પુરુષ

સર્જન-વિસર્જન ને ફરી સર્જન

સદીઓ પહેલાં ધ્વંસ થઈ ગયેલાં ઐતિહાસિક સ્થળ - સ્મારકો કે પ્રાચીન ઈમારતોને ફરી ગૌરવભેર ખડાં કરવા પાછળ માનવીની દૃઢ ઈચ્છાશક્તિ અને આસ્થા કામ કરતી હોય છે કહે છે ને કે આસ્થા અને જ્ઞાનને જગતની કોઈ પણ તાકાત રોકી નથી શક્તી!

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

પ્રાચીન નાલંદા, આજે આકાર લઈ રહેલું આધુનિક નાલંદા, નોટ્રા- ડમ- ડી પેરિસ કેથેડ્રલ, બેલ્જિયમની ‘લ્યુવેન યુનિવર્સિટી’ની અતિ પ્રાચીન લાઈબ્રેરી કોઈ પણ ઐતિહાસિક વિસર્જન પછીનાં પૂન : સર્જનની વાત આવે તો આપણને નાલંદા નામ સર્વપ્રથમ યાદ આવી જાય અને આ નામ અને એનો ભવ્ય ઈતિહાસ તાત્કાલિક હમણાં નજર સામે આવવાનું એક ખાસ કારણ એ છે કે તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ૧૬૦૦ વર્ષ પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસ- પ્રાંગણનું લોકાર્પણ કર્યું છે.

ઈતિહાસ કહે છે કે ઈશુની પાંચમી સદીથી ઈસવીસનની ૧૨મી સદી દરમિયાન પ્રાચીન મગધ (હાલનું બિહાર)માં નાલંદાનું અસ્તિત્વ હતું. નાલંદા વિદ્યાનું એક એવું પ્રાચીન સ્થળ હતું ,જ્યાં દેશ-પરદેશના વિદ્વાનો વધુ જ્ઞાન માટે આવતા અને અહીં રહીને વધુ અભ્યાસ કરતાં. ‘નાલંદા’ શબ્દનો ઉદભવ નલમ (કમળ) અથવા ‘દા નાલંદા’ શબ્દ પરથી થયો હતો, જેનો અર્થ છે ‘જ્ઞાન આપનાર’ આવા વધુ અને વિશેષ જ્ઞાન માટે ચીન- મોંગોલિયા-કોરિયા-શ્રીલંકા-જાપાન-તિબેટ, ઈત્યાદિ દેશોથી માત્ર વિદ્યાર્થી જ નહીં, વિદ્વાનો પણ આવતા. આમ નાલંદા વિશ્ર્વનું સર્વપ્રથમ ‘રેસિડેન્શિયલ યુનિવર્સિટી’ – પ્રથમ નિવાસી યુનિવર્સિટી તરીકે નામના પામ્યું હતું.

ઈતિહાસમાં લેવાયેલી નોંધ મુજબ આ નાલંદા મહાવિહાર એટલે કે મહાવિદ્યાલયની બુદ્ધ અને મહાવીરે પણ એ મુલાકાત લીધી હતી.. બૌદ્ધ ધર્મના ઘણા વિખ્યાત વિદ્વાનોએ નાલંદામાં અભ્યાસ કરીને ત્યાં શિક્ષક તરીકે કામગીરી પણ બજાવી હતી.. વિખ્યાત ગણિતાચાર્ય અને શૂન્યના શોધક આર્યભટ્ટ પણ આ પ્રાચીન શાળામાં શિક્ષક તરીકે અભ્યાસ કરાવતા હતા!

એ જમાનામાં અહીં ૧૦ હજારથી વધુ વિદ્યાર્થી અને ૨૦૦૦ શિક્ષકો સાથે રહેતા હતા. લાલ ઈંટોથી બાંધવામાં આવેલા આ મહાવિદ્યાલય વાસ્તુશિલ્પની શ્રેષ્ઠ કૃતિ-ઉદાહરણ ગણાતી. જો કે, ઈ.સ. ૧૧૯૩માં મુસ્લિમ રાજવંશના સૈન્યના બખ્તિયાર ખિલજીએ આવા બેનમૂન નાલંદા પર આક્રમણ કરીને નેસ્ત નાબૂદ કર્યું એ સાથે જગતનું એક અનુપમ જ્ઞાનમંદિર હંમેશની માટે ધરતી પરથી ભૂંસાઈ ગયું.

