પુરુષલાડકી

મનને ગમે એવું જીવો…એકલતા ઘેરી વળે ત્યારે મનગમતું કામ એ જ નીજ-આનંદ…

નીલા સંઘવી

મિનાક્ષીબહેનની ઉંમર 70 વર્ષ. જીવનના આ પડાવે એ એકલા છે. જીવનસંધ્યાએ ઘણી વ્યક્તિની સાથે એવું બને છે. જીવનસાથીનો સાથ છૂટી જાય છે. સંતાનો પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જાય છે. ત્યારે સ્ત્રી કે પુરુષ, બેમાંથી જે હયાત હોય તે એકલા પડી જાય છે. હવે આ એકલતાના રોદાણાં રોવા કે પછી આ એકલતાને ‘એકાંત’માં ફેરવીને બાકી રહેલાં બોનસનાં વર્ષોમાં આનંદથી જીવવું એ વ્યક્તિના વિચારો પર, એના વર્તન પર, એની રહેણીકહેણી પર આધાર રાખે છે.

આજે મિનાક્ષીબેનની વાત કરીએ. 70 વર્ષીય મિનાક્ષીબેનના જીવનસાથી સ્વર્ગે સિધાવ્યા છે. ત્રણ દીકરી વરી-પરણીને પોતાના જીવનમાં, પોતાના પરિવારમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગઈ છે. મુંબઈમાં – મલાડમાં પોતાના એક બેડરૂમના ઘરમાં મિનાક્ષીબેન એકલાં જીવે છે. એમને પતિની યાદ સતાવે છે. ઘરમાં એકલા કંટાળો આવે છે. પ્રભુભજન કરે છે, કરી કરીને પણ કેટલો વખત પ્રભુભજન કરી શકે? દેવ-દર્શન કરવા જાય છે , પણ સાંજે ઘેર આવ્યા પછી ઘર ખાવા ધાયા છે. એમને યાદ આવે છે પોતાનો કલરવતો ઘરસંસાર. પોતે બે અને કલબલ કરતી કાબર જેવી ત્રણ દીકરી સાંજે પડે બધા ઘેર આવે પછી રાત્રે તો ઘરમાં શોરબકોર હોય. ત્રણ દીકરી હસતી હોય, મસ્તી કરતી હોય, ક્યારેક લડતી હોય. પોતે બંને એમની દીકરીઓની મજાક-મસ્તી જોઈને રાજી થતા હોય. દીકરીઓ એમને ખૂબ વહાલી. એ ત્રણેય દીકરી પણ સ્વરૂપવાન, ગુણવાન, તેજસ્વી. આજે ભલભલા લોકોને દીકરીને પરણાવતા નાકે દમ આવે છે, કેટલીયે જોડ પગરખાં ઘસાઈ જાય છે ત્યારે મિનાક્ષીબેનની દીકરીઓના માગાં તો સામેથી જ આવ્યા. એક દીકરીના લવમેરેજ, બાકીના બંનેના અરેન્જ મેરેજ, પણ મિનાક્ષીબેને દીકરીઓના લગ્ન માટે સારું ઘર શોધવા જવું ન પડ્યું, સામેથી જ શ્રીમંત-ખાનદાન ઘરમાં એમની ત્રણેય દીકરીઓ વારાફરતી પરણી ગઈ.

એ પછી મિનાક્ષીબેન અને તેમના પતિ બેજ જણ ઘરમાં રહ્યા. પતિ હજુ રિટાયર્ડ થયા નહોતા. મિનાક્ષીબેન આખો દિવસ ઘરમાં એકલાં જ રહેતાં , પણ સાંજે પતિ ઘેર આવવાના છે એમની રાહ જોતા પતિ માટે વિવિધ વાનગીઓ બનાવતા. દીકરીઓના જવાથી ઘરમાં કલરવ શમી ગયો હતો પણ પતિ-પત્ની જમીને વોક કરવા જતા. ગલીને નાકે આવેલા આઈસક્રીમ પાર્લરમાં આઈસક્રીમ ખાતા. ઘેર આવીને એ બંને એક ગેમ ‘રમી’ રમતા અને પછી સાથે મળીને ટીવી પર કોઈ શો કે સિરીઝ જોતા. આમ પરસ્પરના સહારે બંને જણ જીવન જીવી રહ્યા હતા. શનિ-રવિ કે રજાના સમયમાં દીકરીઓ પોતાના સંતાનો સાથે આવતી ત્યારે ઘરમાં જાણે ગોકુળ-વૃંદાવન ઊતરી આવતું.

સ-રસ ચાલતા જીવન પર કાળની કાળી નજર પડી અને એક રોડ અકસ્માતમાં મિનાક્ષીબેનના પતિને કાળ ભરખી ગયો. મિનાક્ષીબેન એકલાં પડી ગયાં. થોડા દિવસ તો દીકરીઓ રહી પણ પછી તો એમનોયે સંસાર હોયને? સાંજે પડેને મિનાક્ષીબેનને ઘર ખાવા દોડે. સાંજે ઉદાસી એમને ઘેરી વળે. દીકરીઓને ફોન કરે પણ દીકરીઓ પોતાના કામમાં વ્યસ્ત હોય એટલે વધારે વાત ન કરી શકે. હવે એમને સાંજે રસોઈ બનાવવી પણ ગમતી નહીં.. ટી.વી. જોવાનું પણ ગમતું નહીં. રડ્યાં કરતાં .

