પુરુષસ્પેશિયલ ફિચર્સ

સોશિયલ મીડિયાનો વધુપડતો વપરાશ વાસ્તવિકતાથી પલાયન થવાનું માધ્યમ છે?


મેલ મેટર્સ -અંકિત દેસાઈ

તાજેતરમાં ક્યાંક વાંચવા મળ્યું કે આજકાલના યુવાનો વાસ્તવિકતાને જરા સરખું પણ ખમી શકતા નથી. જીવનમાં સમસ્યા હોય કે ન હોય, પરંતુ પાછલા એક દોઢ દાયકામાં એમનો ઉછેર જ એ રીતે થયો છે કે જાત સાથે એ જરા સરખો પણ સમય વીતાવી શકતા નથી ને એના ઉકેલરૂપે કાં તો સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું શરૂ કરી દે છે અથવા તો ઓટીટી પર કશુંક જોવા માંડે છે અથવા તો પછી પોર્ન જોવા કે ગેમ રમવા બેસી જાય છે. આ પરિસ્થિતિમાં હવેના અસંખ્ય યુવાનોના મનમાં દૃઢ થઈ ગયું છે કે એકલા પડવું એના કરતાં સ્ક્રીનમાં ઘૂસી જવું!

આ મનોસ્થિતિને લીધે યુવાનોને પોતાની જાત સાથે સંવાદ સાધવાની કે પોતાની જાતની અંદર જઈને ડોકિયું કરવાની આદત સાવ છૂટી ગઈ છે. પરિણામે ધીરજ, સહનશીલતા કે પછી વાસ્તવની સામે બાથ ભીડી લેવાની હિંમત તદ્દન ઓછી થઈ ગઈ છે. આમ ભૌતિક સુખના ફુગાવા વચ્ચે પણ આ પેઢી ડિપ્રેશ્ડ છે. એની એક ખતરનાક આડ-અસરરૂપે આ પેઢીમાં આત્મહત્યાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. વિશ્ર્વના તમામ ધર્મોની એક જ વાત કહે કહે છે: પોતાની અંદર ઝાંકો ! પોતાની જાતને મળો, સ્વ સાથે સંવાદ રચો!


Also read: મમતા આંધળી બને ત્યારે….વૃદ્ધ માતા-પિતાની મુશ્કેલીઓનું આ પણ છે કારણ


આવે વખતે એક મોબાઈલ નામની ઘટના અથવા તો સ્ક્રિન નામની ઘટના માણસને એની જાતથી વિમુખ લઈ જાય-એને વિરુદ્ધ દિશામાં ધકેલો તો પરિણામ શું આવે?

પહેલાં આખેઆખો માણસ, પછી એ માણસ સમુદાયે ઊભી કરેલી વ્યવસ્થા અને પછી આખું વિશ્ર્વ ધ્વસ્ત થઈ જાય. આનાં પરિણામ આપણને એક યા અન્ય રીતે જોવાં – અનુભવવા મળી પણ રહ્યા છે. વિશ્ર્વ આખું અશાંતિમાંથી પસાર થઈ રહ્યું છે. ક્યાંક સીધી રીતના યુદ્ધ લડાઈ રહ્યા છે, ક્યાંક સિવિલ વોર થઈ રહ્યા છે તો ક્યાંક સાવ નાખી દેવા જેવી વાતને લઈને હત્યા અને આત્મહત્યાઓ થઈ રહી છે.

શું એ બધા પાછળ વધુ પડતો સ્ક્રીન ટાઈમ જવાબદાર નહીં હોય? માણસને સ્ટ્રેસ ત્યારે જ ઉપજે છે જ્યારે તે પોતાની જાતથી અળગો થાય છે. બાકી, જે પોતાની સાથે સંવાદમાં છે એની ક્યારેય રિધમ નથી તૂટતી, કારણ કે જે પોતાની સાથે સંવાદ સાધે છે એ સીધો ઈશ્ર્વર સાથે સંવાદ સાધતો હોય છે અને જે ઈશ્ર્વર સાથે સંવાદમાં હોય એને આપોઆપ અમુક ધરપત અથવા તો એને અમુક ઉકેલો મળતા રહેવાના.

એક રીતે જોવા જઈએ તો આ એક અત્યંત મોટું રેડએલર્ટ છે. જાતથી અળગા થવાનું તો ઠીક, જાતથી નાસતા ફરવાની આ વૃત્તિ વિધ્વંશ તરફ દોરી જશે આપણને સૌને. આને લઈને આપણે અને આપણી આસપસના સૌએ મનોમંથન તો કરવું જ પડશે અને સાથે આપણે અમુક પગલાં પણ લેવાં પડશે. પગલાં એટલે કેવાં ? તો કે બે પ્રકારના. એક: મોબાઈલનો વપરાશ કઈ રીતે ઓછો કરી શકાય અને બે : આપણા જીવનની વાસ્તવિકતાનો સામનો કઈ રીતે કરવો અને એમાંથી હેમખેમ કેવી રીતે બહાર આવવું એનાં …


Also read: મુખ્બિરે ઈસ્લામ: નેકી અને નસિહતની મશાલ મુસલમાન શું ખરેખર ભૂતકાળ બની જશે?


બાકી, એક ફિલોસોફરે બહુ સરસ વાત કરી હતી.. એણે કહ્યું કે માણસ પોતાની જાતથી ભાગીને ક્યાંય જઈ શકતો નથી. પલાયન સાધીને પણ છેલ્લે એણે એની જાત પાસે તો આવવું જ પડે છે….જોકે, પલાયન સાધ્યા બાદ જ્યારે એ પોતાની પાસે આવે છે ત્યારે તે અત્યંત ઘવાયેલો હોય છે. એના માટે પોતાનું જ અસ્તિત્વ ભારરૂપ થઈ જતું હોય છે….ત્યારે જે પ્રશ્ર્નાર્થ ખડો થાય એનો ઉકેલ એણે પોતે જ શોધવો પડે…!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button