પુરુષલાડકી

ભારતની વીરાંગનાઓ : સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત પ્રથમ મહિલા અમૃતા પ્રીતમ

-ટીના દોશી

નવીન ઋત દા કોઈ સંદેશ દેતા
ઈસ કની દી લાજ તૂ પલના વે
બૂર પાવે જે જમીન દે રૂખ ઉતને તહની
અમન દી ઉમર દા અલહાના વે
આ પંજાબી પંક્તિઓનો અર્થ છે: એક નવી ઋતુને સંદેશ પાઠવો, અને કલમની શાન કાયમ રાખો, જો ધરતીનું વૃક્ષ ખીલે છે, તો એની જૈતૂનની
ડાળી હંમેશ માટે આપણી છે!

આ રચના જે સંગ્રહમાંથી લેવામાં આવી છે, તેનું શીર્ષક ‘સુનેહડે’ છે. પંજાબી ‘સુનેહડે’નો ગુજરાતી અર્થ ‘સંદેશા’ થાય… ‘સુનેહડે’માં સંદેશાઓ આલેખવા બદલ રચયિતાને 1956માં સાહિત્ય અકાદમીના પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવી. એ સાથે સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત એ પ્રથમ મહિલા બની ગઈ… એ પછી પણ અનેક પુરસ્કારોથી અમૃતાને નવાજવામાં આવી. 1969માં દેશનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી, 1982માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર, અને 2004માં દેશનો બીજો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મવિભૂષણ!

એનું નામ અમૃતા પ્રીતમ. મશહૂર પંજાબી સાહિત્યકાર. પંજાબી ભાષાની પ્રથમ કવયિત્રી. કાવ્યો, વાર્તાસંગ્રહ અને નવલકથાઓની લેખિકા. અમૃતાનો જન્મ 31 ઑગસ્ટ 1919ના પંજાબના ગુજરાંવાલામાં રાજબીબી અને કરતારસિંહને ઘેર થયો. કરતારસિંહ પીયૂષ ઉપનામ સાથે કવિતા લખતા. દીકરીનો જન્મ થયો ત્યારે કરતારસિંહે પીયૂષ શબ્દનો પંજાબીમાં અનુવાદ કરીને અમૃત નામ પાડ્યું. અમૃતનું અમૃતા થઈ ગયું. અમૃતા અગિયાર વર્ષની હતી, ત્યારે રાજબીબીનું મૃત્યુ થયું. કરતારસિંહે દીકરીને સાહિત્યના માર્ગે વાળી. અમૃતા બાળપણમાં જ લખતી થઈ ગઈ. દરમિયાન, સોળ વર્ષની ઉંમરે 1935માં અમૃતાનાં લગ્ન લાહોરના વેપારી પ્રીતમ સિંહ સાથે થયાં. લગ્ન પછી પણ અમૃતા સાહિત્યસર્જન કરતી રહી.

અમૃતાનું સાહિત્ય એટલું ઉત્કૃષ્ટ હતું કે પહેલો જ પુરસ્કાર એને સાહિત્ય અકાદમીનો મળ્યો. જોકે પુરસ્કાર મળ્યાની ક્ષણ વિશે અમૃતા પ્રીતમે આત્મકથા ‘રસીદી ટિકટ’માં નોંધ્યું છે કે, ‘ફોન પર અકાદમીના પુરસ્કારના ખબર સાંભળતાં માથાથી પગ સુધી હું સળગી ઊઠી – હે ભગવાન! આ સુનેહડે મેં કોઈ ઈનામ માટે નહોતા લખ્યા. જેને માટે લખ્યા હતા તેણે વાંચ્યા નહીં. હવે આખી દુનિયા વાંચે તોયે મને શું…. તે દિવસે સાંજે એક પ્રેસ રિપોર્ટર આવ્યો. સાથે ફોટોગ્રાફર હતો. તે ફોટો પાડવા લાગ્યો. મેં સામે મેજ પર કાગળ મૂક્યો અને હાથમાં કલમ લઈને કાગળ પર કોઈ કવિતા લખવાને બદલે એક અભાન જેવી દશામાં એનું નામ લખવા માંડ્યું, જેને માટે તે ‘સુનેહડે’ લખ્યા હતા. સાહિર, સાહિર, સાહિર…. આખો કાગળ ભરાઈ ગયો.’

આ સાહિર એટલે સાહિર લુધિયાનવી. મશહૂર ગીતકાર અને શાયર…. પ્રીતમને પરણેલી અમૃતાનો પહેલો પ્રીતમ. એક મુશાયરામાં બન્નેનો પરિચય થયેલો. સાહિરના શબ્દોનો જાદુ હતો કે ખામોશ નજરોનો, પણ અમૃતાને સંમોહનનો અનુભવ થયો. કુદરતે પ્રેમાંકુર વાવ્યાં અને વરસાદી છાંટણાંએ પ્રેમના છોડને નવપલ્લવિત કર્યો. એ સાહિર સાથે કલાકો ગાળતી. દરમિયાન સાહિર સંખ્યાબંધ સિગારેટો પીતા. અમૃતા એ બળેલી સિગારેટો સાચવીને મૂકી દેતી, અને એને આંગળીઓમાં પકડીને સાહિરનો સ્પર્શ અનુભવતી. જોકે પ્રેમમાં ગળાડૂબ હોવા છતાં એ ક્યારેય હૈયાની વાત હોઠે ન આણી શકી.

આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણોનું જાહેરમાં કરાતું અપમાન કેટલું યોગ્ય?

સામે પક્ષે સાહિરની પણ એ જ સ્થિતિ હતી. અમૃતાના સાંનિધ્યમાં સાહિરે અધિક સંખ્યામાં ગીતો અને શાયરીઓની રચના કરી. એમણે અમૃતાને ‘તાજમહલ’ શાયરીની સોગાદ આપી. અમૃતાએ જીવનભર એને સાચવીને રાખી. સાહિરે મિલનની ઇચ્છા દર્શાવેલી, પણ પછી એમનું ખામોશ રહેવું, ધર્મની દીવાલ અને અમૃતાનું પરિણીત હોવું – આ કારણોસર બન્ને એક ન થઈ શક્યાં. સાહિર અને અમૃતાના રસ્તા અલગ થયા. સાહિરની સ્મૃતિમાં અમૃતાએ ‘સુનેહડે’ની રચના કરી અને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો. દરમિયાન, પ્રીતમસિંહ સાથેનું લગ્નજીવન તૂટ્યું. કંદલા અને નવરોઝની માતા બનેલી અમૃતાએ 1960માં પતિના નામમાંથી પ્રીતમ રાખીને પતિને છોડી દીધેલો. પતિનો સાથ છોડ્યો અને પ્રેમીનો સાથ છૂટ્યો. સાહિર જીવનમાંથી ચાલ્યા ગયા, પણ અમૃતાના મનમાંથી નહીં. અંગત અનુભવો સાહિત્યમાં, પાત્રોમાં ઝિલાવા લાગ્યા. ‘અશૂ’ નવલકથામાં, ‘એક થી અનીતા’માં અને ‘દિલ્હી કી ગલિયાં’માં સાગરના રૂપમાં સાહિરને આલેખ્યા. ખાલીપો સર્જાયેલો સાહિરના જવાથી અમૃતાના જીવનમાં.

સાહિરના જવાથી અમૃતાના જીવનનું બારણું બંધ થયું, પણ ઈમરોઝના સ્વરૂપમાં એક બારી ખૂલી. અમૃતાના જીવનનો ખાલીપો કંઈક અંશે ઈમરોઝે ભર્યો. ઈમરોઝ લેખક અને ચિત્રકાર હતા. બેયની મુલાકાતનું નિમિત્ત બન્યું એક પુસ્તકનું મુખપૃષ્ઠ. બન્યું એવું કે ‘આખિરી ખત’ના મુખપૃષ્ઠ માટે અમૃતાએ ચિત્રકાર સેઠીનો સંપર્ક કર્યો. સેઠીએ શમા નામની ઉર્દૂ પત્રિકામાં કામ કરતા ઈમરોઝની ભલામણ કરતાં કહ્યું, એ મારા કરતાં વધુ સારી ડિઝાઈન બનાવી શકશે… અમૃતા ઈમરોઝને મળી. જાણે ખોવાયેલા કોઈકને સાચું સરનામું મળી ગયું.

આ પણ વાંચો…મુખ્બિરે ઈસ્લામ : અલ્લાહની નેઅમત દૌલત: હલાલ – હરામ વચ્ચેના ભેદને સમજીએ

ઈમરોઝે સુંદર મજાનું મુખપૃષ્ઠ તૈયાર કરી દીધું, પણ એ ગાળામાં બન્ને એકબીજાંની નિકટ આવ્યાં. સારાં મિત્રો બન્યાં. રોજરોજ મળવાને બદલે સાથે જ રહેવા લાગ્યાં. ઈમરોઝ જાણતો હતો કે અમૃતા સાહિરને પ્રેમ કરે છે, પણ એનો એને કોઈ વાંધો નહોતો. ઈમરોઝના સ્કૂટર પર એની પાછળ બેસીને એની પીઠ પર પોતાની આંગળીઓથી સાહિરનું નામ લખ્યું. ઈમરોઝ કાંઈ ન બોલ્યો. અમૃતાએ પૂછી લીધું, ‘મેં તારી પીઠ પર સાહિરનું નામ લખ્યું, તો તને માઠું ન લાગ્યું?’ ઈમરોઝે કહ્યું, ‘સાહિર પણ તારા, મારી પીઠ પણ તારી, તો પછી હું શું કામ માઠું લગાડું?’

આ ઈમરોઝ સાથે અમૃતા લગ્ન કર્યાં વિના ચાળીસેક વર્ષ રહી. અમૃતાના દિલમાં સાહિર પણ હતો અને ઈમરોઝ પણ. બન્નેને પ્રેમ કરતી અમૃતાએ સાહિર અને ઈમરોઝ સાથેના સંબંધો અંગે કહેલું કે, સાહિર મારા જીવનનું આસમાન છે અને ઈમરોઝ મારા ઘરનું છત્ર!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button