વૃક્ષ ઝેર તો પીવરાવ્યાં જાણી જાણી!
કુદરતી અને માનવસર્જિત આફતથી ચોતરફ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, જે ધરતીના પર્યાવરણ માટે એક જડબેસલાક સુરક્ષા ચક્ર છે, પણ હવે એમાં ભયજનક છીંડાં પડી રહ્યાં છે. વૃક્ષને પતાવી દેવા માટે ખુદ માણસ ખતરનાક ચેષ્ટા કરી રહ્યો છે
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
વધુ નિકંદન, છતાં પ્રતિષ્ઠિત અવોર્ડ..!
એક તાજા સર્વે મુજબ આજે ગુજરાતના ગાંધીનગરમાં સૌથી વધુ વૃક્ષો છે. ત્યાં દેશમાં સૌથી વધુ ૩૨ લાખ વૃક્ષ છે. એના પછી બીજા ક્રમે છે મહાનગર મુંબઈ. અહીં વૃક્ષોની કુલ વસતિ ૨૯ લાખ ૭૫ હજાર છે. મુંબઈના શહેરી વિકાસને એમાંય ખાસ કરીને મેટ્રો – બુલેટ ટ્રેનના પ્રોજેકટ પાછળ સૌથી મોટો ‘વધ’ વૃક્ષોનો થાય છે અને આના કારણે શહેરની લીલોતરી બહુ ઝડપથી ઘટી રહી છે. આમ છતાં , આ વર્ષે મુંબઈને સતત ત્રીજી વખત ‘ટ્રી સિટી ઑફ ધ વર્લ્ડ’ અર્થાત ‘વૈશ્ર્વિક વૃક્ષ નગરી’ નો પ્રતિષ્ઠિત અવોર્ડ મળ્યો છે. એ પણ એક આશ્ર્ચર્ય પમાડે એવી ઘટના છે.
આમ તો પર્યાવરણશાસ્ત્રીઓ પણ સ્વીકારે છે કે અમુક તબક્કે ‘કલાઈમેટ ચેન્જ’ એટલે કે પલટાતી મોસમ પૃથ્વીની તબિયત માટે ઉપકારક છે, છતાં ગાઢ હરિયાળાં જંગલ હશે તો જ પર્યાવરણની રક્ષા થશે-પૃથ્વી દીર્ઘાયુ થશે, પણ છેલ્લાં પાંચેક વર્ષથી પલટાતી મોસમ-વધતી જતી કુદરતી હોનારતો પછી વૃક્ષોનાં આડેધડ નિકંદનથી પર્યાવરણ રક્ષકો મૂંઝાઈ રહ્યા છે. અમુક્-તમુક સરકારી તેમજ ખાનગી પ્રોજેકટ્સ માટે વૃક્ષોનું આડેધડ નિકંદન નીકળી રહ્યું છે. એમાં કુદરતી સંપત્તિનો નિયમિતરૂપે સફાયો થઈ રહ્યો છે.
હવે દુકાળમાં અધિક માસ જેવા સમાચાર એ છે કે આ ફેબ્રુઆરી મહિનામાં ખુદ કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી અનુસાર દેશનાં કેટલાંક મોટાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટ માટે આગામી ૩ વર્ષમાં અંદાજે ૨૩ લાખ (જી, હા ૨૩ લાખ !) જેટલાં વૃક્ષોને વધેરી નાખવાં પડશે!
હવે વાત કરીએ ગુજરાત રાજયના કહેવાતા ‘વિકાસ’ અર્થે છેલ્લાં ૩ વર્ષમાં એક અંદાજ મુજબ ૮૪ હજાર વૃક્ષોને કાપી નાખવામાં આવ્યાં હતાં.
