પુરુષલાડકી

ટ્રમ્પ ફાર્મા પર પણ ટૅરિફ લાદે તો ભારતની હાલત ખરાબ થઈ શકે છે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાના 160 દેશો પર લાદેલા સબસિડાઈઝ્ડ ટૅરિફનો બુધવારથી અમલ થઈ ગયો અને આખી દુનિયામાં ફફડાટ છે કેમ કે ટ્રમ્પની ટૅરિફની દુનિયાભરનાં અર્થતંત્ર પર અસર પડવાની છે. ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 26 ટકા ટૅરિફનો બુધવારે સવારે 9.31 વાગ્યાથી અમલ શરૂ થઈ ગયો છે. ભારત પર લાદવામાં આવેલી આ ટૅરિફ પછી આજથી અમેરિકામાં નિકાસ થતી દરેક ભારતીય વસ્તુ પર અગાઉ લેવાતી ડ્યૂટી ઉપરાંત 26 ટકા વધારાની ડ્યૂટી વસૂલવામાં આવશે તેથી ઘણ ચીજો પરનો ટેક્સ 50 ટકાને પણ પાર કરી જશે.

બે દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો અંગે લેવાનારા નિર્ણયની અસર રાતોરાત નથી થતી પણ લાંબા ગાળે થાય છે તેથી આ ટૅરિફની અસર તાત્કાલિક નહીં દેખાય પણ લાંબા ગાળે દેખાશે. અત્યારે તો મોદી સરકારની ભક્તિમાં લીન ઉદ્યોગ જગતના કેટલાક લોકો આ ટૅરિફની ભારત પર બહુ અસર નહીં થાય, બલકે લાંબા ગાળે ફાયદો થશે એવી વાતો કરી રહ્યા છે, પણ આ વાતો લોકોને ગેરમાર્ગે દોરનારી છે. ભારત આર્થિક રીતે અમેરિકા સહિતના દેશો પર નિર્ભર છે તેથી ભારતને ખરાબ અસર થશે જ. તેનું ટ્રેલર બે દિવસ પહેલાં જ ભારતીય શેરબજારોમાં થયેલા રમખાણોમાં જોવા મળી જ ગયું છે. ટૅરિફ આવે એ પહેલાં તો એક જ દિવસમાં સેન્સેક્સ 3300 પોઈન્ટ તૂટી ગયો ને રોકાણકારોના 19 લાખ કરોડ સ્વાહા થઈ ગયા.

ભારતે હજુ તો આવા બીજા આંચકા સહન કરવા તૈયાર રહેવું પડશે કેમ કે ટ્રમ્પ હજુ ટૅરિફનો બીજો ડોઝ આપવાના જ છે. છે. ટ્રમ્પે કહ્યું જ છે કે, ભારત અમેરિકાના માલ પર 52 ટકા સુધીની ટૅરિફ લાદે છે તેથી અમેરિકા પણ ભારતના માલ પર પર 26 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પે પોતાની ટૅરિફ રેસિપ્રોકલ એટલે કે સંપૂર્ણપણે પારસ્પરિક નથી એવી સ્પષ્ટતા કરીને કહ્યું છે કે, અમે બીજા દેશો અમારી પાસેથી વસૂલ કરી રહ્યા છે તેનાથી લગભગ અડધી ટૅરિફ વસૂલ કરીશું. ટ્રમ્પે એ પણ કહ્યું છે કે, હું રેસિપ્રોકલ એટલે કે સંપૂર્ણપણે પારસ્પરિક ટૅરિફ નાખી શકું તેમ હતો ઘણા દેશો માટે રેસિપ્રોકલ ટૅરિફે મુશ્કેલી સર્જી હોત અને અમે એવું કરવા માગતા ન હતા તેથી સબસિડાઈઝ્ડ ટેરિફ લાદી હોવાનુ ટ્રમ્પે કહ્યું જ છે. મતલબ કે રેસિપ્રોકલ ટૅરિફ માટે ભારતે તૈયાર રહેવું પડશે.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ઠઝઘ)ના ડેટા અનુસાર, ભારતમાં સરેરાશ ટૅરિફ સૌથી વધુ છે. ભારતમાં સરેરાશ ટેરિફ 17 ટકા છે, જ્યારે અમેરિકામાં તે માત્ર 3.3 ટકા છે. ટ્રમ્પના ડેટા પ્રમાણે જ ભારતમાં 52 ટકા ટૅરિફ છે તેથી ટ્રમ્પ 52 ટકા સુધી તો ટેરિફ લાદી જ શકે છે.

ભારત માટે બીજો મોટો ખતરો ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સ પર ટૅરિફનો છે. ટ્રમ્પે ટૅરિફના પહેલા રાઉન્ડમાં ફાર્માસ્યુટિકલ્સ પર ટૅરિફના લાદી તેથી ભારતીયો ખુશ હતા પણ આ ખુશી બહુ ટકી નથી કેમ કે ટ્રમ્પે એલાન કરી જ દીધું છે કે, અમે ફાર્માસ્યુટિકલ્સ પર ટૅરિફ લાદવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં ફાર્મા પર ખૂબ જ ભારે ટૅરિફ લાદવામાં આવશે. મારું કામ અમેરિકન ડ્રીમનું રક્ષણ કરવાનું છે.

અમેરિકન નાગરિકોની સુરક્ષા કરવી એ મારું કામ છે અને હું એ જ કરી રહ્યો છું.

ટ્રમ્પની ધમકીનો મતલબ એ થાય કે અત્યારે ભારતના માલ પર લદાતી ટૅરિફ કરતાં વધારે ટૅરિફ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસ પર લદાશે. ટ્રમ્પ ખરેખર એવું કરે તો ભારતની હાલત બગડી જાય કે કે ભારતમાંથી અમેરિકામાં જંગી પ્રમાણમાં ફાર્મા પ્રોડક્ટ્સની નિકાસ થાય છે અને જંગી વિદેશી હૂંડિયામણ મળે છે. ભારત દ્વારા અમેરિકામાં કરાતી નિકાસમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સનો કુલ હિસ્સો 11 ટકા છે.

અત્યારે મોટા પ્રમાણમાં સસ્તી દવાઓ ભારતથી અમેરિકા જાય છે. અમેરિકા ભારતમાંથી 12 અબજ ડૉલર (લગભગ 1 લાખ કરોડ રૂપિયા)થી વધુ કિંમતની દવાઓ અને ફાર્મા ઉત્પાદનોની આયાત કરે છે. અત્યારે વાર્ષિક આશરે 76000 કરોડ રૂપિયાનાં તો માત્ર ફાર્મા ઉત્પાદનની જ અમેરિકામાં નિકાસ થાય છે. ફાર્મા ઉત્પાદનોમાં સીધી લેવાતી દવાઓ સિવાયની પ્રોડક્ટ્સ આવે છે.

ભારતીય ફાર્મા કંપનીઓમાંથી મોટા ભાગની ટોચની કંપનીઓ એવી છે કે જેમની કુલ આવકનો 30 ટકાથી 50 ટકા હિસ્સો અમેરિકામાંથી થતી નિકાસની આવકનો છે. ગ્લેન્ડ ફાર્માની કુલ આવકનો 50 ટકા હિસ્સો અમેરિકામાં થતી નિકાસમાંથી આવે છે. અરબિંદો ફાર્માની 48 ટકા કમાણી અમેરિકાની નિકાસમાંથી છે. ડો. રેડ્ડીઝ લેબમાં આ હિસ્સો 47 ટકા, ઝાયડસ લાઇફમાં 46 ટકા, લ્યુપિનમાં 37 ટકા, સન ફાર્મામાં 32 ટકા અને સિપ્લામાં 29 ટકા છે. મોટી કંપનીઓમાંથી ટોરેન્ટ ફાર્મા જ અપવાદ છે. ટોરન્ટ ફાર્માની માત્ર 9 ટકા આવક અમેરિકામાં થતી નિકાસમાંથી થાય છે.

અમેરિકામાં ભારતીય માલ પર 26 ટકા ટૅરિફ લાદવાથી જે તે પ્રોડક્ટના ભાવ વધી ગયા છે અને ભારતીય કંપનીઓનો માલ ઓછો ખપવાનો છે ત્યારે ફાર્મા કંપનીઓ પર 26 ટકાથી પણ વધારે ટૅરિફ લદાય તો શું થશે એ વિચારવાની જરૂર છે. અત્યારે 26 ટકા ટૅરિફના કારણે ઇલેક્ટ્રોનિક્સ, રત્નો અને ઝવેરાત, ઓટોમોબાઇલ્સ અને કાપડ એ ચાર સેક્ટરને મોટો ફટકો પડશે. હવે તેમાં ફાર્મા સેક્ટર પણ ઉમેરાય તો ભારતની હવા ટાઈટ થઈ જાય.

આપણ વાંચો:  એકસ્ટ્રા અફેર : વક્ફ ઍક્ટમાં સુધારાથી મૂળભૂત અધિકારોના ભંગની વાત વાહિયાત…

અમેરિકાનો ટાર્ગેટ પોતાની વ્યાપાર ખાધ ઘટાડવાનો છે. 2023-24માં ભારતનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ 35.32 બિલિયન ડૉલર હતો. આ સરપ્લસ ટૅરિફ દ્વારા ઘટાડી શકાય છે તેથી ટ્રમ્પ હજુ ટૅરિફના ઝાટકા આપશે જ. કમનસીબે ભારત પાસે આ ટૅરિફના ઝાટકાને કઈ રીતે ખાળવા તેની કોઈ દવા નથી ને આપણા શાસકોમાં એવી સૂઝ કે પ્રભાવ પણ નથી.

અમેરિકા ખોટું કરી રહ્યું છે એમ કહીને ઊભા રહેવાની ને તેની સામે લડી લેવાની લડાયકતા જરૂરી છે. ટ્રમ્પે ટૅરિફ લાદ્યો પછી કેનેડા, ચીન, મેક્સિકો સહિતના દેશોએ જેવા સાથે તેવા થઈને અમેરિકાના માલ પર વળતી ટૅરિફ લાદી દીધી. આપણે દુનિયામાં ચોથા નંબરની ઈકોનોમી બની ગયા છીએ અને તેથી વૈશ્ર્વિક અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકીએ એમ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button