પુરુષ

ખેલજગતમાં ટ્રોફી-ચંદ્રકની સાથેબ્રૅન્ડ વૅલ્યૂની પણ બોલબાલા

કિંગ કોહલી ૧,૯૦૪ કરોડ રૂપિયાની બ્રૅન્ડ વૅલ્યૂ સાથે મોખરે છે: નીરજ ચોપડા ઑલિમ્પિક્સ પછી ટૉપ-ફાઇવમાં આવી ગયો છે

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

ખેલજગતની મહત્ત્વપૂર્ણ સ્પર્ધાઓમાં જીતવામાં આવતા ચંદ્રકોથી તેમ જ સફળતાઓથી માત્ર સન્માન જ નથી વધતું, ઍથ્લીટો તથા ખેલાડીઓની બ્રૅન્ડ વૅલ્યૂ પણ વધે છે. જુઓને, પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાલાફેંકમાં સિલ્વર મેડલ જીતનારા નીરજ ચોપડાની બ્રૅન્ડ વૅલ્યૂ જે ૨૪૮ કરોડ રૂપિયા હતી એ ઑલિમ્પિક ગેમ્સ પછી વધીને સીધી ૩૩૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે

બ્રૅન્ડ વૅલ્યૂ એટલે સેલિબ્રિટીની પ્રતિષ્ઠા તથા તેની છબિનું મૂલ્યાંકન. બીજી રીતે કહીએ તો નીરજ ચોપડાની પ્રસિદ્ધિ, સમાજમાં તેનું સન્માન તેમ જ તેની સંપૂર્ણતાની છબિનું વાર્ષિક મૂલ્ય ૩૩૫ કરોડ રૂપિયા કહી શકાય.

ભારત ક્રિકેટપ્રેમી રાષ્ટ્ર છે. મેન્સ હૉકીમાં ભારત વિશ્ર્વમાં સૌથી વધુ આઠ ગોલ્ડ મેડલ જીત્યું છે એમ છતાં ક્રિકેટની રમત દેશમાં સૌથી વધુ લોક્પ્રિય છે. ભલે છેલ્લા બે દાયકામાં ચેસ, બૅડમિન્ટન, ટેનિસ, કબડ્ડી, ટેબલ ટેનિસ, શૂટિંગ, તીરંદાજી વગેરે રમતોમાં ભારતને વિશ્ર્વ વિજેતાઓ તેમ જ સ્ટાર ખેલાડીઓ મળ્યા છે, પણ સાથે-સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને કારણે દેશમાં ક્રિકેટની પૉપ્યુલારિટી ઑર વધી છે. ભારતમાં સૌથી વધુ બ્રૅન્ડ વૅલ્યૂ હંમેશાં ક્રિકેટરોની જ રહી છે, કારણકે લોકપ્રિયતા પણ સૌથી વધુ તેમને જ મળી છે. જોકે નીરજ ચોપડા એવો પ્રથમ નૉન-ક્રિકેટિંગ સ્પોર્ટ્સમૅન છે જેનું નામ દેશમાં સૌથી વધુ બ્રૅન્ડ વૅલ્યૂ ધરાવતા ટોચના પાંચ ખેલાડીમાં તેનું નામ છે.

દેશમાં સૌથી વધુ બ્રૅન્ડ વૅલ્યૂ વિરાટ કોહલીની છે. તાજેતરના ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને જીત અપાવવામાં તેનું (૭૬ રનનું) સૌથી મોટું યોગદાન હતું. તે મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ જીત્યો હતો.
કોહલીની વાર્ષિક બ્રૅન્ડ વૅલ્યૂ ૧,૯૦૪ કરોડ રૂપિયા, એમએસ ધોનીની ૭૯૭ કરોડ રૂપિયા, સચિન તેન્ડુલકરની ૭૬૩ કરોડ રૂપિયા, રોહિત શર્માની ૩૪૩ કરોડ રૂપિયા અને નીરજ ચોપડાની ૩૩૫ કરોડ રૂપિયા છે. છઠ્ઠા નંબરે હાર્દિક પંડ્યાની બ્રૅન્ડ વૅલ્યૂ ૩૧૮ કરોડ રૂપિયા બતાવાઈ છે.

કેટલીક મહિલા ઍથ્લીટો માટે પણ હવે ‘ચલ પડી’ જેવી સકારાત્મક સ્થિતિ નિર્માણ થઈ છે. પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરની અગાઉ વાર્ષિક બ્રૅન્ડ વૅલ્યૂ માંડ ૨૦થી ૩૦ લાખ રૂપિયા હતી એ ગણતરીના દિવસોમાં વધીને દોઢથી પોણાબે કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલું જ નહીં, વર્ષના અંત સુધીમાં તેની આ વૅલ્યૂ ત્રણ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

કુસ્તીબાજ વિનેશ ફોગાટના કિસ્સામાં પણ આવું જ છે. જોકે થોડું જુદી રીતે. તે ઑલિમ્પિક્સમાં મેડલ નથી જીતી શકી, પણ લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ જાણે તે મેડલ લઈને જ પાછી આવી હોય. પરિણામે, તેની બ્રૅન્ડ વૅલ્યૂ ૨૦ લાખ રૂપિયાથી વધીને એક કરોડ રૂપિયા થઈ ગઈ છે. કહેવાય છે કે ૧૫ કંપનીઓએ પોતાની બ્રૅન્ડ સાઇન કરવા તેનો સંપર્ક કર્યો છે.

ફરી વિરાટ કોહલીની વાત પર આવીએ. તેની બ્રૅન્ડ વૅલ્યૂ ફક્ત ક્રિકેટર્સમાં જ નહીં, ફિલ્મ સ્ટાર્સ સહિતની યાદીમાં પણ તેનું નામ સૌથી ઉપર છે. બીજી રીતે કહીએ તો દેશના પાંચ સૌથી મોંઘા સેલિબ્રિટીઝમાં વિરાટ કોહલી નંબર-વન છે. તેની ૧,૯૦૪ કરોડ રૂપિયાની બ્રૅન્ડ વૅલ્યૂ સામે બીજા નંબરે ઍક્ટર રણવીર સિંહની ૧,૭૦૩ કરોડ રૂપિયા, ત્રીજા નંબરે શાહરુખ ખાનની ૧,૦૧૨ કરોડ રૂપિયા, ચોથા નંબરે અક્ષય કુમારની ૯૩૮ કરોડ રૂપિયા અને પાંચમા નંબરે આલિયા ભટ્ટની ૮૪૮ કરોડ રૂપિયા છે. બીજી રીતે કહીએ તો અનુષ્કા કરતાં વિરાટ, દીપિકા પદુકોણ કરતાં રણવીર સિંહ અને રણબીર કપૂર કરતાં આલિયા ભટ્ટ વધુ લોકપ્રિય છે.

સેલિબ્રિટીની બ્રૅન્ડ વૅલ્યૂ અને પ્રભાવ એકબીજાના પૂરક છે. તેની બ્રૅન્ડ વૅલ્યૂ જળવાઈ રહે તો તેનો પ્રભાવ પણ જળવાયેલો કહેવાય છે અને જો તેની પ્રતિભા અકબંધ રહી હોય તો તેની બ્રૅન્ડ વૅલ્યૂ પણ જળવાય છે અથવા તેને વધુ બ્રૅન્ડ મળવાની સંભાવના રહે છે. સચિન તેન્ડુલકર ૨૦૧૩માં રિટાયર થયો, પરંતુ તેની બ્રૅન્ડ વૅલ્યૂ હજી પણ વાર્ષિક ૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે. ટોચની કંપનીઓ લોકપ્રિય સેલિબ્રિટીને સાઇન કરે તો તેમની વધુ પ્રૉડક્ટ્સ વેચાય છે અને જાણીતી કંપનીઓ સાથે જોડાયેલા હોવાને કારણે જે તે સેલિબ્રિટીની બ્રૅન્ડ વૅલ્યૂ પર પણ સકારાત્મક અસર પડે છે.

સચિને ક્રિકેટ રમવાનું છોડ્યું એને એક દાયકો થઈ ગયો છતાં બ્રૅન્ડ્સમાં તે ખૂબ ડિમાન્ડમાં છે. એમએસ ધોનીએ ૨૦૨૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, પરંતુ આઇપીએલમાં રમવાનું હજી છોડ્યું નથી. એક કારણ એવું મનાય છે કે તેની પાસે ઘણી મોટી બ્રૅન્ડ્સ છે જેના કરાર હજી પૂરા નથી થયા. જો તે હમણાં જ આઇપીએલ રમવાનું છોડી દે તો એ બ્રૅન્ડ્સને ફટકો પડે અને તેને વધુ બ્રૅન્ડ મળવાની સંભાવના પણ ઘટી જાય. તે ૨૦૨૫ની આઇપીએલમાં રમશે એની શક્યતા પાકી જણાય છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો