દ્રવિડનું મિશન પૂરું, ગંભીરની આકરી પરીક્ષા શરૂ
ઠંડા મગજવાળા પ્રતિભાશાળી હેડ-કોચે ટી-૨૦નું ટાઇટલ અપાવ્યું, હવે આક્રમક મિજાજવાળા નવા માસ્તરે વન-ડે અને ટેસ્ટની ટ્રોફીઓ અપાવવાની છે

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા
રાહુલ દ્રવિડ ખેલાડી તરીકે એક પણ વર્લ્ડ કપ નહોતો જીતી શક્યો અને ૨૦૧૧ના વિશ્ર્વ કપ માટેની ટીમમાં તેનો સમાવેશ પણ નહોતો, પરંતુ પ્લેયર તરીકે એકેય મોટી ટ્રોફી હાથમાં ન લઈ શકનાર ‘ધ વૉલ’ ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકે વિશ્ર્વ કપની ટ્રોફી ઊંચકી શક્યો એ સાથે તેની ક્રિકેટની સફર સફળ રહી કહેવાય. આવનારા સમયમાં તે ફરી બેન્ગલુરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)માં અખ્ત્યાર સંભાળીને યુવા ટૅલન્ટ શોધવાના અભિયાનમાં બીસીસીઆઇને સાથ આપશે એવી આશા રાખીએ. હવે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાની જવાબદારી નવા હેડ-કોચ ગૌતમ ગંભીરની છે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) એટલે કે ટેસ્ટના વર્લ્ડ કપની ટ્રોફી બે વાર હાથમાં આવતા રહી ગઈ એવું હવે ગંભીરના નવા શાસનકાળમાં નહીં થાય એવી આશા પણ રાખીએ અને એવીયે અપેક્ષા છે કે તેના કોચિંગમાં ૨૦૨૬નો ટી-૨૦ વર્લ્ડ કપ તથા ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપ ભારત જીતી જાય.
જોકે ગૌતમ ગંભીરે એ ટ્રોફીને લક્ષ્ય બનાવવાની સાથે લોઢાના ચણા ચાવવા પડશે એવું કહીએ તો જરાય ખોટું નથી.
અગાઉ ઑસ્ટ્રેલિયાની બાબતમાં એવું બનતું કે એની ટીમ એટલી બધી મજબૂત રહેતી કે ટીમને કોચિંગ આપવાનું હેડ-કોચ માટે જરાય અઘરું નહોતું. સ્ટીવ વૉની બાહોશ કૅપ્ટન્સી હોય અને તેની ફોજમાં જસ્ટિન લૅન્ગર, મૅથ્યૂ હેડન, રિકી પૉન્ટિંગ, ડેમિયન માર્ટિન, ઍડમ ગિલક્રિસ્ટ, બ્રેટ લી, જેસન ગિલેસ્પી, શેન વૉર્ન વગેરે અનુભવી મૅચ-વિનર્સ હોય તો પછી કહેવું જ શું! એમાં કોચે ખાસ કંઈ કામ જ ન કરવાનું હોય. ભારત પાસે પણ એક સમયે ટીમમાં સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, જાવાગલ શ્રીનાથ, ઝહીર ખાન વગેરે દિગ્ગજો હતા ત્યારે કોચની જવાબદારી નહીંવત હતી.
જોકે હવે જમાનો બદલાયો છે. જેમ ફૂટબૉલની ટીમને મોટી ટૂર્નામેન્ટોમાં સફળતા અપાવવા મૅનેજર (કોચ)ની ખાસ જરૂર પડતી હોય છે એમ આજકાલની ક્રિકેટ ટીમને હેડ-કોચ વિના ચાલતું નથી. સારો કોચ હોય તો જ સારું ટીમવર્ક જોવા મળે, ટીમમાં જૂથવાદ ટાળી શકાય અને ટીમને નિર્ભય બનાવીને સફળતાના શિખર સુધી લઈ જઈ શકાય.