આમ તો નવી વસ્તુનો માનવમાત્રને મોહ-આકર્ષણ હોય એ સમજી શકાય, પણ આપણાં મનની વિષમતા એ છે કે આપણે જૂનાને સહજતાથી તજી શકતા નથી.

એમાંય આપણા હાથે સર્જેલું કે પછી આપણી આગલી પેઢી કે પૂર્વજોએ બનાવેલું કોઈ ઐતિહાસિક સ્મારક અથવા તો કોઈ વિક્રમ સર્જક ઈમારતનો મોહ આપણને
ક્યારેય ઘટતો નથી. એ વિસર્જિત પણ થાય તોય એનું પુન: સર્જન કરવા પાછળ રહેતી હોય છે માનવીની દૃઢ ઈચ્છાશક્તિ સદીઓ પૂર્વે સોમનાથ મંદિર પર મહમ્મદ ગઝની જેવો લૂટારુ મુસ્લિમ શાસક ૧૭ વાર ચઢાઈ કરીને એની મબલક સંપત્તિ લૂંટી ગયો હતો. એણે સોમનાથને સાવ બરબાદ કરી નાખ્યું, છતાં હિંદુઓનું એ પવિત્ર સ્થળ કાળક્રમે ગૌરવભેર ખડું થઈ જતું. આવા વારંવાર પુનરુત્થાન પાછળ ઈશ્ર્વરમાં રહેલી આસ્થા વિશેષ કામ કરે છે. આની સાથે વિપરિત સંજોગો સામે ટક્કર લેવાની માણસની દૃઢ ઈચ્છાશક્તિ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે અને પુરવાર પણ કરે છે કે આવા આતંકથી આસ્થાને ક્યારેય કચડી શકતો નથી

ભૂતકાળમાં સોમનાથ અને તાજેતરમાં નવેસરથી સર્જાઈ રહેલાં નાલંદાનાં દ્રષ્ટાંત આપણાં માટે વિશેષ ખરાં,પણ વિશ્ર્વભરમાં બીજા પણ ઘણાં દ્રષ્ટાંત છે,જેમાં ધૂળ ભેગી થઈ ગયેલી ઐતિહાસિક ઈમારતો – સ્મારકો પુન: ખડાં થઈ ગયાં છે અને હજુ કેટલાંક નવાં રૂપ-સ્વરૂપે આકાર લઈ રહ્યાં છે.

આમાં મોટાંભાગની સ્થાનક દુશ્મનોના આક્રમણને લીધે નષ્ટ પામ્યાં છે. હા, કેટલાંક અપવાદરૂપે કુદરતી રોષ કે અક્સ્માતના ભોગ બન્યાં છે. આનો એક જાણીતો દાખલો છે ફ્રાન્સના વિખ્યાત નોટ્રા- ડમ- ડી પેરિસ કેથેડ્રલ સાતેક વર્ષ પહેલાં અહીં એક ભીષણ આગ ફાટી નીકળી હતી. સતત ૧૫ કલાક ચાલેલા એ અગ્નિકાંડને લીધે ઈસ્વીસન ૧૧૬૩થી ૧૩૪૫ વચ્ચે બંધાયેલું પેરિસનું આ કેથોલિક ચર્ચ ગંભીર નુકસાન પામ્યું હતું. ચર્ચની ભવ્ય ઈમારતમાં રહેલાં અનેક પ્રાચીન મૂલ્યવાન દસ્તાવેજો-પુસ્તકો- પેન્ટિંગ્સ, ઈત્યાદિ આગમાં રાખ થઈ ગયા હતા. ફ્રેન્ચ ભાષામાં ‘નોટ્રા- ડમ- ડી પેરિસ’ એટલે કે ‘અવર લેડી ઑફ પેરિસ’ તરીકે ઓળખાતું આ ચર્ચ કેથોલિક ખ્રિસ્તીઓનું બહુ પૂજનીય ધર્મસ્થાન ગણાય છે. આગગ્રસ્ત આ ચર્ચનું ૨૦૨૪ના અંત સુધીમાં પૂર્ણરીતે પુનરુત્થાન થઈ જશે,જેની પાછળ ફ્રાન્સ સરકાર આશરે ૧ અબજ ડૉલર (૧ ડૉલર= ૮૪ રૂપિયા) વાપરશે. વિખ્યાત લેખક વિકટર હ્યુગોએ પણ એમની એક નવલકથા ‘હચબેક ઑફ નોટ્રે ડ્મ’માં આ ચર્ચ વિશે અદ્ભુત વર્ણન કર્યું છે. આવાં બધાં કારણોસર વર્ષે દેશ-વિદેશના દોઢેક કરોડ પ્રવાસી-વાચકો-આસ્થાળુઓ આકર્ષાઈને અહીં ઊમટે છે!

