પુરુષ

એકસ્ટ્રા અફેર : ચીન સાથે વ્યાપાર કરાર, ટ્રમ્પ મહિનામાં હાંફી ગયા

-ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર આકરા ટૅરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે બહુ ફડાકા માર્યા હતા. ટ્રમ્પે ઉપરાછાપરી ટૅરિફ લાદીને ચીન હવે પછી અમેરિકાની ભલમનસાઈનો દુરૂપયોગ નહીં કરી શકે એવા દાવા કરેલા. ટ્રમ્પે ચીનને દબાવવા માટે ધડાધડ ટૅરિફ લાદીને ટૅરિફનો દર 150 ટકાને પાર કરાવી દીધો હતો, પણ એક મહિનામાં તો ટ્રમ્પ હાંફી ગયા અને ચીન સાથે પાછી દોસ્તી કરી લીધી. મજાની વાત એ છે કે, ચીનને પતાવી દેવાની વાતો કરનારા ટ્રમ્પે સામેથી ચીન સાથેનો વ્યાપાર પૂર્વવત્ કરવા દોસ્તીનો હાથ લંબાવ્યો અને તેના પગલે સ્વિટ્ઝર્લેન્ડના જીનિવામાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલેલી મંત્રણાના અંતે સોદાબાજી થઈ ગઈ છે.

જીનિવામાં બે દિવસની વાતચીત બાદ બંને દેશો વચ્ચે થયેલા કરાર પ્રમાણે બંને દેશો એકબીજા પર આકરા ટૅરિફ હમણાં સ્થગિત કરશે અને ભવિષ્યમાં કઈ રીતે વ્યાપાર કરવો તેનું નવું મિકેનિઝમ તૈયાર કરશે. ગયા મહિને ટ્રમ્પે ચીની માલ પર 145 ટકા ટૅરિફ લાદ્યો હતો, ચીને પણ અમેરિકન માલ પર 125 ટકા સુધીનો ટૅરિફ લાદ્યો હતો. વિશ્વની બે સૌથી મોટી આર્થિક મહાસત્તા વચ્ચેનો વાર્ષિક 600 અબજ ડૉલરનો વેપાર લગભગ બંધ થઈ ગયો હતો અને બંનેની આર્થિક હાલત ખરાબ થવા માંડી હતી. છેવટે ટ્રમ્પે નમતું જોખતાં બંને વચ્ચે પાછી દોસ્તી થઈ ગઈ.

ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખપદ સંભાળતા જ આખી દુનિયામાં ટૅરિફ વોર છેડી દીધી હતી અને ચીન સહિતના દેશો સૌથી પહેલાં અમેરિકાના ટૅરિફનો વાર લાગ્યો હતો. ટ્રમ્પે ચીનમાંથી ફેન્ટાનિલ ઠાલવવામાં આવે છે અને તેના કારણે અમેરિકાનું યુવાધન બરબાદ થઈ ગયું છે એવો દાવો કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેન્ટાનિલ સંકટને નેશનલ ઈમરજન્સી જાહેર કરી હતી.

ચીન પર દોષારોપણ કરીને ફેબ્રુઆરીમાં ચીનના માલ પર 20 ટકા ટૅરિફ લાદ્યો હતો. એ પછી એપ્રિલમાં ટ્રમ્પે ચીની ઈમ્પોર્ટ પર 34 ટકા રેસિપ્રોકલ ટૅરિફ લાદ્યો કેમ કે ચીનમાં અમેરિકાના માલ પર 34 ટકા ટેક્સ લગાવાયો છે. ચીને અમેરિકા સામે ઝૂકીને ડ્યૂટી ઘટાડવાનો ઈનકાર કરતાં ટ્રમ્પ એ પછી ટૅરિફ પર ટૅરિફ લાદતા ગયા અને ટૅરિફ દર 150 ટકાની આસપાસ પહોંચી ગયો.

ડોનલ્ડ ટ્રમ્પે વટને ખાતર ચીનના માલ પર જંગી ટૅરિફ તો લાદી દીધો પણ એક પખવાડિયામાં જ ટ્રમ્પે પારોઠનાં પગલાં ભરવા માંડ્યાં હતાં અને અમેરિકા હાંફવા માંડ્યું હતું. ટ્રમ્પના ટૅરિફ વારના જવાબમાં ચીને વળતો હુમલો કરીને જેવા સાથે તેવાનું વલણ અપનાવેલું. ચીને પણ સામે અમેરિકાના માલ પર 125 ટકા ટૅરિફ ઠોકી દેતાં બઘવાઈ ગયેલા ટ્રમ્પે પારોઠનાં પગલાં ભરવાની શરૂઆત કરીને ચીનની ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ પરનો ટૅરિફ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.

યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન દ્વારા એક ડઝનથી વધુ ચીનની પ્રોડક્ટ્સને ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલથી ચીન પર લાદવામાં આવેલા ટૅરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ટ્રમ્પે પહેલાં ચીનનાં કમ્પ્યુટર્સ, લેપટોપ, ડિસ્ક ડ્રાઇવ્સ અને ઓટોમેટિક ડેટા પ્રોસેસિંગ સાધનો પર તોતિંગ ટૅરિફ લાદેલો, પણ પછી ગુલાંટ લગાવીને કહી દીધેલું કે, અમેરિકા ચીનના આ માલ પર હવે કોઈ ટૅરિફ નહીં લાદે. આ ઉપરાંત સ્માર્ટફોન, મેમરી કાર્ડ્સ, સેમિક્ધડક્ટર ડિવાઇસ, સોલર સેલ, મોડેમ, રાઉટર્સ અને ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર પણ અમેરિકામાં કોઈ ટૅરિફ નહીં લાગે એવી જાહેરાત કરાઈ હતી.

