
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
આજે વ્હોટ્સેપ પર સવારથી એક મેસેજ ફરતો થઈ જશે કે આજે પહેલી મે એટલે દારૂ પીવાવાળા અને ચા પીવાવાળા છૂટા પડેલા!
જોકે ગુજરાતની પ્રતીકાત્મક દારૂબંધીને લઈને આ એક મજાક છે, પરંતુ આ ઉપરાંત જો આપણે ઝીણવટથી જોઈએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર ભારતના એવા મહત્ત્વના રાજ્ય છે, જેમણે ભારતના જીડીપી પર, ભારતના ટ્રેડિંગ પર કે પછી ભારતના રાજકીય ઇતિહાસ પર સૌથી વધુ અસર કરી છે. ભાષાને કારણે આ રાજ્યો જુદાં પડ્યાં એટલું જ બાકી, પશ્ચિમ ભારતના આ બંને રાજ્ય મરાઠાઓના સમયથી એકબીજાના પૂરક રહ્યા છે , પરંતુ 20-21સદીના રાજકીય ઇતિહાસ પર આપણે નજર કરીશું તો બીજા રાજ્યોના નેતાઓની સરખામણીએ આ બે રાજ્યના નેતાઓએ દેશના રાજકારણ પર અત્યંત મોટી અને ઊંડી અસર ઊભી કરી છે.
વાત ગોપાલ કૃષ્ણ ગોખલેથી શરૂ કરીએ તો પુણેની ફરગ્યુસન કોલેજમાં જ ગોપાલ કૃષ્ણ ગોખલે બેરિસ્ટર મોહનદાસ ગાંધીને મળેલા અને એમને કોઈ પણ સત્યાગ્રહ કરતાં પહેલાં આખા ભારતનો પ્રવાસ કરવાની સલાહ આપી અને પછી જે થયું એ ઇતિહાસ છે. મોહનદાસ કરમચંદ મહાત્મા ગાંધી થઈ ગયા, અને આજે પણ વૈશ્વિક સ્તરે એ અગ્રહરોળના નેતા તરીકે ઓળખાય છે. ગાંધીજીનો ઉલ્લેખ થાય ત્યારે સરદાર પટેલને તો યાદ કરવા જ પડે, પરંતુ એની સાથે કાકા કાલેલકર, યરવડા જેલ, આગાખાન મહેલ, ગોવાલિયા ટેંકથી કહેવાયેલું ‘કરો યા મરો’ કે પછી વર્ધાનો સેવાશ્રમ યાદ આવ્યા વિના નહીં રહે!
અહીં, મજાની વાત એ છે કે મહાત્મા ગાંધીનાં કાર્યો ને એમના જીવન બાબતે જો ક્યાંક સૌથી વધુ ટીકા થઈ હોય તો એ પણ મહારાષ્ટ્રના જ નેતાઓ છે, જ્યાં આંબેડકરથી લઈ સાવરકર સુધીના નેતાઓ ગાંધીજીને એમની હયાતીમાં જ પસંદ નહોતા કરતા! વળી, આ જ સમયમાં સાવરકર રેશનલ વિચારો સાથે જાતિવાદનો અને કર્મકાંડોનો વિરોધ કરીને હિન્દુઓને એક થવાની વાત કરીને સામાજિક ચળવળ ઊભી કરી રહ્યા હતા તો આંબેડકર વર્ણવ્યવસ્થાનો વિરોધ તેમજ પછાત વર્ગના શિક્ષણની દિશામાં અનન્ય કાર્ય કર્યા. વચ્ચે એમણે પોતે હિન્દુ ધર્મ ત્યજી દીધો અને એમની સાથે સેંકડો લોકોને બૌદ્ધ ધર્મમાં લઈ ગયા એ ત્યારે અને આજે એમ બંને સમયે હિન્દુવાદની વાત કરતા લોકો માટે આડવાત રહી છે. એટલે આપણે
પણ ઉલ્લેખ માત્ર કરીએ કે ભારતમાં આજે ય એક વર્ગ વર્ણવ્યસ્થાને નામે બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા છે એ પણ મહારાષ્ટ્રના નેતાના પ્રભાવને આભારી છે.
