પુરુષ

કુરિયરનાં કૌભાંડી પાર્સલ નિર્દોષને બેવકૂફ બનાવવાનો તગડો ત્રાગડો!

ઓનલાઈન લૂંટફાટની ઘટનાઓ ધાર્યા કરતાં વધુ ઝડપે વધી રહી છે. એને અવરોધવા સાઈબર ક્રાઈમ પોલીસ વધુ ને વધુ સજ્જ થતી જાય છે, પણ આવા ઓનલાઈન ઠગ અમીર અલીઓ નવી નવી ટ્રિકસ અજમાવી રહ્યાં છે. શું છે એમની લેટેસ્ટ ટેકનિકસ?

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

આજે આ ક્રાઈમકથાની શરૂઆત મારાથી જ કરીએ. છેલ્લા ૨૦ દિવસમાં મારા મોબાઈલ પર બે અજાણ્યા નંબરથી કોલ આવ્યા.

કોલ નંબર ૧:
‘તમારું નામ ભરત ઘેલાણી છે? જુઓ, હું ફેડેક્સ્’ કુરિયરથી વાત કરું છું તમારા નામથી એક કુરિયર પેકેટ કોરિયાથી આવ્યું છે અમારા સ્કેનિંગમાં ખબર પડી છે કે એમાં ડ્રગ્સ જેવી કંઈક વાંધાજનક વસ્તુ છે અમારે પોલીસને જાણ કરવી પડશે’

મેં પેલા ફોન કુરિયરવાળાની ઊલટતપાસ લેવાની શરૂ કરી. પેલો ગેંગેંફેંફે થવા માંડ્યો એટલે મેં એને કહ્યું: તારી આ બધી ફાલતુ વાત બંધ કર હું પત્રકાર છું – બેવકૂફ બનાવવાની આવી બધી ટ્રીક્સની મને ખબર છે’
આટલું સાંભળીને પેલાએ ફોન કટ કર્યો..!

કોલ નંબર: બે
‘હું દિલ્હી એરપોર્ટ પરથી કસ્ટમ ઓફિસર વિવેક ગુપ્તા વાત કરું છું. કારગો વિભાગમાં કેનેડાથી એક પાર્સલ આવ્યું છે’
સેન્ડર કોણ છે ?

સામેથી મને એક નામ કહેવામાં આવ્યું, જે સાંભળીને મને થોડી નવાઈ લાગી, કારણ કે એ નામ કેનેડામાં રહેતી મારી ભાણેજનું હતું!

પેલા કસ્ટમ ઓફિસરે વાત આગળ વધારતા કહ્યું : આ કુરિયર પાર્સલ અમને શંકાસ્પદ લાગે છે. અમે મુંબઈ બાન્દ્રા પોલીસને કેસ સોંપ્યો છે ત્યાંના એક ઈન્સપેકટર જયંત વાનખેડે તમને ફોન કરશે.. રૂટિન ઈન્કવાયરી કરશે..ટેન્શન લેવાની જરૂર નથી તમને એ ‘મદદ’ કરશે સમજી ગયાને ?!’

મેં પેલા દિલ્હીના કસ્ટમ ઓફિસરને માત્ર એટલું જ કહ્યું : ‘દોસ્ત, તારી આ બધી વાહિયાત વાત બંધ કરો. ટેન્શન લેવાની મારે નહીં -હવે તારે જરૂર પડશે હું જર્નાલિસ્ટ છું..તારી વાત મેં રેકોર્ડ કરી છે..તારા નંબર સાથે એ સાઈબર ક્રાઈમ સેલને પહોંચાડું છું..! ’

ઉમેરવાની જરૂર નથી,પેલાએ ફટાક કરીને ફોન કટ કર્યો..!
આજના ઝડપી શોધ-સંશોધનના વિજ્ઞાનયુગમાં આર્થિક ક્ષેત્રે ડિજિટલ વ્યવહાર ધાર્યા કરતાં વધી ગયો છે અને એના કારણે સાઈબર ક્રાઈમની નવી ક્ષિતિજો ઉઘડી ગઈ છે.

આમ તો વરિષ્ઠ પત્રકાર પ્રફુલ્લ શાહ એમની ‘મુંબઈ સમાચાર’ ની કોલમમાં સાઈબર ક્રાઈમ અને એમાંથી કેમ બચવું એ વિશે નિયમિત લખતા રહે છે.

