પત્નીને પત્રઃ આવો સંબંધ કેટલો ટકે?
કૌશિક મહેતા
ડિયર હની, આપણા સામાજિક સંબંધોમાં જે રીતે પરિવર્તન આવી રહ્યું છે એ ગળે ઊતરે એવું નથી. આ પરિવર્તન સામાજિક તાણાવાણા તોડી શકે એવી શક્યતા પૂરી પૂરી છે. કેટલાક કિસ્સા સાંભળીએ કે જાણીએ ત્યારે એમ લાગે છે કે, સામાજિક સંબંધો ક્યાં જઈ પહોંચશે? ખાસ કરીને, આજની યુવા પેઢી આ વિષે શું વિચારે છે અને સમજે છે એ જાણી લેવા જેવું છે. બે કિસ્સાની વાત કરવી છે જેમાં આ વાતનું પ્રતિબિંબ પડે છે.
છોકરા અને છોકરી જ્યારે સંબંધ મુદે એકબીજાંને મળે છે ત્યારે શું વાતચીત થાય છે? કેવા પ્રશ્નો એકબીજાને પુછાય છે? આપણે આપણા સંબંધ માટે મળેલા ત્યારે જે પૂછ્યું હતું એવું આજે હવે રહ્યું નથી. આજની પેઢી શિક્ષિત છે અને સારું કમાતી-ધમાતી થઈ છે એ જરા જુદી રીતે વિચારે છે.
આપણે કલ્પના કરીએ નહિ એવા પ્રશ્નો પુછાય છે. એક છોકરી અને છોકરો મળ્યાં અને એમની વચ્ચે બન્નેની નોકરી અંગે વાતચીત થઈ. શોખની વાત થઈ અને છેલ્લે છોકરીએ સવાલ કર્યો કે, ‘ઘરમાં ડસ્ટબિન કેટલાં?’ પેલો છોકરો સવાલ ના સમજ્યો. એણે વળતો સવાલ કર્યો કે, ‘ડસ્ટબિન એટલે?’ છોકરીના ચહેરા પર જે ભાવ આવ્યા એ દર્શાવતા હતા કે છોકરો કાંઈ જાણતો નથી. છોકરી કહે: ‘એટલી ખબર નથી?’ છોકરો કહે: ‘ના.’ છોકરીએ ફોડ પાડતાં કહ્યું કે, ‘હું એમ પૂછું છું કે, ઘરમાં વૃદ્ધો કેટલાં?’ એ પછી છોકરાને ખ્યાલ આવ્યો કે, આ તો એનાં મા-બાપ અને મા-બાપનાંય મા-બાપ વિષે પૂછે છે. છોકરો એ વિશે વાત કરે છે ત્યારે છોકરી આશ્ચર્ય સાથે કહે છે: ‘ઓહ, એટલાં બધાં?! તો તો મને નહિ ફાવે….’ અને ત્યાં વાત અટકી પડે છે.
તનેય થતું હશે કે આવું કોઈ કઈ રીતે કહી શકે? પણ આવું સાંભળવા મળે છે. આજની યુવા પેઢી માટે પરિવારની વ્યાખ્યા સીમિત બનતી જાય છે. એ હુતો-હુતી અને બહુ બહુ તો એમનું એકાદ સંતાન. ઘણાં તો સંતાન પણ ઇચ્છતાં નથી. અલબત્ત, એ એમની પસંદગી છે, પણ મા-બાપની એમાંથી બાદબાકી થઈ જાય એ કેવું! આજે છોકરીઓ બહુ ડિમાન્ડિંગ થઇ ગઈ છે એવી ફરિયાદ છે. હા, છોકરીઓ ભણે છે, સારું કમાય છે એટલે એ ડિમાન્ડ કરી શકે છે, પણ મા-બાપની બાદબાકી?
