પુરુષલાડકી

શોખ ને વળગણ વચ્ચેનો ફરક જાણી લેવો જરૂરી છે…

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

નવલકથાઓ વાંચવાનો શોખ માહીને છેક સાતમા ધોરણથી લાગી ગયેલો. એના પપ્પા હંમેશાં કોઈના કોઈ પુસ્તક વાંચતા રહેતા. મમ્મીને પણ બપોરે નવરાશના સમયે છાપા-મેગેઝિન્સ વાંચતા જોતી એટલે માહીના મનમાં એનો મોહ ઊભો થતાં વાર લાગી નહીં.

ઘરમાં જ વાંચનનો માહોલ માહીને પુસ્તકો તરફ ક્યારે ખેંચતો ગયેલો એનો ખ્યાલ નહોતો રહ્યો. સામાન્ય રીતે આજકાલના તરુણો માટે વાંચનની આદત કેળવવી એ જ મોટી સમસ્યા છે. જે માહીને નડે એમ નહોતી. ઊલ્ટું એના પેરેન્ટ્સને એ ચિંતા વધુ સતાવતી રહેતી કે માહી એટલું બધું અન્ય વાંચન કરે છે કે એની સામે ભણતર માટેનો સમય ઘણીવાર ટૂંકો પડતો.

એના ઉપાય તરીકે ઘરમાં નવાં પુસ્તકો વસાવવાનું બંધ કરી દેવામાં આવ્યું , પણ માહી તો ‘ઝેન ઝી’ ની ટીનેજર છે એટલે પુસ્તકો એને ‘કિંડલ’ જેવી એપમાં ડાઉનલોડ કરી વાંચવા મળી રહેતા. ઓડિયો બુક્સ અવનવી મ્યુઝિક એપ્સ પર ઉપલબ્ધ રહેતી. ડિજિટલ લાઈબ્રેરી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી માંડીને અવનવાં પુસ્તકપ્રેમીઓના સોશ્યલ મીડિયા ગ્રુપ્સ ને ઈવેન્ટ્સ એમ અલગ-અલગ પ્રકારે માહી પુસ્તકોના સંપર્કમાં રહ્યા કરતી.

ઘરમાં મહેમાનો આવે કે કોઈ પાર્ટી-ફંક્શન હોય માહી મોટે ભાગે હાથમાં પુસ્તક લઈ પોતાના રૂમમાં ભરાઈ જતી. એક દિવસ એવા જ કોઈ પ્રસંગોપાત ભેગા થયેલા સગાં -સંબંધીઓમાંથી કોઈ બટકબોલા માણસે જાહેરમાં જ છણકો કરતાં પૂછી લીધું :

‘માહી, આ બધા વાંચવા-બાંચવાના રવાડે તું કેવી રીતે ચડી ગઈ?’ ત્યારે એનો જવાબ સાંભળી મમ્મી ડઘાઈ ગયેલી. માહીના કહેવા મુજબ એક દિવસ મમ્મીને કશુંક વાંચતા જોઈ એણે પૂછેલું કે શું વાંચે છે? તો મમ્મીએ જવાબમાં કહ્યું કે : ‘આમાં લખ્યું છે એ સમજવા માટે હજુ તું ઘણી નાની છો… આ તારા કામનું નથી. પછી હળવાશથી પેલું પુસ્તક તકિયા નીચે સરકાવી દીધું. બસ, મારી ઉત્સુકતા ત્યાંથી જ શરૂ થઈ ગઈ….’

એક વાત તો સાચી છે કે ટીનેજરથી તમે જે વસ્તુઓ વધારે છુપાવો, બસ એનામાં એ પ્રત્યે જિજ્ઞાસા વધી જાય. મને શા માટે ના પાડી. એવું તો શું હશે એમાં એ જોવાની, સમજવાની, જાણવાની ઉત્કંઠા સખત વધતી જાય.

માહી સાથે પણ એવું જ થયું. એ પ્રસંગ બન્યા પછી પોતે ધીરે-ધીરે છુપાઈને માત્ર નોવેલ જ નહીં, મેગેઝિન્સ પણ વાંચતી થઈ. એ વખતે આવતા છાપા-પૂર્તિઓ પણ વાંચતી. એ વળગણ વધતું ગયું. ત્યાં સુધી કે, એના માર્ક્સ ઓછા આવવા લાગ્યા. હોમવર્કસ અધૂરાં રહેવાં લાગ્યાં. પ્રોજેક્ટ્સ સમયસર પૂરા ના થયાની ઘેર નોટ્સ આવવા લાગી.

અતિની ગતિ ના હોય. કોઈ પણ વાત, વસ્તુ, વિચાર કે આદત ગમે તેટલી સારી હોય પણ એનું વધુ પડતું વળગણ એબ્નોર્મલ ગણાય છે. એટલે જ તો ‘ઑબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર’ જેવા રોગ અસ્તિત્વમાં આવ્યા છે. માહીનો વાંચન શોખ એના ગળાડૂબ પ્રેમમાં પરિવર્તિત થયો ત્યાં સુધી બરાબર હતું, પરંતુ એ જ્યારે વળગણ બન્યું ત્યારે ભયજનક બની ગયું. જેનો બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે એ પુસ્તકો સ્કૂલ બેગમાં સાથે લઈ જવા લાગી. એટલું જ નહીં, ક્લાસરૂમમાં પણ વાંચવા લાગી.

કહે છે ને કે પુસ્તકોની દોસ્તી સર્વશ્રેષ્ઠ હોય છે. લેખકના મનની ભાવનાઓને વાંચવી અને પછી એ જ વાતોને પોતાના મનની અંદર વિચારવિમર્શ કરાવવો એ ખૂબસૂરત અહેસાસ છે, પણ એની દુનિયામાં એટલી હદે ખોવાય જવું કે, રિયાલિટીથી છેડો જ ફાટી જાય એ થોડું અસહજ ગણાય.

હવે માહીના પેરેન્ટ્સને ડર સતાવવા લાગ્યો. માહીનો શોખ ધીમે ધીમે પેશનમાં બદલી ગયેલો ત્યાં સુધી તો ઠીક હતું. પણ, હવે વાંચન માટેનું પેશન- ઉત્કટતા વળગાડમાં પરિણમવા લાગેલું. ઓબ્સેશન અને એડિક્શન વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે એ માહી સો ટકા ઓળંગી ગયેલી. ઘરમાં પુસ્તકો બંધ થયાં તો એણે ઓનલાઇન પુસ્તકો વાંચતા એના જેવા બીજા ટીનેજર્સનું ગ્રુપ શોધી લીધું, જેમાં એ બધાં એકબીજાને પુસ્તકો વહેંચતા રહે. પુસ્તકોની વાતો કરતા રહે. ગમતાં પુસ્તકોની લેવડદેવડ પણ કરે અને કોઈના કોઈ માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહે. ફોન લઈ લેવામાં આવ્યો તો શહેરમાં લાઇબ્રેરી ક્યાં નહતી. જ્યાં માહીને પોતાનાં મનપસંદ પુસ્તકો વાંચવા મળી રહેતાં.

હવે માહીના પેરેન્ટ્સ મૂંઝાયા. એમ ટીનએજ દીકરીને કંઈ બાંધી થોડી રખાય છે? અને એ પણ કોઈ ખરાબ-ખોટું કામ તો કરતી નહોતી… તો હવે કરવું શું? દીકરીને એના શોખનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં કેમ શીખવવો એ એમને સમજાય નહોતું રહ્યું.

Also Read – ભારતની પ્રથમ મહિલા કમાન્ડો ટ્રેનર: સીમા રાવ

મમ્મી-પપ્પા બન્ને પણ બુધ્ધિજીવી એટલે માહી પર એ અકારણ વરસી પડતા નહીં કે ના એના વિશે કોઈ બીજા સાથે ચર્ચા કરતાં.

અંતે એકાદ મહિના સુધી પોતાની રીતે અલગ-અલગ માધ્યમો દ્વારા રિસર્ચ કર્યા બાદ એવા નિષ્કર્ષ પર આવ્યા કે, માહી સાથે હજુ એવું કંઈ થયું નથી કે એના કરિયરમાં કોમ્પ્રોમાઈઝ થયું હોય. કદાચ ઉંમરના એક પડાવે એને એની મેળે ખ્યાલ આવી પણ જાય કે શોખ અને જરૂરિયાત વચ્ચે બેલેન્સ કેમ જાળવવું. એને માટે કોઈ ચોક્કસ આટલી મર્યાદા આંકી દેવી આવશ્યક નથી, નહીંતર એને એ વાતનો અફસોસ રહી જતાં વાર લાગે કે મારા પેરેન્ટ્સે મને વિકસવાની તક આપી નહીં. આમ પણ, સોશ્યલ મીડિયાના જમાનામાં વાંચન કરનારો વર્ગ એકલદોકલ રહી ગયો છે. એમાં એક રીતે તો ખુશ થવું જોઈએ કે દીકરીને વાંચવું ગમે છે. રહી વાત એનું વળગણ દૂર કરવાની તો એ માટે એને બીજી વાતોમાં રસ લેતા કરીશું… ટીનએજમાં શોખ અને લત વચ્ચેની નાની એવી
ભેદરેખાને માહી સામે લાવીશું તો દીકરી સમજી શકશે એ વિચારે એના મમ્મીએ થોડો રાહતનો શ્ર્વાસ લીધો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button