નિરંતર ફરતા આ કાળચક્રમાં આપણો સમય કેવોક વીતે છે?
મેલ મેટર્સ – અંકિત દેસાઈ
ગીતાના એક અધ્યાયમાં કાળચક્રની વાત કરાઈ છે. એમાં કહેવાયું છે કે બ્રહ્માનો એક દિવસ એટલે પૃથ્વીલોકના હજાર યુગ. અને એ જ રીતે બ્રહ્માની એક રાત એટલે પૃથ્વી પરના એક હજાર યુગ! આ બાબતે અગેઈન આપણે આધ્યાત્મિક કે ધાર્મિક દૃષ્ટિથી નથી જોવાની થતી. એટલા માટે નહીં કે આ બાબત ધાર્મિક છે એટલે એમાં ગપગોળા હશે. સનાતન ધર્મ કોઈ પણ ગપગોળાને અવકાશ નથી. પુરાણકાળમાં તો ઠીક છેક યુગો પછી તુલસીદાસ જ્યારે હનુમાન ચાલીસાની રચના કરે છે ત્યારે આજના ડિફાઈન્ડ લાઈટ યર્સને ભારતીય પ્રમાણો દ્વારા પ્રમાણિત કરે છે અને કહે છે, ‘જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીયો તાહી મધુર ફલ જાનુ’. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના લાઈટયર્સનું અંતર જો ત્યારે તુલસીદાસજી આપી શકતા હોય તો સાક્ષાત કૃષ્ણે કહેલી ગીતામાં કાળને આ રીતે ડિફાઈન કરાય તો એમાં તથ્ય હોય જ.
પરંતુ આપણે હાલમાં ભૌતિક અને ઉપરછલ્લી વાત કરી રહ્યા છીએ એટલે આપણે એની ધાર્મિકતાની ચર્ચા કરવી નથી. કૃષ્ણની હજાર યુગવાળી એ વાતને ગાંધીજી ‘અનાસક્તિ યોગ’માં અત્યંત સુંદર રીતે આપણા કામ અને આપણી વૃત્તિઓ સાથે સાંકળે છે. તેઓ કહે છે કે જો આપણા હજાર યુગ બ્રહ્માનો એક દિવસ છે તો આપણા રાતદિવસના ચોવીસ કલાકો એ એક ક્ષણ કરતા પણ અત્યંત સૂક્ષ્મ છે. એનો અર્થ થયો કે એ ચોવીસ કલાકમાં અને એવા અનેક ચોવીસ કલાકોના વર્ષો કે દાયકાઓમાં આપણે વીતાવેલું જીવન અત્યંત ક્ષુલ્લક છે. તો પછી એવી સ્થિતિમાં આપણે એમ માનતા હોઈએ કે આપણી પાસે બહુ મોટી સત્તા છે અથવા આપણે જ હોશિયાર અને બીજા બધા ખરાબ એવું માનીને અહમ્ને પોષ્યા કરવો એ કેટલી મોટી ગેરમાન્યતા છે.
આવા સમયે પ્રકૃતિ આપણી વૃત્તિઓ અને વલણ સામે અટ્ટહાસ્ય કરે છે. કે કરોડો જીવોના હજારો યુગોને જ્યારે કાળચક્રની સામે સૂક્ષ્મ કણ જેટલી પણ વીસાત નથી ત્યારે એક માણસ તેનો મસમોટો અહમ્ કે મસમોટું અભિમાન લઈને ફરે એ કેવું હાસ્યાસ્પદ લાગે! કારણ કે જેઓ એમ માને છે કે અમે જ હોશિયાર કે અમે જ કંઈક છીએ કે અમે જ સત્યના પૂતળા છીએ એમની અહીં કોઈ ગણતરી જ નથી. તો પછી આ બધુ મનમાં રાખીને જવું ક્યાં? અને એ બધું અભિમાન કે અહમ્ બતાવો છો કોને?
એના કરતા ગાંધીજી કહે છે કે જો આપણી કહેવાતી સત્તા કે કહેવાતી હોશિયારીની કોઈ કિંમત નથી તો પછી આપણે આત્માનું દર્શન શું કામ ન કરવું? બીજાને પ્રેમ શું કામ ન કરવો? કે બીજાની સેવા શું કામ ન કરવી? આવું કરતા બીજું કંઈ મળે કે ન મળે, પરંતુ આપણા મનને તો શાંતિ મળશેને! કે આપણે આ જીવનમાં નીતિ પકડીને ચાલીએ તો? તો આપણે ખરો આનંદ માણી શકીશું. તો આપણે પહેલાં આપણી જાતને અને પછી ઈશ્ર્વરને કે આ બ્રહ્માંડની અસીમતાને પામી શકીશું. અને આપણે ભૌતિકતાથી સેંકડો કિલોમીટર દૂર થઈને આપણી જાત સાથે સૌથી વધુ આનંદ કરી શકીશું. આવું થશે ત્યારે આપણે આપોઆપ અમુક કજિયા, અમુક સ્પર્ધા કે અમુક નકામા લોકોથી દૂર થઈ જઈશું અને પૂરી પ્રતિબદ્ધતા, પૂરા ઈન્વોલ્વમેન્ટ સાથે આપણું જીવન જીવી શકીશું.
પરંતુ આપણે છીએ કે આપણે જાણે આ સમયના રાજા છીએ અને સમય આપણો ગુલામ હોય એમ આપણી વાસનાઓ, આપણી ગેરમાન્યતાઓ, આપણા ક્રોધ, આપણા અભિમાન કે આપણા અહમ્ને છૂટો દોર આપી દઈએ છીએ અને આખી જિંદગી નકામી બાબતોમાં ઉલઝેલા રહીએ છીએ. જેમાં થાય છે એવું કે આપણે આપણી જાતને ઓળખી જ નથી શકતા કે આ નાનકડા પ્રવાસમાં આપણી જાતને શું જોઈએ છે અને તેને કેવો આનંદ જોઈએ છે! એક વાર જો આપણે જાણી લઈશું કે આ વિશાળ કાળચક્રમાં આપણી કોઈ વિસાત નથી તો આપણને આપોઆપ અમુક બાબતોથી મુક્તિ મળી જશે અને આપણી જીતની, આપણા આનંદની અને આપણી સ્વતંત્રતાની શરૂઆત થાય છે. ઉ