મિનાક્ષીબેનની આ હાલત જોઈને ત્રણેય દીકરી-જમાઈએ મિટિંગ કરી. મમ્મી માટે શું કરી શકાય? સૌ પ્રથમ તો દીકરીઓએ પોતાના ઘેર આવવા આગ્રહ કર્યો જે પ્રસ્તાવ મિનાક્ષીબેને નકારી કાઢ્યો. મોટી દીકરીને યાદ આવ્યું- મમ્મીને હિલ-સ્ટેશન પર રહેવાનો બહુ શોખ હતો. મમ્મીને હિલ-સ્ટેશન રહેવા મોકલી દઈએ, પણ મુંબઈમાં એમને એકલતા લાગે છે તો હિલ-સ્ટેશનમાં તો કેટલી એકલતા લાગે? બીજી દીકરીને સરસ વિચાર આવ્યો. હિલ-સ્ટેશનની સ્કૂલમાં ભણતા બાળકો માટે નાનકડી હોસ્ટેલ ખોલીએ તો કેવું? પણ એને માટે પૈસા જોઈએ. મલાડનો ફ્લેટ વેચી નાખવાનું નક્કી કર્યું. એ પૈસામાંથી મુંબઈની નજીકના હિલ સ્ટેશન પર વીસેક બાળકો રહી શકે તેવું મકાન બનાવ્યું. મકાનમાં બાળકોને જોઈએ એ બધી સગવડનું ધ્યાન રાખીને ફર્નિચર બનાવડાવ્યું. બાળકોને સાચવવા બે આયા, રસોઈ કરવા માટે બે બહેનોને રાખ્યા.

મિનાક્ષીબેન તો બધી તૈયારીમાં લાગી ગયાં . હવે એમનો સમય ક્યાં જાય છે તેની હવે ખબર જ પડતી નથી. પહેલાં સમય પસાર કરવાના વાંધા હતા હવે સમય ક્યાં પસાર થઈ જાય છે તેની જ ખબર પડતી નથી. થોડી જાહેરાત કરવાને કારણે શરૂઆતમાં બે-ત્રણ બાળકોએ મિના-બાની હોસ્ટેલમાં એડમિશન લીધું. બે-ત્રણ બાળકો, બે આયા, બે રસોઈવાળા બહેન. હવે મિનાક્ષીબેનનો પરિવાર મોટો થઈ ગયો. હવે કામ છે, કલબલાટ છે, બાળકોની મસ્તી છે. બાળકોને સરસ મજાનો ગરમ નાસ્તો, ગરમાગરમ જમવાનું અને સ્વાદિષ્ટ ડિનર મળે છે. બાળકોને મજા આવે છે. સરસ જમવા સાથે મિના-બાનો પ્રેમ પણ મળે છે. જેને કારણે બાળકો પોતાના માતાપિતાનો વિરહ જીરવી શકે છે. રાતના બાળકો જમી લે અને હોમવર્ક કરી લે પછી
બધાને ભેગાં કરીને મિનાબા રમતો રમાડે છે, વાર્તા કહે છે. બાળકોને મજા આવે છે. બધાંને દૂધ-ફ્રૂટ આપવામાં મિનાબા ક્યાંય કરકસર કરતા નથી.

ધીરે ધીરે બીજા વીસ બાળક આવી ગયા છે. મિનાબા હોસ્ટેલનું નામ થઈ ગયું છે. કેટલાંયે એડમિશન આપવા વિનંતી કરે છે પણ મિનાબા પાસે જગ્યા નથી. એ વિચારે છે થોડા પૈસા જમા થઈ જાય તો બીજા બે-ત્રણ ઓરડા ચણાવી લઉં તો થોડા વધુ બાળકોનો સમાવેશ થઈ શકે. મિનાબાની હોસ્ટેલમાં બાળકોને દાદીનો પ્યાર મળે છે. વાલીઓ ખુશ છે, ખાસ તો મિનાક્ષીબેન ખુશ છે- હવે એ રડતાં નથી, હસતાં રહે છે. દીકરીઓના ફોન આવે તો એમની સાથે વાત કરવા પણ એમની પાસે સમય નથી. મિનાક્ષીબેન દીકરીઓની મદદથી પોતાની એકલતાને એક સરસ સામાજિક સેવામાં પરિવર્તન કરી દીધી છે. પોતે તો આનંદિત રહે છે સાથે સાથે અન્યને આનંદ આપે છે. એકલતા ઘેરી વળે ત્યારે મનગમતું કામ એ જ નીજ-આનંદ પામવાનો અકસીર ઉપાય છે.

આપણ વાંચો : મા તુઝે સલામ…મા જ્યારે ઘરડી થઈ છે ત્યારે સંતાને નથી સાચવવાની માને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button