પુરુષ

ડી. ગુકેશ… ભારતનો નવો ચેસ-નરેશ

વિશ્ર્વનાથન આનંદ પછી ચેન્નઈએ ચેસ જગતને ડી. ગુકેશના રૂપમાં શતરંજનો નવો બેતાજ બાદશાહ આપ્યો: વિક્રમો સાથે કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ જીતનાર આ ૧૭ વર્ષીય ટીનેજરને ટાઇટલ સાથે ઇનામમાં એક કરોડ રૂપિયા મળ્યા

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

રવિવાર, સાતમી એપ્રિલે નોર્વેના ભૂતપૂર્વ ચેસ વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસને સ્પષ્ટ શબ્દોમાં આગાહી કરી હતી કે ‘ટૉરન્ટો (કૅનેડા)માં કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ નામની જે ચેસ જગતની જે મોટી સ્પર્ધા રમાવાની છે એમાં ગ્રૅન્ડમાસ્ટર ડી. ગુકેશ સહિત ભારતનો ત્રણમાંથી એક પણ ખેલાડી ચૅમ્પિયન નહીં બને. એમાં પણ ખાસ કરીને ગુકેશ માંડ બે-ત્રણ ગેમ જીતશે.’

જોકે સોમવાર, બાવીસમી એપ્રિલે ગુકેશે એ ટૂર્નામેન્ટ જીતીને કાર્લસનને બે જ અઠવાડિયામાં ખોટો સાબિત કરી દીધો. ૧૭ વર્ષના ગુકેશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘કાર્લસને કૅન્ડિડેટ્સ સ્પર્ધા પહેલાં મારા વિશે જે આગાહી કરી હતી એને મેં ધ્યાનમાં જ નહોતી લીધી અને તેના મંતવ્યની મારા પર કોઈ વિપરીત અસર પણ નહોતી થઈ. હા, તેની સાથે મેં જે થોડી મિનિટો સુધી વાતચીત કરી હતી એમાંથી મને થોડીઘણી મદદ જરૂર મળી હતી. હું ચૅમ્પિયન બનવાના એકમાત્ર ઇરાદાથી જ ટૉરન્ટો આવ્યો હતો અને આત્મવિશ્ર્વાસ જાળવી રાખીને છેવટે મેં ટાઇટલ જીતી લીધું.’

ખુદ કાર્લસને પણ ટીનેજર ગુકેશ વિશે બોલવામાં ઉતાવળ કર્યા પછી હવે કહેવું પડ્યું છે કે ‘ગુકેશ તો હું અને બીજા કેટલાક ચેસ નિષ્ણાતો ધારતા હતા એના કરતાં વધુ સ્ટ્રૉન્ગ નીકળ્યો. ક્યારેક એવું લાગે કે તેને હરાવી શકાય છે, ક્યારેક એવું લાગે કે તે ચેસ રમવામાં તે જોઈએ એટલો ઝડપી નથી. જોકે આ બે બાબતોને જ ધ્યાનમાં રાખનાર કોઈ પણ વ્યક્તિ ગુકેશ વિશે ખોટું અવલોકન કરી બેસવાની ભૂલ કરે. બીજા યુવા ચેસ ખેલાડીઓ જેવો તે હાઈ-પ્રોફાઇલ પણ નથી એ પણ તેના વિશેની એક મોટી મૂંઝવણ છે. જોકે તેણે આ ટૂર્નામેન્ટમાં સાબિત કર્યું છે કે તે કેટલો બધો સ્ટ્રૉન્ગ છે.’
ચેન્નઈમાં રહેતો ગુકેશ વિશ્ર્વ ચૅમ્પિયન બનવા માટેનો પડકાર આપનાર વિશ્ર્વનો સૌથી યુવાન ચેસ ખેલાડી છે. તેણે રશિયાના ચેસ-લેજન્ડ ગૅરી કાસ્પારોવનો ૪૦ વર્ષ જૂનો વિક્રમ તોડ્યો છે. કાસ્પારોવે ૧૯૮૪માં વર્લ્ડ ચૅમ્પિયન બનવા માટે આનાતોલી કાર્પોવને પડકાર્યા ત્યારે તેઓ (કાસ્પારોવ) બાવીસ વર્ષના હતા, જ્યારે ગુકેશ માત્ર ૧૭ વર્ષનો છે. ગુકેશે બે દિવસ પહેલાં કૅનેડાના ટૉરન્ટોમાં કૅન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. આ ટૂર્નામેન્ટ જીતનાર તે સૌથી યુવાન ખેલાડી પણ છે. સામાન્ય રીતે આ ચૅમ્પિયન ખેલાડી વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયનને ચેસ બોર્ડ પર આવવા પડકારે છે અને આ વખતે ગુકેશ ચીનના વર્તમાન વિશ્ર્વવિજેતા ડિન્ગ લિરેનને ચૅલેન્જ આપશે. એ મુકાબલો આ વર્ષના છેવટના મહિનાઓ દરમ્યાન થશે.

