પુરુષલાડકી

ભારતની વીરાંગનાઓઃ ભારતની પ્રથમ મહિલા વિધાનસભ્ય: મુત્તુલક્ષ્મી રેડ્ડી

-ટીના દોશી

ભારતની પહેલી મેડિકલ ગ્રેજ્યુએટ, પહેલી હાઉસ સર્જન, મદ્રાસ વિધાન પરિષદની પહેલી મહિલા ઉપાધ્યક્ષ અને ભારતની પહેલી વિધાન સભ્ય… કેટલીયે પહેલ કરનાર મહિલા તરીકે ઓળખાય છે એ !

મુત્તુલક્ષ્મી રેડ્ડીને મળો… મહિલા તબીબ અને વિવિધ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનાર સામાજિક કાર્યકર. છોકરાઓની શાળામાં પ્રવેશ મેળવનાર પહેલી મહિલા. પિતા એસ. નારાયણસ્વામી આયર શિક્ષિત આગેવાન અને સમાજસેવી હતા. તેઓ અંગ્રેજી સાહિત્યના વિદ્વાન પ્રાધ્યાપક અને તમિળનાડુમાં આઝાદી પૂર્વેના એક નાનકડા રાજ્ય પુદુકોટ્ટામાં મહારાજા કોલેજનાં આચાર્ય હતા. માતા ચંદ્રમ્માલ દેવદાસી રહેલાં.

મધ્યમવર્ગીય કુટુંબનું આ સંતાન અભ્યાસમાં તેજસ્વી હતું. ભણવામાં તેમનો રસને જોઈને પુડ્ડુકોટ્ટાઈના રાજા માર્તંડ ભૈરવ થોંડમને તેમને હાઈસ્કૂલમાં પ્રવેશની પરવાનગી આપી અને સ્કોલરશિપ પણ આપી. એ સમયે તે શાળામાં એકમાત્ર વિદ્યાર્થિની હતાં. તેમણે ૧૯૦૩માં મેટ્રિક અને ૧૯૦૫માં ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી.

૧૯૦૭માં તેમણે તબીબી વિદ્યાના ક્ષેત્રે પ્રવેશ મેળવ્યો ત્યારે તેમને હતોત્સાહ કરતું વાતાવરણ હતું; પરંતુ ૧૯૧૨માં મદ્રાસ મેડિકલ કોલેજમાં સર્જરી વિષયમાં સોમાંથી સો ગુણ મેળવી પહેલા ક્રમે આવીને અને ગોલ્ડ મેડલ મેળવીને તેમણે સૌને દંગ કરી દીધાં હતાં.

આમ છતાં મહિલા વિદ્યાર્થિની તરીકે તેમનો વર્ગ અલગ રહેતો અને તેઓ એ વર્ગનાં એકમાત્ર વિદ્યાર્થિની હતાં. કેટલાક વરિષ્ઠ પ્રાધ્યાપકો તેમને સર્વસાધારણ-જનરલ વર્ગમાં પ્રવેશવા દેવા તૈયાર નહોતા. આ બધું હોવા છતાં મેડિકલ કોલેજના અભ્યાસનાં વર્ષો દરમિયાન મોટા ભાગના ગુણવત્તાનાં ચંદ્રકો અને ઇનામો તેમને ભાગે જતાં. બ્રિટિશ શાસન દરમિયાનના મદ્રાસ ઇલાકાનાં તેઓ સૌપ્રથમ મહિલા તબીબ બન્યાં. તેઓ ગવર્નમેન્ટ મેટર્નિટી ઍન્ડ ઑપ્થેલ્મિક હોસ્પિટલનાં પ્રથમ મહિલા હાઉસ-સર્જન હતાં.

ત્યાર બાદ તે ઉત્તરોત્તર વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરતાં રહ્યાં. અંગ્રેજી ભણી તબીબ બનનાર આ મહિલા બેડમિંટનનાં સારાં ખેલાડી હતાં. તેમની ઉત્તમ શૈક્ષણિક કારકિર્દીથી પ્રભાવિત થયેલા ડૉ. સુંદર રેડ્ડીએ મુત્તુલક્ષ્મીના પિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને ૧૯૧૪માં બંને લગ્નગ્રંથિથી જોડાયાં. મુત્તુલક્ષ્મીએ જાહેર જીવનમાં કારકિર્દી કરવા દેવાની શરતે જ તેમનો લગ્નનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો હતો.

મુત્તુલક્ષ્મીને ૧૯૨૬માં વુમન્સ ઇન્ડિયન ઍસોસિયેશન દ્વારા મદ્રાસ વિધાન પરિષદની કાઉન્સિલમાં નોમિનેટ કરવામાં આવ્યાં. ૧૯૩૦માં તિરુવન્નામલાઈના અદ્યાર ગામમાં જમીન ભાડે લઈ અવાઈ હોમની સ્થાપના કરી, જ્યાં નાતજાતના ભેદભાવ વિના અનેક ક્ધયાઓને બાળકો સમેત આશરો આપવામાં આવતો. વળી તેમને નર્સિંગ તથા અન્ય ક્ષેત્રોની તાલીમ આપી પગભર પણ બનાવવામાં આવતી.

૧૯૪૮માં મદ્રાસ રાજ્યમાં દારૂબંધી દાખલ કરાઈ ત્યારે પણ અવાઈ હોમે ઘણી મહિલાઓને આશ્રય પૂરો પાડેલો. આ પ્રવૃત્તિના સંદર્ભમાં લગ્ન માટે ક્ધયાઓની વય ઊંચી લઈ જવા અંગેનો કાયદો ત્યાંની ધારાસભામાં પસાર કરાવી તેમણે અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી. વળી હિંદુ મંદિરો દેવદાસી પ્રથાની અનીતિને પોષતાં તે બાબત તેમના ધ્યાનમાં આવી, તેથી દેવદાસી-પ્રથાની નાબૂદીનું આંદોલન શરૂ કર્યું.

