
કૌશિક મહેતા
ડિયર હની,
એકવાર ભત્રીજાના સસરાનો ફોન આવ્યો ને એમની દીકરીની વાત નીકળી. તો એ કહે કે,એ તો હવે તમારી થઇ ગઈ. મેં કહ્યું, ના હો, બાપ દીકીરનો સબંધ કદી ખતમ થાય જ નહિ. તો એમણે કહ્યું કે,હવે તો મારે કોઈ કામ હોય તો તમને કહેવું પડે,
હો …
આવો જ એક બીજો પ્રસંગ. મારા સાસુ એટલે કે તારી મમ્મી જેને તું કાકી કહે છે એ આપણા ઘેર આવે તો બહુ રોકાય નહિ. વધુ રોકાવાનું કહીએ તો એ કહે: ના હો, દીકરીના ઘેર વધુ ના રોકાવાય. લોકો શું કહે….. મારા સસરા પણ આપણા ઘેર આવતા તો જમવા પૂરતું રોકાય પછી ચાલ્યા જાય. કોઈ વાર રાત રોકાયા હોય એવું બન્યું નહોતું.
‘આવું કેમ?’એવો પ્રશ્ન તને તો થતો જ હશે. મને ય ઘણીવાર થાય છે. દીકરીને એકવાર પરણાવી પછી તો એના ઘરનું પાણી પણ હરામ… આવી રૂઢ માન્યતા આજે પણ છે. અને હજુ ય દીકરીનાં મા- બાપ એના ઘેર એટલે કે દીકરીના સાસરે જાય તો સંકોચ અનુભવે છે. મને તો હજુ ય સમજાતું નથી કે,આવી માન્યતા કોણે શરૂ કરી?અને આજના જમાનામાં પણ હજુ ઘણા લોકો એને અનુસરે છે કેમ?
ગુજરાતી સંસ્કૃતિ અને હિંદુ પરંપરામાં દીકરીના ઘરનું પાણી ન પીવું અથવા દીકરીના સાસરે ભોજન ન લેવું એવી પ્રથાનો ઉલ્લેખ ઘણી વાર જોવા મળે છે. કદાચ આ માન્યતાનું મૂળ ક્ધયાદાનમાં છે. હિંદુ ધર્મમાં ક્ધયાદાનને અશ્વમેધ યજ્ઞ જેવું પવિત્ર દાન માનવામાં આવે છે. લગ્ન દરમિયાન પિતા પોતાની પુત્રીને વરના પરિવારને સોંપે છે, જેને દેવી લક્ષ્મીના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. આ દાન પછી,પિતા અને એનો પરિવાર દીકરીના સાસરિયાઓ પાસેથી કોઈ પણ પ્રકારનો લાભ (જેમ કે ભોજન કે પાણી) લેવાનું ટાળે છે, કારણ કે દાનની પવિત્રતા જાળવવા માટે દાતાએ કોઈ પણ પ્રકારનું પ્રતિદાન સ્વીકારવું ન જોઈએ. આ એક પ્રકારનો નૈતિક અને આધ્યાત્મિક શિષ્ટાચાર છે.
એક દલીલ એવી ય થાય છે કે,આ પ્રથા દીકરીના માતા-પિતા અને સાસરિયાઓ વચ્ચે ઔપચારિક અને આદરયુક્ત અંતર જાળવવા માટે પણ અમલમાં મુકાય છે. દીકરીના સાસરે ભોજન કે પાણી ન લેવું એ એક પ્રકારની નમ્રતા અને આદરનું પ્રતીક માનવામાં આવે છે,જે સાસરિયાઓને દર્શાવે છે કે માતા- પિતા એમની પાસેથી કોઈ અપેક્ષા રાખતા નથી. ઉપરાંત,દીકરીના માતા-પિતા દ્વારા સાસરેથી કંઈ ન લેવું એ એમના સ્વાભિમાનનું પ્રતીક છે. આ દર્શાવે છે કે એ પોતાની પુત્રીને દાનમાં આપીને કોઈ આર્થિક કે ભૌતિક લાભની અપેક્ષા રાખતા નથી અને એમાં કેટલીક માન્યતાઓએ પણ ભૂમિકા ભજવી છે.દીકરીના સાસરે ભોજન કે પાણી લેવું એ પાપનું કારણ બની શકે છે,કારણ કે તે દાનની પવિત્રતાને ખંડિત કરે છે. આવું પણ માનવામાં આવે છે.
આ બધું ગળે ઊતરે એવું નથી જ….
