જો નવા વર્ષે સંકલ્પ લેવા જ હોય તો!
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
નવા વર્ષે સંકલ્પો લેવું એટલે પ્રારંભે શૂરા બનવું. હોશમાં ને હોશમાં અમુકતમુક સંકલ્પો લઈ લેવાના અને પછી જેમ વિદ્યાર્થીકાળમાં નવી નોટ લઈએ અને પહેલાં પાને સારા અક્ષર નીકળે અને પછી રામ રામ, એવું જ નવા વર્ષના સંકલ્પો બાબતે થાય. પહેલે દિવસે બધુ સમુંસૂથરું ચાલે અને પછી અચ્યુતમકેશવમ. જોકે અમુક સંકલ્પો જીવનમાં અત્યંત જરૂરી છે. ખાસ કરીને જો તમે તમારી ત્રીસીના પાછલા ભાગમાં કે ચાળીસીમાં હો. એ બાબત એટલે આરોગ્ય અને હવે આરોગ્ય કથળવાની શરૂઆત ત્રીસીના પાછલા ભાગથી જ થઈ જાય છે. એટલે આ દાયકામાં લાઈફસ્ટાઈલ સુધારવી અત્યંત આવશ્યક છે. અને એટલે જ સંકલ્પો પણ લાઈફસ્ટાઈલ સંદર્ભના જ હોવા જરૂરી છે.
એ સંકલ્પોમાં સૌથી પહેલો અને આજના સમયમાં સૌથી અગત્યનો સંકલ્પ છે સ્ક્રિન ટાઈમ ઘટાડવાનો. એમ. એસ. ધોનીનો થોડા દિવસો પહેલાં એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે તેઓ રાત્રે અલાર્મ મૂકવા સિવાય મોબાઈલનો ઉપયોગ કરતા નથી! એમ. એસ. ધોની, જેમણે ક્રિકેટમાંથી રિટાયર્મેન્ટ લઈ લીધા પછી પણ અત્યંત કામ છે. અને આજેય મહિને કરોડો રૂપિયાની કમાણી કરે છે એ જો એવું કહેતા હોય તો આપણે તો સ્વાભાવિક જ એવી કોઈ વ્યસ્તતા કે ટ્રાવેલિંગ નહીં હોય. છતાંય આપણો સ્ક્રિન ટાઈમ દિવસના છ કલાકની આસપાસનો થઈ જાય છે. ક્યારેક તો એનાથી ય વધી જાય! અને એ સ્ક્રિન ટાઈમમાં આપણે કર્યું શું હોય? તો કે માત્ર રિલ્સ જ જોઈ હોય, સ્ટેટ્સ જ જોયા હોય કે અમસ્તા જ આપણે સ્ક્રોલ્સ કર્યા કર્યું હોય.
જોકે સ્ક્રિન ટાઈમ એમાંય ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પરની આપણી પ્રેઝન્સ આપણા પર અનેક રીતે નકારાત્મક સાયકોલોજિકલ અસર ઊભી કરે છે. ખાસ તો એની અસર આપણી ન્યૂરો સિસ્ટમ પર પડે છે અને આપણી ઊંઘ અત્યંત ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જેને કારણે આપણે કારણ વિના ડાઉન ફીલ કરીએ, આપણને કારણ વિના એન્ક્ઝાઈટી ફીલ થાય કે આપણને કારણ વિના ડિપ્રેશન ફીલ થાય છે. આપણે એવું માનીએ છીએ વર્ચ્યુઅલી વધુ કનેક્ટેડ રહેવાથી કે વધુ પડતો સમય મોબાઈલ કે ટેબ પર રહેવાથી આપણે નોલેજ ગેઈન કરીએ છીએ અને કે આપણે અપડેટ થઈએ છીએ. પણ નોલેજ તો આપણે અડધા કલાકના સ્ક્રિન ટાઈમમાં પણ મેળવી જ શકીએ, દિવસના છ કલાક કે એથી વધુના સ્ક્રિન ટાઈમમાં તો આપણે દુ:ખને જ નોતરીએ છીએ. તો નવા વર્ષે સ્ક્રિન ટાઈમ ઘટાડવાનો સંકલ્પ લઈ જ શકાય.
તો બીજો અત્યંત મહત્ત્વનો સંકલ્પ છે ખાવાપીવા બાબતનો. ખાસ તો હવે આપણે જંકફૂડથી બચી શકીએ એવી સિસ્ટમ જ નથી રહી, પરંતુ ખાવાપીવાની અશિસ્ત આપણને, ખાસ કરીને ત્રીસી અને ચાળીસીમાં અત્યંત મોટાપાયે રંજાડી શકે છે. જંક અને સુગર આ બે બાબતો શક્ય એટલી ઓછી કરીને પૌષ્ટિક ખોરાક પર આપણે ફોકસ કરીશું કે એમાંય ઘરે બનેલા, કઠોળ અને લીલા શાકભાજી પર આપણે ધ્યાન આપીશું તો આપણને થોડા જ દિવસોમાં આગવી સ્ફૂર્તિ દેખાશે. ખાસ તો આપણે મેદસ્વિતા કે આળસ જેવી બાબતોથી દૂર રહીશું અને બીજું એ કે જેવું અન્ન તેવું મનના ન્યાયે આંતરિક હકારાત્મક્તાથી આપણી પ્રોડક્ટિવિટી વધારી શકીશું.
અને ત્રીજી બાબત છે આરામ. એમાંય ઊંઘ! એક સરસ મજાનું ક્વોટ વાંચવામાં આવ્યું હતું કે ઊંઘ એ માણસને કુદરત તરફથી મળેલું અનન્ય વરદાન છે. કારણ કે ઉંઘ માણસને ભલભલી પીડાઓના સમયે પણ એક બ્રેક આપે છે અને માણસને થોડા સમય માટે પીડાથી દૂર કરી દે છે! એ ઊંઘનું સામાન્ય સંજોગોમાં તો કેવું મહત્ત્વ હોવાનું! છ કલાકની ઊંઘ એ કંઈ ઊંઘ નથી. ઊંઘ સાત કે એથી વધુ કલાકોની જ હોવી જોઈએ. અને આપણે જો એવો તર્ક આપતા હોઈશું કે આપણને બહુ કામ હોય છે. તો એ માત્ર આપણો દંભ છે. કારણ કે આપણે ક્યાં તો યોગ્ય સમયે કામ પતાવતા નથી હોતા અથવા તો આપણા કામને બાબતે આપણે સાવ બેદરકાર હોઈએ છીએ. તો જ આપણે જલદી ફ્રી નથી થઈ શકતા. બાકી, આ દુનિયામાં એવું કોઈ કામ નથી, જે માણસને એકસ્ટ્રા બિઝી રાખી શકે.
પરંતુ માણસ જ છે, જેને લઘરાવેડા કરવાની આદત હોય છે અને એમાં ને એમાં દરેક કામને પાછળ ઠેલતો રહીને સતત કારણ વિના વ્યસ્ત રહે છે, પરંતુ ઊંઘ અને આરામની તેને સખત જરૂરિયાત છે એ બાબત તે ભૂલી જાય છે. જેને કારણે તે કારણ વિનાના ઉજાગરા કરતો રહે છે અને છેલ્લે માનસિક તાણ અનુભવે છે કે શારીરિક રીતે ખોખલો થવા માંડે છે. બાકી, પૈસા કમાવા કે કાર લેવી કે ઘર લેવું એ કંઈ સંકલ્પ ન હોઈ શકે. એ તો આમેય મેળવી જ શકાય. પણ જો સમય પર યોગ્ય ધ્યાન નહીં રખાયું અને જો જાત બગડી તો આખું જીવતર બગડી જશે. એટલે જાત બચાવવા આ ત્રણ સંકલ્પો આજના સમયમાં અત્યંત જરૂરી બની જાય છે.