પુરુષલાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : વાત ડિજિટલી સ્માર્ટ જનરેશનની…

શ્વેતા જોષી-અંતાણી

મીરાં મહેતા – સેન્ટ મેરી હાઇસ્કૂલની અનઓફિશ્યલ ટેક ગુરુ. સ્કૂલમાં ટીચર્સને કોઈ પીડીએફ ક્ધવર્ટ કરવાની હોય, ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાની હોય કે પછી કોઈને પ્રોજેક્ટ્સ માટે પીપીટી તૈયાર કરવી હોય તો લગભગ બધાંને મીરાં પાસે આવવું પડતું. એનો ફોન હંમેશાં રણકતો રહેતો. ગ્રૂપ ચેટ્સ, સ્નેપ સ્ટ્રીક, રીલ્સ અને પોસ્ટની દુનિયાની ‘ક્વીન બી’ હતી મીરા.

સ્કૂલમાં મળેલું ‘ટેક ગુરુનું આ બિરુદ એને સ્પેશ્યલ ફીલ કરાવતું. મીરાંને એ જાણીને મજા આવતી કે પોતે હંમેશાં આ રીતે આખી સ્કૂલ સાથે સંકળાયેલી રહે છે. એક દિવસ મીરાં કેમેસ્ટ્રી ક્લાસમાં સૌથી પાછળ બેસી ચુપચાપ પોતાના ફોનને સ્ક્રોલ કરી રહેલી. ત્યારે જ કોઈ અજાણ્યા નંબર પરથી એને મેસેજ આવ્યો :

‘હાય મીરાં, મેં તારા ડાન્સની રીલ જોઈ. શું જબરદસ્ત છે. યુ આર અમેઝિંગ ડાન્સર.’

મેસેજ વાંચી મીરાંના ચહેરા પર ખુશી ફરી વળી. આખરે હવે સ્કૂલની બહાર પણ પોતે જાણીતી બનવા લાગી છે. એ વાતે મીરાં રોમાંચિત થઈ ઊઠી. એણે સામે જવાબ લખ્યો: ‘થેન્ક યુ… પણ તમે કોણ?’

ઘડીના છઠ્ઠા ભાગમાં ફરી મેસેજ આવ્યો :

‘હું અર્જુન. તને સોશિયલ મીડિયા પર ફોલો કરું છું. એક ડાન્સ ઈવેન્ટ માટે તારી સાથે કોલાબરેશન કરવું છે. શું આપણે વ્હોટ્સ એપ પર વાત કરી શકીએ?

મીરાં થોડી ખુશ અને વધુ ઉત્સાહિત હતી. એટલે તુરંત જ હા પાડી દીધી. આગલા થોડા દિવસોમાં તો અર્જુન એનો જાણે ખાસ મિત્ર બની ગયો. એ સતત અર્જુન સાથે વાતો કરવા લાગી. એને અર્જુન કુલ લાગતો. મીરા માટે એ છોકરો સ્માર્ટ અને શાલીન હતો. એકદમ શાંત, ડાહ્યો અને તેમ છતાં વાતો કરવામાં ક્લેવર અને ક્લિયર… હોંશિયાર અને આખાબોલો. અર્જુન સાથેની વાતોમાં મીરાંને આનંદ સાથે એજ્યુકેશન મળતું.

થોડા દિવસ પછી અર્જુને એક એપની લીન્ક મોકલી, જેનું નામ હતું ‘ઈન્ફ્લ્યુન્સર એડિટિંગ એપ’. મીરાંએ ઉત્સાહમાં આવી લીન્ક પર ક્લિક કર્યું. પણ, એ ખુલ્યા બાદ કંઈ કામનું મળ્યું નહીં. એને લાગ્યું કે, કદાચ નેટવર્કમાં કોઈ તકલીફ હશે. અમુક કલાકો વીત્યા ત્યાં એનો ફોન ધીમો થઈ ગયો. ઈન્સ્ટાગ્રામ એની જાતે લોગ આઉટ થઈ ગયું. જી-મેઈલ અકાઉન્ટ પણ એ ખોલી નહોતી શકતી.

મીરાં હજુ કંઈ સમજે એ પહેલા એની ફ્રેન્ડ રીયાનો કોલ આવી ગયો. એકદમ ગભરાયેલા અવાજમાં રીયા વરસી પડી.

‘અરે મીરાં, તારું એકાઉન્ટ હેક થઈ ગયું છે કે શું? એમાં કોઈ ખૂબ અજીબ પોસ્ટ મૂકી રહ્યું છે.એક રીલમાં લખ્યું છે કે આઈફોન જીતવા માટે અહીં ક્લિક કરો. અને બીજામાં ખરાબ ગંદા શબ્દો. તારી પ્રોફાઈલ બાયોમાં પણ કોઈ ગંદી વેબસાઈટની લીંક ખુલે છે…’

મીરાં ચોંકી ગઈ. ‘અરે, મેં તો કંઈ જ પોસ્ટ નથી કર્યું. એણે ઝડપભેર રીયાનો ફોન કટ કરી અર્જુનને મેસેજ કરવા ચેટ બોક્સ ખોલ્યું. એના આશ્ર્ચર્ય વચ્ચે અર્જુનના નંબર પર વ્હોટસ એપ નહોતું. ઈન્સ્ટા આઈડી પણ નહોતું દેખાતું. મીરાને સમજતાં વાર લાગી નહીં કે, આ અર્જુન નામનો કોઈ મોર જ કળા કરી ગયો છે.