ગૌતમ ગંભીર એવા સમયે ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બન્યો છે જ્યારે તેણે રાહુલ દ્રવિડ દ્વારા ટી-૨૦ ફૉર્મેટમાં પૂર્ણ કરવામાં આવેલા કાર્યને દૃષ્ટાંત તથા માપદંડ માનીને વન-ડે તથા ટેસ્ટમાં ભારતને સર્વોત્તમ સફળતાઓ અપાવવાની છે. એટલું જ નહીં, ગંભીરને મળેલી ટીમમાં અનુભવી ખેલાડીઓ ઓછા છે એટલે તેણે ઓછા અનુભવી તથા નવા ખેલાડીઓને સાથે રાખીને ટીમને નવા શિખર સુધી લઈ જવાની છે.
બીજી તરફ, ટીમ ઇન્ડિયાને ઠંડા મગજના અને ધીરગંભીર રાહુલ દ્રવિડ પછી હવે આક્રમક મિજાજવાળો તથા જે સાચું લાગે એ કહી દેવામાં જરા પણ ખચકાટ ન રાખતો ૪૨ વર્ષીય હેડ-કોચ ગૌતમ ગંભીર મળ્યો છે. ૩૬મા વર્ષે તેણે રમવાનું છોડી દીધું હતું અને પછી તે રાજકારણમાં (ભાજપના સંસદસભ્ય બનવા સહિતની) ટૂંકી ઇનિંગ્સની સાથોસાથ આઇપીએલમાં મેન્ટર બન્યો હતો. લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની ટીમનો મેન્ટર બનીને એ ટીમને સતત બે વર્ષ (૨૦૨૨, ૨૦૨૩) સુધી પ્લે-ઑફમાં લાવ્યા બાદ ૨૦૨૪માં તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને ટાઇટલ અપાવી દીધું. કૅપ્ટન તરીકે કેકેઆરને બે ટ્રોફી અપાવ્યા બાદ તેણે મેન્ટર બનીને એ ટીમને ત્રીજું ટાઇટલ અપાવ્યું જેને પગલે તેને સીધો બીસીસીઆઇનો કૉન્ટ્રૅક્ટ મળી ગયો. રાહુલ દ્રવિડને હેડ-કોચ તરીકે વર્ષના ૧૨ કરોડ રૂપિયા અપાતા હતા, પણ ગંભીરને તેનાથી વધુ અપાશે એવી સંભાવના નકારી ન શકાય.
શ્રીલંકામાં આગામી ૨૭મી જુલાઈએ શરૂ થતી ટી-૨૦ સિરીઝ સાથે ગંભીરનું ટીમ ઇન્ડિયા સાથેનું મિશન શરૂ થશે. ત્યાર બાદ ઘરઆંગણે બંગલાદેશ તથા ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ રમાશે અને એમાં વિજય અપાવીને ગંભીરે ટેસ્ટ વર્લ્ડ કપના પૉઇન્ટ્સ-ટેબલમાં ભારતને મોખરે જાળવી રાખવાનું છે. હાલમાં ભારતીય ટીમ ડબ્લ્યૂટીસીના ટેબલમાં નંબર-વન છે અને સતત ત્રીજી વાર ફાઇનલમાં પહોંચી શકે એમ છે.
જોકે ડોમેસ્ટિક ક્રિકેટમાં કોચિંગ આપવાનો કંઈ જ અનુભવ ન ધરાવનાર ગંભીરે ટી-૨૦માંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા પછીની નવી ટી-૨૦ ટીમને ઓપ આપવાનો છે, ટીમમાં મોટું પરિવર્તન લાવવાનું છે. એક તરફ બીસીસીઆઇએ સિનિયર ખેલાડીઓને પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ફરજિયાત બનાવ્યું છે ત્યાં બીજી બાજુ ગંભીર પણ ઇચ્છશે કે રોહિત, વિરાટ જેવા સિનિયરો કોઈ મહત્ત્વની વન-ડે કે ટેસ્ટ સિરીઝમાં રમવાનું ટાળે નહીં. કારણ એ છે કે ફેબ્રુઆરી, ૨૦૨૫માં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી આવવાની છે અને એ પહેલાં ટીમ ઇન્ડિયા પાસે આંગળીને વેઢે ગણાય એટલી જ વન-ડે મૅચો રમવાની હોવાથી ગંભીર ઈચ્છશે કે ટીમના સિનિયર પ્લેયરો વન-ડેની મૅચ-પ્રૅક્ટિસ કરીને જ ફેબ્રુઆરીની ચૅમ્પિયન્સ ટ્રોફી સુધી પહોંચે. ત્યાર બાદ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલનો સમય પણ નજીક આવી જશે.
