પુરુષ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : એમની આભાસી દુનિયાના ઘાત-આઘાત

  • શ્વેતા જોષી-અંતાણી

શહેરની એક જાણીતી કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી બે ટીનએજર છોકરી આંશી અને ઈરા. બન્ને એકદમ ચાર્મિંગ અને યંગ. એકબીજાની ખૂબ નજીક. દિવસ આખો સ્કૂલ ઉપરાંત રોમાન્ટિક નોવેલ વાંચવામાં, પોતાના ક્લાસમેટ્સ તેમજ આસપડોશના છોકરાઓની વાતો કરવામાં અને રંગબેરંગી સપનાઓ જોવામાં પસાર કરે.

આંશીની પડોશમાં લગભગ ચાલીસેક વર્ષની મિનિતા રહે. મસમોટા મહેલ જેવા ઘરમાં સાવ એકલી મિનિતા જીવે. એ વાતથી આંશીને અજાયબી લાગે તો ક્યારેક એ મિનિતાના એકાંતપ્રિય સ્વભાવથી પ્રભાવિત પણ થાય. પોતાના ઘરમાં આખો દિવસ ઘોંઘાટ હોય એટલે મિનિતાને મળતી શાંતિ અને એકલતાની આંશી રીતસર ઈર્ષ્યા કરતી.

જોકે, મિનિતા ભાગ્યેજ ઘરમાંથી બહાર નીકળતી. એનું કારણ આંશીને પોતાના દાદી પાસેથી જાણવા મળ્યું. દાદીના કહેવા મુજબ એક સમયે મિનિતા અત્યંત સ્વરૂપવાન યુવતી હતી, પણ લગભગ આંશી જેવડી ઉંમરે અકસ્માતમાં માતા-પિતા ગુમાવી દીધાં. ત્યારથી મિનિતા અઢળક સંપત્તિ વચ્ચે એકલતામાં જીવતી આવી છે. ટીનએજમાં આવી પડેલી અણધારી એકલતાએ અંતે મિનિતાને એક નિરસ તેમજ એકાકી જીવન તરફ ધકેલી દીધી હતી. એ સમયે ઘણાને મિનિતા ગમતી. નજીકના સગા-સંબંધીઓએ મિનિતાના લગ્ન કરાવી ઠરીઠામ કરવાની થોડીક કોશિશ કરી, પણ એમાં કોઈને સફળતા મળી નહીં. દાદીની વાત સાંભળ્યા બાદ હવે જ્યારે પણ મિનિતાને ઘરની છત પર ટહેલતા કે બાલ્કનીમાં બેસેલી જુએ ત્યારે આંશીને એની સહાનુભૂતિ થઈ આવતી.

આંશી પોતાના મનની દરેક વાત ઈરાને કરે. આંશીના એકપણ ઈમોશન્સ ઈરાથી છુપાયેલા ના હોય, પણ આંશી કરતાં ઈરા થોડી વધુ ટીખળખોર. મિનિતાની આખી વાત સાંભળી ઈરાના તોફાની મગજમાં ચમકારો થાય છે.

`સાંભળ આંશી, તારા દાદી કહેતા હતાં ને કે મિનિતા આન્ટી તો ઘણા લોકોને ગમતાં, પણ એનો કંઈ મેળ ના પડ્યો.’ આંશીએ હકારમાં માથું ધુણાવ્યું.

`તો મને એમ થાય છે કે આપણે મિનિતા આન્ટીની મદદ કરવી જોઈએ’. એમ બોલી આંખ મિંચકારતી મિનિતાને બનાવટી પત્રો લખવાની યોજના ઈરા ઘડે છે. એ આંશીને એવી ધરપત આપે છે કે, આવું કરવાથી મિનિતાના તદ્દન નિરસ, એકલતાભર્યા કંટાળાજનક જીવનમાં કંઈક ઉત્સાહ લાવી શકાશે. આંશી પહેલા તો ઈરાના આવા ઉટપટાંગ આઈડિયા સાથે સહમત થતી નથી, પણ અંતે હંમેશની માફક ઈરાની વાક્પટુતા સામે એણે નમતું જોખી દીધું .

બીજા દિવસથી ઈરા પત્રો લખનું શરૂ કરે છે. જે મિનિતાને પોતાને મનોમન ચાહતા કોઈ પ્રેમી દ્વારા લખાયા હોય એવો ભાસ ઉત્પન્ન કરાવે છે. મિનિતાના આંગણે રોજબરોજ એક પછી એક પત્ર ઠલવાતા રહે છે અને મિનિતાનો ભરોસો જીતતા રહે છે કે ખરેખર કોઈ છે આ જગતમાં જેને મિનિતાની પરવાં છે.

