તમારા દીકરાનો રોલનંબર તમને ખબર છે?
શું સંતાનને અમુક સવલત અપાવી એટલે પપ્પાની જવાબદારી પૂરી ને બાકીની બધી જવાબદારી એની મમ્મીની …?!
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
ગયા અઠવાડિયે આપણે સંતાન પિતાને ‘તું’ કહીને બોલાવે એમાં શું ગરાસ લૂંટાઈ જાય એ વિશે વાત કરી.
આજે સાવ વિરુદ્ધ છેડાની વાત કરીએ : શું પિતાને એનાં સંતાન કયા કયા વિષયો ભણે છે કે વર્ગમાં એમનો રોલનંબર શું છે એ વિશે ખબર હોય છે ખરી?
કોઈ કહેશે કે આ વળી શું તૂત છે… આવી નાની વાત શું યાદ રાખવાની ?મારું કામ સંતાનને શ્રેષ્ઠ સ્કૂલમાં ભણાવવાનું અને એને બેસ્ટ ફેસિલિટી-સગવડ આપવાનું છે. હું એ બધાંય કામ અત્યંત ખંતથી કરું છું એટલે વાત પૂરી. બાકી, એમના રોલનંબર યાદ રાખીને શું વળે?
શું કામ કંઈ ન વળે? અને સંતાનનો રોલનંબર યાદ રાખવાથી શું વળે અને શું ન વળે એ બીજી ચર્ચાનો વિષય છે. એના પર એક અલાયદો લેખ આપણે અહીં લખીશું.
જો કે, અહીં મૂળ વિષય એ છે કે મોટાભાગના પિતાઓ એમ માને છે કે આપણે સંતાનને અમુક સવલત અપાવી એટલે આપણી જવાબદારી પૂરી. હવે બધી જવાબદારી એમની મમ્મીની! એમણે હવે એ જોવાનું કે સંતાન ટિફિનમાં શું લઈ જશે અને ફલાણી નોટ્સ લઈ ગયો કે નહીં કે એની પરીક્ષાઓનો શિડ્યુઅલ શું છે એ માથાકૂટ કરવાની.
પિતાઓના આ એટિટ્યૂડ-વલણમાં વળી એમની પાસે એક મજાનું બહાનું પણ હોય છે. એ કહેતા હોય છે કે હું બોરીવલીથી છેક બીકેસી સુધી જાઉં છું અને આખો દિવસ કામમાં નીકળી જાય છે ત્યાં છોકરાઓની પરીક્ષા ક્યારે છે કે એમનો રોલનંબર શું છે એ બધી ચિંતા ક્યાં કરવા બેસું? વાહ, જાણે સંતાનો માતા-પિતાને અરજી કરવા આવેલા કે અમને આ દુનિયામાં લઈ આવો! પછી ભલે તમે બોરીવલી, બીકેસી કે કાંદિવલીથી ડોમ્બિવલી જતાં!
સી, એ વાત સાચી જ છે કે કામની જવાબદારી કે ધાંધલ અને અકારણ વ્યસ્તતાઓમાં સંતાન શું કરે છે કે એ શું ભણે છે એ વિશે પિતાને બહુ જાણ ન હોય, પરંતુ એવી જાણ રાખવી કે સંતાન સાથે અમુક કોમ્યુનિકેશન કરવું એ અશક્ય તો નથી જ. અગેઈન આ મુદ્દો મારે પેરેન્ટિંગના પર્સ્પેક્ટિવ- દૃષ્ટિકોણથી અહીં રજૂ નથી કરવો. મારે તો અહીં વાત કરવી મેલ ઈગોની, કારણ કે આપણે મેલ ઈગોને અત્યંત સીમિત અને ફેમિનિસ્ટ-નારીવાદ દૃષ્ટિકોણથી જ મુલવીએ છીએ. મેલ ઈગોને આપણે પારિવારિક કે સામાજિક દૃષ્ટિકોણથી મૂલવ્યો જ નથી.
પરંતુ ‘હું પૈસા કમાઈને લાવું છું’ અથવા ‘હું તનતોડ મહેનત કરું છું એટલે મને ઘરની અમુક બાબતમાં છૂટ મળવી જોઈએ’ કે પછી જાતે જ અમુક બાબતમાં છૂટ લઈ લેવી એ પણ મેલ ઈગો તો ખરો જને?
આ તો એક ઉદાહરણ થયું. આવી અનેક બાબત હશે, જેમાં પુરુષ એની જવાબદારીઓને અથવા એના કામને ઢાલ બનાવીને છટકી જાય છે. અને આ રીતે છટકી ગયા પછીય પોતાની મહાનતા અને પરિવાર માટે પોતે આપેલા યોગદાનની યશગાથા ગાતો રહે છે.
અહીં પુરુષે એક વાત ખાસ સમજવાની છે. એક તો કુદરતે અને સમાજે પુરુષની એક ભૂમિકા સ્પષ્ટ કરી છે. એ ભૂમિકા અંતર્ગત પુરુષે અમુક જવાબદારીઓ પ્રકૃતિગત લેવાની જ હોય છે અને જવાબદારીઓની વાત કરીએ તો પુરુષ જેવી જવાબદારીઓ સ્ત્રી પણ ઉઠાવતી હોય છે, જેમાં પિરિયડ્સ અને પ્રેગ્નન્સીની શારીરિક પીડાથી લઈ આજીવન ઘરના ઢસરડાં જેવી વાત પણ આવી જાય. વળી જો સ્ત્રીની કરિયર હોય ત્યારે તો એણે કરિયર અને ઘર એમ બંને મોરચો લડવાનું હોય છે, પણ માત્ર ઘર સંભાળતી કે ઘર અને કરિયર બંને સંભાળતી સ્ત્રીઓને આપણે એમ સાંભળતી નથી જોઈ કે ‘હું પણ જોબ કરું છું એટલે મને છોકરાઓની પરીક્ષા ક્યારે છે એ ખબર નથી!’
એ એવું બોલી પણ નહીં શકે, કારણ કે પુરુષ તો જવાબદારીઓનો આંચળો ઓઢીને છટકી ગયો હોય છે. એને તો સંતાનની પરીક્ષા વિશે જ નહીં, ઘરની ગ્રોસરી કે રોજિંદા નાનાં- મોટાં કામ વિશે પણ ખબર નથી હોતી, કારણ કે એ તો બાપડો પરિવારને નિભાવવા માટે ઘરેથી છેક ફોર્ટ સુધી, બીકેસીમાં કે પછી મુલુંડ સુધી જાય છે માટે એને પૂરો અધિકાર છે કે એ એનો મેલ ઈગો પંપાળીને આસાનાથી એની જવાબદારીમાંથી છટકી શકે.
તમે શું કહો છો…શુ માનો છો?