પાર્ટનરના પિરિયડ્સ દરમિયાન તમે એની પંચિંગ બેગ બનો છો?
મેલ મેટર્સ – અંકિત દેસાઈ
પિરિયડ્સ અને પુરુષો વિશે આપણે ત્યાં જેટલી ખૂલીને ચર્ચા કરવી જોઈએ એટલી આપણે કરતા નથી. બલ્કે આપણે એમ માની લીધું છે કે પિરિયડ્સ એ માત્ર સ્ત્રીની એકલીની સમસ્યા છે.
પિરિયડ્સ વિશે જો ફેરફાર આવ્યો તો એટલે આવ્યો કે હવે સ્ત્રીઓ હાઈજિનિટીને લઈને અત્યંત સજાગ થઈ છે. એક સમયે ઘરમાં કે રસોડામાં કે પછી અન્ય કેટલીક જગ્યાએ સ્ત્રીની એન્ટ્રી બંધ રહેતી ત્યાં સ્ત્રી હવે મુક્ત રીતે હરીફરી શકે છે. એ સિવાય પિરિયડ્સ દરમિયાન એને કેટલી સ્પેશ આપવી કે એની કેવી કેર કરવી એ વિશે બહુ વિચાર થતો નથી. જોકે આ જવાબદારી મોટાભાગે તો પુરુષોની જ છે, કારણ કે આ સમયમાં સ્ત્રીને જો કોઈ પાસે સૌથી વધુ અપેક્ષા હોય તો એ પુરુષ હોય છે.
સ્ત્રીને આ સમયમાં સતત એવી ઝંખના હોય છે કે એનો પુરુષ આ સમયમાં એની એક્સ્ટ્રા કેર કરે. અને એક્સ્ટ્રા કેર જ શું કામ? સ્ત્રી એમ પણ ઈચ્છે છે કે પુરુષ એનાં કેટલાંક કામ પોતાને માથે લઈ લે, જેમાં ઘરનાં અને બહારનાં એમ બંને કામ આવી જાય. જોકે પુરુષ એની મસ્તીમાં એવો ગુમ હોય છે કે પિરિયડ્સમાં પીડાતી પોતાની પાર્ટનર પ્રત્યે તો આદર હોય, પરંતુ જે સમયે એની કાળજી લેવાની હોય એ સમયે પુરુષ કાળજી લેવાનું ચૂકી જ જતો હોય છે.
પુરુષે આ સમય દરમિયાન થોડા વધુ સજાગ થવાની જરૂર છે. એણે મનમાં સતત એ વાતનો ખ્યાલ રાખવો પડશે કે આ પાંચ દિવસ એણે એનાં કામ, એના ઈન્સ્ટાગ્રામ, મિત્રો કે પોતાનું જીમ કે પછી આળસની સાથોસાથ લાઈફ પાર્ટનરને પણ મહત્ત્વ આપવાનું છે. આ તો ઠીક, એણે આ પાંચ દિવસ સુધી પાર્ટનરને અગ્રિમતા આપવાની છે. જો પુરુષ આટલું વિચારશે તો પણ એ પાંચ દિવસ સ્ત્રીને માટે અત્યંત સરળ બની જશે, કારણ કે પિરિયડ્સ દરમિયાન સ્ત્રી માત્ર હૂંફ જ ઝંખતી હોય છે.
આ ઉપરાંત પુરુષે કેટલાંક બીજાં પ્રયાસ પણ કરવાનાં હોય છે, જેમ કે આ પાંચ દિવસ પોતે ઘરમાં રહે એટલો સમય એણે પોતાના મોબાઈલમાં વધુ વ્યસ્ત રહેવા કરતાં પાર્ટનર સાથે જ રહેવાનો પ્રયત્ન કરવો. ક્યાં તો એને એન્ટરટેઈન કરવી અથવા તો ઘરના નાનાં નાનાં કામમાં એને મદદ કરવી અથવા તો એનાં અમુક કામો સમૂળગા પોતાને માથે લઈ લેવા. આ દિવસોમાં એને ભાવતું ડેઝર્ટ કે ભાવતો આઈસક્રીમ ખવડાવવો જોઈએ, જેથી એના મૂડ સ્વિંગ્સને અત્યંત મોટો ઈમોશનલ-ભાવનાત્મક સપોર્ટ મળે તો આ દિવસો શક્ય હોય ત્યાં સુધી પત્ની/પાર્ટનર સાથે દલીલો ટાળવી.
સ્વાભાવિક છે કે આ દિવસોમાં એના મૂડ સ્વિંગ્સ થાય-મૂડમાં અણધાર્યા પલટા આવે એટલે એ નાની નાની વાતે કે સાવ ફેંકી દેવા જેવી વાતે ઉશ્કેરાઈ જતી હોય, પરંતુ એવા સમયે મેલ ઈગો સામે નહીં લાવવાનો કે આવી બધી વાતમાં સામે કકળાટ કરવાને બદલે એના પંચિંગ બેગ બની જવાનું અને એ જે કહે એ સાંભળીને એને પ્રેમપૂર્વક સમજાવવાની ! એ જ રીતે એ પણ ખ્યાલ રાખો કે ભૂલમાં કે મજાકમાં પણ એના વિશે કોઈ નેગેટિવ કમેન્ટ ન કરો! આવા સમયે સ્ત્રી મજાકને મજાક તરીકે નથી લઈ શકતી.ઊલટાનું એના વિશે કહેવાયેલી કોઈ પણ નકારાત્મક વાત એને અત્યંત દુ:ખી કરી જાય છે. એના કરતાં પુરુષે જ એ વિશે સજાગ રહેવાનું ને પોતાની વાણી પર કાબૂ રાખવો.
આ દિવસોમાં જે એક વાતનું પુરુષે ખાસ ધ્યાન રાખવાનું કે પત્ની/પાર્ટનરની મરજી વિના એને અડવું નહીં. મોટાભાગના પુરુષને આદત હોય છે કે એ પોતાની સ્ત્રીના જોરથી ગાલ ખેંચે કે ટપલી મારે અથવા તો એને અન્ય રીતે સ્પર્શે. આ દિવસોમાં સ્ત્રીને એ જરા પણ પસંદ નથી હોતું એટલે પુરુષે આ દિવસો પૂરતું એને આ રીતે પજવવાનું બંધ કરવું. બલ્કે આ દિવસોમાં એને અમસ્તા અમસ્તા, કારણ વિના હળવેથી હગ કરવું કે એના કપાળે ચૂમી લેવું!
જો આ થશે તો સ્ત્રીના પિરિયડ્સ તો સરળ થઈ જ જશે, પરંતુ રિલેશનશીપ પર પણ આની ગહેરી અસર પડશે. ત્યાં સુધી કે સ્ત્રી, ‘તું બેસ તને બધી બહુ ખબર પડે.’ અથવા તો ‘તારી સાથે પરણીને મારી જિંદગી બરબાદ થઈ ગઈ.’ એવું પણ નહીં બોલે અને આવા સમયે પોતાને વિશેષ રીતે પ્રેમ કરનારા પુરુષની એ કદર કરશે અને પોતાના કપરા સમયમાં પડખે રહેલા પુરુષની એ હંમેશાં કાળજી રાખશે.