ધવલની કરીઅરનો ધમાકેદાર અંત
‘મુંબઈ ચા યોદ્ધા’ અને રણજી ચેમ્પિયન ધવલ કુલકર્ણીએ ઇંગ્લેન્ડના ઍલન ડેવિડસનની જેમ પોતાના છેલ્લા બૉલ પર વિકેટ લઈને કારકિર્દી પૂરી કરી
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા
“દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે તેની કરીઅરની શરૂઆત જીત સાથે થાય અને અંત પણ ધમાકેદાર વિજયવાળો હોય. મેં આવા બે સુખદ અનુભવ ૧૬ વર્ષની મારી શાનદાર કારકિર્દીમાં કર્યા. એમાં પણ ખાસ કરીને આ વખતની રણજી ટ્રોફીની ફાઈનલ મારા માટે સૌથી સ્પેશિયલ છે. હું છ રણજી ફાઈનલ રમ્યો જેમાંથી પાંચ ફાઇનલમાં મેં વિજય માણ્યો. એકંદરે હું દોઢ દાયકામાં (સચિન તેન્ડુલકર સહિતના) સિનિયર ખેલાડીઓ પાસેથી ઘણું શીખ્યો અને યુવા વર્ગ સુધી મારા બહુમૂલ્ય અનુભવો પહોંચાડવાની મેં હંમેશાં કોશિશ કરી.
આ શબ્દો તાજેતરમાં જ નિવૃત્ત થયેલા પેસ બૉલર ધવલ કુલકર્ણીના છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માંડ પોણાબે વર્ષની રહી જેમાં તે ફક્ત બાવીસ વિકેટ લઈ શક્યો, પરંતુ મુંબઈ વતી પ્રથમ કક્ષાની કરીઅર એવી ફર્સ્ટ ક્લાસ રહી કે વાત ન પૂછો.
રાઈટ-આર્મ મિડિયમ પેસ બૉલર ધવલે ૧૫૯ ઇનિંગ્સમાં ૧૬,૯૧૯ બૉલ ફેંક્યા, ૭૭૨૮ રનના ખર્ચે અને ૨૭.૧૧ની સરેરાશે કુલ ૨૮૫ વિકેટ લીધી અને તેનો ઇકોનોમી રેટ માત્ર ૨.૭૪નો હતો. મૅચમાં કુલ દસ વિકેટ એક વાર લીધી, પણ ઇનિંગ્સમાં પાંચ વિકેટ પંદર વાર અને ઇનિંગ્સમાં ચાર વિકેટ નવ વખત લીધી. પ્રથમ કક્ષાની વન-ડે અને ટી-૨૦ મૅચોમાં તેનો દેખાવ દમદાર હતો. એમાં તેના નામે કુલ ૨૯૦ ઇનિંગ્સમાં ૩૭૭ વિકેટ લખાઈ છે. એટલું જ નહીં, તેણે ૨,૫૦૦ પણ ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં બનાવ્યા હતા.
આઈપીએલમાં મુંબઈ, રાજસ્થાન અને ગુજરાત લાયન્સ વતી રમનાર ધવલે ૧૪મી માર્ચે વાનખેડેના મેદાન પર વિદર્ભ સામેની ફાઈનલમાં મુંબઈને યાદગાર જીત મેળવવામાં અને વિક્રમજનક ૪૨મું રણજી ટાઈટલ જિતાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યા પછી જેમ કરીઅરના અવિસ્મરણીય અંતનો ઉલ્લેખ કર્યો એના વિશે થોડી ચર્ચા કરીએ.
ભૂતપૂર્વ ચેમ્પિયન વિદર્ભ સામેની એ ફાઈનલના પ્રથમ દાવમાં ધવલે ત્રણ વિકેટ લીધી એને કારણે જ઼ વિદર્ભની ટીમ ૧૦૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પછી બીજી ઇનિંગ્સમાં ૫૩૮ રનના તોતિંગ લક્ષ્યાંક સામે લડત આપ્યા બાદ ૧૬૯ રનથી હારી ગઈ હતી. અહીં ખાસ ઉલ્લેખ કરવાનો કે ફાઈનલની આખરી વિકેટ ધવલે લીધી હતી. એ વિકેટવાળો બૉલ તેની કારકિર્દીનો અંતિમ બૉલ બન્યો.