જોકે, આવું માત્ર છોકરીઓમાં છે એવું નથી. છોકરા પક્ષે પણ છે. એક કિસ્સામાં એવું બન્યું કે, છોકરાં-છોકરી વચ્ચે બધી વાતચીત થઈ. બંને એકબીજાને પસંદ પડ્યાં અને વધુ મીટિંગ માટે સહમત થયાં એમાં છોકરીના પિતાની વાત આવી. પિતા પથારીવશ અને એમનો રોગ એવો કે, એમાંથી રિકવરી થવાના ચાન્સ ઓછા હતા. છોકરીએ આ વિષે વાત કરી. એનું કહેવાનું એમ હતું કે, મારી એ જવાબદારી છે કે, પિતાની સારસંભાળ કરું.
Also read:મેં તો મારી વ્યવસ્થા કરી લીધી છે…
છોકરીની વાત વાજબી હતી, પણ છોકરાને વાત ગળે ના ઊતરી. એણે ઘેર જઈ માતાને વાત કરી તો એમનેય પસંદ ના પડી. માતાએ કહ્યું કે, ‘એ ના પોસાય….’ માતા કહે: ‘મારો દીકરો વહુના મા-બાપની સેવા કરતો રહે એ કેવું!’ અરે! આ તે કેવી માનસિકતા…? કોઈ યુવતી તમારે ઘેર આવી અને એડજસ્ટ થાય છે, તમને સ્વીકારે છે તો એનો પતિ એનાં સાસરિયાંની સારસંભાળ કેમ ના લઈ શકે? આ તો સાવ સામાન્ય સમજણનો સવાલ છે, પણ પુરુષપ્રધાન સમાજની આ માનસિકતા છે. એ બદલાતી નથી અને મહિલાઓ પણ એનાથી ગ્રસ્ત છે. આવા કિસ્સાઓનો પાર નથી.
એક કિસ્સામાં છોકરીને છોકરો ગમ્યો. બે ત્રણ મીટિંગ પણ થઈ અને વાત ક્યાં અટકી ખબર છે? છોકરો ધનવાન પરિવારનો અને બિઝનેસમાં કાકા-બાપાનાં સંતાનો સાથે. છોકરીએ પૂછ્યું : ‘તારા નામે કોઈ સંપત્તિ ખરી? ફ્લૅટ કે પછી બીજું કંઈ?’ છોકરો કહે: ‘ના અમારી બધી મિલકત સંયુક્ત છે.’ છોકરી કહે: ‘આપણે અલગ થવાની સ્થિતિ આવી તો તારા નામે કાંઈ ન હોય તો આપણે ક્યાં જઈએ?’ અને એ વાત અટકી પડી.
આ રીતે કોઈ બેની સાથે જિંદગી કઈ રીતે શરૂ કરી શકે? આવી શરતો હોય તો એ સંબંધ કઈ રીતે ટકે? અને ટકે તો કેટલો સમય? કદાચ આવી જ ખોટી સમજણનાં કારણે લગ્નો ટકતાં નથી અથવા તો પરિવારો તૂટે છે. પશ્ચિમમાં વિભક્ત પરિવાર એ સામાન્ય ઘટના છે. ત્યાં પતિપત્ની સાહજિકતાથી છૂટા પડે છે, પણ ભારતમાં સામાજિક વ્યવસ્થા અલગ છે. આજે સંયુક્ત પરિવારના નુકસાન કરતાં ફાયદા વધુ છે. ઘણાને એમ થાય છે કે, એમાં વ્યક્તિને પૂરતી સ્પેસ મળતી નથી, પણ એ વાત દરેક કિસ્સામાં સાચી નથી હોતી. સંયુક્ત પરિવારના ફાયદા શું? એ વિષે ક્યારેક નિરાંતે લખીશ. મને તો છોકરા-છોકરી આજે જે રીતે વિચારે છે એની વાત કરવી હતી અને આ વાત ક્યાં જઈ અટકશે? એની ચિંતા છે.
તારો બન્ની