મધ્યાવસ્થાએ પહોંચેલી મિનિતા બે મુગ્ધાવસ્થામાં જીવતી છોકરીઓ દ્વારા ઊભા કરાયેલા આભાસી પ્રેમના પ્રભાવને સત્ય માની ખુશ રહેવા લાગે છે. એ ધીમે-ધીમે જીવન તરફ પાછી ફરવા લાગે છે. જાણે અંદરથી જીવંત થઈ ઉઠી હોય એમ એ ઘરની બહાર નીકળતી થઈ છે. લોકો સાથે વાતો કરે છે. સામે મળનારનું સ્મિતથી અભિવાદન કરે છે તો પડોશના લોકોને પ્રેમથી ઘેર આવવા આવકારે છે.

આ જોઈ આંશી- ઈરાનો હરખ સમાતો નથી. જોકે પોતે કંઈક એવું કામ કરી બતાવ્યું છે જે બીજું કોઈ કરી શક્યું નહી. એ વિચારી ફુલાયને ફાળકો થયેલા આંશી-ઈરા હવે ધબડકો કરે એટલી જ વાર હતી, કારણકે, મિનિતામાં આવેલા સકારાત્મક બદલાવ જોઈ ઈરાની હિંમત વધુ ખૂલી જાય છે. મિનિતા માટે ઉભી કરાયેલી આભાસી દુનિયામાં હવે એ વધુ કલ્પનાના રંગો ઉમેરવા તત્પર બની, પરંતુ એનું ટીનએજ મન એ હકીકતથી અજાણ હતું કે, અમુક વણજોઈતા રંગો ચિત્રને કદરૂપું બનાવી દેતા હોય છે.

આંશીને ઈરા કહે છે કે, આપણે મિનિતા માટે સાચે જ કોઈ પ્રેમી શોધીએ. આંશીની વિચારસરણી અહીં ઈરાથી અલગ પડે છે. એનો જવાબ છે : `ના, બસ હવે વધુ ખેંચ્યા વગર આપણે આ રમત અહીં પૂરી કરવી જોઈએ, પણ ઈરા જેનું નામ. એનું મન જંપવાનું નામ લેતું નથી. એ કોઈ પણ ભોગે પોતાના પત્રો થકી ઊભી કરેલી આભાસી વ્યક્તિને સાચુકલે શોધવા માંગે છે, પણ આવો પુરુષ શોધવો ક્થાંથી?

અકળાયેલી ઈરા પોતાના એક મિત્રને મદદ કરવા કહે છે. બસ, વાર્તા ખત્મ. ઈરાની આવી તોફાની સાહસકથા એ નાનકડા શહેરમાં વાયુવેગે ફેલાય જાય છે. વહેતી વાત મિનિતાને કાને અથડાતા વાર લગાડતી નથી. મિનિતા આઘાતમાં સુન્ન થઈ જાય છે. પોતાની લાગણીઓની નાલેશી એ સહી શકે એમ નથી. મિનિતા ઘર-બાર વહેંચી શહેર છોડવાનું નક્કી કરી લે છે.

ટીનએજમાં દરેક વાતને મજાકમાં લેવાની આદત હોય. આ ઉંમરે કંઈક નવું દેખાય તો એના પરત્વે મનમાં જીજ્ઞાસા ઉત્પન્ન થવી સામાન્ય હોય છે. અવિચારી નિર્ણયો લેવામાં આનંદ આવતો હોય, પરંતુ જ્યારે તણાવસ્થાના બાલિશ નિર્ણયોની અસર હેઠળ કોઈ અન્ય વ્યક્તિની જીંદગી બદલાય જાય ત્યારે શું થાય એ વિચાર આંશી કે ઈરાએ ક્યારેય કર્યો નહોતો. જોકે, આંશીને પોતાની ભૂલ સમજાય છે. એ મિનિતાને રોકવાની કોશીશ કરે છે, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું છે.

અંતે આંશી પોતાની મમ્મીને સાચી વાત જણાવે છે, જેના પરિણામે એને બોર્ડિંગ સ્કુલ મોકલી દેવાનું નક્કી થાય છે. આંશી આના કારણે ઈરાથી અત્યંત નારાજ છે કે ઈરાએ મિનિતાની વાત અન્ય કોઈને કરી. એ કારણથી જે કમઠાણ થયું એના ફળસ્વપ પોતાને ઘરથી દૂર જવું પડે છે. એ ઈરા સાથેના તમામ સંપર્ક આંશી તોડી નાખે છે. અને નાદાનીમાં કરાયેલી એક શરારત એમના સંબંધોમાં ઊભી તિરાડ સર્જે છે.

એ ઘટનાના બરાબર પંદર દિવસ પછી આંશીના ઘેર પાસેથી બે ગાડી વિરુધ્ધ દિશા તરફ રવાના થાય છે. એકમાં આંશી છે અને બીજામાં મિનિતા. અને એમને લાચાર નજરે જતાં જોઈ રહેલી ઈરા બંન્નેમાંથી કોઈ સાથે આંખ મેળવી શકવા સક્ષમ નહોતી.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ખાલી વાતોથી પાકિસ્તાન પીઓકે છોડીને ના જાય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button