પુરુષ

‘હિટમૅન’ રોહિતનું બૅટિંગ-ફૉર્મ સમજવું મુશ્કેલ

ક્યારેક સફળતાના શિખરે તો ક્યારેક નિષ્ફળતાના તળિયે: મહિના પહેલાં ઐતિહાસિક સદી ફટકારી તો બે ટેસ્ટમાં ફ્લૉપ ગયા બાદ બુધવારે રાજકોટમાં નેટ બોલરના હાથે બે બૉલમાં બે વાર આઉટ થયો

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

ઓપનિંગ બૅટર, કૅપ્ટન અને રેકૉર્ડ-બ્રેકર રોહિત શર્માનો અપ્રોચ ક્યારેય કોઈને પૂરો સમજાયો જ નથી. તેના મગજમાં શું દોડતું હશે, મેદાન પર તેનો અભિગમ કેવો રહેશે અને ફલાણી મૅચમાં તેનો પર્ફોર્મન્સ કેવો હશે એ વિશે ક્યારેય કોઈ ખાતરીથી ન કહી શકે. આપણે તો શું, ખુદ રોહિત પણ ઘણી વાર પોતાના ભાવિ અપ્રોચ વિશે અજાણ હશે.

૨૦૦૭ની સાલમાં લિમિટેડ ઓવર્સમાં તેની ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ થઈ અને ૨૦૧૩માં ટેસ્ટ કારકિર્દી શરૂ થઈ ત્યારથી જોઈએ તો તેનો પર્ફોર્મન્સ લાંબા સમય સુધી સારો જ રહેશે એવું કોઈ કહી જ ન શકે. એવું હજી પણ છે એમ છતાં તે અનેક વિશ્ર્વવિક્રમો પોતાના નામે કરી ચૂક્યો છે અને વિશ્ર્વના ઘણા બોલર તેના બૅટથી ગભરાયા હશે. એ તો ઠીક, ભારતના ટોચના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ રોહિતને ‘મોસ્ટ ડૅન્જરસ બૅટર’ તરીકે ઓળખાવ્યો છે.

વન-ડેમાં ડેબ્યૂ કર્યા પછી જે બૅટરે ત્રણ વર્ષે પ્રથમ સદી ફટકારી હોય તે આજે ત્રણ-ત્રણ ડબલ સેન્ચુરી (૨૬૪, ૨૦૯, ૨૦૮*)ના વિશ્ર્વવિક્રમ સાથે વન-ડે બૅટર્સના લિસ્ટમાં ચમકી રહ્યો છે. ટી-૨૦ ઇન્ટરનૅશનલ્સમાં પણ તેનો પર્ફોર્મન્સ ૨૦૦૭માં ડેબ્યૂ કર્યા બાદ શરૂઆતના વર્ષોમાં સાધારણથી નીરસ હતો અને છેક ૨૦૧૫માં (આઠ વર્ષે) તેણે પહેલી સેન્ચુરી ફટકારી હતી. જોકે ટેસ્ટમાં છેક ૨૦૧૩માં કરીઅર શરૂ કરવા મળી ત્યારે પહેલી બન્ને ટેસ્ટમાં તેણે સદી (૧૭૭ રન, ૧૧૧ અણનમ) ફટકારી હતી. આ છે રોહિતની સૌ કોઈને પસંદ પડે એવી વિચિત્રતા.

ટી-૨૦માં સદી ફટકારવી જરાય આસાન નથી, પરંતુ વન-ડેમાં તે જે રીતે વિક્રમોની વર્ષા વરસાવતો રહ્યો છે એની તુલનામાં ટી-૨૦માં સાધારણ રમ્યો છે. અહીં ફરી તેના પર્ફોર્મન્સના નીચા-ઊંચા ગ્રાફનો ઉલ્લેખ અચૂક કરવો પડે. ૧૫૧ ટી-૨૦માં તે ૧૩ મૅચમાં મૅન ઑફ ધ મૅચ બન્યો છે અને એમાંથી પાંચ મૅચમાં તેણે માત્ર ૩૯થી માંડીને ૬૫ રનની સામાન્ય ઇનિંગ્સ બદલ આ પુરસ્કાર મેળવ્યો હતો. રોહિત ટી-૨૦નો પિંચ હિટર નથી એમ છતાં સૌથી વધુ પાંચ સેન્ચુરીનો વિશ્ર્વવિક્રમ પહેલાં તેના નામે લખાયો અને છેક ગયા અઠવાડિયે ગ્લેન મૅક્સવેલે તેની બરાબરી કરી. નવેમ્બરના વન-ડે વર્લ્ડ કપમાં રોહિતે નિરાશ કર્યા, પણ જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની પહેલી બે ટી-૨૦માં ઝીરોમાં વિકેટ ગુમાવ્યા પછી ઐતિહાસિક અણનમ ૧૨૧ રન બનાવ્યા.