વન-ડે અને ટેસ્ટમાંથી પણ રોહિત, વિરાટ, જાડેજા સહિતના સિનિયર ખેલાડીઓ રિટાયરમેન્ટ લઈ લે એ સમય બહુ દૂર નથી એટલે ગંભીરે અત્યારથી જ યુવાન ખેલાડીઓને નજર સમક્ષ રાખીને આગળ વધવાનું છે. તેની પાસે હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, રિષભ પંત, સંજુ સૅમસન, શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિન્કુ સિંહ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્ર્નોઈ, વૉશિંગ્ટન સુંદર સહિત અનેક યુવા ખેલાડીઓવાળી ફોજ છે જે તેના માટે (ગંભીર માટે) સુખદ આશ્ર્ચર્ય કહેવાય, કારણકે તેણે અસંખ્ય ટૅલન્ટેડ પ્લેયર્સમાંથી ટેસ્ટ તથા વન-ડે તેમ જ ટી-૨૦ માટેની ટીમ તૈયાર કરવાની છે. જસપ્રીત બુમરાહ હાલમાં ટીમનો નંબર-વન ફાસ્ટ બોલર છે, પરંતુ તેના પર વર્કલૉડ વધી ન જાય એ ગંભીરે ધ્યાન રાખવું પડશે કે જેથી બુમરાહની કરીઅર લાંબા સમય સુધી ટકી શકે.
ગંભીરે ખાસ કરીને હજી થોડો સમય વિરાટ જેવા આક્રમક મિજાજવાળા ખેલાડી સાથે પણ કામ કરવાનું છે. ૨૦૦૯માં ગંભીરે પોતાનો પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ પહેલી વન-ડે સદી ફટકારનાર નવયુવાન વિરાટને આપી દીધો હતો. એક વર્ષ બાદ ૨૦૧૧ના વર્લ્ડ કપની શ્રીલંકા સામેની ફાઇનલમાં ગંભીર-વિરાટની જોડીએ ધબડકો રોકીને ત્રીજી વિકેટ માટે ૮૩ રનની મૅચ-વિનિંગ ભાગીદારી કરી હતી. ગંભીરે એ મૅચમાં ૯૭ રન અને વિરાટે ૩૫ રન બનાવ્યા હતા. ૨૦૧૬માં ગંભીરે વિરાટની કૅપ્ટન્સીમાં ટેસ્ટ ટીમમાં કમબૅક કર્યું હતું.
હવે વિરાટ કૅપ્ટન નથી, પણ માત્ર ખેલાડી છે અને તેણે હેડ-કોચ ગંભીરનાં સલાહ-સૂચનો માનવાં પડશે. બન્ને વચ્ચે મેદાન પર (ખાસ કરીને આઇપીએલ દરમ્યાન) જે ચકમક થઈ હતી એ ભૂલીને બન્ને જણે ટીમ ઇન્ડિયાના મિશનને લક્ષમાં રાખવાનું છે. ૨૦૨૪ની આઇપીએલમાં એક દિવસ મેદાન પર બન્ને જણ એકમેકને ભેટ્યા હતા એવી જ દોસ્તીની અપેક્ષા ભારતીય ક્રિકેટના મોવડીઓ અને કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓ રાખશે. ટીમમાં એક્તા હશે તો વધુ મોટી ટ્રોફીઓ મળતા વાર નહીં લાગે.