ચેટિંગના આ સમયમાં ચેન્ટિંગનું મહત્ત્વ કેટલું?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
એક બહુ સરસ વાક્ય વાંચવા મળ્યું:
સ્ટોપ ચેટિંગ… સ્ટાર્ટ ચેન્ટિંગ! ’
પહેલી નજરે અત્યંત સાદું લાગતું આ વાક્ય એકથી વધુ બહુ ઊંડા અર્થ ધરાવે છે. માત્ર અર્થ જ નહીં, આ નાનકડું વાક્ય આજની અનેક સમસ્યાઓનો ઉકેલ પણ છે, કારણ કે આપણે આજકાલ અત્યંત ડિપ્રેસ્ડ છીએ- અત્યંત ઉચાટમાં છીએ અને હવે આપણને કશુંય રોમાંચક નથી લાગતું અને આ બધું થવા પાછળનું કારણ એક જ છે કે આપણે હવે રિઅલ વર્લ્ડમાં ઓછા અને વર્ચ્યુઅલ વર્લ્ડમાં વધુ જીવીએ છીએ. વળી, આ વર્ચ્યુઅલ વર્લ્ડ- આભાસી દુનિયામાં પણ આપણે એ જ કરતા હોઈએ છીએ, જે આપણે નથી કરવાનું હોતું એટલે કે આપણે ક્યાં તો નકામી રિલ્સ અને નકામા સ્ટેટ્સ જોતા રહેતા હોઈએ છીએ અથવા તો આપણે નકામું, કારણ વિનાનું ચેટિંગ કરતા રહીએ છીએ. આ બધું કરતી વખતે આપણને પાછું એમ લાગતું હોય છે કે આપણે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ અથવા તો નેટવર્કિંગ કરી રહ્યા છીએ, પરંતુ જો મોબાઈલ કે સોશિયલ મીડિયા પરના આપણા કુલ સમયનો સરવાળો કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે મોટાભાગનો સમય બરબાદ કર્યો છે. સમય બરબાદ કર્યો એ તો સમજ્યા, પરંતુ એ સમય દરમિયાન આપણે આપણી વિચારપ્રક્રિયાને આપણી લાગણી પર અત્યંત ખરાબ અસર કરતા હોઈએ છીએ. આને રોકવા -અટકાવવા આપણે જો કોઈ પોઝિટિવ ચેન્ટિંગ -સકારાત્મક રટ પકડીએ તો ઘણો ફરક પડી જાય.
આજે આપણા જીવનમાં જે કોઈ ઉચાટ છે, જે કોઈ નિરાશા છે કે જે કોઈ ઉશ્કેરાટ છે એનું કારણ આપણો વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ જ છે, કારણ કે સોશિયલ મીડિયા આપણને જેટલું બહારના જગત કે બહારના ઘોંઘાટ સાથે જોડે છે એટલું જ એ આપણને આપણી જાતથી દૂર પણ લઈ જાય છે. આમ જાતથી દૂર થયેલો માણસ ક્યારેય સુખી, સંતુષ્ટ કે શાંત રહી શકતો નથી. એ આપણે સમજી જવું પડશે કે આપણને એવું લાગે છે કે નેટવર્કિંગ કે સોશિયલ મીડિયા અત્યંત મહત્ત્વનું છે, પરંતુ મહત્ત્વનો તો માત્ર તેનો જરૂર પૂરતો ઉપયોગ છે. એ સિવાય આપણે જે કંઈ વધારાનું કરીએ છીએ એ આપણી જાતથી વિમુખ થવાની વત્તા દુ:ખી થવાની પ્રક્રિયા છે.
એની સામે ઈશ્ર્વરનું સ્મરણ અથવા તો ગ્રેસ્ટિટ્યુડ-કૃતજ્ઞતાનો ભાવ હંમેશાં આપણને આપણી જાત સાથે જોડેલા રાખે છે. જો કોઈ ઈશ્ર્વરમાં ન પણ માનતું હોય તો એ પોતાની જાત સાથે જોડેલા રાખે છે અને જે જાત સાથે જોડાયેલો રહે છે એના પગ અને ખાસ કરીને એનું મન હંમેશાં જમીન પર રહે છે, જેને કારણે એ કારણ વિનાના વિચારોથી કે કારણ વિનાના ભયથી દૂર રહે છે અને એ વાસ્તવિકતા સાથે અત્યંત સરળતાથી કામ પાર પાડી શકે છે.
આખરે આપણી આજની તકલીફ તો એ છે કે આપણે વર્તમાનમાં છીએ જ નહીં. આપણે ક્યાં તો ભૂતકાળના ભારથી લદાયેલા છીએ અથવા તો મનમાં જ કશુંક ધારીને જીવતા રહેતા હોઈએ છીએ, જે ઘટી જ નથી કે જે ઘટવાની જ નથી. એ બધા વિશે પણ આપણે એટલો બધો વિચાર કરીએ છીએ કે આપણી એ વૃત્તિ આપણને અંતે માનસિક અને શારિરીક રીતે અત્યંત કમજોર કરી દે છે. આપણી આ વૃત્તિને કારણે આપણો કોન્ફિડન્સ પણ અત્યંત ઘટી જાય છે અને તેના કારણે આપણી નિર્ણયશક્તિ કે મક્કમતા પણ ડગી જાય છે.
- તો આના મૂળ ક્યાં છે? તો કે એના મૂળ માત્ર ને માત્ર આપણા વધુ પડતા સોશિયલ મીડિયાના વપરાશમાં છે. આવા સમયે જો આપણે ઉપરોક્ત કહેલાં વાક્યને અનુસરીએ તો? ચેટિંગ છોડીને ચેન્ટિંગ પર ધ્યાન આપીએ તો? તો આપણા જીવનના નેવું ટકા પ્રશ્ર્ન હલ થઈ જશે અને આપણે અત્યંત સુખથી, અત્યંત સંતોષથી અને અત્યંત શાંતિથી જીવી શકીશું ફોર સ્યોર!