ગુજરાત બહાર નજર ફેરવો તો મહારાષ્ટ્રમાં ય વૃક્ષો સલામત નથી. મુંબઈ મહાપાલિકાએ એક દાયકામાં એના વિભિન્ન વોર્ડસમાંથી ૧૭ હજાર વૃક્ષ કાપવાની જે સત્તાવાર મંજૂરી આપી છે એ અનુસાર ક્રમશ: ‘વૃક્ષોનાં મોત’ નીપજી રહ્યાં છે. આ બધાં વૃક્ષનાં મોત માટે વિવિધ વિકાસ પ્રકલ્પો, જેમકે મેટ્રો-બુલેટ ટ્રેન-કોસ્ટલ રોડ-હાઈવે લિંક રોડ કારણભૂત છે. આવાં વિકાસ પ્રકલ્પ માટે છેલ્લાં ૬ વર્ષમાં મુંબઈ એકલામાં ૨૧ હજારથી વધુ વૃક્ષનું નિકંદન નીકળી ગયું છે..
મુંબઈ – વડોદરા હાઈ-વેના નિર્માણ માટે એક અંદાજે ૩૯ હજાર વૃક્ષો પર મહાપાલિકાની તીક્ષ્ણ કુહાડી ઉગામવામાં આવશે આમાંથી ૩૨ હજાર તો કયારના ‘પ્રભુના પ્યારા’ થઈ ચૂકયાં છે.
આ જ રીતે, ઈસ્ટર્ન ફ્ર્રે-વે નજીકના સર્વિસ રોડ માટે ૩૦૦થી વધુ વૃક્ષની આહુતિ લેવાનું નક્કી થઈ ગયું છે. આ તો હજુ ચાલી રહેલાં કત્લેઆમની વાત છે. પ્રશાસકોના વેઈટિંગ લિસ્ટમાં હજુ બે-ત્રણ પ્રકલ્પ પણ છે એટલે કે વૃક્ષો પર હજુય બીજાં કેટલાંક ડેથ વોરન્ટ નીકળવાના છે….
બીજા શબ્દોમાં કહીએ તો એક વાર હરિયાળું-હરિત ગણાતું મુંબઈ બહુ ઝડપથી એની ગ્રીન કોરિડોર ગુમાવી રહ્યું છે. વૃક્ષોની આવી કત્લેઆમથી ઊહાપોહ પણ જબરો થાય છે,છતાં લાગતા-વળાગતા તરફ્થી પર્યાવરણના ચાહકોને સંતોષકારક જવાબ નથી મળતા. કોઈ પ્રોજેકટ માટે અવરોધ બનતાં વૃક્ષ માટે જ્યારે ‘સજા-એ-મોત’ નું ડેથ વોરન્ટ નીકળે છે ત્યારે આપણાં ન્યાયાલયોનો પહેલો આગ્રહ એ હોય છે કે વૃક્ષના વિચ્છેદને બદલે બને ત્યાં સુધી આજની આધુનિક ટેકનોલોજીથી એનું સ્થળાંતર કરવું – અન્ય સ્થળે એનું પુન: રોપણ કરવું અને જો એ શક્ય ન હોય તો કપાયેલાં
વૃક્ષની ઉમર અનુસાર પાંચથી લઈને ૨૦ સુધી નવાં વૃક્ષારોપણ કરવાં..
જો કે, પાલિકા તરફથી આવાં વચન અપાય છે, પણ હકીકતમાં એવું થતું નથી. થોડા સમય પહેલાં મેટ્રો-૩નાં સ્ટેશન્સ માટે ૨૫૭થી વધુ વૃક્ષ કાપવા પડ્યાં હતાં. એમાંથી ૧૧૯ વૃક્ષને યોગ્ય સ્થળે ફરી રોપવામાં આવશે એવી બાંયેધરી આપવામાં આવી હતી, પણ એનો અમલ હજુ સુધી થયો નથી..
વૃક્ષને સમૂળગા ‘ઈલેક્ટ્રીક ટ્રી કટર’ – તીક્ષ્ણ કુહાડીનો ભોગ બનાવવાને બદલે અન્ય સ્થળે ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટ (પુન:રોપણ)ના દાવા કાગળ પણ ભલે આકર્ષક લાગે, પણ એ મહાપાલિકાની ભૂલભરેલી પ્રક્રિયાને કારણે આવાં વૃક્ષ અન્ય સ્થળે ટકતાં નથી.
‘શહેરનાં વૃક્ષો આડેધડ કપાય છે’ એવા સમાચાર બહાર આવતા શહેરના પર્યાવરણ અને અને વૃક્ષ-પ્રેમીઓ જબરો ઊહાપોહ મચાવતા રહે છે એટલે એમના ખોફથી બચવા શહેરની મહાપાલિકાના કર્તા-હર્તા આજકાલ એક નવો ઉપાય કામે લગાડે છે.
વૃક્ષની આડેધડ વધતી જોખમી ડાળીઓને કાપી નાખવાની કામગીરી ‘છટણી’ તરીકે ઓળખાય છે. આવા ‘ટ્રિમિંગ’ – છટણીના બહાના હેઠળ સારાં
વૃક્ષોની મજબૂત ડાળીઓ પણ જેમતેમ કાપી નાખવામાં આવે છે ને પછી આગળ જતાં એને જોખમી જાહેર કરીને પતાવી ‘દેવાની ટ્રીક’ આજકાલ આ મહાનગરમાં બહુ પ્રચલિત થઈ
રહી છે.
તાજેતરમાં મુંબઈના સાંતાક્રૂજ પરામાં આવા જ કોઈ બહાના હેઠળ ૩૦૦ વર્ષ જૂનાં એક સાવ તંદુરસ્ત વૃક્ષને વધેરી નાખવામાં આવ્યું હતું. પાલિકા વિભાગની આવી મોડસ ઑપરેન્ડી (કાર્ય પદ્ધતિ) કેટલાંક વૃક્ષપ્રેમીઓની નજરે આવતા પોલીસ સ્ટેસનમાં ‘વૃક્ષની હત્યા’નીએ ફરિયાદ પણ નોંધાવામાં આવી છે.!
વૃક્ષપ્રેમી સંસ્થાઓનો બીજો એક આરોપ ઘણો ગંભીર છે. એમના કહેવા અનુસાર :
વૃક્ષની તબિયતના ખબર-અંતરનાં બહાના હેઠળ અનેક પરાંનાં વૃક્ષોને બહુ સિફતથી ‘ઝેરી રાસાયણ કે પછી ઝેરી ટોર્ડોન હર્બીસાઈડ’ કેમિકલનાં ઈન્જેકશન આપીને એને સુકવી નાખવામાં આવે છે અને પાછળથી આવાં વૃક્ષોને દૂર કરવામાં આવે છે ..! આમ કુદરતી રીતે ‘મરી’ જતાં ઝાડ વિશે ખાસ ઊહાપોહ પણ નથી થતો…
વૃક્ષના આવાં ક-મોત માટે હિંગ – નમકનું મિશ્રણ અથવા તો કોપર સલ્ફેટ અથવા તો ગ્લાયસોફોસ્ફેટ કેમિકલ પણ વપરાય છે.
ગયા મહિને જ બહાર આવેલા એક
અહેવાલ મુજબ મુંબઈના ઘાટકોપર પરા નજીક બનતા હાઈ- વે પર આવા જ વિષ-પ્રયોગ દ્વારા ૪૫૦થી વધુ લીલાછ્મ વૃક્ષોની કરપીણ કતલ કરવામાં આવી હતી!
આના વિશે સત્તાવાર સરકારી તપાસનો આદેશ અપાયો છે, પણ જાણકારો કહે છે કે અમુક કિસ્સામાં નવી બંધાતી ઈમારતના દેખાવમાં અવરોધ બનતાં વૃક્ષોને જે તે બિલ્ડરોએ આપેલી ‘સુપારી’ અનુસાર આવાં વિષ- પ્રયોગ દ્વારા સિફતથી પતાવી દેવામાં આવે છે!
વૃક્ષો એ માનવજાતને કુદરત તરફથી મળેલી એક એવી અણમોલ ભેટ છે, જે ધરતીના પર્યાવરણ માટે એક જડબેસલાક સુરક્ષા ચક્ર છે, પણ માનવી જ એના દુન્યવી સ્વાર્થ માટે એમાં છીંડાં પાડીને ખુદના જ મોતને સામેથી આવકારે છે!