ક્રિકેટરોમાં છૂટાછેડા એટલે જાણે રમતવાત
હાર્દિક-નતાશાના ડિવૉર્સની અફવા વચ્ચે ભૂતકાળમાં ભારતીય ક્રિકેટર્સના લગ્નજીવનમાં પડેલી તિરાડો પર કરીએ એક નજર
સ્પોર્ટ્સમેન -સાશા
ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની સર્બિયન પત્ની નતાશા સ્ટૅન્કોવિચ વચ્ચે છૂટાછેડા થઈ ચૂક્યા છે અથવા થવાના છે અથવા એ માત્ર અફવા જ છે એ સંબંધમાં રોજ નવા વળાંકો આવ્યા કરે છે. બીજું, બેમાંથી કોઈએ પણ આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી. જોકે સર્બિયાની મૉડેલ અને અભિનેત્રી નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના નામમાંથી ‘પંડ્યા’ અટક હટાવી દીધી એટલે ઑસ્ટ્રેલિયાથી લઈને યુરોપના દેશ સર્બિયા સુધી બધે જ બન્નેના કથિત ડિવૉર્સની વાતો ફેલાઈ ચૂકી છે.
દાવો તો એવો થઈ રહ્યો છે કે બન્ને વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. સાચું-ખોટું જે કંઈ હોય, હાર્દિકનો સમય હમણાં સારો નથી. મહિનાઓ સુધી અનફિટ હોવાને કારણે મેદાનથી દૂર રહ્યા બાદ તે માર્ચમાં આઇપીએલમાં રમવા આવ્યો ત્યારે શરૂઆતથી જ અનેક લોકોની ટીકાનું નિશાન બન્યો હતો. હાર્દિક ગુજરાત ટાઇટન્સની ચૅમ્પિયન-રનર અપ ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં સફળ સુકાની રોહિત શર્માના સ્થાને કૅપ્ટન તરીકે જોડાયો અને છેવટે મુંબઈની ટીમ છેક દસમા સ્થાને રહી એટલે તે લોકોની ટીકાનો વધુ ટાર્ગેટ બન્યો હતો.
કોઈકનું અનુમાન છે કે આ બધી નકારાત્મક બાબતોને કારણે હાર્દિક-નતાશાના સંભવિત ડિવૉર્સની વાતો વહેલી બહાર નહોતી આવી અને કોઈકનું કહેવું છે કે હાર્દિકની ઇમેજ બગડી ગઈ એને પગલે પત્ની ડિવૉર્સ માટે આગળ વધી હતી. જોકે બીજા કેટલાકનું કહેવું છે કે હાર્દિકની પ્રતિભા ખરડાઈ એટલે સહાનુભૂતિ મેળવવાના હેતુથી જ પત્ની નતાશા સાથેના ડિવૉર્સની વાતો જાણી જોઈને બહાર લાવવામાં આવી છે અને એ પીઆર સ્ટન્ટ લાગે છે. જે કંઈ હોય, પણ છૂટાછેડા થતાં હાર્દિકે મિલકતમાંથી ૭૦ ટકા હિસ્સો નતાશાને આપવો પડશે એવો પણ અહેવાલ વાઇરલ થયો હતો. સાચું-ખોટું કોને ખબર, ડિવૉર્સની અટકળો વિશેની પુષ્ટિ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં પહેલી જૂને શરૂ થઈ રહેલા ટી-૨૦ વર્લ્ડ કપ પછી જ થશે એવું લાગે છે.
