પુરુષ

વિશ્ર્વગુરુ બનવું હશે તો વ્હોટ્સેપ પર વાર્તાઓ નહીં ચાલે

સીત્તેર કલાક શું એથી ય વધુ કામ કરવું પડે

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

થોડા દિવસો પહેલાં નારાયણ મૂર્તિને બધાએ ધક્કે ચઢાવ્યા. કોણે? તો કે દેશના વડા પ્રધાને પાછલા નવ વર્ષમાં એક પણ રજા નથી લીધી એ વાતે પોરસાતા લોકોએ નારાયણ મૂર્તિને ધક્કે ચઢાવ્યા. કેમ? તો કે નારાયણ મૂર્તિએ વાત વાતમાં કહ્યું કે ભારતના લોકોએ અઠવાડિયામાં સીત્તેર કલાક કામ કરવું જોઈએ! એનો અર્થ એ થયો કે આપણા દેશમાં લોકોને વડા પ્રધાન કે નારાણય મૂર્તિ અઠવાડિયામાં લગાતાર કામ કરશે તો ચાલશે. પરંતુ જો તેમને કહેવાશે કે તમે કામ કરો તો વોટ્સેપ પર રોજ સવારે વિશ્ર્વગુરુ બનવાના બણગા ફૂંકતી પ્રજા ઉકળી ઉઠશે. અને ઉકળી ઉઠવાની વાત તો ઠીક લોકોએ નારાયણ મૂર્તિ, જે આપણા દેશની શાન કહી શકાય એવા માણસ વિશે છેલ્લી પાયરીનું લખ્યું.

પરંતુ નારાયણ મૂર્તિએ એ જે સેન્સમાં કહ્યું એ વાત બહુ ઊંડી છે. જર્મની અને જપાન જેવા દેશોનું ઉદાહરણ આપીને તેમણે એમ કહેવા માગતા હતા કે આવા દેશો તેમના લોકોના અથાક પરિશ્રમ અને મહેનતને કારણે અગ્રેસર બની શક્યા છે અને તેમનો વિશ્ર્વમાં કોઈ જોટો નથી. આ દેશોમાં આજે ક્વોલિટી ઑફ લાઈફ પણ અત્યંત ઉંચા છે અને આ દેશો ટેક્નોલોજીથી લઈ ગ્લોબલ માર્કેટમાં પણ પોતાનો આગવો દબદબો ધરાવે છે કારણે ત્યાંના લોકો રાત-દિવસ ભૂલીને મચી પડ્યા હતા.

નારાયણ મૂર્તિ જોકે આ ઉદાહરણને એક્સપ્લેઈન કરવામાં ઝાઝા ઊંડા નહોતા ગયા, પરંતુ જપાન અને જર્મની (હિટલરયુગ પછી) એ બંને દેશોની પ્રજા પ્રતીકાત્મક રાષ્ટ્રવાદની વાત નથી કરતી. કે ભાઈ ઝંડા ફરકાવી દીધા એટલે રાષ્ટ્રવાદી થઈ ગયા કે કહેવાતા રાષ્ટ્રવાદનું સમર્થન કરતા રાજકીય પક્ષનું સમર્થન કરી દીધું એટલે રાષ્ટ્રવાદી થઈ ગયા! ભારતમાં તો હવે પત્રકારો અને લેખકોની એક જમાત એવી ઊભી થઈ છે, જે પોતાને રાષ્ટ્રવાદી ઓળખાવે છે. રાષ્ટ્રવાદી એટલે શું ભાઈ? અને તમે જે માનો છો એને જ રાષ્ટ્રવાદ કહેવો? જોકે એ ચર્ચા અહીં અસ્થાને છે. એના પર તો વિગતે વાત કરવી પડે.

