પુરુષ

ગૃહિણી કેટલા કલાક કામ કરે છે?

કૌશિક મહેતા

ડિયર હની,

એક ચર્ચાએ જોર પકડ્યું છે અને એની શરૂઆત મોટા માણસોએ શરૂ કરી છે એટલે એ ચર્ચા લંબાતી જાય છે. કર્મચારીએ કેટલું કામ રોજ કરવું જોઈએ એ વિષે ચર્ચા શરૂ થઈ છે. ‘ઈન્ફોસીસ’ના સ્થાપક નારાયણમૂર્તિએ કહ્યું કે, કર્મચારીએ સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઈએ. આટલું પૂરતું નહોતું તો ‘એલ એન્ડ ટી’ નાં સુબ્રમણ્યમે કહ્યું કે, સપ્તાહમાં 100 કલાક કામ કરવું જોઈએ…

જોકે, એમાં ય એમણે જે પૂરક ટિપ્પણી કરી એ વધુ પડતી હતી. એમણે કહ્યું કે, તમે ઘેર પત્નીના ચહેરા જોતા કેટલો સમય પસાર કરશો? આવી જાવ ઓફિસે ને કામ કરો… સુબ્રમણ્યમ અહીં ફસાઈ ગયા, કારણ કે એમની ટિપ્પણી ખોટી છે. પત્ની એટલે કે ગૃહિણી જે અને જેટલું કામ કરી છે એટલું કોઈ પુરુષ કામ કરતો નથી.અને કોઈ પણ ગૃહિણીનાં કામ કોઈ પુરુષનાં કામ સાથે સરખાવી પણ ના શકાય. એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પણ આ વાતની પુષ્ટિ કરી છે. એક અકસ્માત કેસમાં પુત્રીઓએ વળતરનો દાવો કર્યો અને કોર્ટે 30 લાખથી વધુ વળતર મંજૂર કર્યું. વાત મુદાની છે. તને ખબર છે કે, 3 નવેમ્બરે ‘ગૃહિણી દિવસ’ પણ ઉજવાય છે.એ ઉજવણી તો ઠીક છે, પણ ગૃહિણી જે કામ કરે છે એના પર ધ્યાન દેવા જેવું છે. એ સવારે ઘરમાં સૌથી પહેલા ઊઠી જાય છે. છ સાત વાગ્યે કે એનાથી પણ વહેલા. નાનાં- મોટાં કામ કર્યા બાદ એ બાળકો હોય તો એને તૈયાર કરવા લાગી જાય છે. એનો નાસ્તો તૈયાર કરે છે. બાદમાં ઘરના લોકો માટે અને ઘરમાં બાળકો સિવાય પતિ જ હોય તો એના માટે ચા- પાણી, નાસ્તો બનાવે છે. એ બધામાંથી પરવારી જાય એટલે એ બપોરની રસોઈની તૈયારીમાં લાગી જાય…

હા, બપોરે એને નાનકડો બ્રેક મળે ખરો પણ સાંજે ફરી ડિનરની તૈયારી. અને રાત્રે દસેક વાગ્યા સુધી આ બધું ચાલે છે. એમાં જો મહેમાન આવી જાય તો કામનો એ સમય ગાળો વધી જાય … તું તો જાણે છે પણ છતાં ય કહું કે, એક ગૃહિણી રોજ લગભગ 10 થી 12 કલાક તો કામ કરે જ છે. અને એ કોઈ પણ પુરુષ કર્મચારી આટલું કામ કરતો નથી. કોઈ પણ ઓફિસ હોય કે ફેક્ટરીમાં કામ કરનારા કર્મચારીની કોઈ ગૃહિણી જેટલી જવાબદાર પણ નથી હોતી. બાળકોનો ઉછેર કરવો એ સૌથી મુશ્કેલ કામ છે. ઘરના સભ્યોની સારસંભાળ પણ ઓછી મુશ્કેલ નથી. વળી, કોઈ કર્મચારી તબિયત સારી ના હોય તો રજા લઇ શકે છે પણ ગૃહિણી મોટાભાગે નાની બીમારીમાં તો કામ કરતી રહે છે. એને વીકલી ઓફ પણ નથી હોતો, એટલું જ નહિ, એ પોતાનાં કામના બદલામાં કોઈ વળતર પણ માગતી નથી, છતાં એના કામને ઓછું આંકવામાં આવે છે.


ચાહ નહીં, પાકર ઈસ હફ્તે તુમસે મૈં ગુલાબકોઇ પાઉં ચાહ નહીં,
‘આઇ લવ યૂ ’કહો, ઔર મૈં સુનકર ઈતરાઉં ચાહ નહીં, તુમ ચોકલેટદો ઔર મૈં ગપગપ ખા જાઉં ચાહ નહીં,
ટૈડી બેર પાકર ઉસે શોકેસ મેં સજાઉં ચાહ નહીં, એક તાજમહલ કા વાદાતુમસે પાઉં ચાહ નહીં,
આલિંગનમેં, મૈં તુમ્હારે બંધ જાઉં ચાહ નહીં, ચુંબન તુમ્હારે મૈં અધરો પે સજાઉં મુજે દેના વો ચાદર પ્રિયે…

જિસે તાન મૈં, પૂરા દિન સો જાઉં… ઔર જબ ભી તુમ કિસી કામ કો બોલો,
મૈં બહરી હો જાઉં…મૈં બહરી હો જાઉં !


આ રચના કોની છે એ ખબર નથી પણ એમાં એક ગૃહિણીની લાગણી, સંવેદનાને બખૂબી ઝીલવામાં આવી છે. જ્યારે કોઈ ગૃહિણીનાં કામને તવજ ના મળે ત્યારે એમનામાં આવી લાગણી જન્મે છે. તને પણ આવી લાગણી ક્યારેક થતી જ હશે.

અરે ! ઘરના સભ્યો તો ગૃહિણીની રસોઈની વાત છે ત્યાં સુધી , કોઈ ભૂલ હોય તો ટીકા એકદમ કરે છે, પણ સારી રસોઈના
વખાણ ભાગ્યે જ કરે છે. ઘરના સભ્યો આ મુદે વિચારે એ જરૂર છે. ગૃહિણીની નાનકડી ભૂલ પણ મોટી કરી જોવામાં આવે છે, પણ ઘરમાં પુરુષ નાહ્યા બાદ એનો ટુવાલ પણ યોગ્ય જગ્યાએ સુકવવાની ખેવના કરતો નથી,

એની કોણ ટીકા કરે છે ? ને થાય તો એ બહુ હળવાશમાં થાય છે. આવી વાતોની તો યાદી બનાવી શકાય એમ છે. અને સાચું કહું તો ઘરના બધા સભ્યો સાથે હું પણ આવી જાઉં છું. જાણતા કે અજાણતા હું પણ ટીકા કરતો હોઉં છું અને મારી ભૂલ પર પડદો પાડતો હોઉં છું અથવા તો એ ભૂલ છે એવું માનતો જ નથી. અમે બધા ગૃહિણીના કામકાજને માનથી જોઈએ તો પણ ઘણું છે. -અને હા, નારાયણમૂર્તિ અને સુબ્રમણ્યમ આવા મુદે કોઈકવાર વાત કરે તો કેવું સારું!

તારો બન્ની

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button