પુરુષસ્પોર્ટસ

ગૌતમ રાજકારણને ત્યજી ફરી ક્રિકેટમાં થઈ રહ્યો છે ગંભીર

ભારતના સફળ ઓપનિંગ બૅટરે મેન્ટર તરીકે કેકેઆરને ત્રીજું ટાઇટલ અપાવ્યું અને હવે હેડ-કોચ બનીને ટીમ ઇન્ડિયાને અઢળક ટ્રોફીઓ અપાવી શકે એમ છે

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

એકવીસમી સદીના પ્રથમ દાયકામાં મોહમ્મદ અઝહરુદ્દીન અને રાહુલ દ્રવિડ જેવા શાંત સ્વભાવના સુકાનીઓની કૅપ્ટન્સીના અરસામાં આક્રમક મિજાજવાળા સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં (ઑસ્ટ્રેલિયન કોચ ગ્રેગ ચૅપલે ટીમ ઇન્ડિયાનો દાટ વાળ્યો એ પહેલાં) ભારતીય ટીમે જે ઐતિહાસિક પરિવર્તન જોયું એવું ક્યારેય કોઈ કૅપ્ટનના સુકાનમાં નથી જોવા મળ્યું. ગાંગુલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયામાં અસાધારણ આક્રમકતા આવી હતી અને વિજય મેળવવા માટેનો ‘મરતે દમ તક’નો અભિગમ ભારતીય ખેલાડીઓએ અપનાવ્યો હતો. ત્યાર બાદ એમએસ ધોની અને વિરાટ કોહલી તેમ જ રોહિત શર્માની આગવી સ્ટાઇલમાં પણ ભારતીય ટીમે ક્રિકેટજગતમાં દેશનું નામ રોશન કર્યું, પરંતુ ગાંગુલીની કૅપ્ટન્સીની સ્ટાઇલને લોકો હજી પણ યાદ કરે છે અને ક્યારેય ભૂલશે નહીં.

આ થઈ કૅપ્ટન્સીની વાત. ટીમને સફળતાઓ અને સિદ્ધિઓ અપાવવામાં હેડ-કોચની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે અને એની ચર્ચા થાય ત્યારે ગૅરી કર્સ્ટનનું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે. કર્સ્ટન શાંત અને ધીરગંભીર સ્વભાવના હતા, પરંતુ તેમની કોચિંગની સ્ટાઇલ સાવ નોખી હતી અને તેમના કોચિંગમાં ભારતે ૨૦૧૧નો વન-ડે વર્લ્ડ કપ જીતવા ઉપરાંત ટેસ્ટમાં નંબર-વનની રૅન્ક, વગેરે સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેમણે ભારતને કોચિંગ આપવાનું છોડ્યા બાદ અનિલ કુંબલે તેમ જ રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડના પ્રશિક્ષણનો લાભ ટીમ ઇન્ડિયાને મળ્યો, પરંતુ ૧૩ વર્ષથી ભારતે કોઈ મોટી આઇસીસી ટ્રોફી નથી જીતી. જો ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર હેડ-કોચ બની જાય તો બેડો પાર થઈ શકે એવું તેની સફળતાઓને ધ્યાનમાં લઈને કોઈ પણ વ્યક્તિ સહમત થશે.

જેમ આક્રમક મિજાજવાળા ગાંગુલીએ સુકાનની સંગીનતા સાથે ટીમને નવી દિશા બતાવી એ રીતે હવે અગ્રેસિવ મૂડવાળા કોચની ટીમ ઇન્ડિયાને ખાસ જરૂર છે. દ્રવિડ સહિતના અગાઉના કોચની કાબેલિયત પર કોઈ શંકા નથી, પણ ટીમમાં કિલર ઇન્સ્ટિન્ક્ટ તો હોવી જ જોઈએ. આક્રમક સ્વભાવવાળા વિરાટ કોહલીએ કૅપ્ટન્સી છોડી (એક રીતે તેને છોડવા મજબૂર કરવામાં આવ્યો) એ પછી રોહિત શર્માના માથે આ જવાબદારી આવી, પરંતુ ભરપૂર ટૅલન્ટ હોવા છતાં ઠંડા મગજવાળો તેનો અભિગમ ટીમ માટે એક રીતે ફાયદારૂપ નથી. વર્તમાન હેડ-કોચ દ્રવિડ પણ કૂલ માઇન્ડેડ છે એટલે ટીમમાં જે આક્રમકતા આવવી જોઈએ એ નથી આવી શકતી. દ્રવિડની હેડ-કોચ તરીકે આ છેલ્લી ટૂર્નામેન્ટ છે અને આશા રાખીએ કે તે ટીમને વિજેતાપદ અપાવીને ગુડ બાય કરે, પરંતુ તેના પછી તો દૃઢ વલણવાળા, ટીમને ફાયદારૂપ હોય એ રીતે હઠીલા સ્વભાવવાળા અને અનેક સફળતાઓનો રેકૉર્ડ ધરાવતા ગૌતમ ગંભીર જેવાની જ ટીમને જરૂર છે. ૨૦૦૭ના પ્રથમ ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની ફાઇનલમાં ભારતને જિતાડવામાં રોહિત શર્મા, મૅન ઑફ ધ મૅચ ઇરફાન પઠાણ, આરપી સિંહ અને જોગિન્દર શર્મા સહિત ઘણા ખેલાડીઓના મહત્ત્વના યોગદાન હતા, પરંતુ ગંભીરે ૫૪ બૉલમાં ૭૫ રન બનાવીને વિજયનો જે પાયો નાખ્યો હતો એ ક્યારેય કોઈ ભારતીય ક્રિકેટપ્રેમી નહીં ભૂલે. એ જ રીતે ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપની શ્રીલંકા સામેની ફાઇનલમાં કૅપ્ટન એમએસ ધોની, યુવરાજ સિંહ, ઝહીર ખાન અને વિરાટ કોહલીના મુખ્ય યોગદાનો હતા, પરંતુ ગંભીરે ૧૨૨ બૉલમાં જે ૯૭ રન બનાવ્યા હતા એ ઇનિંગ્સ પણ ભારતીય ક્રિકેટમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે.
૨૦૦૯ની સાલનો એક ટેસ્ટ પર્ફોર્મન્સ પણ અવિસ્મરણીય છે. નૅપિયરમાં ન્યૂ ઝીલૅન્ડે જેસી રાઇડર (૨૦૧), રૉસ ટેલર (૧૫૧) અને બ્રેન્ડન મૅક્લમ (૧૧૫)ની ઇનિંગ્સની મદદથી ૯ વિકેટે ૬૧૯ રને દાવ ડિક્લેર કર્યો હતો. ભારત ૩૦૫માં ઑલઆઉટ થતાં ફૉલો-ઑન થયું હતું, પરંતુ એ પછી ગંભીરે ૧૦ કલાક ૪૩ મિનિટ (કુલ ૬૪૩ મિનિટ) સુધી ક્રીઝ પર ચીટકી રહીને ૪૩૬ બૉલમાં ૧૮ ફોરની મદદથી ૧૩૭ રન બનાવ્યા હતા.

ભારત વતી ઓપનિંગ બૅટર તરીકે અપ્રતિમ સફળતા પામેલા ગંભીરે આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને સુકાની તરીકે બે ટાઇટલ અપાવ્યા, ૨૦૨૨માં અને ૨૦૨૩માં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ને મેન્ટર તરીકે પ્લે-ઑફમાં પહોંચાડ્યું અને ગયા મહિને કેકેઆરને મેન્ટર તરીકે ત્રીજું ટાઇટલ અપાવ્યું.

ગંભીરે માર્ચ, ૨૦૧૯માં રાજકારણમાં ઝુકાવ્યું માર્ચ, ૨૦૨૪માં (પાંચ વર્ષે) પૉલિટિક્સને અલવિદા કરી. આ પાંચ વર્ષમાં પણ તેના મક્કમ સ્વભાવની ઝલક જોવા મળી હતી. તે ઈસ્ટ દિલ્હી મતવિસ્તારમાં ભાજપની ટિકિટ પરથી લડીને લગભગ સાત લાખ મત સાથે જીત્યો હતો, પરંતુ ફરી ક્રિકેટનું વળગણ થતાં તેણે આ વખતની લોકસભાની ચૂંટણી પહેલાં જ રાજકારણને તિલાંજલી આપી દીધી. એ પછી તેણે પહેલા જ સાહસમાં કેકેઆરને ટાઇટલ અપાવ્યું એટલે તેની મેન્ટરશિપ (માર્ગદર્શન)ની બોલબાલા થવા લાગી અને બીસીસીઆઇ તેને દ્રવિડનો અનુગામી બનાવવા સક્રિય બન્યું.

ગંભીરની અલગ ખાસિયતો કંઈક આવી છે. બૅટર તરીકે ક્રીઝ પર હંમેશાં હઠીલા અભિગમ સાથે ચીટકી રહેનારા અને ભલભલા બોલરની બોલિંગ ઍનેલિસિસ બગાડી નાખનારા ગંભીરના ડ્રેસિંગ-રૂમમાં બહુ ઓછા મિત્રો હતા, પાર્ટી-શાર્ટીથી પણ દૂર રહેતો અને (કોહલી સાથેના જૂના દ્વેષને બાદ કરતા) કોઈ જ વિવાદમાં નહોતો સંકળાયો. ગૌતમના ચહેરા પર હંમેશાં ગંભીરતા જ જોવા મળી છે અને ભાગ્યે જ કોઈએ તેને હસતો જોયો હશે.

જે કંઈ હોય, હેડ-કોચ બનવાની ભારોભાર ક્ષમતા અને કાબેલિયત તેનામાં છે. જો તેને ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધી હેડ-કોચ બનાવાશે તો ટીમ ઇન્ડિયાની ઝોળીમાં બે-ત્રણ મોટી ટ્રોફી આવી જ ગઈ સમજો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો