પુરુષ

આવડું બેવડું ધોરણ ક્યાં સુધી…?

આપણે ‘માલ’ કે ‘આઈટમ’ પણ કહેવું છે અને બળાત્કારના વિરોધમાં રસ્તાઓ પર પણ ઊતરવું છે તો એ દોગલાઈ નહીં ચાલે.

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

વિરોધનો આવા દેખાવો હવે માત્ર દેખાવ બનીને રહી ગયા છે

આપણો સમાજ દોગલાઈનો દરિયો છે. સમાજ તરીકે આપણે એટલા દુષ્ટ અને નિંભર છીએ કે આપણે ઉત્પીડનની અત્યંત ગંભીર ઘટનાઓને પણ રાજકીય દૃષ્ટિકોણથી જ મુલવીએ છીએ. આપણે મણિપુરની મહિલાઓના પ્રશ્ર્નને લઈને અત્યંત સિફતપૂર્વક ચૂપ રહી શકીએ છીએ અથવા તો બિલ્કિસબાનોના કિસ્સામાં આંખ આડા કાન કરી શકીએ છીએ. વળી, આપણી નિંભરતા માત્ર રાજકીય જ નથી, પરંતુ આપણે સામાજિક- આર્થિક બેકગ્રાઉન્ડની દૃષ્ટિએ પણ આપણી સીમિત સંવેદનશીલતાનો ઉપયોગ કરીએ છીએ, નહીંતર નિર્ભયા કે કોલકાતા કે હૈદરાબાદ કેસમાં આપણે જે રીતે ઉકળી ઊઠીએ છીએ અને દેખાવો કરીએ છીએ એવા દેખાવો શહેરોમાં રોજ થતાં મજૂરની દીકરીઓ સાથે બળાત્કારોમાં નથી કરતા. કારણ કે કદાચ એ કેસ હાઈપ્રોફાઈલ નથી હોતો અને એટલે જ ઘણીવાર બળાત્કારના કિસ્સાઓ વખતે જે આંદોલનો થાય છે એ દેખાવો કરતાં દેખાડો વધુ લાગતા હોય છે અને આંદોલન કરનારાઓ આપણે છીએ કોણ? એ જ લોકો, જે ‘ઈન્ટાગ્રામ’ની રિલ્સમાં સ્ત્રી પર થતી ભદ્દી મજાકોને એકબીજાને શેર કરતા હોઈએ છીએ? આપણે છીએ કોણ? જે છોકરીઓને ‘માલ’- ‘આઈટમ’ કે ‘ટોટા’ શબ્દો વાપરીએ છીએ અને એકબીજાને તાળીઓ આપીએ છીએ? કે પછી એ લોકો જે આમ સ્ત્રી સ્વાતંત્ર્યતાની વાતો કરીએ છીએ, પરંતુ જો સ્ત્રી સહેજ ટૂંકા કપડાં પહેરીને નીકળી હોય તો એને ધારીધારીને જોઈ લઈએ છીએ અને એ પણ એવી રીતે જોઈએ છીએ કે આપણી નજર જ એની માટે કેદખાનું થઈ જાય છે !

યુ સી, આવો દેખાવો તો આપણે સદીઓથી કરતા આવીએ છીએ, પરંતુ શું એનાથી સ્ત્રીઓ પરના અત્યાચારોમાં કોઈ ફરક પડ્યો છે ખરો ? પાછલાં વર્ષોમાં તો શિક્ષણ ક્ષેત્રે આપણે ખાસ્સી પ્રગતિ કરી છે, અહીં વિધિની વક્રતા એ છે કે કોલકાતામાં જે ભણી છે એ તો ભોગ બની જ છે, પરંતુ એના પર જેણે અત્યાચાર કર્યા છે એ પણ ભણેલા છે ! તો એનો અર્થ તો એ થયો કે આપણી શિક્ષણવ્યવસ્થાને પણ સ્ત્રીઓ પર થતાં અત્યાચારો સાથે નિસ્બત નથી. તો પછી આવી ઘટનાને નિસ્બત શેને છે? તો એનો એક જ જવાબ છે કે આ ગંભીર સમસ્યાને નિસ્બત છે ઉછેર સાથે, કારણ કે યોગ્ય ઉછેર જ સ્વસ્થ સમાજ વ્યવસ્થા ઘડી શકે છે. બાકી શિક્ષણની તો આમાં કોઈ તાકાત નથી એ આપણે જોઈ લીધું એટલે આપણે જ દીકરાઓને શીખવવું પડશે કે સ્ત્રીઓ કે છોકરીઓ કોઈ વસ્તુ નથી કે આપણે એમને ‘માલ’ કે આઈટમ’ કહીએ. આપણા પતિઓને, પિતાઓને કે ભાઈઓને પણ રોકવા પડશે કે તમે સ્ત્રીને કે પત્નીને લઈને ભદ્દી મજાક નહીં કરો. એ જ રીતે, આપણો દીકરો રડવા બેસે અથવા તો એ કોઈક ફરિયાદો કરે ત્યારે એને એમ કહેવાનું ટાળવું પડશે કે આ શું છોકરીઓની જેમ રડવા બેઠો?’ કારણ કે આવું કહીએ ત્યારે એના મનમાં એક ભેદભાવ ઊભો થઈ જાય છે કે જે નબળા હોય એ રડે અને છોકરીઓ નબળી છે એટલે જ મારા પેરેન્ટ્સ મને કહે છે કે છોકરીઓ જેવું રડવાનું બંધ કર !

આપણે આ મુદ્દે આપણી સંવેદનાઓને પણ સાર્વત્રિક કરવી પડશે. આપણે સમજવું પડશે કે ઉત્પીડન એટલે ઉત્પીડન. એને કોઈ પણ સંજોગોમાં રાજકીય કે સામાજિક કે આર્થિક કારણોથી વિભાજિત નહીં કરી શકાય, કારણ કે આપણે જ્યારે આપણી રાજકીય વિચારધારાને કારણે અથવા આર્થિક બેકગ્રાઉન્ડના આધારે મહિલાઓના ઉત્પીડન વખતે ચૂપ રહીએ છીએ ત્યારે પણ આપણે સમાજમાં એક ચોક્કસ વર્ગને છૂટો દોર આપીએ છીએ કે આવું તો કરી શકાય !

બાકી, કાયદાઓ તો આપણે બહુ લાગુ કર્યા અને સુરક્ષાના નામે નિયમો પણ બહુ બનાવ્યા, પરંતુ પુરુષની અંદરની હેવાનિયતને હવા મળતી જ રહી છે. એમાં કોઈ જ ફરક નથી પડ્યો. આનું કારણ માત્ર એટલું જ છે કે સમાજ તરીકે ઉત્પીડનને લઈને આપણે કેટલા જુદા જૂદા મન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો