સ્વાદિષ્ટ વાનગીઓના કડવા-તૂરા વાદ-વિવાદ..
અન્ન માટે યુદ્ધ ખેલાયાં છે તેમ કઈ વાનગી મૂળ ક્યાંની એ લઈને આજે તીવ્ર તકરાર ચાલતી રહે છે,જેના સંતોષકાર ઉકેલ માટે અમલમાં મુકાયેલો GI ટેગ શું છે ?
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
એક જાપાની કહેવત છે : ‘૬ ફૂટ ઊંચાં-કદાવર પહેલવાનને ૩ઈંચ ટચૂકડી જીભ ભોંયભેગો કરી શકે છે.’ અહીં વાત જીભની શારીરિક શક્તિની નહીં,પણ જીભ દ્વારા બોલાયેલા-ફંગોળાયેલા શબ્દોથી સામેવાળાને મહાત કરવાની છે. જીભ સાથે સ્વાદ પણ સંકળાયેલો છે. એને લઈને આ એક ચીની કહેવત પણ
જાણીતી છે:
મોટાભાગના લોકો પોતાની કબર જીભથી ખોદતા હોય છે..’ કહેવાનો મતલબ કે વધુ પડતો સ્વાદનો ચટકો માણસને મોત તરફ ધકેલે છે.
જે કહો તે, માણસ ભૂખ્યો રહી શકતો નથી. ભૂખ્યા પેટની આગે અનેક દેશમાં બળવો જગાડ્યો છે. આફત વખતે ફૂડ ખાદ્ય-સામગ્રીનાં પેકેટ માટે પડાપડી – મારામારી કરતાં લોક- ટોળાંનાં દ્ર્શ્યો ટીવી પર આપણે જોયાં છે. સારા સમયે સમારંભોમાંય બુફે ટેબલ પર પીરસેલી વાનગીઓ માટે મહેમાનોને હુંસાતુંસી કરતાં પણ દીઠ્યાં છે સો વાતની એક વાત, આદિકાળથી અત્યાર સુધી – અવનવી વાનગી અને સ્વાદ માનવમાત્ર માટે જીવનનું એક અવિભાજ્ય અંગ બની રહ્યાં છે.
આજે તો આપણે ત્યાં કેટલાંય શહેર-નગરની ઓળખ સુધ્ધાં ત્યાંની વાનગી-ફરસાણને લીધે બની છે. આપણી આસપાસ એવી કેટલીય વ્યક્તિ તો વાનગી અને એનાં સ્વાદના ‘વોકિંગ એન્સાઈક્લોપીડિયા’ એટલે કે હરતાં-ફરતાં જ્ઞાનકોશ જેવાં હોય છે. ઉદાહરણ તરીકે, અમારા રાજકોટના જાણીતા પત્રકાર-મિત્ર જવલંત છાયાને તમે અર્ધી રાતે પણ ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો ગુજરાત-સૌરાષ્ટ્રનાં કયાં શહેર-નગર કઈ વાનગી-ફરસાણ માટે જાણીતાં છે તો એની એ લાંબી-પહોળી રસઝરતી યાદી આપી શકે ઉદાહરણ તરીકે:
રાજકોટના પેંડા જામનગરની કચોરી,
ભાવનગરની બદામપુરી, વાંકાનેરનો માવો,
કચ્છની દાબેલી, વડોદરાનો ચેવડો..જેતપુરના લસણવાળા સેવ-મમરા, અમરેલીમાં ટમેટા ભજીયા, પોરબંદરની ખાજલી, મહિકાના પુડલા.ઈત્યાદિઈત્યાદિની નામાવલિ હજૂ ઘણી લાંબી છે.
ખેર, જેમ અન્ન માટે યુદ્ધ ખેલાયાં છે તેમ જગતભરમાં કઈ વાનગી મૂળ ક્યાંની એ લઈને ક્ડવા વાદ-વિવાદ થયા છે અને આજે પણ વાર-તહેવારે એ ચાલતાં જ રહે છે. મમતાદીદીનાં પશ્ર્ચિમ બંગાળની વાત કરીએ તો બાબુમોશાયના ચિરપરિચિત લાંબાં-પહોળાં ગોળ ઉચ્ચારમાં કહીએ તો ‘રોસ્શોગુઉલ્લા’ કે ‘શોંન્દેશ’ કે પછી મિસ્ટી દોઈઈ’ જેવી ત્યાંની મીઠાઈ તો જગવિખ્યાત છે,પણ જેવી રસગુલ્લાની વાત આવે અને જેવા બંગાળીબાબુ પોરસાઈને કોલર ઊંચા કરે કે તરત જ પાડોશી ઉત્કલ રાજ્ય એટલે કે ઓરિસ્સા એના વિરોધમાં બાંયો ચઢાવે કે રસગુલ્લા તમારા શાના? એ તો અમારી શોધ છે! ’ આમ રસગુલ્લા જેવી મધુરી વાનગી માટે એ બન્ને રાજ્યો વચ્ચે મારામારી થતી રહે છે.
