પુરુષ

ગુલઝાર અને રામભદ્રાચાર્યઆપસમાં વહેંચશે જ્ઞાનપીઠ પુરસ્કાર

વ્યક્તિ વિશેષ -શાહીદ એ. ચૌધરી

આંખોે સે આંસુઓ કે મરાસિમ પુરાને હૈ
મેહમાં યે ઘરમેં આયેં તો ચુભતા નહીં ધુઆં.

આઈના દેખકર તસલ્લી હુઈ
હમકો ઈસ ઘરમેં જાનતા હૈ કોઈ.

તુમ્હારી ખુશ્ક સી આંખે ભલી નહીં લગતી
વો સારી ચીજેં જો તુમ કો રુલાયે ભેજી હૈ.

શામ સે આંખ મેં નમી સી હૈ
આજ ફિર આપ કી કમી સી હૈ

દિલ જ નહીં, આત્માને પણ સ્પર્શ કરનારા આ શેરની એક લાંબી યાદી છે. એટલા માટે જ નવાઈ નથી લાગતી કે ઉર્દુના વિખ્યાત શાયર ગુલઝારને ૫૮મા જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, પરંતુ વર્ષ ૨૦૨૩ માટે આ પુરસ્કાર તેમને એકલાને નથી આપવામાં આવ્યો. તેમની સાથે સંસ્કૃતના મહાન સ્કોલર જગદ્ગુરુ રામભદ્રાચાર્યને પણ આનાથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સંપૂર્ણસિંહ કાલરા, જેમને આખી દુનિયા ગુલઝારના નામે ઓળખે છે. તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેમના ઉલ્લેખનીય કાર્ય (દિગ્દર્શન, પટકથા, સંવાદલેખન અને ગીતો) માટે તો બધા સીને પ્રેમીઓ જાણે જ છે. ખાસ કરીને ફિલ્મ ‘દિલ સે’ના ગીતો ‘સતરંગી’ (જેમાં તેમણે પ્રેમના સાત રંગોનું પ્રભાવશાળી વર્ણન કર્યું છે) અને ‘ચલ છૈયાં છૈયાં’ માટે જાણે છે. એક સચ્ચાઈ એ પણ છે કે અત્યારના સમયમાં ઉર્દુ સાહિત્યના એક મહત્ત્વપૂર્ણ લેખક છે. આવી જ રીતે ચિત્રકુટમાં તુલસી પીઠના સ્થાપક અને પ્રમુખ રામભદ્રાચાર્ય જાણીતા હિન્દુ આધ્યાત્મિક ગુરુ છે. શિક્ષક પણ છે અને લેખક પણ. તેમણે અત્યાર સુધીમાં ૨૪૦થી વધુ પુસ્તકો સંસ્કૃત ભાષામાં લખ્યાં છે અને તેમાં ચાર મહાકાવ્યનો પણ સમાવેશ થાય છે.

જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ ન્યાસ દ્વારા ભારતીય સાહિત્ય માટે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. જે ભારતીય નાગરિક આઠમી સૂચિમાં નોંધાયેલી ૨૨ ભાષામાંથી કોઈપણ એક ભાષામાં રચનાત્મક લેખન કરે છે તે આ પુરસ્કાર માટે યોગ્ય બની શકે છે. પુરસ્કારમાં રૂ. ૧૧ લાખની રોકડ રકમ, પ્રશસ્તિ પત્ર અને દેવી સરસ્વતીની કાંસ્યપ્રતિમા આપવામાં આવે છે. આ પુરસ્કાર ૧૯૬૫માં એક લાખના પુરસ્કાર સાથે શરૂ કરવામાં આવ્યો હતો. ૨૦૦૭માં આ પુરસ્કારની રકમ વધારીને રૂ. સાત લાખ કરવામાં આવી હતી અને હવે તેને વધારીને રૂ. ૧૧ લાખ કરવામાં આવી છે. દરેક ભાષા માટે એક સમિતિનું ગઠન ત્રણ વર્ષ માટે કરવામાં આવે છે, જેમાં તે ભાષાના ત્રણ સ્કોલર અને વિવેચકનો સમાવેશ કરવામાં આવે છે. સમિતિ બધા જ નોમિનેશનની તપાસ કર્યા બાદ પોતાની ભલામણ જ્ઞાનપીઠ એવોર્ડ પસંદગી સમિતિને મોકલી આપે છે. જેમાં સાત-૧૧ સભ્યો હોય છે. પસંદગી સમિતિને જ વિજેતાના નામ જાહેર કરવાનો અધિકાર છે. પસંદગી બોર્ડના પ્રમુખ પ્રતિભા રાય છે, જેઓ પોતે પણ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા છે.

નોંધનીય છે કે ગુલઝારને ૨૦૦૨માં ઉર્દુ માટે સાહિત્ય અકાદમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ (૨૦૧૩), પદ્મભૂષણ (૨૦૦૪) તેમ જ પાંચ નેશનલ ફિલ્મ એવોર્ડ તેમના કામને માટે મળી ચૂક્યા છે. તેમને ‘જય હો’ ગીત (ફિલ્મ સ્લમડોગ મિલિયોનર) માટે ૨૦૦૯માં ઓસ્કર એવોર્ડ અને ૨૦૧૦માં ગ્રેમી એવોર્ડ પણ મળી ચૂક્યા છે. ભારતીય જ્ઞાનપીઠના નિવેદનમાં જણાવ્યા મુજબ પોતાની ફિલ્મ યાત્રા સાથે જ ગુલઝારે ઉર્દુ સાહિત્યમાં પણ નવા માઈલસ્ટોન સ્થાપિત કર્યા છે. શાયરીમાં તેમણે એક નવા કાવ્યપ્રકાર ‘ત્રિવેણી’ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ કાવ્યપ્રકારમાં ત્રણ પંક્તિઓની કાફિયા વગરની કવિતા હોય છે. ગુલઝારે પોતાની શાયરીમાં કાયમ કશુંક નવું રચ્યું છે. કેટલાક સમયથી તેઓ બાળકો માટેની શાયરી પર ધ્યાન આપી રહ્યા છે. ગુલઝારની બે કાફિયા વગરની કવિતા જોઈએ.
કુછ ભી કાયમ નહીં હૈ, કુછ ભી નહીં
ઔર જો કાયમ હૈ, બસ એક મૈં હું
મૈં જો પલ-પલ બદલતા રહેતા હું

ક્યા પતા કબ કહાં સે મારેગી
બસ મૈં જીંદગી સે ડરતા હું
મૌત કા ક્યા હૈ એકબાર મારેગી

આ કાવ્યપ્રકાર જાપાની હાઈકુથી પ્રભાવિત હોવાનું જણાઈ રહ્યું છે.

જ્યાં સુધી રામભદ્રાચાર્યની વાત છે તો તેઓ રામાનંદ સંપ્રદાયના વર્તમાન ચાર જગદ્ગુરુ રામાનન્દચાર્યોમાંથી એક છે. તેઓ આ પદ પર ૧૯૮૨થી છે. રામભદ્રાચાર્ય ૨૨ ભાષા બોલે છે. તેઓ સંસ્કૃત ઉપરાંત હિન્દી, અવધી તેમ જ મૈથલીમાં પણ કવિતા અને લેખન કાર્ય કરે છે. આ બીજી વખત છે કે સંસ્કૃત ભાષા માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુલઝારે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત થવા બાબતે આનંદ વ્યક્ત કર્યો છે, પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે હું અત્યારે જીવનના એવા તબક્કા પર પહોંચી ગયો છું જ્યાં હું આનંદથી તાળીઓ વગાડીને નાચી શકતો નથી, પરંતુ હું ખુશ છું. જ્ઞાનપીઠ એવોર્ડ સંતોષ આપનારો છે. મને આનંદ છે કે આને માટે ઉર્દુમાં કરેલું કામ નોંધમાં લેવામાં આવ્યું. મને ખબર પડતી નથી કે મને જ્યારે લોકો જ્યારે એવા સવાલ કરે કે હું આટલું સારું ઉર્દુ કેવી રીતે લખી લઉં છું ત્યારે મારે શું કહેવું. હિંદી અને ઉર્દુનો બેઝ એક સરખો જ છે. ઉર્દુ વિદેશી ભાષા નથી, તેનો જન્મ અહીં હિન્દુસ્તાનમાં જ થયો છે અને આ બોલી હંમેશાં મારી સાથે જ રહી છે.
આ પાંચમી વખત છે જ્યારે ઉર્દુ માટે કોઈ સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં
આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button