મારે તને એક વાર્તા કહેવી છે,મેં ક્યાંક વાંચી છે. એક નાનું ગામ, જ્યાં લોકો મહેનતુ અને રીત-રિવાજોને વળગી રહેનારા હતા. ગામમાં રહે રામાકાકા. રામાકાકાએ એકની એક દીકરી લક્ષ્મીને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. લક્ષ્મી નાનપણથી જ હોશિયાર અને સંસ્કારી હતી. સમય જતાં લક્ષ્મીના લગ્ન ગામથી થોડે જ દૂર આવેલા એક સમૃદ્ધ પરિવારમાં થયા. વર્ષો વીત્યાં. રામાકાકા અને એમના પત્નીની ઉંમર થતી જતી હતી. લક્ષ્મીને હંમેશાં પોતાના મા-બાપની ચિંતા રહેતી. એ વારંવાર એમને મળવા આવતી અને સેવા ચાકરી કરતી. જ્યારે પણ એ જતી ત્યારે મા-બાપની આંખો ભીની થઈ જતી.
એક ઉનાળાની ધોમધખતી બપોરે રામાકાકાને તીવ્ર તરસ લાગી. ઘરમાં પાણી ખૂટી ગયું હતું અને કૂવેથી પાણી ભરવા જવાની શક્તિ નહોતી. લક્ષ્મી તે જ દિવસે એમને મળવા આવી હતી. એણે જોયું કે બાપુજી તરસ્યા છે. તુરંત તે પોતાના ઘેર જઈ અને પાણીનો લોટો ભરી લાવી: ‘બાપુજી, આ લ્યો પાણી પી લ્યો,’ કહીને એણે લોટો રામાકાકા સામે ધર્યો.
રામાકાકાએ લોટા તરફ જોયું. એમની આંખોમાં દીકરી પ્રત્યેનો પ્રેમ હતો,પણ સાથે જ એક જૂનો સંસ્કાર પણ ઝળકતો હતો. એમણે હળવેકથી લોટો પાછો ધકેલ્યો : ‘ના, બેટા,’ એમણે ધીમા અવાજે કહ્યું, ‘દીકરીના ઘરનું પાણી ન પીવાય.’
લક્ષ્મી દુ:ખી થઈ ગઈ : ‘બાપુજી,હું તમારી જ દીકરી છું. આ ઘર મારું જ છે. આટલી ગરમીમાં તમે તરસ્યા છો અને હું તમને પાણી પણ ન આપી શકું?’
રામાકાકાએ લાંબો શ્વાસ લીધો :
‘બેટા, તું સાચું કહે છે , પણ આપણા રીત-રિવાજ,આપણી પરંપરા… તે કહે છે કે દીકરીના ઘરેથી કઈ પણ લેવું એ સારું ન કહેવાય. દીકરી એ તો પારકું ધન છે,લગ્ન પછી એનું ઘર સાસરી જ ગણાય.’ લક્ષ્મીની આંખોમાં પાણી આવી ગયા. એણે હિંમત કરીને કહ્યું:, ‘બાપુજી,રીત-રિવાજ સારા હોય છે, પણ જો તે માણસાઈને બાધક બને,તો શું તે યોગ્ય છે? શું તમારી તરસ કરતાં પણ મોટા આ રીત-રિવાજ છે?” રામાકાકા મૌન રહ્યા. વર્ષોથી મનમાં ઘૂંટીને રાખેલી માન્યતા સામે આજે એમની જ દીકરી પ્રશ્ન કરી રહી હતી. એમને અહેસાસ થયો કે તરસ્યા પિતા માટે દીકરીના હાથનું પાણી એ કોઈ અપમાન નહીં, પણ પ્રેમનો અમૃત છે.
એમણે ધીમેથી હાથ લંબાવ્યો. લક્ષ્મીના હાથમાંથી પાણીનો લોટો લીધો. એક ઘૂંટડો ભર્યો. એ પાણી એમને વધુ મીઠું લાગ્યું. એ માત્ર પાણી નહોતું,એ સ્નેહનો સ્વીકાર હતો,જુનવાણી વિચારધારા પર પ્રેમનો વિજય હતો. બસ, આ જ વાત દરેક દીકરીના મા-બાપે ગાંઠે બાંધવા જેવી છે અને જૂની માન્યતાઓનો છેદ ઉડાડવો જોઈએ. દીકરી પરણી જાય પછી એ પારકી કેમ થાય?બાપ દીકરીનો સંબંધ ક્યારેય તૂટતો નથી કે ઓછો થતો નથી.
તારો બન્ની
આપણ વાંચો : વિશેષ: ભારતીય મહિલાઓ માટે સુહાગનાં ચિન્હોનું મહત્ત્વ