આમ છતાં, આ થોડા તાજા આંકડા પર આપણે નજર ફેરવીશું તો ખ્યાલ આવશે કે અનેકવિધ સાઈબર અપરાધ કેવા સુપર જેટ ગતિએ વધી ગયા છે.

ગત નાણાકીય વર્ષની સરખામણીએ આ માર્ચ -૨૦૨૪ સુધીમાં ઓનલાઈન-સાઈબર અપરાધોમાં ૩૦૦ ટકાનો અધધધ વધારો નોંધાયો છે. ઓનલાઈન અપરાધીઓએ દેશના આશરે ૩૬હજાર બેન્ક ગ્રાહકોને છેતરીને રૂપિયા ૩૦ હજાર કરોડ લૂંટી લીધા છે!

‘નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ’ ના આંકડા મુજબ ગયા વર્ષે -૨૦૨૩માં સાઈબર અપરાધની કુલ ૧૫ લાખ ૫૬ હજાર ફરિયાદ નોંધાઈ હતી એની સરખામણીએ આ વર્ષ -૨૦૨૪ ના જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં સાઈબર ફ્રોડના ૭ લાખથી વધુ કેસ નોંધાયા છે અને હજુ તો આ વર્ષના મે થી ડિસેમ્બરના ૮ મહિનાના આંકડા આવવાના બાકી છે !

આ લૂંટના આંકડા આપણા દેશના છે. બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન એશિયાના ત્રણ દેશ : લાઓસ- કંબોડિયા- મ્યાંનમારમાં વસતા ભારતીયોએ પણ આશરે રૂપિયા ૧૭૮૦ કરોડ સાઈબર ફ્રોડમાં ગુમાવ્યા છે !

છેતરપિંડીની ઘટનાઓમાં તેજી આવી છે એ વાત બીજી રીતે જુવો તો એમાં કંઈ નવાઈ નથી.

આવા અપરાધ તો અગાઉ પણ થતા હતા. નવાઈ માત્ર એ છે કે ઓનલાઈન અપરાધીઓ ગુના કરવાની એમની મોડસ ઑપરેન્ડી – પદ્ધતિ બહુ ઝડપથી બદલી રહ્યા છે. ડિજિટલ ટ્કનોલોનીનું એમનું જ્ઞાન સાઈબરપોલીસ કરતાં એક નહીં, બે-ત્રણ ડગલાં આગળ છે.

આ દુનિયામાં નિર્દોષ પારેવા અનેક છે અને એમનો શિકાર કરનારા ચતુર પારધી પણ ઘણા છે. અગાઉ કોઈ શિકારી OTP (વન ટાઈમ પાસવર્ડ) માગી લેતા અને એક વાર એ મળી જાય પછી તમારા બેન્કખાતામાંથી ખાસ્સી રકમ ગાયબ-છૂ થઈ જતી.

આ ટ્રિક જૂની થતાં તમારા બેન્કની માહિતી અપ-ડેટ કરવાના બહાના હેઠળ KYC અને QR Code સ્કેન કરાવાની કે મોકલેલી લીન્ક ક્લિક કરાવીને ઓનલાઈન લૂંટ્ફાટ ધાર્યા કરતાં વધી ગઈ. એક સર્વે અનુસાર: દર ૩માંથી ૧ કેસમાં સામાવાળા અજાણ્યા શખસને ‘ઑટીપી’ આપી દેવાની ભૂલ આજે પણ લોકો કરી રહ્યા છે.

આ બધા વચ્ચે સાઈબર ક્રાઈમ અને એના પગેરું મેળવનારાઓની દુનિયામાં હમણાં ગજબનો ગરમાટો આવી જાય તેવી કેટલીક ચોંકાવનારી ઘટનાઓ બની છે. સાઈબર ક્રાઈમ માટે વપરાતી ‘ડાર્કવેબ’ ટેકનિકનો આબાદ ઉપયોગ કરીને બનાવટી ક્રેડિક કાર્ડ્સ તૈયાર કરીને લાખો રૂપિયાની ખરીદીનું એક સનસનાટીભર્યું કૌભાંડ પણ બહાર આવ્યું છે.

નવાઈની વાત એ છે કે આ ફ્રોડમાં સિનેઉદ્યોગ અને ક્રિકટ જગતની ૯૦થી વધુ સેલિબ્રિટીસની પેન-આધાર અને જીએસટીની વિગતો ચોરી લઈ એના આધારે સંખ્યાબંદ્ધ ઊંચી ક્રેડિટ લિમિટના ‘ક્રેડિટ કાર્ડસ બનાવવા’માં આવ્યા હતા. આ વિખ્યાત વ્યક્તિઓ છે માધુરી દીક્ષિત-અભિષેક બચ્ચન-સચિન તેંડુલકર-આલિયા ભટ્ટ-મહેન્દ્ર સિંહ ધોની-ઈમરાન હાશ્મી, ઈત્યાદિ-ઈત્યાદિ!

આવી જ રીતે એક આંતરરાષ્ટ્રીય ઈનવેસ્ટમેન્ટ કંપનીમાં કામ કરતી મહિલાને એક કુરિયર કંપની તરફથી ફોન મળ્યો કે તમે મોકલેલું એક પાર્સલ અમને શંકાસ્પદ જણાતા એને અટકાવ્યું છે પેલી મહિલા કહે : ‘મેં કોઈ કુરિયર કયારેય કોઈને મોકલ્યું નથી’ ત્યારે એને જવાબ મળ્યો કે એ પાર્સલ અમે ખોલ્યું તો એમાં અમને નશીલાં પદાર્થ મળ્યા છે- ૩ બનાવટી પાસપોર્ટ તેમજ ફેક કેડિટ કાર્ડસ પણ એમાં છે!’ થોડી વાર પછી પોતાને પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ઓળખાવતા એક પોલીસ અધિકારીનો ફોન આવ્યો.

પોતાનો ચહેરો ન દેખાય એ રીતના વીડિયો કોલમાં કહ્યું કે અમારી પાસે માહિતી છે કે તમારા આધાર કાર્ડ દ્વારા ૭ કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છેઆ મનીલોન્ડરિંગની રકમ આતંકવાદી સંસ્થાઓને પહોંચે છે પોતે આ કેસમાં ન ફસાય જાય એના ભયથી એ મહિલાએ એક લિંક દ્વારા પેલાની ટુકડે ટુક્કડે પાંચ લાખ પહોંચાડ્યા આ બન્ને કેસની તપાસ અત્યારે મુંબઈ સાઈબર ક્રાઈમ સેલ કરી રહી છે. સાઈબર સેલના નિષ્ણાતોનું કહેવું છે કે કોના પાર્સલ નિયમિત આવે છે કે વિદેશથી આવ્યાં છે એની બાતમી ઈ-કોમર્સ કે કુરિયર કંપનીમાં કામ કરતા અમુક સ્ટાફર સાઈબર અપરાધીઓને પહોંચાડતા હોય છે. આ બાતમી પછી ઓનલાઈન ચોરટા એના શિકાર નક્કી કરે છે આમ સાઈબર ક્રાઈમવાળા ડિજિટલ ટેકનોલોજીમાં ઘણા આગળ છે અને આવા અપરાધ પર અંકુશ મેળવવા માટે ઝઝૂમતા સાઈબર સેલવાળા પણ નવી ટેકનોલાજી અપનાવવા પ્રયત્નશીલ છે, પરંતુ આમ આદમીએ પણ હવે નવી નવી ટ્કનોલોજીથી વધુ અજ્ઞાની રહેવું નહીં પોસાય. આપણું અ-જ્ઞાન ઓનલાઈન કૌભાંડકારીઓ માટે ઉપકારક નીવડે છે.

આવા પાર્સલ ફ્રોડથી કઈ રીત બચવું ?
વિદેશથી તમારે નામે કુરિયર આવ્યું છે અને એમાં શંકાસ્પદ વસ્તુઓ છે માટે કસ્ટમ ખાતાએ રોક્યું છે’ એવા અજાણ્યા નંબરના કોલથી ચેતી જવું..
એ કોલ સાચો છે કે હંબગ એ જાણવા કસ્ટમ વિભાગનો કે પછી જે કુરિયર કંપનીનું નામ આપ્યું હોય એનો તાત્કાલિક સંપર્ક કરવો…
વધુ માહિતી આપવા કે મદદરૂપ થવા કોઈ ‘પોલીસ’ અધિકારી લિન્ક આપે તો એ કદી ક્લિક ન કરવી. બેન્ક બેલેન્સ સફાચટ થઈ જશે..
આવા ફોન કોલ પછી ભયભીત થયા વગર નજીકના પોલીસ સ્ટેશન અને સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન (ફોન: ૧૯૩૦)નો સંપર્ક કરવો…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો