કમ ઑન, હૉકીમાં હવે બ્રૉન્ઝ તો આવવો જ જોઈએ
૨૦૨૧ની ઑલિમ્પિક્સ જેટલા સાત મેડલ પણ નહીં આવે તો ભારતની એ મોટી નામોશી કહેવાશે: પૅરિસમાં ભારતને હૉકીના મેડલની તાતી જરૂર છે

સ્પોર્ટ્સમેન – અજય મોતીવાલા
૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક્સ કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉનને કારણે ૨૦૨૧માં યોજાઈ હતી અને એમાં ભારતીય હૉકી ટીમ ૧૯૮૦ની સાલ પછી ગોલ્ડ મેડલ જીતવામાં નિષ્ફળ ગઈ હતી અને માત્ર બ્રૉન્ઝ જીતી શકી હતી. આ વખતે પણ ભારતીય હૉકી ટીમને બ્રૉન્ઝ જીતવાની જ તક છે. ૨૦૨૧માં કાંસ્યચંદ્રક વિજેતા ટીમના પ્રત્યેક ખેલાડીને પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ તરફથી ૧૫ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ વખતે પણ જો હરમનપ્રીત સિંહની ટીમ બ્રૉન્ઝ જીતી લાવશે તો ૧૫ લાખ રૂપિયા કરતાં ઘણી મોટી રકમનું ઇનામ મેળવશે, પરંતુ અહીં મુદ્દો એ છે કે આ વખતે ભારતને મેડલની તાતી જરૂર છે અને હરમનપ્રીતની ટીમે ગુરુવારે એ મેળવવો જ પડશે.
હજી મંગળવારે રાત્રે જર્મની સામેની સેમિ ફાઇનલ પહેલાં ભારતીય હૉકી ટીમની સર્વત્ર વાહ-વાહ થતી હતી અને કહેવાતું હતું કે ૧૯૮૦ પછી પહેલી વાર ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક હાથમાં આવી છે જે ભારતીય ટીમે જતી ન કરવી જોઈએ. જોકે વર્લ્ડ ચૅમ્પિયન જર્મની સામેની સેમિ ફાઇનલ ૨-૩થી હારી જવાને કારણે ગોલ્ડ અને સિલ્વર, બન્ને મેડલ જીતવાનો મોકો ભારતના હાથમાંથી સરી પડ્યો.
૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતે ક્વૉર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને હરાવ્યા પછી બેલ્જિયમ સામેની હાર બાદ જર્મનીને ૫-૪થી પરાસ્ત કરીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો, પરંતુ આ વખતે જર્મનીને કારણે જ ભારતે ગોલ્ડ/સિલ્વરથી વંચિત રહેવું પડી રહ્યું છે.
હવે આજે સાંજે સ્પેન સામે રમાનારી બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં ભારત જીતશે એવી આશા છે. એનું ખાસ કારણ એ છે કે ૨૦૨૧નો બ્રૉન્ઝ મેડલ ૪૧ વર્ષે આવ્યો હતો અને ચાર દાયકાનું જે ત્યારે મહેણું ભાંગ્યું એ સિલસિલો જળવાઈ રહેવો જોઈએ.
આ ઑલિમ્પિક્સમાં ભારતીય ટીમે સેમિ ફાઇનલ મુકાબલા પહેલાં એકમાત્ર વર્લ્ડ નંબર-વન બેલ્જિયમ સામેની હારને બાદ કરતા એકંદરે જે હરળફાળ ભરી હતી એ જોતાં હવે એણે મેડલ લઈને જ પાછા આવવું જોઈશે.
ઑલિમ્પિક ગેમ્સ દર ચાર વર્ષે યોજાય છે. બે ઑલિમ્પિક્સ વચ્ચે ભારતીય ઍથ્લીટો અને ખેલાડીઓ અનેક પ્રકારની રમતોમાં આંતરરાષ્ટ્રીય ચંદ્રક જીતતા હોય છે અને દેશને ટ્રોફી પણ અપાવતા હોય છે, પરંતુ ઑલિમ્પિક્સમાં તેઓ પાણીમાં બેસી જતા હોય છે. ૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાં નીરજ ચોપડાના એકમાત્ર ગોલ્ડ સહિત કુલ સાત મેડલ સાથે છેક ૪૮મા સ્થાને હતું. એ અગાઉની ૨૦૧૬ની રિયો ઑલિમ્પિક્સમાં એક સિલ્વર અને એક બ્રૉન્ઝ સહિત કુલ બે મેડલ સાથે ભારત ૬૭મા સ્થાને હતું અને એ પહેલાં ૨૦૧૨ની લંડન ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિના કુલ ફક્ત છ મેડલ આવ્યા હતા અને ભારત ૫૭મા સ્થાને હતું.
આ વખતે (આ લેખ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં) ફક્ત ત્રણ બ્રૉન્ઝ મળ્યા હતા. ડબલ ડિજિટમાં મેડલ જીતવાની ભારતની ઇચ્છા અધૂરી રહી જશે કે નહીં એ તો બે-ચાર દિવસમાં ખબર પડી જશે, પરંતુ હૉકીની ટીમે બ્રૉન્ઝ જીતવો જ રહ્યો.
૧૯૮૦ પછી ભારતીય હૉકી ખેલાડીઓનો પર્ફોર્મન્સ થોડાં વર્ષ સુધી નબળો હતો. બીજી બાજુ, યુરોપના દેશો તેમ જ ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના વગેરે દેશોએ હૉકી રમવાની ટેક્નિક બદલી, ફૉર્મેટમાં પણ ફેરફાર કરાયા અને આખી સિસ્ટમ ઊલટપુલટ કરી નાખી એની સીધી અસર ભારત ઉપરાંત પાકિસ્તાનની હૉકી પર પડી હતી.
ઑલિમ્પિક મેન્સ હૉકીમાં વિક્રમજનક આઠ-આઠ ગોલ્ડ મેડલ જીતનાર ભારતે હવે બ્રૉન્ઝ માટે પણ ફાંફા મારવા પાડી રહ્યાં છે એ દુ:ખની વાત કહેવાય. જોકે ગુરુવારે આઠમી રૅન્કના સ્પેનને હરાવીને પાંચમા ક્રમના ભારતે ઑલિમ્પિક્સમાં ત્રીજું સ્થાન મેળવીને કાંસ્યચંદ્રક જીતવો જ પડશે, નહીં તો કરોડો હૉકીપ્રેમીઓના દિલ તૂટી જશે.