બીજા દિવસે સ્કૂલમાં ચારેકોર એની જ વાતો ચાલી. અમુક પારકી પંચાતનો આનંદ લઈ રહ્યા હતા તો અમુક એને સલાહો આપવા લાગેલા. કોઈને એની ચિંતા થતી હતી તો કોઈને અંદરથી રાજીપો. અંદરોઅંદર કાનાફૂસી પણ ચાલી કે, ‘હવે ખબર પડી ને. બહુ મોટી ટેક ગુરુ થઈને ફરતી હતી…’

વાત ઉડતી-ઉડતી સ્ટાફરુમમાં પહોંચી. એક ટીચરે ક્લાસમાં જઈ, ખાસ મીરાંનો ઉલ્લેખ કરી, ડિજિટલ છેતરામણી પર એક આખો લેક્ચર લઈ લીધો. મીરાં હવે ભોંઠપ અનુભવવા લાગી. ક્લાસ પૂરો થતાં એ સીધી આઈ.ટી. લેબમાં દોડી ગઈ. કોમ્પ્યુટર સાયન્સના સાઉથ ઈન્ડિયન શિક્ષક એવા મિસ્ટર ઐય્યરને એણે માંડીને વાત કરી. એમણે શાંતિથી ફોન ચેક કર્યા પછી કહ્યું :

‘આ કોઈ સામાન્ય તકલીફ નથી. જે લીન્ક તને અર્જુને મોકલી હતી એને ‘માલવેર’ કહેવાય. એના દ્વારા લગભગ તારી બધી જ લોગ-ઈન ડિટેલ્સ ચોરાય ગઈ છે. જોકે આ રીતે અજાણ્યા લોકો સાથે ચીટચેટ શરૂ કરવી એ નરી મૂર્ખામી કહેવાય…’

સરના કડક અવાજે કહેવાયેલા શબ્દોએ મીરાંની આંખમાં આંસુ લાવી દીધા. એના બધાં પર્સનલ મેસેજીસ, સ્કૂલના આઈડી, અંગત ફોટોગ્રાફ્સ,બેંકની ડિટેલ્સ બધું જ હવે ખતરામાં હતું.

‘સર, એ તો બહુ જ નોર્મલી વાત કરી રહ્યો હતો…’ મીરા એકદમ ધીમા સ્વરે બોલી.

‘એ જ તો મોટી તકલીફ છે. અર્જુને જે કર્યું એને ‘સોશ્યલ એન્જિનિયરિંગ’ કહેવાય. ઓનલાઈન છેતરામણી કરનારા લોકો પહેલા તમારો ભરોસો જીતે. પછી પગપેસારો કરે. આજના જમાનામાં તમારા જેવા ટીનએજર્સે અજાણ્યા લોકો સાથે ક્યારેય પોતાની પર્સનલ વાતો ના કરવી. અજાણી લીન્ક પર ક્લિક ના કરવું. દરેક જગ્યાએ ‘ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન’ રાખવું તેમજ દરેક એપ માટે અલગ અલગ પાસવર્ડ રાખવા જરી છે..’.

આ બધું જ મીરા માટે આંખો ખોલી દેનારું હતું. ઐયર સરની મદદથી મીરાએ પોતાના એકાઉન્ટ્સ રિકવર કર્યા. પાસવર્ડ બદલ્યા અને એક ઇન્સ્ટા રીલ પણ બનાવી કે ‘હું કેવી રીતે ડિજિટલી છેતરાય ગઈ…’. એ રીલ સ્કૂલમાં વાયરલ થઈ ગઈ. આ વખતે ડાન્સ કે દેખાડો કરવાને બદલે મીરાંએ પોતાના જેવા ટીનએજર્સને માર્ગદર્શન આપવાની જવાબદારી નિભાવી. એ વાયરલ રીલ થકી મીરાં ફરી જાણીતી બની. સ્કૂલમાં એને ડિજિટલ વર્કશોપ લેવા માટે કહેવામાં આવ્યું.

મીરાની અંદર હવે એક અલગ આત્મવિશ્વાસ હતો. એણે કહ્યું ઓનલાઈન રહેવું મજેદાર છે. અને સાથોસાથ આપણી ડિજિટલ સુરક્ષાનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. ડિજિટલી થોડી વધુ લાઈક્સ માટે આપણી પ્રાયવસી ખતરામાં નાખવી બિલકુલ જરૂર નથી. પહેલા વિચારો અને પછી જ સ્ક્રોલ કરો. પહેલા ખરાઈ કરો અને પછી જ મિત્રો બનાવો…’

મીરાના વક્તવ્યને તાળીઓના ગડગડાટ સાથે બધાએ વધાવી લીધું. થોડા સમય પછી મીરાના ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ આવ્યો. ‘હાય મીરા, તારા વર્કશોપનો વીડિયો જોયો. અદભુત વાક્છટા છે તારી… શું અમારી સાથે કોલોબરેશન કરવાની ઈચ્છા ખરી?

મીરાંના હોંઠ પર વ્યંગાત્મક સ્મિત હતું : ‘ચોક્કસ, પણ પહેલાં તમે તમારી પ્રોફાઈલ, ઈ-મેલ તેમજ કોન્ટેક્ટ ઈન્ફો મને મોકલી આપો. આટલું લખી, ફોન બાજુ પર રાખી મીરા ગણગણી:

‘નાઉ નો મોર ડિજિટલ ડિસેપ્શન….હવે આ રીતે ફરી છેતરાય એ મીરાં નહીં!’

આપણ વાંચો : ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણોનું જાહેરમાં કરાતું અપમાન કેટલું યોગ્ય?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button