કુલ આઠ ખેલાડીઓની કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં ભારતના કુલ ત્રણ ખેલાડીઓનું ‘આક્રમણ’ થયું હતું. આર. પ્રજ્ઞાનાનંદ અને વિદિત ગુજરાતી ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યા, પરંતુ ગુકેશ મેદાન મારી ગયો. વર્લ્ડ નંબર-ટૂ ફૅબિયાનો કૅરુઆના અને નંબર-થ્રી હિકારુ નાકામુરા આ ટાઇટલ જીતવા માટે ફેવરિટ હતા, પરંતુ ગુકેશે સંભવિત ૧૪માંથી સૌથી વધુ ૯ પૉઇન્ટ મેળવ્યા અને ટાઇટલ પર કબજો કરી લીધો. આ બહુમૂલ્ય ટ્રોફી સાથે તેને ૧,૧૧,૦૦૦ યુરો (લગભગ એક કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ પણ મળ્યું છે. નાકામુરા અને નેપૉમ્નિયાચી ૮.૫ પૉઇન્ટ સાથે બીજા ક્રમે રહી ગયા હતા.

ગુકેશનો જન્મ ૨૦૦૬ની ૨૯મી મેએ ચેન્નઈમાં તેલુગુ પરિવારમાં થયો હતો. તેના મમ્મી-પપ્પા મૂળ આંધ્ર પ્રદેશના ગોદાવરી ડેલ્ટા રિજનના છે. તેના પપ્પા ડૉ. રજનીકાંત ઇએનટી (કાન, નાક, ગળાનાં) સર્જન છે. ગુકેશનાં મમ્મી પદ્મા પણ ડૉક્ટર છે અને તેઓ માઇક્રોબાયોલૉજિસ્ટ છે. ગુકેશે સાત વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું. તે ચેન્નઈમાં વેલામ્મલ વિદ્યાલયમાં ભણે છે. ગુકેશ નાનપણમાં નાની-મોટી સ્પર્ધા જીત્યો અને એ સાથે દેશ-વિદેશમાં ચેસની રમતમાં લોકપ્રિય થતો ગયો તેમ જ હરીફ ખેલાડીઓ માટે પડકારરૂપ થતો ગયો. જાન્યુઆરી, ૨૦૧૯માં તે ૧૨ વર્ષ, સાત મહિના, સાત દિવસની ઉંમરે ચેસજગતનો સેક્ધડ-યંગેસ્ટ ગ્રૅન્ડમાસ્ટર બન્યો હતો. રશિયાનો સર્ગેઇ કાર્યાકિન એ રેકૉર્ડ-બુકમાં તેનાથી માત્ર ૧૭ દિવસ આગળ હતો. જોકે અમેરિકામાં રહેતો ભારતીય મૂળનો અભિમન્યુ મિશ્રા ૧૨ વર્ષ, ચાર મહિનાની ઉંમરે ગ્રૅન્ડમાસ્ટર બન્યો એ સાથે હવે તે સેક્ધડ-યંગેસ્ટ અને ગુકેશ થર્ડ-યંગેસ્ટ છે.

ગુકેશે કૅનેડામાં કૅન્ડિડેટ્સ ટાઇટલ જીત્યા પછી તેના મમ્મી પદ્માને ફોન પર કહ્યું, ‘અમ્મા, આય ગૉટ ધ ટાઇટલ.’ એ વિશે પદ્માએ પત્રકારોને કહ્યું, ‘મારો દીકરો વિદેશથી ફોન પર સામાન્ય રીતે ફોન પરની વાતચીતમાં ગંભીર રહેતો હોય છે, પણ આ વખતે તેના અવાજમાં જે આનંદ અને રોમાંચ હતા એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. તેનો ફોન આવ્યો ત્યારે હું થોડી કામમાં હતી એટલે તેની સાથે બહુ ઓછી વાતચીત કરી શકી હતી.’

ગુકેશના પપ્પા રજનીકાંત પણ પુત્રની સિદ્ધિથી બેહદ ખુશ હતા. તેમણે ૧૦ વર્ષ પહેલાં જ ગુકેશને ચેસમાં કરીઅર બનાવવા માટે માર્ગદર્શન આપવાના હેતુથી પોતાનો તબીબી વ્યાવસાય છોડી દીધો હતો.

વિશ્ર્વમાં છઠ્ઠી રૅન્ક ધરાવતા ગુકેશનું ફિડે રેટિંગ ૨૭૬૩ છે. પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલા વિશ્ર્વનાથન આનંદે તેના પર અભિનંદનની વર્ષા વરસાવી છે. ખુદ વિશ્ર્વનાથન ચેન્નઈનો છે અને હવે કૅન્ડિડેટ્સના વિજેતા ગુકેશે પણ ચેન્નઈનું નામ રોશન કર્યું છે.

વિશ્ર્વનાથન તેના સમયમાં (દોઢેક દાયકા પહેલાં) ચેસમાં સર્વોપરિ બન્યો એને પગલે ભારતમાં ચેસના કલ્ચરમાં મોટું પરિવર્તન આવ્યું જેને પરિણામે ભારતને નવા-નવા ચેસ સ્ટાર મળી રહ્યા છે. રશિયાના ચેસ-લેજન્ડ અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ગૅરી કાસ્પારોવે ગુકેશને અભિનંદન આપવાની સાથે વિશ્ર્વનાથન આનંદના યોગદાનને પણ બિરદાવતા સોશિયલ મીડિયામાં લખ્યું છે, ભારતીય ચેસમાં હવે ‘વિશી આનંદના બાળકો’ (ચેસમાં વારસો આગળ ધપાવી રહેલા નવયુવાન ખેલાડીઓ) ચેસ જગતમાં ધૂમ મચાવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button