પુરુષ

યા તો તમે પીવો છો, યા નથી પીતા, પણ ઓકેઝનલી પીવું એ દંભ છે

મેલ મેટર્સ – અંકિત દેસાઈ

અલ્કોહોલ બાબતે પુરુષો ઘણું ધુપ્પલ ચલાવતા હોય છે. ક્યાં તો પુરુષ આલ્કોહોલ લેતો હોઈ શકે અથવા એ આલ્કોહોલ ન લેતો હોય. પણ એમાં જે ઓકેશનલી, સોશિયલ ડ્રિકિંગ જેવું કશું હોતું નથી. એ તો છોગું કહેવાય. વળી, આલ્કોહોલ બાબતે એક સૌથી મોટું સ્કેમ એ છે કે જ્યારે પણ કોઈ પૂછે કે તમે તમે ડ્રિંક કરો છો?’ કે તમારા પતિ ડ્રિંક કરે છે?’ તો આપણે ત્યાં સામાન્ય જવાબ હોય છે ઑફિસની પાર્ટી હોય ત્યારે જરા સિનિયર્સનું કે બોસનું માન રાખીને પીવું પડે! અરે ભાઈ, આ તે કંઈ વાત થઈ? કયો બોસ કે સિનિયર તમારી ના હોવા છતાં તમારા મોઢામાં બિયર કે વોડકા કે સ્કોચ નાખવા આવ્યો છે એ કહોને. માનવ અધિકારના ભંગ કે હેરેઝમેન્ટના ગુના અંતર્ગત આપણે તેને જેલમાં જતાં વાર નહીં લાગે! પરંતુ આ તો આપણે છીએ કે લેતા હોઈએ બહુ ચાઉંથી, પરંતુ લઈએ ત્યારે પણ આ જગત પર જાણે ઉપકાર કરતા હોઈએ એમ ઑફિસની પાર્ટીમા સિનિયર કે બોસની રિસ્પેક્ટ કરવા પી લઈએ છીએ!

એના કરતા સિનિયર કે બોસને કામ જ સરખું કરીને આપતા હોય તો! એના ઠેકાણા નહીં હોય. પરંતુ ભાઈએ સિનિયર કે બોસની પાર્ટીમાં રિસ્પેક્ટ કરવી છે. ખૈર, આલ્કોહોલ લેવું કે ન લેવું એની ચર્ચા નથી કરવી અહીં. કે ઈવન આલ્કોલ સારો કે તે કેટલા પ્રમાણ પછી ખરાબ કે આલ્કોહોલ સાથે બાઈટિંગમાં શું ધ્યાન રાખવું એ વિશેની પણ કોઈ વાતો નથી કરવી. વાતો કરવી છે કે આલ્કોહોલ બાબતે કે પછી અનેક બાબતોએ આપણે જે દંભ કરીએ એની! અને આ આખો કિસ્સો મને સૂઝ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લી ફ્રાન્સની મુલાકાત પછી. જ્યારે ફ્રાન્સની બે દિવસની મુલાકાતના પ્રસંગે ફ્રાન્સના પ્રમુખ ઈમ્યુનલ મેક્રોન દ્વારા મોદીજીના માનમાં ભવ્ય ડિનરનું આયોજન કર્યું હતું. એ ડિનરમાં ફ્રાન્સના ડિપ્લોમેટીક પ્રોટોકોલ મુજબ બધાને આલ્કોહોલ પીરસાયું હતું અને બધા સાથે મળીને ટોસ્ટ કરવાના હતા. તો મોદીજીએ પણ રસમ મુજબ ગ્લાસ હાથમાં લઈને ટોસ્ટ કર્યું, પરંતુ બીજાઓએ ટોસ્ટ કરીને ઘૂંટડો ભર્યો અને મોદીજીએ ગ્લાસ ટેબલ પર મૂકી દીધો!

