તમે પત્નીને પ્રેમ કરો છો તો એની કદર પણ કરો
ગામ આખાની કદર કરતો પુરુષ જાહેરમાં પત્નીનાં યોગદાનની કદર કરતા કેમ અચકાતો હોય છે ?!
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
હમણાં એક સરસ વાત જાણવા- સમજવા મળી. જંગલનો એક પ્રવાસ હતો ને પ્રવાસમાં થોડા જ લોકોને લઈ જવાના હતા.એટલે એક ફોર્મ ભરાવવામાં આવ્યું પછી પસંદગીઓ થઈ. એ ફોર્મમાં એક પ્રશ્ર્ન એવો પણ પૂછવામાં આવેલો કે ‘આ નેચર કેમ્પમાં આવવા માટે તમને પ્રેરણા કોણે આપી?’
એમાં એક ભાઈએ એવું લખ્યું હતું કે પત્ની પાસેથી એમને આ પ્રેરણા મળી છે! એ ભાઈ કેમ્પમાં પસંદગી પણ પામ્યા અને કેમ્પમાં એ વિશે વાતો થઈ ત્યારે લોકોએ અત્યંત હળવી શૈલીમાં હસાહસ પણ કરી, પરંતુ પેલા ભાઈએ ફોર્મમાં પત્નીની પ્રેરણા વિશે લખ્યું હતું ત્યારે અને કેમ્પમાં પણ આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પણ એમણે ગંભીર રહીને જવાબ આપ્યો કે ‘હા, મારી પત્નીએ જ મને પ્રેરણા આપી છે!’
આ મુદ્દો બહુ મહત્ત્વનો છે. તેમજ આ રીતે પત્નીને જાહેરમાં અપ્રિશિએટ કરવી-કદર કરવી એ પણ હિંમતની વાત છે, કારણ કે પત્નીને છાનેછપને તો અનેક પુરુષ એવું
કહેતા હોય છે : ‘તું મારા માટે આમ છો અને તું જ મારું સર્વસ્વ છો!’ એવું કહેવું કંઈ ખોટું પણ નથી, પરંતુ છાનેછપને પત્નીને
આ રીતે કદર કરતો પુરુષ જાહેરમાં
સ્વીકારની વાત આવે ત્યારે ખચકાતો હોય છે. એમાં એને રીતસરનો મેલ ઈગો આડે આવતો હોય છે : આમ કંઈ પાંચ માણસની સામે બૈરાના વખાણ થાય? પછી તો એ માથે ચઢી જાયને?! એ કરતાંય સામેના માણસો શું વિચારે કે આ ભાઈ તો એની બાયડીને ઈશારે નાચે છે!
અલ્યા ભાઈ, પત્નીના કે અન્ય કોઈનાય ઈશારે ચાલવું એ બીજી વાત છે ને પત્નીને જાહેરમાં અપ્રિશિયેટ કરતા ન ખચકાવું એ જુદી વાત છે. અહીં મહત્ત્વની બીજી વાત તો એ છે આપણે કંઈ ગામને મોઢે ગળણાં બાંધવા તો જઈ શકવાના નથી એટલે ગામ શું વિચારે છે કે ગામ શું બોલશેના એના આધારે આપણા સંબંધમાં વર્તી ન શકીએ. એ તો આપણા પર આધાર રાખે છે કે આપણી રિલેશનશીપમાં કે આપણા જીવનમાં કઈ રીતે નાની નાની વાત ઉમેરીને આપણા સંબંધમાં અલગ નિખાર લાવવો…
વળી, આવા નાનાં નાનાં પ્રયત્ન એકસાથે કેટલાય ઘર્ષણ ટાળે છે એ વધારાના! જ્યારે તમે સતત તમારા સાથીને પ્રોત્સાહિત કરો છો કે એના યોગદાનનો દિલથી- ઉત્સાહભેર સ્વીકાર કરો છો ત્યારે તમારામાં એની શ્રદ્ધા ક્રમશ: વધુ દૃઢ થતી જશે. એ શ્રદ્ધા થકી જ પછી એકમેક પ્રત્યેનો વિશ્ર્વાસ આદર ઊભા થતાં હોય છે.