આ જ છે રોહિતના પર્ફોર્મન્સની અનિશ્ર્ચિતતા. છેલ્લા દોઢ વર્ષમાં ટી-૨૦ ઇન્ટરનૅશનલ્સની પંદર ઇનિંગ્સમાં તેની માંડ બે હાફ સેન્ચુરી હતી, પણ ગઈ ૧૭મી જાન્યુઆરીએ અફઘાનિસ્તાન સામેની મૅચમાં અણનમ ૧૨૧ રન બનાવીને ફરી પાવર બતાવી દીધો. જોકે બુધવારે રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ પહેલાંની પ્રૅક્ટિસમાં સ્થાનિક નેટ બોલરની બોલિંગમાં ઉપરાઉપરી બે બૉલમાં આઉટ થયો હતો. એમાંથી પહેલા બૉલમાં તે ક્લીન બોલ્ડ થયો એમાં બોલરના ઘાતક ઇન-સ્વિંગરમાં તેનું મિડલ ઉખડી ગયું હતું.

એમએસ ધોનીની જેમ રોહિત પણ કૅપ્ટન-કૂલ કહી શકાય, પણ તેની બૉડી લેન્ગવેજ માહી જેવી નથી. તે ધોની જેવો સ્ફૂર્તિલો ન લાગે એમ છતાં બૅટિંગની જવાબદારી સાથે કૅપ્ટન્સીનો બોજ સંભાળવામાં તે જરાય પાછો પડે એવો નથી. કૅપ્ટનપદેથી વિરાટ કોહલીની વિદાય થઈ ત્યાર પછી બધો ભાર રોહિત પર આવી પડ્યો છે જેને કારણે રોહિતની બૅટિંગ પર ખરાબ અસર પડી. હાર્દિક પંડ્યા તેનો કૅપ્ટન્સીનો બોજ ઊતારવા આગળ જરૂર આવ્યો છે, પણ ઈજાએ હાર્દિકને ફરી ઇનઍક્ટિવ કરી દીધો છે. હવે આઇપીએલ વખતે મુંબઈ ઇન્ડિયન્સના સત્તાવાર કૅપ્ટન હાર્દિક પંડ્યા અને પાંચ ટાઇટલ અપાવનાર સૌથી સફળ સુકાનીને લગતી નવી-નવી સ્ટોરીઓ ફરી છપાશે, પણ આઇપીએલ પછીના ટી-૨૦ વર્લ્ડ કપમાં રોહિત જ કૅપ્ટન હશે કે હાર્દિકને કે બીજા કોઈને કમાન સોંપાશે એ મુદ્દો પણ ચર્ચાસ્પદ થશે.

હાલમાં રોહિત પર પ્રચંડ બોજ છે એ કોઈ નકારી ન શકે અને એ ભાર સહન કરીને તેણે બૅટિંગમાં પાછું ફૉર્મ દેખાડવાનું છે, કારણકે ઇંગ્લૅન્ડ સામેની બે ટેસ્ટના ચાર દાવમાં તે કંગાળ (૨૪, ૩૯, ૧૪, ૧૩) રમ્યો છે. કોહલીની ગેરહાજરીમાં અત્યારે ટીમમાં એકમાત્ર રોહિત સિનિયર ખેલાડી છે અને તેણે ઇંગ્લૅન્ડ સામેની શ્રેણી જિતાડવાની છે. આશા રાખીએ શ્રેણીની શરૂઆતમાં ફ્લૉપ રહેલો રોહિત હવે અસલ મિજાજમાં રમે અને સિરીઝ જિતાડી આપે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…