પુરુષ

એમની માથે સતત મોત ભમે છે

યુદ્ધ મોરચે પત્રકારોની કામગીરી હંમેશાં જોખમી હોય છે. ત્રણેક વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ‘પુલિત્ત્ઝર પ્રાઈસ’ મેળવનારા એક વિખ્યાત યુવા ભારતીય ફોટો-જર્નાલિસ્ટે અફઘાનિસ્તાન - તાલિબાનની અથડામણમાં જાન ગુમાવ્યો હતો. જંગ સિવાય પણ જીવ ગુમાનારા પત્રકારો-ફોટોગ્રાફરની સંખ્યા ચોંકાવનારી છે.

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

*પુલિત્ત્ઝર ’ અવોર્ડ વિજેતા તસવીરકાર દાનિશની આઓન ડ્યુટિ’ શહીદીની નોંધ જગતભરના મીડિયાએ આ રીતે લીધી.

  • ગૌરી લંકેશ
    *યુદ્ધ મોરચે તસવીરો ક્લિક કરવા જબરી હિંમત જોઈએ

સમય નક્કી નથી હોતો. દિશા નક્કી નથી હોતી, પણ નિયતિએ આગોતરા નક્કી કર્યું હોય છે તેમ એનો કાળ અકળ છતાં નિશ્ર્ચિત હોય છે. . સનનનકરતી કોઈ પણ દિશામાંથી બુલેટ આવે અને ક્ષણાર્થમાં એને વીંધી જાય અહીં આપણે યુદ્ધ મોરચે દુશ્મનો સામે લડી રહેલા કોઈ લશ્કરી જવાનની વાત નથી કરી રહ્યા, પણ ઘણી વાર અદલોઅદલ આવી જ સ્થિતિ-પરિસ્થિતિમાં અનાયાસ મુકાય ગયેલા તસવીરકાર – પત્રકારની વાત કરીએ છીએ.

૧૯૯૫-૨૦૨૩ દરમિયાન ૨૦૧૨માં સૌથી વધુ ૧૪૭ પત્રકાર ફરજ બજાવતા માર્યા ગયા હતા. તાજેતરમાં આરબ-પેલેસ્ટાઈન આતંક્વાદીઓ-‘હમાસ’ ના હાથે છેલ્લા ૩ મહિનામાં ૧૬ પત્રકારે જાન ગુમાવ્યા છે.

આ જ રીતે , ૨૦૨૨થી શરૂ થયેલાં રશિયા-યુક્રેનના યુદ્ધ દરમિયાન બન્ને દેશના મળીને – ટીવી જર્નાલિસ્ટ સહિત કુલ ૧૪ લોકો માર્યા ગયા હતા. એ વખતે ‘યુએનઓ’ ની શાંતિ સેના સાથે સંકળાયેલા અન્ય ચાર પત્રકારે પણ જાન ગુમાવ્યા હતા.

આ બધા વચ્ચે યુદ્ધ મોરચે આપણા ભારતીય કુશળ તસવીરકારની જવામર્દી વિશે વિશેષ જાણવા જેવું છે. નામ એનું દાનિશ સિદ્દિકી તસવીરકાર વત્તા પત્રકારની કામગીરી બજાવી રહેલો આ ભારતીય યુવાન પાકિસ્તાન સીમા નજીકના વિસ્તારમાં અફઘાનિસ્તાન સેના તથા તાલિબાન ત્રાસવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણ-ઝપાઝપીનો સ-તસવીર હેવાલ લેવા પહોંચ્યો હતો. યુદ્ધ જેવાં ખતરનાક મોરચા પર રિપોર્ટિંગ કરવું એના માટે નવું નહોતું. આવા માહોલમાં દાનિશે ઝડપેલી અનેક તસવીરોએ જગતભરના મીડિયાની જબરી વાહ..વાહ ’ મેળવી હતી. આવી એની એક તસવીર માટે પત્રકારત્વમાં જેની સરખામણી નોબેલ પારિતોષિક સાથે થાય છે એવું ‘પુલિત્ત્ઝર પ્રાઈસ’ પણ દાનિશને ૨૦૧૮માં એનાયત થયું હતું. ‘પુલિત્ત્ઝર’ જેવું બહુમાન મળ્યા પછી દાનિશ આવી જોખમી કામગીરી ટાળી શક્યો હોત,પણ આવી જવાંમર્દી જાણે દાનિશની રગેરગમાં વહેતી હતી. ‘આંતરરાષ્ટ્રીય ન્યુઝ એજન્સી ’રોયટર્સ સાથે સંકળાયેલો દાનિશે અફઘાન મોર્ચે જવાની અસાઈન્મેન્ટ -કામગીરી સામેથી માગી લીધી અને અફઘાન ક્માન્ડો ટીમ તાલિબાનો પર ત્રાટકવાની હતી ત્યારે તાજેતરમાં આંખે દેખ્યો હેવાલ લેવા દાનિશ પણ સાથે જોડાયો. બન્ને લશ્કરી જૂથ વચ્ચે ચાલી રહેલી સામસામી ભીષણ ફાયરિંગમાં વચ્ચે દાનિશ દિલધડક તસવીરો ઝડપી રહ્યો હતો ત્યારે અચાનક એક બુલેટ દાનિશને વીંધી ગઈ..

