પુરુષ

તમે જાણો છો કઈ ભાષામાં બોલે છે ભગવાન?!

દેવ હોય કે દાનવ કે પછી માનવ, ભાષાના ભૂત એમને ય પજવે છે.

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

થોડા સમય પહેલાં પ્રદર્શિત થયેલી અક્ષયકુમારની ફિલ્મ ઓહ માય ગોડ – ટુ’માં દર્શાવવામાં આવેલા શંકર ભગવાનના દૂત એવા અક્ષય કુમારની ભાષાને લઈને અનેક વાદ્-વિવાદ જામ્યા હતા. એ ફિલ્મ રજૂ થઈ એ પહેલાં સેક્સ એજ્યુકેશન- જાતીય જ્ઞાન-ભણતરની ભાષા,ઈત્યાદિને લઈને સેન્સર બોર્ડે 27 જેટલાં કટ્સ સૂચવીને ફિલ્મને માત્ર ઍડલ્સ’નું સર્ટિફિકેટ આપ્યું હતું.

જો કે, ભોળા શંકરની કૃપાથી આ ફિલ્મ ધારી નહોતી એથા વધુ જામી.અક્ષય કુમારે જેને આજના તણો માટેની સૌપ્રથમ ઍડલ્ટ ફિલ્મ ‘ તરીકે ગણાવી ઓએમજી-ટુ યુવા દર્શકોમાં બરાબરની ક્લિક થઈ . છેલ્લી માહિતી મુજબ,આ ફિલ્મનો ભારતમાં બોકસ ઑફિસનો આંક પિયા 187 કરોડથી વધુ પહોંચી ગયો છે અને એ હવે આ જ રીતે ટકી ગઈ તો એ 200 કરોડની કલબમાં પહોંચી પણ જાય…ઑન્લી ગોડ જાણે !

આમ તો તણ-તણીઓને જાતીય જ્ઞાન આપવા વિશેની વાત કરતી આ ફિલ્મમાં અશ્લીલતા ન પ્રગટે એની પૂરતી તકેદારી રાખવામાં આવી છે.આમ છતાં સંવાદ-ભાષાને લઈને વિવાદ થાય અને એમાં વળી ભગવાનનું પાત્ર હાજર હોય તો કોઈને પણ સહજ જિજ્ઞાસા જાગે:
ઈશ્વર વળી કઈ ભાષામાં બોલતા હશે?

કોઈ આપણી સામે આપણી જ ભાષામાં આડું-અવળું અષ્ટમપષ્ટમ બોલતો હોય તો આપણે કંટાળીને બોલી ઊઠીએ :
યાર, કઈ ભાષા બોલે છે તું ? કઈં સમજાય એવું તો બોલ?! ‘

અહીં સવાલ ભાષાનો નહીં,પણ બે વ્યક્તિ વચ્ચેના અસ્પષ્ટ સંવાદનો છે. આદમ કે આદમી સમજણો થયો પછી ઘનઘોર વન-જંગલના આશ્રયમાં ઈશારા તથા કર્કશ-ત્રૂટક અવાજની ચેષ્ટામાંથી ક્રમશ: એની બોલી વિકસી. પછી પથ્થર – ખડક પરના એનાં આડાઅવળાં લસરકા-લીટામાંથી ચિત્રામણ ઉપસ્યું. એમાંથી કાળક્રમે લિપિનું સર્જન થતું ગયું . આમ બોલીની સાથે લગભગ સમાંતરે લેખિત ભાષા પણ વિકસતી ગઈ
બોલી કે લિપિની વાતને લઈને વર્ષોથી એક વાત પર ફરી ફરીને પ્રશ્નાર્થ મૂકાઈ રહ્યો છે :
જગતની સૌથી પ્રાચીન ભાષા કઈ ..?
આ સવાલ એક વાર મદ્રાસ કોર્ટની એક સુનાવણી દરમિયાન પણ જાગ્યો ત્યારે કોર્ટનો અભિપ્રાય શું રહ્યો એની વાત પાછળથી જાણીએ,પણ એ પહેલાં જગતની પ્રાચીન ભાષાઓ કઈ કઈ એ ઉત્સુકતાભેર જાણી લઈએ.

આજે વિશ્વમાં કેટલી ભાષા અસ્તિત્તવમાં છે – હયાત છે?

ભાષાવિદોનાં તલસ્પર્શી સંશોધન – સર્વેક્ષણનાં તારણ કહે છે કે આજે વિશ્વમાં સત્તાવાર રીતે 6809 લખાતી-બોલાતી ભાષા છે. એમાંથી 150 જેટલી ભાષા એવી છે,જેને 10 લાખ લોકો આજે બોલે છે અને 355 ભાષા એવી છે,જેને બોલનારા આ જગતમાં માંડ 45-50 વ્યક્તિ છે અને વેઈટ, એ પણ જાણી લો કે 46 ભાષા એવી છે,જેના બોલનારા માત્ર એક એક જ આદમી જીવિત છે..! ( હવે એ જીવિત છે કે નહીં,એ ભગવાન જાણે !)