અગેઈન અહીં એમ નથી કહેવું કે જૂઓ મોદીજી આલ્કોહોલ નથી લેતા. શીખો કંઈક એમની પાસે! મોદીજી પાસે કશુંક બીજું શીખવું કે ન શીખવું એ વ્યક્તિગત પસંદગીની વાત છે. પરંતુ એક વાત તો શીખી જ શકાય કે આપણે પીએ છીએ કે નથી પીતાની કેટેગરીમાં આવીએ! એટલે કે આપણે નથી પીતા તો તો કોઈ પ્રશ્ર્ન જ નથી. પરંતુ જો બોસ કે સિનિયરના માથે ઠીકરું ફોડતા હોઈશું તો આપણે એ શીખવાનું છે કે જો આપણે એવા સત્યના પૂતળા હોઈએ તો મોદીજીની જેમ રહેવું. વર્લ્ડ મીડિયાની નજર તેમના પર હતી એ છતાં કે ફ્રાન્સના પ્રેસિડેન્ટને કેવું લાગશે એની ચિંતા કર્યા વિના તેમણે ગ્લાસ મૂકી દીધો. કારણ કે તેઓ ઓકેશનલી કે બીજાની રિસ્પેક્ટ કરવાના દંભમાં નહોતા! અને મજા તો ત્યારે આવી જ્યારે આખા વિશ્વે મોદીજીના એ જેસ્ચરના પણ વખાણ કર્યા કે વાહ ભાઈ કેવું પડે, આને કહેવાય ડિસિપ્લિન!

એક રીતે જોવા જઈએ તો આવું વલણ કે આવા જેસ્ચર પણે એક બેસ્ટ લીડરની કે ઉત્તમ માણસની નિશાની છે. એ જ રીતે ઈમ્યુનલ મેક્રોન માટે પણ એ વાત લાગુ પડે કે તેણે પોતાના સ્ટેટ પ્રોટોકોલ મુજબનું આયોજન કર્યું અને પોતે જે કલ્ચર જીવે છે એ મુજબ ડ્રિંક લીધું. આખરે એમણે એમ તો નહીં જ કહ્યું હોયને, કે આ તો મોદીજી આવ્યા એટલે પીવું પડ્યું, બાકી હું તો પીતો જ નથી! આવું લક્ષણ સ્ટ્રોંગ માણસનું પણ લક્ષણ છે અને ખેલદિલ માણસનું પણ લક્ષણ છે.

પરંતુ જે નબળા છે, જે પલાયનવાદી છે, જેમનો તેમની ઈન્દ્રીય પર કાબૂ નથી, જેમના સ્પોર્ટ્સમેનશિપનો અભાવ છે અથવા જેઓ પોતે જ પોતાની જાતને સ્વીકારવામાં ખચકાતા હોય એ લોકો જ આખી જિંદગી ઓકેશનલી કે સોશિયલ ડ્રિકિંગની વાત કરતા હોય છે. અરે યાર એટલિસ્ટ એટલું તો કરીએ કે આપણે આપણી જાતને સ્વીકારીએ! બીજા તો આમેય નથી જ સ્વીકારવાના આપણને પરંતુ આપણે જ આપણી જાતને કે આપણી અમુક આદતોને નહીં સ્વીકારીશું તો સ્વાભાવિક જ આપણી અંદર અમુક રિગ્રેટ્સ રહેવાના.

બીજાઓનું છોડીએ, પણ આપણે રિગ્રેટ ફ્રી રહેવું હોય તો પણ આપણે માટે આપણી મર્યાદાઓ, આપણા શોખ કે આપણી આદતોનો સ્વીકાર જરૂરી બની જાય છે. કદાચ આપણી જાતનો એવો સ્વીકાર કરીશું કે ફાજલ દંભથી દૂર રહીશું તો પણ આપણે આપણા સ્તર પર એક ઉત્તમ માણસ તરીકે લેખાઈશું અને શું ખબર ત્યારથી, એવા એટિટયૂડથી જ આપણી લીડરશિપની પણ શરૂઆત થતી હોય?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button