ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી ઃ તરુણાવસ્થાએ કેવી નિર્દોષ ને નિ:સ્વાર્થ હોય છે આ દોસ્તી..
શ્વેતા જોષી-અંતાણી
સતત બાર-બાર કલાકની ડયૂટી કરી નેહલ થાકી-પાકી રૂમ પર આવી. દરવાજો ખોલી લાઈટ્સ ઓન કર્યા વગર જ એ સોફા પર આડી પડી. રોજબરોજની આ મોનોટોનસ લાઈફથી કંટાળો આવવાની હજુ તો શરૂઆત હતી. શહેરની ખ્યાતનામ મેડિકલ કોલેજમાં ઈન્ટર્નશીપ કરતી નેહલને હજુ ઘણી લાંબી મંઝિલ કાપવાની હતી.
કોલેજના પ્રથમ દિવસથી એને ખ્યાલ આવી ગયેલો કે, અહીં સહુ એકબીજાના હરીફ હતાં. જરૂરિયાત પૂરતી મિત્રતા ને ખપ પૂરતી વાતો. ધેટ્’સ ઑલ… અંગત જીંદગીનાં બારણા ચપોચપ ભીડાયેલાં ને સ્વાર્થની ડોકાબારી ખુલ્લી. એમાં પણ, એની આસપાસ મોટાભાગના લોકો સતત મોબાઈલ અને સોશ્યલ મીડિયામાં વ્યસ્ત રહેતા એટલે પાસે રહેલા માણસના મનને જાણવાના પ્રયત્નો જ કોઈ કરતું નહીં.
વર્ષો થયે માત્ર ભણવા પર ધ્યાન આપતી નેહલને સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેવાનો ઘણો ઓછો ટાઈમ મળતો એટલે એણે લગભગ ડિજિટલ સંન્યાસ જ લઈ લીધેલો ગણાય, પણ આજે થાકના કારણે ઊંઘ નહોતી આવતી એટલે પરાણે ફરી લોગઈન થઈ. ત્યાં પહેલી પોસ્ટ પર એની નજર થંભી ગઈ: આજે ફ્રેન્ડશીપ-ડે હતો…
એક સમયની એની જીગરજાન મિત્ર એવી અનુષાએ સ્કૂલના છેલ્લાં દિવસે પાડેલો બન્નેનો ‘ફ્રેન્ડસ ફોરએવર’ ના બેનર સાથેનો ફોટો પોસ્ટ કરેલો. નીચે લખ્યું હતું :
‘મિસ યુ મોર ઓન ધીસ ડે… આ આપણે છીએ નેહલ, સ્કૂલના ફેરવેલમાં મસ્તી કરતાં બે ટીનએજર્સ. કેવું નવીન લાગે છે એ જોઈને કે, ‘જીંદગીમાં ક્યારેય અલગ નહી થઈએ એવું બોલતા આપણે આજે અલગ-અલગ દિશાઓમાં વિખેરાઈ ગયા.’
નેહલની આંખોમાં આંસુ ધસી આવ્યા. પાંચ વર્ષ પહેલાનો સ્કૂલના છેલ્લાં દિવસનો એ માહોલ એની નજર સામે તરવરી ઉઠ્યો…. સ્કૂલના ઓડિટોરિયમ, ગાર્ડન, મેદાન અને ક્લાસરૂમમાં છેલ્લી વાર આંટો મારતા, વાતો કરતાં, મસ્તી કરતાં સ્ટુડન્ટ્સનાં એ દ્રશ્યો જેટલાં સુંદર હતાં એટલાં આકરા પણ ખરા.
એ દરેકની તરુણાવસ્થાનો સૌથી ન ગમતો તબક્કો, જેમાં વર્ષો સુધી એકબીજા સાથે રહ્યા બાદ અચાનક બધું છોડવાનો- વિખૂટા પડવાનો વખત આવે… બારમા ધોરણનો છેલ્લો દિવસ.
જ્યારે ભવિષ્ય અંગે અવઢવ હોય, જીંદગીમાં હવે આગળ શું થશે એ વિચારી નર્વસ થઈ જવાતું હોય.
પોતાના ફ્રેન્ડ્સ, એ જાણીતો માહોલ, ઘર જેવી બની ગયેલી શાળાના પ્રાંગણને અલવિદા કહેવાની ઘડી… દરેક ટીનએજરના જીવનમાં બનતો આ એક અણગમતો પ્રસંગ છે, જે નેહલ અને અનુષાના જીવનમાં પણ આવેલો.
નેહલ-અનુષા બન્ને એકસરખા તેજસ્વી. ભણવા-ગણવામાં, ઈત્તર પ્રવૃતિઓમાં આગળ. ખૂબ મહેનતુ અને શિસ્તતામાં પણ અવલ. એવા એ બન્ને સ્કુલમાં બધા શિક્ષકોના પ્રિય સ્ટુડન્ટ્સ.
બન્ને વચ્ચે મિત્રતા પણ એવી કે, ભલભલાને ઈર્ષ્યા જન્માવે, પણ માત્ર એક જ તફાવત. બન્નેની કેરિયર ચોઈસ અલગ. નેહલને ડોક્ટર બનવાનું સ્વપ્ન તો અનુષા માટે કમ્પ્યુટર સાયન્સ પ્રથમ ખ્વાબ. દિવસનો મોટાભાગનો સમય સાથે પસાર કરતી બન્ને બહેનપણીને ખ્યાલ હતો જ કે વ્હેલુ-મોડું આપણે જુદા થવાનું છે, પણ મનથી એ બન્ને ખૂબ મજબૂત અને મહાત્ત્વાકાંક્ષી સ્વભાવ એટલે એકબીજા સાથે રહેવા કેરિયર બદલવા જેવી મૂર્ખામી એ બન્નેમાંથી કોઈએ કરી નહી.
અંતે પરીક્ષાઓ પતી, પરિણામ આવી ગયાં. નેહલ- અનુષા ઉચ્ચ અભ્યાસાર્થે ઉતર- દક્ષિણ દિશામાં ફંટાઈ ગયા. કમ્યુનિકેશન ઘટતું ગયું, હળવા-મળવાનું ઓછું થયું, ફોન કોલ્સ નહિવત થયા, પણ બન્નેની મિત્રતા અને સ્નેહ અકબંધ રહ્યા.
નેહલ ક્યારેક એના સ્કૂલના દિવસોને બહુ મિસ કરતી. અનુષાની પોતાના પરત્વેની એ કાળજી યાદ અવી જતી. કોલેજમાં રખાતી સ્વાર્થી મિત્રતાથી એને ચિતરી ચડતી, પણ કેરિયર બનાવવામાં વ્યસ્ત નેહલ પાસે એવો સમય નહોતો કે એ સતત અનુષાના સંપર્કમાં રહે તો સામા પક્ષે અનુષાને પણ પોતાની દુનિયામાં ખોવાય જતાં વાર લાગતી નહીં.
જોકે, સમય મળ્યે બન્ને એકબીજાને સોશ્યલ મીડિયા પર પંપાળતા રહે. એકબીજાની સ્ટોરીઝ લાઈક કરે, પોસ્ટ પર કમેન્ટ્સ કરે, વખાણ કરે, પ્રેમ જતાવે. એની પણ ધીરે-ધીરે એક પ્રકારે ઘરેડ બની ગયેલી એટલે એમાં પણ નેહલને આત્મિયતાનો અભાવ વર્તાતો.
જોકે, આજે અનુષાની પોસ્ટ અને એનું લખાણ વાંચી નેહલથી ના રહેવાયું. એણે સમય જોયા વગર સીધો ફોન જોડી દીધો. સામા છેડે બોલાયેલા ‘હલ્લો’ના રણકાર સાંભળતાની સાથે નેહલે વર્ષો સુધી રોકી રાખેલો આંસુઓનો બંધ જાણે તૂટી ગયો હોય એમ એ ડૂસકાં ભરવા લાગી.
સામે છેડે અનુષા ઘડી-બેઘડી સ્તબ્ધ થઈ ગઈ. એ કશું બોલી શકી નહી. એની આંખોમાં પણ આંસુ તગતગી ઉઠ્યાં. હા, એવી કોઈ ઘટના બની નહોતી કે આમ રોવું પડે, પરંતુ તેમ છતાં બન્નેને ખ્યાલ હતો કે, શા માટે આવું થાય છે. અંતે અનુષાએ ખોંખારો ખાઈ પહેલ કરી: ‘યાર, બોલને કંઈક, કેટલું રોઈશ?’ અને પછી આંસુઓ માફક વાતોનો બાંધ પણ આજે તૂટી ગયો.
તમે ગમે તેટલાં આગળ વધો, નવા મિત્રો બનાવો, નવા સંબંધોમાં બંધાતા જાઓ. પરંતુ, જેની સાથે બાળપણ અને તરુણાવસ્થા વિતાવેલી છે એવા મિત્રો જેવો નિર્દોષ આનંદ અને નિસ્વાર્થ સ્નેહ ક્યાંયથી નહીં મળે… એ વાસ્તવિકતા સાથે આજે યુવાનીમાં ડગ માંડતી નેહલ-અનુષા બન્નેને પરિચય થઈ ગયો.