મૂળ વાત પ્રજાની છે. અલબત્ત, ભારતમાંય કામ કરનારો, ખૂબ મહેનત કરનારો કે સતત દેશને કેન્દ્રમાં રાખીને કામ કરનારો વર્ગ છે જ, પરંતુ એ બધાની સાથે એક મોટો વર્ગ એ પણ છે જ જે ક્યાં તો કામચોર છે અથવા તો ભ્રષ્ટાચારી છે. અઠવાડિયાના સીત્તેર કલાકની આખી વાતમાં તો કદાચ રોજના બાર કલાકનું કામ ગણાય, જે કામ મજૂરો કે સમાજમાં આર્થિક રીતે સક્ષમ નથી એવા લોકો તો કરી જ રહ્યા છે. પરંતુ એ સીવાયના લોકો, જેઓ આઠ કે દસ કલાકની શિફ્ટ કરે છે તેઓ તેમના આઠ કે દસ કલાકમાં પણ અડધો સમય રખડી જ ખાતા હોય છે.

આ વર્ગ એ જ લોકોનો છે, જેમને મન કામની કશી કિંમત જ નથી હોતી. તેમને કામ સાથે એટલે નિસ્બત હોય છે કે એ કામથી તેમને પૈસા મળે છે! એ પૈસા કમાવા માટે જ તેમણે ડિગ્રીઓ પણ લીધી હોય છે અને પછી ધાણીના બળદની જેમ કામે પણ જોતરાઈ ગયા હોય છે. પણ ધાણીના બળદ જેવી તેમની પ્રોડક્ટિવિટી નથી હોતી એ આડવાત છે. એટલે જ ગવર્મેન્ટ સેક્ટર હોય કે પ્રાઈવેટ સેક્ટર હોય આ જ લોકો મહિનામાં રજાઓ કેટલી આવે છે, તેમને હાફ ડેઝ કેટલા મળે છે, તેમને પેઈડ લીવ્ઝ કેટલી મળે છે કે પછી લોંગ વીકેન્ડ્સ મળે છે કે નહીં એની ચર્ચાઓ, વિચારણામાં વ્યસ્ત રહે છે. આ એ જ લોકો છે, જેઓ ઑફિસ પહોંચે એ ક્ષણથી ઘરે જવા માટે ક્યારે નીકળશે એની રાહ જોવા માંડતા હોય છે. અને એથી વિશેષ કે ગંભીર તો એ કે આ એ જ લોકો છે, જેમને ઑફિસમાં એટ્રોસિટીના કે હરેઝમેન્ટના ગતકડાં સૂઝતા હોય છે.

અલબત્ત, એટ્રોસિટી કે હરેઝમેન્ટના બધા કિસ્સા કંઈ ખોટા નથી હોતા. પરંતુ જો મોટાભાગની સરકારી કે પ્રાઈવેટ કચેરીઓમાં આ કિસ્સાઓની સરખી તપાસ થાય તો ખ્યાલ આવશે કે જૂજને બાદ કરતા મોટાભાગના એવા કિસ્સા હશે, જેમાં કોઈ ઉપરી અધિકારી કે કલિગે પ્રોડક્ટિવિટી કે કામનો હિસાબ માગ્યા હશે ત્યાં સામેના પક્ષને પોતાની જાત કે પોતાના પર થયેલા અત્યાચાર યાદ આવે છે! પરંતુ જ્યારે એક મોટા વર્ગની માનસિકતા આ રીતે રખડી ખાવાની કે ચરી ખાવાની હોય ત્યારે સૌથી પહેલાં એક ક્ષેત્રની પ્રોડક્ટિવિટી પર અને પછી રાષ્ટ્રની પ્રોડક્ટિવિટી પર અસર થતી હોય. અને આ જ છે રાષ્ટ્ર સાથે કરેલી ઠગાઈ!

અને એથી વિશેષ તો એ કે તેઓ રોજ સવારે વ્હોટ્સેપ પર એક ફોરવર્ડ કરતા હોય છે કે ભારત વિશ્ર્વગુરુ બનવાની દિશામાં છે. પણ ભાઈ, વિશ્ર્વગુરુ બનાવવામાં આપણે ખાલી વ્હોટ્સેપ ફોરવર્ડિયા જ મોકલવાના? આપણા ભાગનું કામ સરખી રીતે નહીં કરવાનું?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button