પુરુષ

ઈજા બગાડે ખેલાડીઓની મજા

ઝડપી બોલરો ઝડપથી ‘અનફિટ’ પણ થઈ જાય છે

સ્પોર્ટસમેન -યશ ચોટાઈ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તાજેતરમાં ૧-૧ની બરાબરી સાથે પૂરી થયેલી ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચમાં ભારત એક દાવ અને ૩૨ રનના તોતિંગ માર્જિનથી હાર્યું એનું મોટું કારણ એ હતું કે પેસ બોલર મોહમ્મદ શમી અને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે એ મૅચમાં
નહોતા રમી શક્યા. એ કારણસર ભારતીય ટીમ ત્યારે ખૂબ નબળી પડી ગઈ હતી.

જોકે આવી હાલત કંઈ પહેલી વાર નથી થઈ. હકીકત એ છે કે લગભગ દરેક ટીમના આશરે ચોથા ભાગના ખેલાડી હંમેશા ઈજાગ્રસ્ત હોય છે જ અથવા ઈજામાંથી પૂર્ણપણે બહાર નથી આવ્યા હોતા અથવા ઈજા હોવા છતાં જોખમ લઈને રમતા રહેતા હોય છે. જુઓને, થોડા દિવસ પહેલાં જ હકીકત બહાર આવી કે મોહમ્મદ શમી પગની એડીમાં સતત દુખાવો રહેતો હતો છતાં ઑક્ટોબર-નવેમ્બરના વન-ડે વર્લ્ડ કપમાં પેઇન કિલર ઇન્જેક્શન લઈને રમતો રહ્યો હતો. એક તરફ ક્રિકેટરને કરોડો રૂપિયાની કમાણી થતી હોય છે, પણ બીજી બાજુ શારીરિક ઈજા તેના માટે માથાનો દુખાવો બની જતી હોય છે.

શમી એ વિશ્ર્વકપમાં થોડો મોડો રમ્યો અને છેવટે કુલ ૨૪ વિકેટ સાથે તમામ બોલરોમાં સર્વશ્રેષ્ઠ સાબિત થયો એ અલગ વાત છે, પણ તે ઈજા હોવા છતાં રમ્યો એની અસર હવે જોવા મળી રહી છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તેની ખોટ ખૂબ વર્તાઈ હતી.

આમ તો તમામ રમતોમાં ખેલાડીઓને ઈજા થવાનો ડર રહેતો હોય છે, પરંતુ કદાચ ક્રિકેટ જ એકમાત્ર એવી રમત છે જેમાં ખેલાડીઓને એકમેકના સંપર્કમાં ન આવવા છતાં તેમ જ બૉલ ન વાગ્યો હોય એમ છતાં તેઓ ઈજાગ્રસ્ત થઈ જતા હોય છે. ખાસ કરીને પગના કે કમરના સ્નાયુઓ ખેંચાઈ જવા કે પછી કૅચ પકડવા જતાં નીચે પડવાથી ઈજા થવી. ૨૦૦૪ની સાલમાં ઑસ્ટ્રેલિયામાં બ્રિસ્બેનના બે જાણીતા પૉડિયાટ્રિસ્ટ (પગ અને પગની ઘૂંટીને લગતા ઈલાજ કરનાર સ્પેશિયાલિસ્ટ) ગ્રેગ ડૉવર અને ડૉરેન સ્ટુઅર્ટે બહુ સારી જાણકારી આપી હતી.

આ બંને એક્સપર્ટ્સ અત્યાર સુધીમાં ક્રિકેટરોના પગને અનુકૂળ ૧૨ હજારથી પણ વધુ સ્પેશ્યલ શૂઝ-ચપ્પલ બનાવડાવી ચૂક્યા છે અને આશરે પાંચ હજારથીયે વધુ ખેલાડીઓના પગના ઈલાજ કરી ચૂક્યા છે. તેમણે તાજેતરમાં કહ્યું, ‘અમને ક્રિકેટરોના પગની બાબતમાં ઘણું જાણીએ છીએ. ક્રિકેટમાં ખેલાડીના પગને ઈજા પહોંચવાની સૌથી વધુ સંભાવના રહેતી હોય છે.

ફાસ્ટ બોલર પગનો જ સૌથી વધુ ઉપયોગ કરતો હોય છે અને એ જ તાકાતની મદદથી બૉલ ફેંકી શક્તો હોય છે. ક્રિકેટરોએ લાંબા સમય સુધી મેદાન પર ઊભા પણ રહેવું પડતું હોય છે જેને કારણે તેના પગના સ્નાયુઓ ખેંચાઈ જવાની ઘણી સંભાવના રહેતી
હોય છે.

