પુરુષસ્પેશિયલ ફિચર્સ

મેં તો મારી વ્યવસ્થા કરી લીધી છે…

નીલા સંઘવી

આ લેખમાળાના સંદર્ભમાં મારે એક વૃદ્ધાશ્રમમાં એક બહેનને મળવાનું થયું. બહેન એકદમ હસમુખા. એમને જોઈને જ વાત કરવાનું મન થઈ જાય એટલે હું એમની પાસે ગઈ અને હસીને પૂછ્યું:
‘કેમ છો?’

‘મજામાં …’ એમણે જવાબ આપ્યો.
‘અહીં જ રહો છો?’

‘આમ તો ‘હા’ અને આમ તો ના’!’.
‘હું સમજી નહીં ’ મેં કહ્યું.

‘હું સમજાવું….’ કહીને એમણે વાત શરૂ કરી.

હું થોડો સમય અહીં રહું છું અને થોડો સમય ઘેર જાવ છું, પણ થોડા સમયથી પરમનેન્ટ અહીં જ રહેવાનો વિચાર છે. મારા પતિનો સ્વર્ગવાસ થયો છે. અમે ચાર બહેન અને બે ભાઈ. બધાં મુંબઈમાં છે. મારે બે દીકરા છે. બંને પરણેલાં છે. એક મહારાષ્ટ્રમાં અને એક કર્ણાટકમાં સ્થાયી થયો છે.

પતિને સ્વર્ગવાસ થયે અઢાર વર્ષ થયા. અમારો જીનિંગ, પ્રેસિંગ અને કુરિયરનો બિઝનેસ હતો. પતિના અવસાન બાદ હું જ એ બિઝનેસ સંભાળતી હતી. કોરોના સમયમાં ચેપ લાગવાના ડરથી દીકરાઓએ કામ કરવાની ના પાડી પછી નથી કરતી. હવે મોટી પુત્રવધૂ આ વ્યવસાય સંભાળે છે. વર્ષમાં હું દોઢેક મહિનો અહીં રહું છું. અમે ચારેય બહેનો અહીં જ ભેગી થઈએ. મારી એક નાની બહેન એના પતિ સાથે અહીં જ રહે છે.

પતિને કેન્સર છે. અહીંનું હવામાન એને ફાવે છે. બહેનોને અને અહીંના લોકોને મળવું મને ગમે છે. અહીંયા એટલું સરસ વાતાવરણ છે કે મેં મારી જગ્યા બુક કરી રાખી છે. હું રહું કે ના રહું દર મહિને પૈસા ભરી દઉં છું. એનું કારણ એ છે કે જો હું મારો ‘મ રાખું નહીં અને અચાનક અટકી જાઉં ત્યારે ગોતવા નીકળું તો આવી સારી જગ્યા કદાચ ન મળે. અહીંના લોકો બહુ સારા છે. બધાં પોઝિટીવ છે. આ લોકોને પણ હું અહીં આવું તે બહુ ગમે છે. એમનું કહેવું છે કે તમારા આવવાથી અહીં પોઝિટીવ વાઈબ્રેશન આવે છે. અહીં અમે વૃદ્ધાશ્રમને બદલે ‘સમવયસ્ક સહેવાસ’ એવો શબ્દ વાપરીએ છીએ. …

અહીં આપણે આ બહેનને જેને આપણે જ્યોતિબહેન કહીશું.

આ જ્યોતિબહેન એમની વાત આગળ વધારતાં કહે છે:

‘હું થોડા સમય માટે અહીં આવું તેનો મારાં બાળકોને વાંધો નથી પણ રોજ હું અહીં રહું તે એમને પસંદ નથી. મને આજનું જનરેશન બહુ પસંદ છે. એ ટ્રાન્સપરન્ટ છે- પ્રેક્ટિકલ છે. પોતાની પસંદ-નાપસંદ વિશે બહુ સ્પષ્ટ છે. નથી ફાવતું તો નથી ફાવતું…એ કંઈ છુપાવતા નથી. વડીલોએ સલાહ માગે તો જ સંતાનોને આપવી જોઈએ. વણમાગી સલાહ નહીં આપવાની. પૂછે ત્યારે જરૂર આપવાની. એમને ટોકવાના પણ નહીં.

પચીસ મહેમાન આવશે તો આજની વહુ કહી દેશે મારાથી નહીં થાય, મમ્મી. તમારે પણ નથી કરવું…અને મારે પણ નથી કરવું. રસોયો બોલાવી લઈશું ! જ્યારે આપણી પેઢી મન મારીને પણ કરે ને પછી મૂંઝાય. મારા દીકરાઓને હું પરમેનન્ટ અહીં રહું તે પસંદ નથી. તે લોકોને ડર લાગે છે કે હું કદાચ કાયમ માટે અહીં રહી જઈશ. એમને ડર લાગતો હશે કે સમાજ શું કહેશે? મારા હિસાબે આ જ નજરિયો બદલવાની જરૂર છે. ઉંમર એનું કામ કરે જ છે. સંતાનો પોતાના પરિવારમાં વ્યસ્ત હોય આપણે એકલા પડી જઈએ, જ્યારે અહીં સમવયસ્ક સહેવાસ ફન્ડા છે તેનો આનંદ લેવા આવું છું. પહેલાં હું એકલી આવતી તેથી મારાં સગાંવહાલાં મને ઠપકો આપતા.

તેથી એકવાર હું મારી નણંદ અને જેઠાણીને લઈને થોડા દિવસ અહીં રહેવા આવી. એમને પણ અહીં ગમ્યું. પછી એ લોકોને મારી વાત સમજાઈ ગઈ ને ઠપકો આપવાનું બંધ કર્યું. હું જ્યારે અહીં આવું ત્યારે મોટે પાયે હાઉઝી કે બીજી કોઈ ગેમ રમાડું. બધાં સાથે મળીને અમે અહીં આનંદ કરીએ છીએ….’

જ્યોતિબહેન આ કેવી સરસ વ્યવસ્થા કરી છે. વેલ એજ્યુકેટેડ અને એક જમાનામાં બહોળો બિઝનેસ સંભાળતાં જ્યોતિબહેનને જીવન કેવી રીતે વ્યતીત કરવું તેનો સુપેરે ખ્યાલ છે. એમને ખબર છે કે અહીં જરાક પણ સાજામાંદા થઈએ એટલે બધાં ભેગાં થઈ જાય, કારણ કે સૌ પાસે સમય જ સમય છે.

આપણી સારવારમાં સૌ પોતાની રીતે મદદરૂપ થાય. હસતાં – રમતાં ઝિંદાદિલ વ્યક્તિત્વ ધરાવતાં જ્યોતિબેન સાથે વાતો કરવાની મજા તો આવી સાથે જીવન સંધ્યા કેવી આગવી રીતે વિતાવવી એની નવી દિશા પણ જાણવા મળી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button