પુરુષ

હરફનમૌલા હરમનપ્રીત સિંહના હાથે હૉકીનો મેડલ હવે હાથવેંતમાં

ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતને બ્રૉન્ઝ અપાવનાર અમૃતસરનું આ અણમોલ રત્ન પૅરિસથી ગોલ્ડ અથવા સિલ્વર લઈ આવશે તો નવાઈ નહીં લાગે

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

મંગળવારે હરમનપ્રીત કૌર ભારતની મહિલા ક્રિકેટ ટીમને એશિયા કપમાં શ્રીલંકા સામેની ફાઇનલમાં પરાજયથી નહોતી બચાવી શકી અને એના ૪૮ કલાક પછી મેન્સ હૉકી ટીમનો કૅપ્ટન હરમનપ્રીત સિંહ પૅરિસ ઑલિમ્પિક્સમાં ફરી એકવાર ભારતની વહારે આવ્યો અને આયરલૅન્ડ સામે ભારતને ૨-૦થી જિતાડીને ટીમને ક્વૉર્ટર ફાઇનલની
નજીક પહોંચાડી દીધી હતી. અહીં વાત છે બે હરમનપ્રીતની. એક મહિલા અને એક પુરુષ. આપણે આ લેખમાં હરમનપ્રીત સિંહ વિશે જ ચર્ચા કરીશું, કારણ કે અત્યારે તો પૅરિસમાં તે ‘ટૉક ઑફ ધ ટાઉન’ છે.

પંજાબના અમૃતસરમાં જન્મેલો હરમનપ્રીત સિંહ ૨૮ વર્ષનો છેે. તે જ્યારે પણ સમય મળે
ત્યારે હૉકીની પ્રૅક્ટિસ અને ટ્રેઇનિંગ માટે હૉકીના મેદાન પર પહોંચી જાય છે. ‘સમય મળે ત્યારે
પ્રૅક્ટિસ કરી લો…એમાં જ શાણપણ છે’ એ છે હરમનપ્રીતનો મંત્ર અને એનો જ ભારતીય
ટીમને પૅરિસ ઑલિમ્પિક્સમાં ભરપૂર ફાયદો થઈ રહ્યો છે.

પૅરિસમાં રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ગ્રૂપ મૅચમાં મનદીપ સિંહ અને વિવેક સાગર પ્રસાદના ગોલની મદદથી ભારતીય ટીમ કિવીઓની ટીમ સામે ૨-૨ની બરાબરી તો કરી શકી હતી, પરંતુ પછીથી મૅચ જ્યારે ડ્રૉમાં જવાની તૈયારીમાં હતી ત્યારે હરમનપ્રીત ત્રાટક્યો હતો અને તેણે ૫૯મી મિનિટમાં પેનલ્ટી સ્ટ્રૉકમાં ગોલ કરીને ભારતને ૩-૨ની સરસાઈમાં લાવી દીધું હતું અને એ જ સ્કોર સાથે ભારતે વિજય પ્રાપ્ત કર્યો.

સોમવારે બીજો મુકાબલો આર્જેન્ટિના સામે હતો અને એમાં પણ હરમનપ્રીત ભારત માટે તારણહાર બન્યો હતો. બાવીસમી મિનિટમાં આર્જેન્ટિનાએ ગોલ નોંધાવીને ૧-૦ની સરસાઈ મેળવી હતી અને છેક સુધી ભારત પર વર્ચસ્વ જાળવ્યું હતું. જોકે છેલ્લી ક્ષણોમાં (૫૯મી મિનિટમાં) હરમનપ્રીતે ગોલ કરીને મૅચ ડ્રૉ કરાવી હતી અને બધાને ચોંકાવી
દીધા હતા.

મંગળવારે હરમનપ્રીતની હૅટ-ટ્રિક મૅચમાં કસોટી હતી અને તે એમાં પણ પાર ઊતર્યો હતો. આયરલૅન્ડ સામેના બન્ને ગોલ તેના હતા અને ભારતે ૨-૦થી જીત હાંસલ કરીને ગ્રૂપમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું. આ રમતોત્સવમાં ભારતે જે છ ગોલ કર્યા છે એમાંથી ચાર હરમનપ્રીત સિંહના નામે છે. ૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાં હરમનપ્રીતે ચાર ગોલ કર્યા હતા.

૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારત બ્રૉન્ઝ મેડલ જીતીને ૪૧ વર્ષે ફરી ઑલિમ્પિક ગેમ્સમાં હૉકીની મેડલ વિજેતા ટીમના લિસ્ટમાં આવી ગયું હતું. દેશને એ ગૌરવ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર હરમનપ્રીત સિંહ આ વખતે એક જ મંત્ર સાથે પૅરિસ આવ્યો છે. ‘અમારા તમામ ખેલાડીઓ એક બાબતમાં એકમત છે….પૅરિસથી મેડલ જીતીને જ પાછા આવવું છે.’ તે કહે છે, ‘હું મેદાન પર ઊતરું એટલે મગજને શાંત રાખવાનું ભૂલી જાઉં છું.’ બીજી રીતે કહીએ તો હરમનપ્રીત હૉકીના ગ્રાઉન્ડ પર હરફનમૌલા બની જતો હોય છે.

હરમનપ્રીત સિંહની પ્લેઇંગ પૉઝિશન ડિફેન્ડર તરીકેની છે, પરંતુ તે પેનલ્ટી કૉર્નર સ્પેશિયાલિસ્ટ અને વિશ્ર્વના શ્રેષ્ઠ ડ્રૅગ ફ્લિકર્સમાં તેની ગણના થાય છે. પેનલ્ટી કૉર્નરના સ્થાનેથી ઘણા ગોલ કરીને ભારતને જિતાડી ચૂકેલા હરમનપ્રીતની ડ્રૅગ ફ્લિકિંગની કળા વિશે થોડું જાણી લઈએ.

હૉકીમાં ડ્રૅગ ફ્લિકિંગ ગોલ કરવાની એક પ્રકારની ટેક્નિક છે. આ કૌશલ્ય પહેલી વાર ૧૯૮૦ના દાયકામાં ઑસ્ટ્રેલિયામાં જોવા મળ્યું હતું. હરીફો પર આક્રમક અભિગમ અપનાવવો પડે એમ હોય ત્યારે હરમનપ્રીત ડ્રૅગ ફ્લિકિંગની કળા અચૂક અજમાવે છે. એમાં ખાસ કરીને પેનલ્ટી એરિયામાં તે સ્કૂપ અથવા ફ્લિક દ્વારા બૉલને ગોલમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે અને એમાં તેને મોટા ભાગે સફળતા મળી છે.

ભારતને ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ, જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ, જુનિયર એશિયા કપમાં ગોલ્ડ, એશિયન ચૅમ્પિયનશિપમાં બે ગોલ્ડ, એશિયા કપમાં ગોલ્ડ તેમ જ એશિયન ગેમ્સમાં ગોલ્ડ, કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ હરમનપ્રીત સિંહની સૌથી મોટી સિદ્ધિઓ છે.

હરમનપ્રીત સિંહે અમનદીપ કૌર સાથે લગ્ન કર્યા છે અને તેમને એક દીકરી છે જેનું નામ રુહાનત છે.

હરમનપ્રીત સિંહને નાનપણમાં હૉકી રમવાનો ખૂબ શોખ હતો. શરૂઆતમાં તે ફૉરવર્ડ પ્લેયર બનવા માગતો હતો, પણ સમય જતાં તેની ડિફેન્સિવ ટેક્નિક વધુ સારી હોવાથી તેણે ડિફેન્ડર બનવાનું નક્કી કર્યું હતું. ૨૦૧૧માં જલંધરની સુરજીત ઍકેડેમીમાં તેણે પોતાની ડ્રૅગ ફ્લિકની ટેક્નિકથી સૌને ચોંકાવી
દીધા હતા. ઍકેડેમીના કોચ સામાન્ય રીતે હરમનપ્રીતવાળી મૅચમાં રાબેતા મુજબના હૉકી બૉલને બદલે વધુ વજનવાળા બૉલ વાપરતા થયા જેથી સમય જતાં તેને ડ્રૅગ ફ્લિકની કળાથી ગોલ કરવાનું સરળ પડે.
સમય જતાં જે પણ મૅચમાં તેને લાગ મળ્યો ત્યારે તેણે ડિફેન્ડિંગમાંથી અટૅકિંગ પૉઝિશનમાં આવીને ડ્રૅગ ફ્લિકની ટેક્નિકથી ગોલ કરીને હરીફોને પરચો બતાવ્યો હતો.

અનેક નાની-મોટી ટ્રોફીઓ અને ઇનામો મેળવી ચૂકેલો હરમનપ્રીત સિંહ ૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાંથી બ્રૉન્ઝ મેડલ લાવ્યો હતો, પણ આ વખતે ગોલ્ડ કે સિલ્વર લાવશે એમાં કોઈ શંકા નથી. ભારતની આગામી મૅચો ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેલ્જિયમ સામે અને પછી ઑસ્ટ્રેલિયાની ચડિયાતી ટીમ સામે છે. જોકે ‘હરફનમૌલા હરમનપ્રીત સિંહ હૈ તો ક્યા ગમ હૈ’ એવું માનીશું તો ભારતનો મેડલ પાક્કો જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button