાળમાં ગુટ રોમરહોફ ખાતે તારા સ્નેઇડર સાથે તેમજ ડ્રેસેજ રાઇડર અને ઘોડાની વર્તણૂંકના નિષ્ણાંત વોરવિક મેક્લીન અને તેમની પત્ની કેરોલિના મેક્લીન સાથે પણ કામ કર્યું હતું.
જો તેની કારકિર્દીની વાત કરવામાં આવે તો હૃદયે ભારત અને યુકેમાં ઇન્ટરમીડિયેટ ૧ લેવલ સુધી સ્પર્ધા કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરિમયાન વર્ષ ૨૦૧૫માં પ્રિક્સ સેન્ટ જ્યોર્જ સ્તરે નેશનલ ચેમ્પિયન ટાઇટલ જીતનાર સૌથી યુવા રાઇડર્સ હોવાની, ૨૦૧૪માં
એફઇઆઇ વર્લ્ડ ડ્રેસેજ ચેલેન્જમાં ઝોન ૮માં એડવાન્સ ડ્રેસેજ જીતવાની સિદ્ધિ તેના નામે જાય છે. તદુપરાંત યુકેના નાના પ્રવાસો દરમિયાન ઘણી બધી નિયુક્તિનો સમાવેશ થાય છે. મુંબઇનો છોકરો છેલ્લા એક વર્ષથી યુરોપમાં સર્વોચ્ય સ્તરે સ્પર્ધા કરી રહ્યો હતો. તેને વિશ્ર્વાસ હતો કે તે પોતાનું ફોર્મ ટકાવી રાખવામાં સફળ રહ્યો તો હેંગઝોઉ એશિયન ગેમ્સમાં ડ્રેસેજ ઇવેન્ટમાં તેની અને ભારત પાસે મેડલ જીતવાની સારી તક બની રહેશે અને છેડાનો આ આત્મવિશ્વાસ તેની અથાગ મહેનતથી ખરો ઉતર્યો હતો.
હૃદયે લંડન યુનિવર્સિટીમાંથી બિઝનેસ અને મેનેજમેન્ટમાં ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ કરતી વખતે પણ ઘોડેસવારી રમત માટે રેસના ઘોડાઓને ફરીથી તાલીમ આપવા માટે ભારે ઉત્સાહ ધરાવ્યો હતો. હૃદય છેડાએ માલ્યા અદિતિ ઇન્ટરનેશનલ સ્કુલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તો વળી દેશના યુવા રાઇડર્સને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં તેમના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ પણ કરી રહ્યો છે તેમ જ સમાન વિચારધારા ધરાવતા લોકોના જૂથ સાથે દર વર્ષે મહારાષ્ટ્રમાં શ્રેણીબદ્ધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં મદદ કરીને દેશમાં રમતને વેગ આપવા હૃદય છેડા સક્રિયપણે કામ કરી રહ્યો છે. તેનું દૃઢપણે માનવું છે કે, આપણે સતત વિકસિત થવાની જરૂર છે અને વધુ ઉત્તમ ઘોડેસવાર બનવા અને શીખવા માટે તત્પર રહેવાની જરૂર છે. ભારતને સુવર્ણ અપાવનાર ડ્રેસેજ ટીમ ગત નવેમ્બરથી સ્લોવાકિયા, નેધરલેન્ડ અને જર્મનીમાં ઘણી બધી ઉચ્ચ-સ્તરીય પસંદગીની ટ્રાયલ અને સ્પર્ધાઓમાંથી પસાર થઇ રહી હતી. હૃદય જાન્યુઆરીથી ફ્રાન્સના ફોન્ટેનબ્લ્યુમાં તાલીમ લઇ રહ્યો હતો.