કરીઅરના આખરી બૉલ પર વિકેટ મેળવવાનું સૌભાગ્ય ભાગ્યે જ કોઈને મળે. જેમ! કોઈ બૅટર પોતાની ૧૦૦મી કે કરીઅરની અંતિમ મૅચમાં સેન્ચુરી ફટકારે એવી સિદ્ધિ બૉલર પણ મેળવી શકે. એ બૉલરને દાવમાં પાંચ વિકેટ મળે તો તેની કારકિર્દીનો અંત યાદગાર બન્યો કહેવાય. એમાં પણ જો પોતે છેલ્લી મૅચના આખરી બૉલ પર વિકેટ લીધી હોય તો સોનામાં સુગંધ ભળી કહેવાય. ધવલ કુલકર્ણીના કેસમાં આવું જબન્યું. ૧૪મી માર્ચે ફાઈનલમાં મુંબઈએ વિદર્ભની એક વિકેટ લેવાની બાકી હતી અને ધવલની કરીઅરની અંતિમ પળ ગણાઈ રહી હતી ત્યારે કેપ્ટન અજિંક્ય રહાણેએ રિધમ સાથે સારી બોલિંગ કરી રહેલા તનુષ કોટિયનને બદલે ધવલને બૉલ આપીને એ આખરી વિકેટ લેવાનો મોકો આપ્યો હતો. ધવલે એ મોકો ઝડપી લીધો અને વન-ડેના સાથી ખેલાડી (વિદર્ભના) ઉમેશ યાદવને કલીન બોલ્ડ કરીને પોતાના અંતિમ બૉલ પર વિકેટ મેળવી ગર્વભેર માથું ઊંચું રાખીને ગૌરવ સાથે ક્રિકેટના મેદાનને અલવિદા કરી હતી.
આ પ્રસંગે ઑસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ઍલન ડેવિડસનની યાદ આવી ગઈ. ૧૯૬૩માં તેઓ જે છેલ્લી ટેસ્ટ રમ્યા એમાં ઇંગ્લેન્ડની અંતિમ વિકેટ તેમણે લીધી હતી. સિડનીમાં ટેડ ડેક્ષટરની ઇંગ્લેન્ડની ટીમ સામેની એ મૅચમાં તેમણે દાવની અંતિમ વિકેટના રૂપમાં ઍલન સ્મિથને આઉટ કર્યા એ તેમની આખરી વિકેટ હતી. એ પછી તેમને ફરી ટેસ્ટ નહોતી રમવા મળી. ૨૦૨૧માં સિડનીમાં ૯૨ વર્ષની ઉંમરે ડેવિડસનનું અવસાન થયું હતું.
ધવલે કહ્યું કે તેણે કરીઅરની શરૂઆત પણ સારી કરી હતી. ૨૦૦૮માં તે ઑસ્ટ્રેલિયા સામે જે પહેલી ફર્સ્ટ કલાસ મૅચ રમ્યો હતો એ મૅચ તો ડ્રો થઈ હતી, પરંતુ ૨૦૧૪માં તેણે ભારત વતી રમેલી પોતાની પ્રથમ વન-ડેમાં અને ૨૦૧૬માં પ્રથમ ટી-૨૦માં વિજય માણ્યો હતો. ધવલે ૨૦૦૮માં (મુંબઈ વતી પોતાના પહેલા વર્ષમાં) અને ૨૦૦૯માં (બીજા વર્ષમાં) મુંબઈને રણજી ટાઈટલ મેળવતું જોયું હતું. એ હતી તેની કરીઅરની ગૌરવભરી શરૂઆત અને હવે ૪૨મા ટાઈટલ સાથે તેને અંત પણ એવો જ શાનદાર જોવા મળ્યો. તેણે મુંબઈને ઘણી વાર હારના મુખમાંથી બહાર લાવ્યું હતું તેમ જ યોદ્ધાની જેમ લડીને મૅચ જિતાડી આપી હતી.
ધવલને કરીઅરની શરૂઆતમાં સચિન તેન્ડુલકરનો બહુ સારો સપોર્ટ મળ્યો હતો. ગયા અઠવાડિયે રોહિત શર્મા ઉપરાંત સચિને ધવલને ‘મુંબઈ ચા યોદ્ધા’ તરીકે બિરદાવતા ટ્વિટર પર તેના માટે લખ્યું, “અપ્રતિમ કારકિર્દી બદલ અભિનંદન. નિષ્ઠા, સમર્પણની ભાવના અને શિસ્તને કારણે જ દોસ્ત તું મુંબઈના છેલ્લા ૧૫ વર્ષના સૌથી મહત્ત્વના ખેલાડીઓમાં ગણાય છે. કારકિર્દીના આખરી બૉલ પર વિકેટ લેવા બદલ પણ તને ખૂબ અભિનંદન. ક્રિકેટના ખેલાડી પછીની નવી ઇનિંગ્સ માટે તને શુભકામના.