આ બે જાણીતા ડૉક્ટરો દ્વારા સંચાલિત માય ફૂટ ડૉક્ટર ક્લિનિક દ્વારા ૨૦૧૬માં ૧૦ વર્ષોના વિશિષ્ટ ડૅટા જાહેર કરવામાં આવ્યા હતા. એ ડૅટા પુરુષ ક્રિકેટરોની ઈજા વિશેના હતા. એના પરથી જાણવા મળ્યું કે એક સિઝનમાં સરેરાશ ૧૦૦માંથી ૬૪ ખેલાડી કોઈને કોઈ ઈજાનો શિકાર થતો હોય છે.

ભારતના ઘણા ક્રિકેટરોની કરીઅર તેમને વારંવાર ઈજા થવાને કારણે જ અકાળે પૂરી થઈ ગઈ. એમાં આરપી સિંહનો ઉલ્લેખ કરી શકાય. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ છેલ્લા દોઢ વર્ષમાં છ મહિનાથી વધુ સમય ઈજાને કારણે મેદાનની બહાર રહ્યા છે. શમી હજી પણ પાછો રમવા નથી આવ્યો. ફાસ્ટ બોલરોને ખાસ કરીને ક્રેમ્પ્સની, હૅમસ્ટ્રિંગ્સની ઈજા થતી હોય છે. ૧૫ ટકા પ્લેયર સ્ટ્રેસ ફ્રૅક્ચરના શિકાર થાય છે. ચોંકાવનારી વાત એ છે કે પુરુષ ક્રિકેટરોની તુલનામાં મહિલા ક્રિકેટરો ઈજાનો વધુ શિકાર થતી હોય છે. માય ફૂટ ડૉક્ટરના વિશ્ર્લેષણ અનુસાર દર ૧૦૦ મહિલા ક્રિકેટરોમાં ઍવરેજ ૭૭.૭ ખેલાડી ઈજાનો શિકાર થતી હોય છે.

વિમેન પ્લેયરમાં ૩૨ ટકા ઈજા સ્નાયુઓ ખેંચાઈ જવા સંબંધિત અને ૧૬ ટકા ઈજા પગમાં મોચ આવવા વિશેની હોય છે. ક્રિકેટરોને ખાસ કરીને પગમાં અને કમર કે કમરની નીચેના ભાગમાં ઈજા થતી હોય છે. એમાં વિશેષ કરીને સાથળમાં કે પગની ઘૂંટીમાં દર્દ, આંગળી કે અંગૂઠામાં ફ્રૅક્ચર, પગમાં મોચ, પગના સાંધામાં દુખાવો અને ઘૂંટણમાં દુખાવો, વગેરે પ્રકારની ઈજાનો સમાવેશ છે. હવે તો મોટા ભાગના ક્રિકેટરોની ઈજા એવી ગંભીર હોય છે કે તેમણે સર્જરી કરાવવી જ પડતી હોય છે. યાદ છેને, એમએસ ધોનીએ ગયા વર્ષે આઇપીએલમાં ટ્રોફી જીત્યા પછી બીજા જ અઠવાડિયે મુંબઈ આવીને ઘૂંટણમાં સર્જરી કરાવી હતી. વર્ષો સુધી સ્ટમ્પ્સની પાછળ ઊભા રહીને એકેએક બૉલ માટે સતર્ક રહેવાની જવાબદારી નિભાવનાર ધોનીને હવે ઘૂંટણમાં ઘણી રાહત છે અને ૨૦૨૪ની આઇપીએલ માટે તૈયારી કરી રહ્યો છે.

લેટેસ્ટ વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ જર્મની જઈને સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવવા વિચારે છે. તમે વિચારો કે બૅટર પણ ઈજાનો શિકાર થતા હોય તો બોલરની (ખાસ કરીને ફાસ્ટ બોલરની) કેવી હાલત થતી હશે!
નિષ્ણાતો કહેતા હોય છે કે જે ખેલાડી દરરોજ નિયમિત એક્સરસાઇઝ કરતો હોય તેને ઈજાની સંભાવના નહીંવત હોય છે. એ માટે વિરાટ કોહલી બેસ્ટ ઉદાહરણ છે. તે હંમેશાં સ્ફૂર્તિલો રહે છે અને મેદાન પરની તેની સક્રિય બૉડી લૅન્ગવેજ અન્ય ખેલાડીઓ માટે તેમ જ યુવા વર્ગના તેના કરોડો ચાહકો માટે પ્રેરણારૂપ બને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button