બીજી તરફ , અનેક સંદર્ભ ગ્રંથોએ તારવેલી પ્રાચીન ભાષાઓની નામાવલિ ચકાસીએ તો જાણવા મળે કે દશેક ભાષા એવી છે ,જે યુગોથી આજે પણ ઓછા-વત્તા પ્રમાણમાં અસ્તિત્વમાં છે. ઉદાહરણ તરીકે, આર્મેનિયન. એનું અસ્તિત્ત્વ પાંચમી સદીમાં પણ હતું,કારણ કે પુરાવારૂપે એ ભાષામાં એ વખતના બાઈબલ ગ્રંથ મળી આવ્યાં છે.એથી વધુ પ્રાચીન મનાય છે
કોરિયન ભાષા. ઈશુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 600 વર્ષથી એ ભાષા બોલાતી હતી એવું ઈતિહાસ કહે છે.આજે 8 કરોડ જેટલાં કોરિયાભાષી છે..અરબી અને હિબ્રુ ભાષા ઈશુના 1000 વર્ષથી પણ વધુ પ્રાચીન ગણા્ય છે તો ચીની ભાષા ઈશુના 1200 વર્ષ પહેલાંથી હતી અને આજે એના બોલનારા છે 1 અબજ 30 કરોડ્થી પણ વધુ.. !

પછી તો પ્રાચીન ભાષાઓની નામાવલિમાં રોમ સામ્રાજ્યની ગ્રીક – લેટિન બાદ હવે જગતની સૌથી પ્રાચીન ભાષાઓમાં જેનો ઉલ્લેખ કરવો જ પડે એવી અનિવાર્ય બે ભાષા રહી ગઈ. એ છે તમિળ અને સંસ્કૃત.. હવે વાદ-વિવાદ એ ચાલે છે કે તમિળ અને સંસ્કૃતમાંથી પ્રાચીનત્તમ કઈ.?
આપણે મોટાભાગના બોલી ઊઠીશું : અલબત્ત, સંસ્કૃત’
એક મિનિટ, થોભો..વિદ્વાનોનો એક વર્ગ કહે છે કે ના, સંસ્કૃત નહીં,સૌથી પ્રાચીન છે તમિળ! કારણ દર્શાવતા વિદ્વાનો કહે છે કે 5000થી વધુ વર્ષ જૂની છે આ તમિળ ભાષા. એક સર્વે મુજબ આજે ભારતમાં તમિળ બોલનારાઓની સંખ્યા આશરે 8 કરોડથી વિશેષ છે.

બીજી તરફ, દેવભાષા તરીકે ઓળખાતી સંસ્કૃત પરથી જ મોટાભાગની યુરોપની ભાષાઓ ઉતરી આવી છે એવું વિદ્વાનોનો એક વર્ગ દ્ર્ઢપણે માને છે અને વિશ્વની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ પણ સંસ્કૃતને એક અતિ પ્રાચીન ભાષા માને છે-સ્વીકારે છે. અલબત્ત, તમિળની સરખામણીએ આ ભાષાનો રોજિંદો વપરાશ લોકોમાં ઘણો ઓછો છે. એ માત્ર હવે પૂજાપાઠ- મંત્રતંત્રમાં વધુ વપરાય છે. આમ એ ખરા અર્થમાં દેવબોલી કે દેવભાષા રહી ગઈ છે.

આ બન્ને પ્રાચીન ભાષાને લઈને મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી થઈ ત્યારે નામદાર ન્યાયમૂર્તિએ પણ એક આદેશમાં કહ્યું કે પ્રજામાં વર્ષોથી એવી માન્યતા દ્રઢ થઈ ગઈ છે કે ભગવાનની ભાષા માત્ર સંસ્કૃત છે એટલે એ ભાષામાં જ કરેલાં પૂજા-પાઠ-પ્રાર્થના પ્રભુ સાંભળે એ માન્યતા-ધારણા ખોટી છે. તમિળ સૌથી પ્રાચીન ભાષા છે અ વાતને અનુમોદન આપતા કોર્ટે એવું પણ ઉમેર્યું કે મંદિર-દેવસ્થાનોમાં તમિળમાં અભિષેક થવો જોઈએ!

આમ જ્ઞાની-વિદ્વાનો તો ભાષાના આવા ભૂતોને ધૂણાવ્યા કરશે,પણ સો વાતની એક વાત: ખરી આસ્થા સાથે કરેલી પ્રાર્થના પ્રભુને અચૂક પહોંચે જ છે.. પછી ભાષા કોઈ પણ હોય!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button