ટ્રમ્પે ગુલાંટ લગાવીને આ નિર્ણય લેવો પડ્યો કેમ કે ચીનના માલ પર લાદવામાં આવેલા ટૅરિફના કારણે અમેરિકાની એપલ, માઈક્રોસોફ્ટ, એચપી, ઈન્ટેલ, એનવીડિયા સહિતની મોટી કંપનીઓની હાલત બગડી ગઈ હતી. ચીનના માલ વિના આ કંપનીઓ પ્રોડક્ટ ના બનાવી શકે એવું નહોતું પણ એ રીતે પ્રોડક્ટ બનાવવા જાય તો બહુ મોંઘી પડે તેથી તેમણે કકળાટ કરી દીધેલો. અમેરિકાની કંપનીઓ ભારત સહિતના દેશોમાં પ્રોડક્ટ તૈયાર કરાવડાવે તો પણ પાર્ટ્સ તો ચીનમાંથી જ આવવાના છે તેથી ચીન પરની નિર્ભરતા ઘટવાની નહોતી.

ચીને ગરજનો લાભ ઉઠાવીને આ ચીજોના ભાવ વધારી દીધેલા તેથી ચીનની પ્રોડક્ટ મોંઘા ભાવે મળે તેથી બીજે બનાવડાવો તો પણ પ્રોડક્ટ મોંઘી જ પડે ને સરવાળે બધો ભાર ક્ધયાની કેડ પર એટલે કે સામાન્ય ગ્રાહક પર આવે. ભાવ વધે એટલે વેચાણ ઘટે ને અંતે કંપનીઓની આવક ઘટે તેથી ટ્રમ્પે ઝૂકવું પડ્યું હતું. ટ્રમ્પને એમ હતું કે, અમેરિકા ઝૂક્યું એટલે ચીન પણ નરમ પડશે તેથી અમેરિકા અને ચીન વચ્ચેનો વ્યાપાર ધીરે ધીરે પહેલાં જેવો થવા માંડશે.

આપણ વાંચો:  ડિયર હની તારો બન્નીઃ માત્ર વહુ જ નથી વગોવતી મોટાં ખોરડાં…

ચીનના શી જિનપિંગે ટ્રમ્પની બધી ગણતરીઓ ઊંધી વાળી દીધી અને નમવાના બદલે અમેરિકાના માલ પર ટૅરિફની જાહેરાતોમાં કોઈ રાહત ના આપી. તેના કારણે લગભગ 600 અબજ ડૉલરનો અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર લગભગ ઠપ્પ થઈ ગયો છે અને તેમાં વધારે નુકસાન અમેરિકાને થઈ રહ્યું છે. ચીનના માલ વિના અમેરિકાની મોટી મોટી કંપનીઓનું પ્રોડક્શન અટકી ગયું છે અને અમેરિકાની નિકાસ ખોરવાઈ ગઈ છે. અમેરિકાને જોરદાર આર્થિક ફટકો પડી રહ્યો છે તેથી ટ્રમ્પે જખ મારીને ચીન સાથે સમાધાન કરવું પડ્યું છે.

ચીન અને અમેરિકા વચ્ચેના વ્યાપાર કરારને પશ્ર્ચિમનું મીડિયા ટ્રમ્પની મોટી જીત ગણાવે છે, પણ વાસ્તવમાં આ ચીનની જીત છે. ચીને અમેરિકાને મહિનામાં જ હંફાવી દઈને સાબિત કર્યું છે કે, હવે અમેરિકા દુનિયાનો દાદો નથી અને ચીનને દબાવવાની તાકાત અમેરિકા પાસે પણ નથી. એક અઠવાડિયા પહેલાં ટ્રમ્પે ચીન સાથે વ્યાપાર કરારના સંકેત આપ્યા હતા અને કહ્યું હતું કે, ચીન પર લાદવામાં આવેલા ટૅરિફ ઘટાડી શકે છે. ટ્રમ્પે સ્વીકારેલું કે વર્તમાન ટૅરિફ દર એટલા બધા છે કે બંને દેશોએ એકબીજા સાથે વેપાર કરવાનું બંધ કરી દીધું છે. ચીન પરનો ટેક્સ ઘટાડવામાં નહીં આવે તો તેમની સાથે વેપાર કરવાનું શક્ય બનશે નહીં.

ટ્રમ્પે પડ્યા પછીય ટંગડી ઉંચી રાખતાં કહેલું કે, ચીનનું અર્થતંત્ર હાલમાં મુશ્કેલીમાં છે અને ચીનમાં ફેક્ટરીઓ 2023 પછી સૌથી ખરાબ સ્થિતિમાં છે. એક્સપોર્ટના ઓર્ડરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે અમેરિકા અને ચીનના વ્યાપાર કરારને જોતાં તો ચીન કરતાં વધારે ખરાબ હાલત અમેરિકાની હોય એવું લાગી રહ્યું છે અને ચીન કરતાં વધારે ગરજ અમેરિકાને હોય એવું લાગી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button