સમય જ્યારે 1947થી 50નો આવે છે ત્યારે એક ગુજરાતી વલ્લભભાઈ જ હતા, જેમણે અખંડ ભારતના સ્વપ્નને પોતાની અપ્રતિમ કુનેહથી સાકાર કરી આપ્યું. વળી, એ સમયથી જ દેશમાં ગાંધીવાદ અને હિન્દુવાદ-રાષ્ટ્રવાદ નામની વિભાવનાઓ શરૂ થઈ. જ્યાં ગાંધીવાદ રાજકીય લોકો દ્વારા ટેકઓવર કરવાઆં આવ્યો, જેની સામે રાષ્ટ્રવાદનાં વિચાર અંતર્ગત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે મહરાષ્ટ્રના કેન્દ્રસ્થાનેથી દેશભરમાં ગ્રાઉન્ડ લેવલ પર કાર્યો શરૂ કર્યાં અને ગાંધીજીનું ઓઠું ઓઢીને રાજકીય લાભ લેતા થઈ ગયેલા રાષ્ટ્રીય નેતાઓ અને પક્ષોને ઘરભેગા કરીને ભારતીય જનતા પાર્ટીના મૂળિયા મજબૂત કરી આપ્યા.
આ બધા વચ્ચે બાબરીધ્વંસ હોય કે રામ મંદિરનો મુદ્દો હોય, એમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોનો સ્વર અત્યંત મુખર રહ્યો છે, જેમાં આરએસએસના કાર્યકર્તાઓ સાથે વિશ્વહિન્દુ પરિષદ અને શિવસેના(બાળાસાહેબ પોતે !) અને અન્ય અનેક સંગઠનો ખભેખભો મીલાવીને ઊભા રહ્યા છે.
જોકે ભાજપની સત્તા આવી પહેલાં પણ શરદ પવારે કેન્દ્રની રાજનીતિ પર પોતાનો આગવો પ્રભાવ ઊભો કર્યો હતો, જેમના વિશે એકવાર સુષ્મા સ્વરાજે સંસદમાં કહેલું કે, આ ભાઈ શરદ પવાર છે કે લલિતા પવાર એ જ મને ખબર નથી પડતી !
ખેર, રાજકારણમાં તો આવી હળવી મજાક થતી રહેતી હોય છે, પરંતુ મહારાષ્ટ્રના શરદ પવારનું કેન્દ્રની રાજનીતિ પર અત્યંત જોર હતું અને કેન્દ્રમાં સરકારો આઘીપાછી થતી રહેતી હતી ત્યારે અટલ બિહારી વાજપેઈને મહારાષ્ટ્રના જ પ્રમોદ મહાજને અત્યંત સહાય કરી હતી અને વાજપેઈજીએ પણ મુંબઈથી જ કહેલું કે, ‘સૂરજ નિકલેગા, અંઘેરા છટેગા, કમલ ખીલેગા’
-અને એ સમયમાં જ વર્ષ 2001માં અચાનક એક દિવસ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના નામથી જાહેરાત થાય છે અને એ દિવસથી જ ભારતના રાજકીય-સામાજિક, ખાસ કરીને હિન્દુત્વ સંદર્ભના ઇતિહાસમાં ફેરફાર આવવાનો શરૂ થઈ જાય છે. એ વર્ષોમાં જ લોકો સેક્યુલર તરીકે ઓળખાવાનું પસંદ કરવાને બદલે હિંદુ તરીકે ઓળખાવાનું વધુ પસંદ કરવા લાગ્યા અને સોશિયલ મીડિયાની ફીડમાં જમણેરી વિચારના સમર્થનનો દબદબો વધી ગયો. અલબત્ત, એમાં ઉત્તર પ્રદેશે પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને સમર્થન જરૂર આપ્યું છે, પરંતુ આજે દેશમાં જે વિચારધારાનો પ્રભાવ છે એ વિચારધારાના કેન્દ્રસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર જ છે એટલે જો કોઈ એમ કહે છે કે ‘ચા પીવાવાળા અને દારૂ પીવાવાળા છૂટા પડેલા’ તો એમને એમ કહેવાનું કે આ બંને રાજ્યનો શિવાજીના સમયથી દેશના રાજકારણ પર અને સામાજિક- સાંસ્કૃતિક ગતિવિધિઓ પર અત્યંત પ્રભાવ રહ્યો છે. આ રાજ્યોએ જ ‘જય ભવાની, જય શિવાજી’થી લઈ ‘જય ભીમ’ તેમજ જ ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ની આમ એકબીજાથી વૈચારિક રીતે જુદી લાગે એવી વિચારધારાઓ આપી છે ને અપનાવી છે. આ બંને રાજ્યની ગેરહાજરી ભારતના ઇતિહાસની અનેક ઘટનાઓને પણ ગેરહાજર કરી દેત !
જય મહારાષ્ટ્ર, જય જય ગરવી ગુજરાત !
આપણ વાંચો: ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતવાસીઓને આપી શુભેચ્છા