પુરુષ

નિર્દોષ સાબિત થયા પછી પણ જાહેરમાંકયાં સુધી ‘આરોપી’ તરીકે જીવવું?

ન કરેલા અપરાધની સજા ભોગવી લીધા પછી પણ એનું પગેરું લોકોની સ્મૃતિમાંથી હંમેશને માટે મિટાવી શકાય?

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

કોરોના કાળ શરૂ થયો એના એકાદ વર્ષ પહેલાં આપણે ત્યાં -ખાસ કરીને, ફિલ્મ – ટીવીની મનોરંજનની દુનિયા સાથે સંકળાયેલી કેટલીક જાણીતી વ્યક્તિઓનાં નામ અચાનક જાહેરમાં ઊછળ્યાં હતાં એક વાદ-વિવાદમાં…

એ વિવાદ હતો ‘મી ટુ’ નો…
પોતાની સાથે ભૂતકાળમાં કોઈ જાણીતી વ્યક્તિએ શારીરિક અડપલાં કર્યા હોય કે જાતીય શોષણ કર્યું હોય એવા જાહેરમાં આક્ષેપ કરવામાં આવે પછી પેલા ‘આરોપી’ પર કાયદાકીય પગલાં લેવાની ચીમકી આપવામાં આવે. અમુકમાં કાયદેસર ફરિયાદ નોંધાય પણ ખરી આવા એક સાથે ઘણા કિસ્સા બહાર આવતાં હું પણ આની શિકાર બની છું’ એવી ફરિયાદ સાથે સોશિયલ મીડિયા પર ‘પોતાને ન્યાય મળે’ એવી જે ચળવળ શરૂ થઈ એ ‘મી ટુ ..’ તરીકે બહુ ગાજી હતી.

હોલીવૂડ-બોલીવૂડની જાણીતી હસ્તીઓના આવા કિસ્સા જાહેરમાં આવે પછી ટીવી – અખબારો -ઈન્ટરનેટ પર ગાજે. આમાંથી અમુક સાવ વાહિયાત ઠરે તો કેટલાક કિસ્સાની અંદરખાને પતાવટ પણ થઈ જાય…
જો કે, એ વાત ત્યાં પૂરી નથી થતી. ખરી સમસ્યા પછી શરૂ થાય છે. ‘મી ટુ…’ થી પણ ગંભીર કહેવાય એવા બળાત્કારના બે કેસમાં ચેન્ન્ઈ તેમ જ કર્ણાટકની હાઈ કોર્ટે બે નોંધનીય કહી શકાય એવા ચુકાદા તાજેતરમાં આપ્યા છે.

ચેન્નઈના વાસુ (નામ બદલ્યું છે) નામના એક યુવાનને બળાત્કારના ગુના બદલ સજા થઈ. આગળ જતાં બળાત્કારનો આરોપ ખોટો ઠરતા એને મુક્તિ તો મળી, પણ ત્યાં સુધી એણે ત્રણ વર્ષ જેલમાં ગાળવા પડ્યા હતા. નિર્દોષ ઠર્યા પછી વાસુનાં લગ્ન થયાં – ત્રણ સંતાનનો એ પિતા બન્યો. એનો સંસાર તો સુખી હતો, પણ બળાત્કારના ખોટા આરોપનો ભૂતકાળ એનો પીછો નહોતો છોડતો. સોશિયલ મીડિયા અને ન્યૂઝ- વેબસાઈટ પર હજુ એ આરોપી’ જ હતો! પરિણામે એને બૅન્ક લોન-વિદેશના વિઝા નહોતા મળતા. પોતાનો ખોટો ભૂતકાળ કોર્ટ તેમ જ અન્ય વેબસાઈટસ પરથી દૂર કરવા અરજી કરી, પણ નીચલી કોર્ટે એ મંજૂર ન રાખી એટલે વાસુ મદ્રાસ હાઈ કોર્ટ ગયો, ‘જ્યાં રાઈટ ટુ પ્રાઈવસી’ એટલે કે એક અદના નાગરિક તરીકે વાસુને ગોપનીયતાનો મૂળભૂત અધિકાર છે એ મુદ્દે એની અરજી મંજૂર થઈ અને એના ખરડાયેલા’ ભૂતકાળની વિગતો કોર્ટ અને અન્ય જાહેર સાયબર સાઈ્ટસમાં દૂર કરવામાં આવી…

આવા જ બળાત્કારના બીજા કિસ્સામાં કર્ણાટકના એક યુવાન મોહન (નામ બદલ્યું છે)નો કોર્ટમાં કેસ ચાલુ હતો.

એકાદ વર્ષ બાદ એ નિર્દોષ છૂટ્યો, પણ એના કેસની બધી વિગત કોર્ટ તેમ જ અખબારોની વેબસાઈટ્સ પર હતી. એના કારણે એની સામાજિક પ્રતિષ્ઠા ખરડાઈ હતી.એના વ્યાવસાયિક જીવન પર એના છાટાં ઊડયા હતા. આ બધામાંથી છૂટવા એણે ‘ગુગલ’ અને અન્ય વેબ સાઈટ્સને નોટિસ ફટકારીને એના કહેવાતા બળાત્કારના કેસની વિગતો દૂર કરવા કહ્યું અને એ થયું પણ ખરું બીજી તરફ, કર્ણાટક કોર્ટે કામચલાઉ રસ્તો કાઢ્યો. કોર્ટની વેબસાઈટ પરથી આરોપી તરીકે મોહનનું નામ ભૂંસી નાખવામાં આવ્યું ( જેથી એ નામ વાંચી ન શકાય), પણ કેસની અન્ય વિગતો યથાવત્ જ રાખવામાં આવી છે.

કોર્ટ કહે છે કે ડિજિટલ પર્સનલ ડાટા પ્રોટેકશન એકટ’ (DPDP) હજુ અમલમાં નથી આવ્યો.

હવે આ જ પ્રકારના કેસનો બીજો જ વિરોધાભાસી સિનારિયો જૂવો ધારો કે તમે એક ગુનો કર્યો છે, જેની જાહેરમાં કબૂલ કરવા છતાં – પોતાની ભૂલની સજા ભોગવવાની તૈયારી હોય – સજા ભોગવી પણ લો, છતાં લોકો ભૂલે નહીં અને સતત વગોવ્યા કરે ત્યારે શું..?

આવી જ એક ઘટના ઘણા સમયથી વાદ-વિવાદ ને ચર્ચામાં છે. ‘રોડિસ’ અને ‘બિગ બોસ’ રિયાલિટી શોમાં વિજેતા એવો ઠીક ઠીક જાણીતો મોડલ – અદાકાર આશુતોષ કૌશિક દિલ્હી હાઈ કોર્ટ સમક્ષ એક અરજી લઈને ગયો કે ‘બિગ બોસ’ શૉમાં એણે કેટલાક પ્રતિસ્પર્ધીઓ સાથે ઘણું બેહૂદું અને નિર્લજ વર્તન કરેલું. એ માટે એ ખાસ્સો બદનામ પણ થયેલો. પાછળથી શૉ દરમિયાન એણે માફી પણ માગી લીધી હતી-શો દરમિયાન એને થયેલી સજા પણ ભોગવી લીધી હતી. આ ઘટના થોડાં વર્ષ પહેલાંની છે. એ પછી નશાની હાલતમાં કાર ડ્રાઈવ કરવાથી લઈને ગાળાગાળી-મારામારી જેવાં બીજા કિસ્સાઓ માટે પણ આશુતોષ બહુ વગોવાયેલો હતો.

આ પછી આશુતોષ કોર્ટ સમક્ષ એવી અરજી લઈને ગયો: ‘માણસ માત્ર ભૂલને પાત્ર… ભૂતકાળમાં મેં અનેક શરમજનક ભૂલો
કરી છે-એની સજા ભોગવી છે-માફી સુધ્ધાં માગી છે.

મારી રીતભાત -વર્તણૂક સુધારી છે, પણ હજુય મારો ભૂતકાળ પીછો છોડતો નથી.’
આ વાત સમજાવતા આશુતોષે કહ્યું કે મેં ભૂતકાળમાં જે જે અણછાજતું કર્યું એ બધાની લાઈવ – જીવંત નોંધ ઈન્ટરનેટ પર છે. મારી બદનામ વીડિયો-ફોટા-લખાણ હજુ કોઈ પણ જોઈ-વાંચી શકે છે… સાઈબર સ્પેસ પરની મારી આ પ્રકારની મોજૂદગી મારા અને મારા પરિવાર માટે ઘણી ક્ષોભજનક છે.. આ બધું મારા અંગત અને એકટર તરીકે મારા જાહેર જીવનમાં નડતરરૂપ છે.

