પુરુષલાડકી

દુલીપ ટ્રોફી: મુખ્ય ખેલાડીઓ વિરુદ્ધ દમદાર દાવેદારો વચ્ચેનો જંગ

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

૧૯૨૯થી ૧૯૩૧ દરમ્યાન ઇંગ્લૅન્ડ વતી ૧૨ ટેસ્ટ-મૅચ રમનાર ભારતીય મૂળના ક્રિકેટર કુમાર શ્રી દુલીપસિંહજીના નામે ૧૯૬૧ની સાલથી દુલીપ ટ્રોફી રમાય છે અને એની શરૂઆત આજે બેન્ગલૂરુમાં થઈ રહી છે એટલે આ લેખ માટે એને જ માધ્યમ બનાવવાનું નક્કી કર્યું. યોગાનુયોગ, બરાબર બે અઠવાડિયાં પછી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) માટે ભારતીય ક્રિકેટરોના ટેસ્ટ અભિયાનની શરૂઆત થવાની છે એટલે દુલીપ ટ્રોફીમાંના પર્ફોર્મન્સીસ ખૂબ સમયસરના બની રહેશે.

ટેસ્ટના વર્લ્ડ કપ તરીકે ઓળખાતી ડબ્લ્યૂટીસીની ૨૦૨૧ની પ્રથમ સીઝનની ફાઇનલમાં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે અને ૨૦૨૩ની બીજી સીઝનની ફાઇનલમાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. બબ્બે વખત ફાઇનલમાં પહોંચ્યા પછી ટ્રોફીથી વંચિત ભારત આ વખતે પણ ફાઇનલમાં પહોંચશે એવી સંભાવના નકારી ન શકાય, કારણકે અત્યારે પૉઇન્ટ્સ-ટેબલમાં રોહિત શર્મા ઍન્ડ કંપની મોખરે છે એટલે આ વખતે (૨૦૨૫ની ફાઇનલમાં) ટ્રોફી જીતવાનો કોઈ મોકો હાથમાંથી ગુમાય નહીં એની ખાસ તકેદારી રાખવી પડશે.

ભારત માટે આગામી ૧૦ ટેસ્ટ-મૅચ આકરી કસોટીની છે. એમાંથી પહેલી બે ટેસ્ટ આ મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે, ત્રણ ટેસ્ટ ઑકટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે અને પાંચ ટેસ્ટ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયામાં રમાશે.

આ પણ વાંચો : એક સાથે બે ક્રિકેટરે જાહેરાત કરી દીધી નિવૃત્તિ

હવે મુખ્ય વાત એ છે કે દુલીપ ટ્રોફીમાંના પર્ફોર્મન્સીઝ પરથી સિલેક્ટરો ટેસ્ટ ટીમ નક્કી કરશે. ૧૯મી સપ્ટેમ્બરે ઘરઆંગણે બાંગ્લાદેશ સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટેની ટીમ નક્કી કરવા માટે પસંદગીકારોને ઘણા વિકલ્પો મળી રહેશે, પરંતુ મોટી સંખ્યામાં દાવેદારો હોવાથી તેમને માટે મીઠી મૂંઝવણ પણ બની રહેશે.

દુલીપ ટ્રોફીની મૅચ ચાર દિવસની હોય છે એટલે એક રીતે એને ટેસ્ટ મુકાબલા જ કહી શકાય. આજે ડોમેસ્ટિક લેવલની આ મિનિ-ટેસ્ટ ટૂર્નામેન્ટનો આરંભ બેન્ગલૂરુમાં ટીમ-એ અને ટીમ-બી વચ્ચેના મુકાબલા (સવારે ૯.૩૦ વાગ્યાથી) સાથે થશે. આજે બીજો મુકાબલો પણ શરૂ થશે જે આંધ્ર પ્રદેશના અનંતપુરમાં ટીમ-સી અને ટીમ-ડી વચ્ચે (સવારે ૯.૩૦ વાગ્યાથી) થશે. અનુક્રમે શુભમન ગિલ, અભિમન્યુ ઈશ્ર્વરન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ ઐયર આ ચાર ટીમના કૅપ્ટન છે.

રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને દુલીપ ટ્રોફીમાંથી આરામ અપાયો છે, પરંતુ બાકીના ભારતના લગભગ તમામ વર્તમાન ખેલાડીઓની આ ટૂર્નામેન્ટમાં આકરી કસોટી થશે.

સૌથી પહેલાં ઓપનિંગ બૅટર્સ પર નજર કરીએ. ટેસ્ટ સિરીઝમાં કૅપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં રમશે એ લગભગ નક્કી છે. જો બેમાંથી કોઈને ઈજા કે બીમારી નહીં થાય તો તેઓ જ બાંગ્લાદેશ સામે દાવની શરૂઆત કરશે. જોકે ઓપનિંગ માટે બીજા ઘણા દાવેદારો છે જેમ કે શુભમન ગિલ, કેએલ રાહુલ, અભિમન્યુ ઈશ્વરન, દેવદત્ત પડિક્કલ અને બી. સાઇ સુદર્શન. આ બધામાંથી ગિલ વનડાઉનનો બૅટર છે અને કેએલ રાહુલ ચોથા નંબરે રમ્યો છે, પરંતુ તક મળે તો તેઓ ઓપનિંગમાં પણ રમી શકશે.

મિડલ-ઑર્ડરમાં સૂર્યકુમાર યાદવનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેને હાથમાં થોડી ઈજા થઈ હોવાથી દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં નહીં રમે, પણ પછી જો બાકીની મૅચોમાં સારું રમશે તો ભારતની ટી-૨૦ ટીમના આ કૅપ્ટનને ફરી ટેસ્ટ ટીમમાં આવવાની ખૂબ ઇચ્છા છે. કરીઅરની પહેલી પાંચ ટેસ્ટ ઇનિંગ્સમાં ત્રણ હાફ સેન્ચુરી ફટકારીને સૉલિડ શરૂઆત કરનાર સરફરાઝ ખાન અને વિકેટકીપર ધ્રુવ જુરેલ ટેસ્ટ માટેના મિડલ-ઑર્ડરના દાવેદારો છે. જોકે વિરાટ કોહલી અને રિષભ પંતના કમબૅક સાથે તેમને ટેસ્ટ ટીમમાં સ્થાન મળવાની સંભાવના સાવ ઓસરી જશે.

૧૯મી સપ્ટેમ્બરથી ચેન્નઈમાં બાંગ્લાદેશ સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટેની ટીમમાં ટોચના આ સાત ખેલાડી નક્કી જણાય છે: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત અને રવીન્દ્ર જાડેજા.

ફરી મિડલ-ઑર્ડરના બૅટર્સની વાત કરીએ તો દુલીપ ટ્રોફીની ટીમ-ડીનો કૅપ્ટન શ્રેયસ ઐયર પણ મોટો દાવેદાર છે. રજત પાટીદારનું ટેસ્ટ-ડેબ્યૂ સારું નહોતું રહ્યું, પરંતુ દુલીપ ટ્રોફીમાં સારું રમશે તો ટીમમાં કમબૅક કરવાનો મોકો તેને મળી શકે. સિલેક્ટર્સ ઑસ્ટ્રેલિયા સામે રમનારી ઇન્ડિયા ‘એ’ ટીમનું પણ સિલેક્શન કરવાના હોવાથી આમાંના ઘણા ખેલાડીઓને એમાં સ્થાન બુક કરવાની પણ તક છે.

સ્પિનર્સમાં જાડેજા ઉપરાંત રવિચન્દ્રન અશ્ર્વિન ટેસ્ટ ટીમ માટે મુખ્ય દાવેદાર છે, પરંતુ ઑલરાઉન્ડર અક્ષર પટેલ તેમ જ કુલદીપ યાદવ પણ દુલીપ ટ્રોફીમાં વિકેટો લઈને ટેસ્ટ ટીમ માટે દાવો કરી શકે. લેફ્ટ-આર્મ સ્પિનર આર. સાઇ કિશોર અને સૌરભ કુમાર તેમ જ રાજસ્થાનનો માનવ સુથાર પણ રેસમાં જોવા મળી શકે. જોકે આ બધા નવોદિતો સામે અનુભવી સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર જો દુલીપ ટ્રોફીમાં ચમકશે તો કેટલાકની આશા પર પાણી ફરી વળશે.

ભારતને ઝહીર ખાનની નિવૃત્તિ પછી અસરદાર લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર નથી મળી શક્યો. અર્શદીપ સિંહ મોટા ભાગે ટી-૨૦ સ્પેશિયાલિસ્ટ છે, પણ જો દુલીપ ટ્રોફીમાં તે સારું રમશે તો પોતે રેડ બૉલની મૅચમાં પણ વિકેટ-ટેકિંગ બોલર તરીકેનો દાવો કરી શકશે.

ઉત્તર પ્રદેશનો યશ દયાલ બન્ને તરફ બૉલ સ્વિંગ કરી જાણે છે. પસંદગીકારોની તેના પર ખાસ નજર રહેશે. તેણે ૨૩ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૭૨ વિકેટ લીધી છે.

રાઇટ-હૅન્ડ ફાસ્ટ બોલર્સમાં આકાશ દીપ, મુકેશ કુમાર, આવેશ ખાન પર સૌની નજર રહેશે. પ્રસિદ્ધ ક્રિષ્ના ફુલ્લી ફિટ થઈ ગયો છે એટલે દુલીપ ટ્રોફી તેના માટે કરીઅરની ‘નવી ઇનિંગ્સ’ જેવી સાબિત થઈ શકે.
ભારતનું ટેસ્ટ-મિશન બહુ લાંબુ ચાલવાનું છે એટલે સિલેક્ટર્સ ટેસ્ટ ટીમ સિલેક્ટ કરવા ઉપરાંત મજબૂત બૅક-અપ પણ ઊભું કરવા પર ધ્યાન આપશે એટલે ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી રોમાંચક અને રસાકસીભરી બની રહેશે એમાં કોઈ શંકા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button