અંતે દેવદાસી-પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાવી ઐતિહાસિક અને યશસ્વી કાર્ય પાર પાડ્યું. ધારાસભામાં લગ્ન માટે છોકરીઓની સંમતિ લેવાની ઉંમર ૧૪ વર્ષથી વધારવા માટેના બિલનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ સાથે તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ સમાંતરે ચાલતી રહી હતી. તેમણે મુસ્લિમ મહિલા સંગઠનનું સમર્થન કર્યું.

૧૯૨૬માં ચેન્નઈ વિધાનસભાનાં સભ્ય બન્યાં, ત્યારે તેઓ સમગ્ર બ્રિટિશ હિંદુસ્તાનનાં સૌપ્રથમ મહિલા વિધાનસભ્ય હતાં. આ જ વર્ષે પેરિસની વિમેન્સ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેમણે હાજરી આપી હતી. ૧૯૨૮માં તેઓ સર્વસંમતિથી વિધાનસભાનાં ઉપાધ્યક્ષ ચૂંટાયાં હતાં.

૧૯૨૭માં બાળકો માટેની પ્રથમ હોસ્પિટલ શરૂ કરાવી. ૧૯૩૧-૪૦ દરમિયાન ‘સ્ત્રી-ધર્મ’ સામયિકના તંત્રીપદે રહી કામ કર્યું અને મહિલાજાગૃતિના ક્ષેત્રે સભાનતા પ્રસરાવવા પ્રયત્નશીલ રહ્યાં. તે સાથે તેઓ વિમેન્સ ઇન્ડિયા ઍસોસિયેશન દ્વારા પણ મહિલાજાગૃતિ માટે કામ કરતાં રહ્યાં.

પરિણામે અનેક સામાજિક સુધારા કરતા ખરડા લાવી તેમણે સરકાર દ્વારા તે અંગેના કાયદા ઘડાવ્યા; જેમાં બહુપત્નીત્વ વિરોધી ધારો નોંધપાત્ર હતો. ઑલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ દ્વારા આંદોલન કરીને તેમણે સરકારને મેમોરેન્ડમ આપ્યું. એથી મહિલા મતાધિકારના ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ શકી. તેમના આ પ્રયાસોમાં શ્રીમતી હમીદ અલી અને રાજકુમારી અમૃત કૌરનો ભારે સહકાર રહ્યો. આથી ૧૯૩૫માં અંગ્રેજોએ અંશત: મહિલા મતાધિકારનો સ્વીકાર કર્યો હતો.

મુત્તુલક્ષ્મીની નાની બહેન કેન્સર અંગેની સારવારના અભાવે અવસાન પામી ત્યારે ચેન્નઈમાં કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખોલવાનો તેમણે પાકો મનસૂબો કર્યો. તે વેળા તબીબી ક્ષેત્રે પણ કેન્સરના બચાવ માટેની અલ્પ દવાઓને કારણે તેમને અન્ય તબીબોનું ખાસ પ્રોત્સાહન ન સાંપડ્યું, પરંતુ આરંભેલું કામ અધૂરું છોડવાની તેમની ટેવ નહોતી, તેથી તેઓ સતત પ્રયત્ન કરીને કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખોલીને જ જંપ્યાં.

આજે તે ભારતભરની એક ખ્યાતનામ કેન્સર હોસ્પિટલ છે. તેમના પુત્ર અને કેન્સર ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષપદે ડો. કૃષ્ણમૂર્તિ પણ આ ક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા.૧૯૫૪-૫૭ દરમિયાન તેઓ રાજ્ય સરકારના સમાજકલ્યાણ કેન્દ્રનાં પ્રથમ અધ્યક્ષ બન્યાં. મહિલાઓ અને બાળકો માટેની સતત અને સુદીર્ઘ કારકિર્દીની કદર કરીને ભારત સરકારે તેમને ૧૯૫૬માં દેશના ત્રીજા સૌથી સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરેલાં.

આ પણ વાંચો…ભારતની વીરાંગનાઓ: ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી: પ્રિયા ઝિંગન

તેમની જન્મશતાબ્દીએ તમિળનાડુ રાજ્ય સરકારે સો નવાં સાક્ષરતા-કેન્દ્રો ખોલી; ૫૦૦૦૦ મહિલાઓને સાક્ષર બનાવવાની સક્રિયતા દાખવી. તેમાં તેમનાં પુત્રવધૂ મંદાકિની કૃષ્ણમૂર્તિનો અસાધારણ સહયોગ પ્રાપ્ત થયો હતો. સાદાં, માયાળુ અને મમત્વથી ભર્યાં ભર્યાં શ્રીમતી રેડ્ડી નવાં નવાં કાર્યક્ષેત્રોની જનેતા હતાં.

સૌથી વિશેષ તો તેમણે આ વિવિધ ક્ષેત્રોમાં બીજી હરોળનું નેતૃત્વ તૈયાર કરીને તેમની દીર્ઘદૃષ્ટિનો સૌને પરિચય કરાવ્યો હતો. તેમના ‘માય એક્સપિરિયન્સીઝ ઍઝ એ લેજિસ્લેટર’ ગ્રંથમાં તેમની ધારાસભા વિષયક સેવાઓની નોંધ સંગ્રહિત થયેલી છે. ૨૨મી જુલાઈ ૧૯૬૮ના રોજ મુત્તુલક્ષ્મીનું મૃત્યુ થયું, પણ પ્રથમ મહિલા વિધાનસભ્ય તરીકે તેમનું નામ ચિરંજીવ બની ગયું !

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button