આપણા સોમનાથ મંદિર જેવી જ સર્જન- વિસર્જન અને ફરી સર્જનની ગાથા લંડનના સેન્ટ પોલ કેથેડ્રલની પણ છે. જો કે એની ચઢતી- પડતીમાં કુદરત તેમજ માનવી પણ જ એટલા જ જવાબદાર છે.એ પૂરેપૂરું નષ્ટ એક વાર થયું,પણ અનેક વાર એનાં પર માનવી-કુદરતી ખફા ઊતરી છે, જેમાં એને પારાવાર નુકસાન થયું છે. ઈસ્વીસન ૬૦૪માં બંધાયેલું આ ચર્ચ ૯૬૨માં બાળી મૂકવામાં આવ્યું હતું. એની જગ્યાએ તૈયાર થયેલાં કેથેડ્રલને પણ ૧૦૮૭માં આગ લગાડી દેવામાં આવી.એ પછી તો ૧૬૬૬માં લંડન સિટીને ભરખી ગયેલી ખતરનાક આગમાંથી પણ એ
ચર્ચ બચી ન શક્યું. એ જ રીતે ૧૯૪૦-૪૧ના વિશ્ર્વયુદ્ધ વખતે લંડન પર થયેલા બોમ્બબાર્ડિંગનું એ શિકાર બન્યું. એ પછી ૧૫-૧૭ વર્ષ સુધી ચાલેલાં રિપેરિંગ બાદ ૨૦૧૧માં સંપૂર્ણપણે એ તૈયાર થયું હતું.

યુદ્ધ જેવી માનવસર્જિત આફતમાં માનવીની આસ્થાને હચમચાવી દેવા માટે દુશ્મન પહેલો ઘા ધાર્મિક સ્થાનકો પર કરે છે. દુશ્મનને આમાં ન જાણે કેવો પાશવી આનંદ આવતો હશે, પણ આસ્થા પર આઘાત પહોંચાડ્યા પછી દુશ્મન એના પ્રતિસ્પર્ધીનાં જ્ઞાનનાં પરબ પર આક્રમણ કરે છે. વિદ્યાલય અને પુસ્તકાલયનો સર્વનાશ એ એમનું હોય છે પ્રથમ લક્ષ્ય.આપણા નાલંદા પર પણ જ્યારે આક્રમણ થયું ત્યારે પણ અસંખ્ય મૂલ્યવાન હસ્તપ્રતોને સળગાવી મૂકવામાં આવી હતી.

આ જ રીતે બેલ્જિયમની ‘લ્યુવેન યુનિવર્સિટી’ની અતિ પ્રાચીન લાઈબ્રેરી પર બન્ને વિશ્ર્વયુદ્ધ વખતે જબરું આક્રમણ થયું હતું. પ્રથમ મહાયુદ્ધ વખતે જર્મન સૈન્યએ ૧૪મી સદીની આ ઐતિહાસિક લાઈબ્રેરીનાં ૩ લાખથી વધુ પુસ્તકો અને ૧ હજાર જેટલી મૂલ્યવાન-અપ્રાપ્ય હસ્તપ્રત-પાંડુલિપિ સળગાવી મૂક્યાં. યુદ્ધ પછી ફરી પુસ્તકાલય એકડે એકથી શરૂ કરવામાં આવ્યું. બીજા વિશ્ર્વયુદ્ધ વખતે જર્મન લશ્કર ફરી ત્રાટક્યું અને આ વખતના હુમલામાં ૧૦ લાખથી વધુ પુસ્તકો નષ્ટ કરી નાખ્યાં ! આના કારણે વિદ્વાનો અને જ્ઞાનપિપાસુઓની કમર તૂટી ગઈ હતી,પણ ૧૯૫૧થી ફરી એક વાર કમર કસીને પુસ્તકો એકઠાં કરવાના શરૂ થયા અને મૂળ ૧૯૨૮માં પુસ્તકાલયની જે ઈમારત હતી એવી જ અદલોઅદલ શૈલીના બાંધકામ સાથે નવી લાઈબ્રેરી આજે ફરી કાર્યરત થઈ ગઈ !
આવી જ પુસ્તક પ્રેમીઓ માટે એક દર્દ- કથા છે મહારાણી ક્લિયોપેટ્રાના ઈજિપ્તમાં ‘ટેમ્પલ ઑફ નોલેજ’ એટલે કે ‘જ્ઞાનમંદિર’ તરીકે જાણીતા કેરો શહેરના એક મ્યુઝિયમમાં પંદરસોની સદીનાં ૪૦ હજારથી પણ વધુ હસ્તલિખિત પુસ્તકો-અગત્યનાં ઐતિહાસિક દસ્તાવેજો,વગેરે વ્યવસ્થિત ગોઠવીને રાખવામાં આવ્યાં હતાં. એમાં ૨૦૧૧માં ઈજિપ્તના પ્રમુખ મુબારક વિરુદ્ધ જબરો બળવો થયો ત્યારે કેટલાક હિંસક ટોળાએ મ્યુઝિયમ પર પેટ્રોલ બોમ્બથી વીંઝીને બધું જ રાખ કરી નાખ્યું હતું! આજે ફરી એ જ્ઞાનમંદિરને પુન: જીવિત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

હવે તદ્દ્ન નેસ્તનાબૂદ થઈ ગયેલા નાલંદા વિશ્ર્વવિદ્યાલય અત્યારે થઈ રહેલાં પુન: સર્જનની વાત પર પરત ફરીએ હાલમાં પ્રાચીન નાલંદા મહાવિહારના અવશેષો આમ તો ૩૬ એકરના વિસ્તારમાં પથરાયેલાં છે,પણ સદગત પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામનું સપનું હતું નાલંદાને પુન: જીવિત કરવું એમની ઈચ્છા મુજબ આજે ૧૦૦ એકર વિસ્તારમાં નવી નાલંદા યુનિવર્સિટી પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને અતિ આધુનિક ઈકો-ફ્રેન્ડલી બાંધકામ સાથે આકાર લઈ રહી છે. અહીં નેટ ‘ઝીરો એનર્જી’ કેમ્પસ તૈયાર થઈ રહ્યું છે. ‘નેટ ઝીરો એનર્જી’ એટલે અહીં જે ઊર્જા વપરાશે એ આ જ વિસ્તારમાંથી પેદા કરવામાં આવશે! અહીંના પ્રાંંણમાં રહેલા ૪૦ જેટલાં વર્ગમાં આશરે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી શકશે. અહીં સ્પોર્ટ કોમ્પલેક્ષ- અલ્ટ્રા મોડર્ન સુવિધા સાથે બે ઓડિટોરિયમ-મેડિકલ સેન્ટર અને વિશાળ લાઈબ્રેરી પણ હશે..

કહે છે ને કે આસ્થા અને જ્ઞાનને જગતની કોઈ પણ તાકાત અટકાવી નથી શકતી..! (સંપૂર્ણ )

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button