એની એ છેલ્લી ક્લિક કરેલી ‘મોત’ પહેલાંની એક એવી ક્ષણ હતી,જેને એ કેમેરામાં ઝીલે- કેદ કરે એ વખતે જ એના શ્ર્વાસ અચાનક ખૂટી ગયા. એ ક્લિક કરેલી એની છેલ્લી ફ્રેમ આખા જગતે પાછળથી જોઈ – માત્ર ખુદ્દ દાનિશ સિદ્દિકીના અપવાદ સિવાય..!

હજુ તો કેટલાંય સિદ્ધનાં શિખર સર કરવાનાં સપનાં જોઈ રહેલા ૩૮ વર્ષી દાનિશ સિદ્દિકીની આ ‘ઓન ડ્યુટી’ શહીદીની નોંધ જગતભરના મીડિયાએ લીધી હતી.

જો કે , દેશના સીમાડા પર ફરજ બજાવતા લશ્કરી જવાન મશીનગન અને દારૂગોળાના જથ્થાથી સજ્જ હોય છે, જ્યારે યુદ્ધના અહેવાલ માટે જંગની વચ્ચે આજે ઝંપલાવતા પત્રકાર-તસવીરકારો પાસે માત્ર લેપટોપ ને કેમેરા હોય છે, જે સમય આવ્યે લશ્કરી જવાનનાં શસ્ત્રો જેટલાં જ ‘મારક’ પુરવાર થઈ શકે. લશ્કરી યોદ્ધા તો જંગ માટે સજ્જ હોય-પૂરતા તાલીમબદ્ધ હોય, પણ એક જમાનામાં તો પત્રકાર કે તસવીરકાર આવાં જોખમભર્યાં કામ માત્ર જોમ-જુસ્સાના જોરે પાર પાડતા.

ઈતિહાસનાં જૂનાં થોથાં ફંફોળો તો જાણવા મળે કે પહેલાં વિશ્ર્વયુદ્ધ વખતે બ્રિટન અને ફ્રાન્સની સરકાર કોઈ પત્રકારને યુદ્ધ મોરચે જવાની પરવાનગી આપતી નહીં. આમ છતાં અમુક ગુના માટે ભાગેડુ એવા બાસિલ ક્લાર્ક અને ફિલિપ્સ ગીબ્સ નામના બે રિપોર્ટર છૂપી રીતે મોરચા પરથી બ્રિટિશ અખબારો માટે અહેવાલ મોકલતા..!

કાળક્રમે બે વિશ્ર્વયુદ્ધ – વિયેટનામ- ગુલ્ફ વોર પછી અફઘાન – તાલિબાન જેવી હિંસક અથડામણ વખતે પત્રકારોની સાથે ફોટોગ્રાફર અને પછી તો ટીવી ચેનલોની ટીમોને વોર ઝોનમાં જવાની પરવાનગી મળતાં જગતને આજે કંપાવી મૂકે એવાં યુદ્ધની ખરી ભયાનકતાનો તાદ્રશ ચિતાર મળે..

જો કે, જેમ યુદ્ધ આધુનિક થતાં ગયાં તેમ વોર જોનમાં ડ્યુટી બજાવતા પત્રકારો – ફોટોગ્રાફરો પણ વધુ તાલીમબદ્ધ થતા ગયા આમ છતાં ફોટો – જર્નાલિસ્ટ દાનિશ સિદ્દિકીએ અફઘાનિસ્તાન સેના તથા તાલિબાન ત્રાસવાદીઓ વચ્ચેની ઝપાઝપીમાં જાન ગુમાવ્યો, પણ મીડિયા સાથે સંકળાયેલા બધા જ કંઈ યુદ્ધ મોરચે માર્યા જાય છે એવું પણ નથી. ઉદાહરણ તરીકે, અમેરિકાના અતિ પ્રતિષ્ઠત અખબાર વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, છેલ્લા દશકામાં પત્રકારો- ફોટોગ્રાફર- ટીવી કેમેરામેનની ટીમના ડ્રાઈવર-દુભાષિયા સહિત કુલ ૫૯૪ જેટલી વ્યક્તિએ અન્ય ફરજ બજાવતા જાન ગુમાવ્યો છે.
યુદ્ધ સિવાય ઈસ્લામી ત્રાસવાદીઓ- ડ્રગ માફિયા અને અંધારી આલમના રીઢા
અપરાધીઓ દ્વારા આ હત્યાઓ થઈ છે. અહેવાલ લેવા જતા પત્રકારો માટે યુદ્ધ સિવાય પણ એક દેશ એવો છે ,જે પત્રકારો માટે સૌથી જોખમી ગણાય છે. એ છે ડ્રગ્સ લોર્ડસ- માફિયાથી છલોછલ ઊભરાતો દેશ .. મેક્સિકો !

મેક્સિકોમાં ૨૦૦૦થી અત્યાર સુધીમાં ૧૫૩ પત્રકારો માર્યા ગયા છે અને ૨૦૨૨માં લેટિન અમેરિકામાં ૬૭ પત્રકારોની હત્યા થઈએ એમાં એકલા મેક્સિકોમાં જે ૩૨ જર્નાલિસ્ટ ઓન ડ્યૂટી માર્યા ગયા, જેમણે ડ્રગ્સ કાર્ટેલ્સનાં કારસ્તાન ઉઘાડા પાડ્યા હતા…

આપણે ત્યાં પણ યુદ્ધ સિવાય ફરજ બજાવતા પત્રકારોનાં માથે પણ મોત ભમતું રહે છે. છેલ્લાં ૬ વર્ષના આંકડા પર નજર ફેરવીએ તો આપણે ત્યાં પેધેલા પોલીસ અધિકારીઓ સાથે સાઠગાંઠ કરનારા ભ્રષ્ટ રાજકારણી તથા રીઢા અપરાધીઓ વિરુદ્ધ તેજાબી અહેવાલ લખવા બદલ ૨૮ જેટલાં જર્નાલિસ્ટની ધોળે દિવસે હત્યા થઈ અને ૧૯૮થી વધુ પર જીવલેણ હુમલા પણ પત્રકારો પર થયા છે. માત્ર ભ્રષ્ટાચાર કે કૌભાંડ ઉઘાડાં પાડવામાં માટે હત્યા નથી થતી. પર્યાવરણનો ખુલ્લેઆમ ભંગ કરનારાની પોલ ખોલનારા પત્રકાર પર પણ હિંસક હુમલા થાય છે.

માર્યા ગયા પત્રકારોની સાથે બેંગ્લુરુની જાણીતી મહિલા પત્રકાર ગૌરી લંકેશ પણ હતી. કહેવાતી હિન્દુવિરોધીની તેજાબી વિચારધારા પ્રગટ કરતી આ લેખિકા -પત્રકાર ગૌરીની એક ચોક્કસ જૂથ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

આપણે ત્યાં પત્રકારો પરના હુમલાની મોટાભાગની ઘટના ઉત્તર પ્રદેશ-બિહાર અને મધ્ય પ્રદેશની છે.આ તો મોટાં શહેરોની વાત થઈ, પણ ત્યાંનાં નાનાં કસબા-ટાઉનોમાં પત્રકારોની સ્થિતિ વધુ વિષમ અને વિકટ હોય છે. ત્યાંના પત્રકારોનાં અસ્તિત્ત્વને સામ-દામ-દંડ-ભેદથી સહેજ રીતે ભૂંસી શકાય છે.

આવા મુશ્કેલ માહોલમાં નિષ્ઠાવાન-જાંબાઝ પત્રકાર જ ગુંડાગર્દી સામે ટક્કર લઈને ટકી શકે છે. ( સંપૂર્ણ )

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button