જો કે લગ્નમાં મોટાભાગે બંને પક્ષે એવું માની જ લેવાતું હોય છે કે પુરુષ જો સ્ત્રીના જાહેરમાં વખાણ કરે કે કદર કરે એ સારું ન કહેવાય! આ કારણે જ મોટાભાગે આને લઈને કોઈ રીસામણાં- મનામણા કે ટકોર થતી નથી. આ તો સ્વીકારી લેવાયેલું સત્ય છે!
હા, પુરુષે વ્યક્તિગત સ્તર પર એ વિચાર કરવાનો થાય કે શું એની પાસે પત્નીને જાહેરમાં વખાણ કરવાની ક્ષમતા છે ખરી? અને સાંભળો, અહીં કંઈ એવું કહેવાનો કોઈ આશય નથી કે તમારે બસ પત્નીને જાહેરમાં સપોર્ટ કરવો કે એના વખાણ કર્યે જવા. અને પુરુષ તરીકે આપણે આવું કરીશું એટલે જ આપણે સારા, નહીંતર નહીં એવું પણ કાંઈ નથી કહેવું. મુદ્દો અહીં કરેજનો છે. શું ખરેખર યોગ્ય સમયે પુરુષ પાસે એટલી પણ હિંમત છે કે એ પત્નીને જાહેરમાં પોતાની પ્રેરણા કહીને બિરદાવી
શકે?
આવા કિસ્સામાં મોટા ભાગના પુરુષ એમ કહેશે કે ‘તે કોણ ના પાડે છે? પત્નીનો સહકાર તો ખરો જ ને પણ એનાં ગાણાં થોડી જાહેરમાં ગાવાના હોય?’
બસ, આ જ તો અહંમ છે પુરુષનો ! બીજી બાજુ, આ જ પુરુષ એના માતા-પિતા વિશે દસ વાર કહી શકશે કે મારા માતા-પિતાએ મારે માટે બહુ કર્યું.. આ જ પુરુષ પોતના ભાઈઓ વિશે કહી શકશે કે મારા ભાઈઓએ મને બહુ સપોર્ટ કર્યો અને એમાં કશું ખોટુંય ખોટું ય નથી.
આપણા જીવનમાં જેનું જેનું યોગદાન છે
એનું ઋણ પણ અદા કરવું જોઈએ, પરંતુ
બીજાનાં યોગદાન ચર્ચા કરી શકતો એ જ પુરુષ એમ નથી કહેતો કે મારી પત્નીએ પણ મારી સાથે મીઠું અને રોટલો ખાઈને દિવસો
કાઢ્યા છે !
આવું મોટાભાગે થતું જ હોય છે. ગામડાં કે શહેરનો મોટો વર્ગ પત્ની અને લગ્ન માટે એમ જ માનતો હોય કે પત્ની એટલે પોતાના સંસારમાં ઘટતી બાબતની આપૂર્તિ કરવાનું સાધન- એથી વિશેષ કશું જ નહીં. અને એટલે જ કેટલીય સ્ત્રી રહેતી હશે વાલ્કેશ્ર્વરના કોઈ વૈભવી ફ્લેટમાં, પરંતુ પોતાના યોગદાન વિશેનાં થોડા શબ્દો માટે ઝૂરતી હોય છે.
આખરે એ માત્ર શબ્દો નથી હોતા. શબ્દોની અંદર સ્વીકૃતિનો પણ એક ભાવ રહેલો હોય છે. અને મોટાભાગની સ્ત્રીનો ઝૂરાપો એના યોગદાનના સ્વીકાર માટેનો જ હોય છે.