અહીં આપણે માત્ર હાર્દિક-નતાશાની જ વાત નથી કરવી. ભારતમાં જ નહીં, આખી દુનિયામાં જોવામાં આવ્યું છે કે ખેલાડી જ્યારે ફેમસ થવા લાગે એટલે તેના અંગત જીવનમાં ઊથલ-પાથલ શરૂ થઈ જાય છે. ભારતમાં સામાજિક દબાણને લીધે આવા કિસ્સા બહુ ઓછા છે, પરંતુ અમેરિકામાં સફળ ઍથ્લીટો-પ્લેયરો તથા સામાન્ય નાગરિકો વચ્ચે છૂટાછેડાના પ્રમાણનું અંતર માત્ર ૨૦થી ૩૦ ટકા જેટલું જ છે. લગભગ ૫૦ ટકા જેટલા અમેરિકી ખેલાડીઓ છૂટાછેડા લેતા જ હોય છે. ભારતમાં પણ ખેલાડીઓના ડિવૉર્સના કિસ્સા થોડા સમયથી વધી રહ્યા છે. પ્લેયરના છૂટાછેડાની વાત ત્યારે બહાર આવતી હોય છે જ્યારે એ ઘણો લોકપ્રિય થઈ ગયો હોય છે અને તેની કમાણી પણ ખૂબ વધી ગઈ હોય છે.
જોકે એનો મતલબ એ નથી કે માત્ર ખેલાડીઓ પોતે જ ડિવૉર્સ માટે ઉતાવળા થતા હોય છે. હા, એ વાત સાચી કે ફેમસ થઈ ગયા પછી જે તે પ્લેયર વધુ આક્રમક અને નકારાત્મક અભિગમવાળો થઈ ગયો હોય છે, પરંતુ ઘણી વાર એવું પણ બને છે કે પ્લેયર ટોચના સ્તર સુધી પહોંચે ત્યાર બાદ તેની પત્ની ડિવૉર્સ લઈ લેવા માગતી હોય છે.
મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચેની સામસામી આક્ષેપબાજીનો અને તેઓ અલગ પડવાનો કિસ્સો આપણે ઘણા સમયથી અખબારો-સામયિકોમાં વાંચી ચૂક્યા છીએ.
વિનોદ કાંબળી જ્યારે ખૂબ ફેમસ ક્રિકેટર હતો ત્યારે તેણે પુણેની એક ફાઇવસ્ટાર હોટેલની બેહદ ખૂબસૂરત રિસેપ્શનિસ્ટ નૉએલા લુઇસ સાથે લગ્ન કર્યા હતા. આ વાત ૧૯૯૮ની છે. નૉએલાએ એક સમયે અનેક ફિલ્મ નિર્માતાઓની ઑફર છતાં ફિલ્મજગતમાં આવવાનું પસંદ નહોતું કર્યું. તે એટલી બધી સુંદર હતી કે તેને વિદેશોમાંથી મૉડલિંગની ઑફર આવતી હતી. જોકે હોટેલ બ્લુ ડાયમંડની આ દેખાવડી રિસેપ્શનિસ્ટ કાંબળી સાથે મૅરેજ કરવાની સાથે તેની સાથેના લગ્નજીવન ઉપરાંત જિમ્નેશિયમમાં વર્કઆઉટ કરવામાં જ વ્યસ્ત રહેતી હતી. જોકે કાંબળીના મગજમાં ક્રિકેટની સફળતાનું ભૂત સવાર થયું એટલે તે પોતાના પર કાબૂ ન રાખી શક્યો અને એશોઆરામની ખતરનાક અને હાનિકારક લાઇફ માણવા લાગ્યો હતો. એ પ્રકારના જીવનમાં બધુ ગુમાવાતું જ હોય છે. પહેલા તેનો પર્ફોર્મન્સ બગડી ગયો, પૈસા તો ઘટતા જ ગયા ખેલાડીઓ તેમ જ સિલેક્ટર્સ સાથે તેના ઝઘડા પણ થવા લાગ્યા હતા. છેવટે તેના હિસ્સામાં આવ્યા મોટા મોટા ટૅટૂ, કાનમાં કડી અને વિચિત્ર વર્તન. ૧૦૪ વન-ડે ઉપરાંત માત્ર ૧૭ ટેસ્ટની નાની કરીઅરમાં બે ડબલ સેન્ચુરી ફટકારવા બદલ તેમ જ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રનનો ઢગલો કરવા બદલ તે ફેમસ થઈ ગયો હતો. જોકે તેના મગજમાં રાઇ ન ભરાઈ હોત તો ક્રિકેટવર્લ્ડમાં ગાઢ મિત્ર સચિન તેન્ડુલકર જેટલો તો નહીં, પણ અત્યંત ચમકતો સિતારો તો બની જ ગયો હોત.
આજે કાંબળીની હાલત એવી છે કે તે માંડ ૩૦,૦૦૦ના મન્થલી પેન્શન પર જીવન ગુજારે છે. તેને મુંબઈ જેવા ક્રિકેટ-ક્રેઝી શહેરમાં પણ કોચિંગની નોકરી નથી મળતી. બીજી બાજુ, વર્ષો પહેલાંના ડિવૉર્સ બાદ તેની ભૂતપૂર્વ પત્ની નૉએલા બન્ને બાળકોને ઉછેરવાની સાથે જિમ્નેશિયમમાં ઇન્સ્ટ્રક્ટર તરીકેનું કામ કરીને જિંદગી જીવી રહી છે. ગયા વર્ષે
વિનોદ કાંબળીની બીજી પત્ની ઍન્ડ્રિયા હેવિટે પણ કાંબળી વિરુદ્ધ મારપીટ કરી હોવાના અને ગાળ આપી હોવાના આક્ષેપ સાથે બાંદરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી.
શિખર ધવન અને તેની પત્ની આયેશા મુખર્જી વચ્ચેનું પ્રેમ પ્રકરણ ખૂબ ચગ્યું હતું અને તેમની વચ્ચેના સંબંધો બગડશે એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. જોકે તેમના ડિવૉર્સ થઈ ગયા છે. ૨૦૧૨માં આયેશા બે બાળકોને લઈને શિખરના જીવનમાં આવી હતી. શિખરથી આયેશા ૧૦ વર્ષ મોટી હોવા છતાં શિખરે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું અને તેમનું લગ્નજીવન શરૂ થયું હતું. ૨૦૧૪માં શિખરથી થયેલા બાળકને આયેશાએ જન્મ આપ્યો હતો. જોકે તેમના લગ્નજીવનમાં કાયમ માટે તિરાડ પડશે એવું કોઈએ ધાર્યું પણ નહીં હોય અને છેવટે તેઓ અલગ થઈ જ ગયા.
મોહમ્મદ અઝહરુદ્દીન અને નૌરિનનું ઉદાહરણ પણ ભૂલી ગયા હોય તો જાણવા જેવું છે. અઝહરે અરૅન્જ્ડ મૅરેજ પછી ક્રિકેટમાં મોટી નામના મેળવ્યા બાદ અને અભિનેત્રી સંગીતા બિજલાની સાથેના અફેરને કારણે પત્ની નૌરિનને તલાક આપી દીધા હતા અને બિજલાની સાથે શાદી કરી હતી. જોકે તેઓ પણ બહુ જલદી અલગ પડી ગયા હતા.
૧૯૯૯માં જાવાગલ શ્રીનાથે પત્ની જ્યોત્સના સાથે ડિવૉર્સ લીધા હતા અને ૨૦૦૭માં જાવાગલે પત્રકાર માધવી પત્રાવલી સાથે મૅરેજ કર્યા હતા.
યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે યુવીના મમ્મી શબનમને ડિવૉર્સ આપીને સતવીર કૌર સાથે લગ્ન કરી લીધા હતા.
આ બધા લગ્ન ત્યારે થયા જ્યારે ખેલાડીઓ જબરદસ્ત લોકપ્રિયતાના શિખરે હતા. એવું કહેવાય છે કે દિનેશ કાર્તિકની પત્ની નિકિતાનું ક્રિકેટર મુરલી વિજય સાથેનું પ્રેમ-પ્રકરણ ખૂબ ચગ્યું હતું અને એ અરસામાં કાર્તિકે નિકિતાને ડિવૉર્સ આપીને સ્ક્વૉશ ચૅમ્પિયન દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા હતા.
અમેરિકી મીડિયાના એક સર્વેક્ષણ પરથી તારણ નીકળ્યું છે કે પ્રોફેશનલ ઍથ્લીટો-ખેલાડીઓ મૅચો અને સ્પર્ધાઓ ભલે જીતી લેતા હોય, લગ્નજીવન ટકાવવામાં મોટા ભાગે તેઓ હારી જ જતા હોય છે.