આ અને આના જેવાં બીજા મુદા લઈને આશુતોષ કૌશિકના વકીલે દિલ્હી હાઈ કોર્ટ સમક્ષ ન્યાય ક્ષેત્રે એક નવા જ પ્રકારની ચર્ચા જગાડી. એના વકીલની દલીલ હતી કે બંધારણ મુજબ પ્રત્યેક ભારતીયને ‘રાઈટ ટુ પ્રાઈવસી’ એટલે કે ગોપનીયતાનો મૂળભૂત અધિકાર છે. એવો જ ‘રાઈટ ટુ ફરગોટન’ના કાયદા મુજબ પોતાની જૂની વાત-કિસ્સા-ફોટા- વીડિયો ઈત્યાદિ જેવી વિગતો, જે મારા ક્લાઈન્ટ માટે મુશ્કેલી સર્જે છે એને પણ જાહેરમાંથી હંમેશ માટે દૂર કરવાનો હક મારા અસીલને મળવો જોઈએ…! ’

અહીં રસપ્રદ મુદ્દો એ છે કે કેટલાક ન્યાય વિશેષજ્ઞો પણ સૂચવે છે કે જેમ વ્યક્તિગત ગોપનીયતા મૂળભૂત અધિકાર છે તેમ અસીલની જાહેર વાત ભૂલાવી દેવી કે દૂર કરવી એનો પણ હક અસીલને મળવો જોઈએ.
હકીકતમાં આ પ્રકારનો ‘ડિજિટલ પર્સનલ ડાટા પ્રોટેકસન એકટ’ (DPDP) ને બે વર્ષ પહેલાં એક આપણી સંસદે માન્યતા આપી દીધી છે, પણ હજુ સુધી એ અમલમાં આવ્યો નથી. આમ છતાં જુદાં જુદાં રાજ્યોની હાઈ કોર્ટ એનો આંશિક અમલ કરી રહી છે ખરી. સત્તાવાર રીતે, આ કાયદો લગભગ આ જુલાઈ-ઑગસ્ટ- ૨૦૨૪ના જ અમલમાં આવી જશે.

દિલ્હીના આશુતોષ કૌશિક જેવો જ એક બીજો કેસ પણ સામે આવ્યો હતો. એક જાણીતી બંગાળી અભિનેત્રીએ પણ દિલ્હી હાઈ કોર્ટમાં અપીલ કરી હતી કે એક નિર્માતા- દિગ્દર્શક સાથે થયેલા કરાર મુજબ એક વેબ સિરીઝ માટે થોડું શૂટિંગ થયું હતું. પાછળથી એ પ્રોજેક્ટ પડતો મૂકાયો, પણ એ પછી અભિનેત્રીની પરવાનગી વગર એની કેટલીક વધુ પડતી ‘બોલ્ડ’ વીડિયો યુટ્યૂબ સહિત ઈન્ટરનેટ પર ફરતી થઈ, જેને કારણે પોતાની બદનામી થતી હોવાથી અભિનેત્રીએ એને જાહેરમાંથી દૂર કરવા કોર્ટને અપીલ કરી અને કોર્ટે ‘રાઈટ ટુ બી ફરગોટન’ની એ રૂએ વાત માન્ય રાખી.

અહીં વિચારવા જેવો મુદ્દો એ છે કે કોઈ અપરાધી એનો ગુનો કબૂલી લે – સજા ભોગવી લે અને પછી ન્યાયના દરવાજા
ખખડાવી કહે: મારો તો બધો હિસાબ ચૂકતે થઈ ગયો, છતાં મારાં કરતૂતોની કહાણી વીડિયો-ફોટા- લેખરૂપે હજુ જાહેરમાં છે એનાથી મારી બદનામી થાય છે તો મને પણ ‘રાઈટ ટુ બી ફરગોટનનો લાભ મળવો જોઈએ…!’

જો આવી અરજીઓ માન્ય રાખવામાં આવે તો સજા પામેલા અપરાધીઓનો ઈતિહાસ જ ન્યાયતંત્રના ચોપડેથી હંમેશને માટે ગાયબ થઈ જાય-ભૂંસાઈ જાય!

  • તો આવા કિસ્સામાં આપણાં ન્યાયાલય શું ચુકાદો આપે છે એ જાણવું જરૂર રસપ્રદ બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button