આવા અવિરત ચાલતા કડવા-તૂરા વિવાદમાં આપણું ફાસ્ટ ફૂડ ગણાય એવી ઈડલી પણ છે. ઈડલી હકીકતમાં દક્ષિણ ભારતની નહીં, પણ મૂળ ઈન્ડોનેશિયાની વાનગી છે એવાં કેટલાંક જબ્બર પુરાવા ટી. આચાર્ય જેવા આહારના ઈતિહાસવિદે પેશ કરીને ચર્ચા જગાડી છે. ઈડલી સાથે સંકળાયેલું સાંભાર પણ વિવાદમાં સળવળ્યું છે. સાંભાર પણ મૂળ સાઉથની વાનગી નથી,પણ એનાં મૂળ મહારાષ્ટ્રમાં છે.કહે છે કે મરાઠી રાજવી સંભાજીના રસોયાએ એક વાર દાળમાં ભૂલથી કોકમની સાથે એવું કોઈ દ્રવ્ય ઉમેરી દીધું કે એ દાળના સ્વાદ-સોડમ પર મરાઠાભાઉ ઓવારી ગયા પછી એનું નામ સંભાજી પરથી ‘સાંભાર’ પડી ગયું ! આવી જ તકરાર ને રકઝક લખનવી- હૈદરાબાદી અને ક્લકત્તી બિરયાની-પુલાવના મૂળ માટે સતત ચાલ્યા જ કરે છે. હૈદરાબાદની અનેક રેસ્ટોરાં તો પોતાની આ વાનગીની જાહેરખબરમાં બિન્ધાસ્ત દાવો કરે છે કે અમારી હૈદરાબાદી બિરયાની જ અસ્સલ અને શ્રેષ્ઠ છે.. બાકી બધાની કહેવાતી બિરયાની તો પુલાવ માત્ર છે..!
આવા વાદ-વિવાદના સંતોષકાર ઉકેલ માટે કેન્દ્ર સરકારે એક એજન્સીની સ્થાપના કરી છે,જે કોઈ પદાર્થ-વસ્તુ-વાનગીનું ઐતિહાસિક- ભૌગોલિક મૂળ શોધી નિર્ણય લઈને એને GI Tag એટલે કે
જ્યોગ્રોફિક આઈડેન્ટિફિકેશન ’ તરીકે ઓળખાતો એક ચોક્કસ નંબર આપે છે. આવો GI Tag નિકાસકર્તાની વસ્તુ-વેચાણ માટે મહત્ત્વનો ગણાય છે. કોઈ વસ્તુ-પ્રોડકટ મૂળ કયાંની છે એની પૂરતી ચકાસણી પછી અપાતો આવોGI Tag બધાને બંધનકર્તા છે અને એ માન્ય રાખવો પડે છે. આવા ટેગનો ખાસ ફાયદો એ છે કે આપણી સ્વદેશી વસ્તુ-ઉત્પાદનને એના દ્વારા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માન્યતા મળે છે ને પાછળથી અન્ય કોઈ દેશ એની પેટન્ટ પર દાવો નથી કરી શકતું ( જેવું અગાઉ હળદર- આંબળા-લીમડાના આયુર્વેદિક ઉત્પાદનો સહિત મૂળ ભારતીય યોગ-આસનોને લઈને જબરા વિવાદ જાગ્યા હતા!)
આવા ઝગડા માત્ર વાનગી કે મીઠાઈ પૂરતા જ મર્યાદિત નથી રહ્યા.ભોજન કક્ષની બહાર પણ અમુક ચીજ-વસ્તુ મૂળ કયાંની એને લઈને અફડાતફડી જામે છે. એક ચોક્કસ પ્રકારની ડિઝાઈનમાં બનેલા અને વજનમાં હળવા તેમજ પહેરવામાં સરસ મજાનાં લાગે એવાં ચામડાના ચપ્પ્લ મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની દેન -‘શોધ’ ગણાય છે. મુખ્યત્વે ત્યાં જ તૈયાર થાય છે એટલે આ પગરખાં ‘કોલ્હાપુરી ચપ્પલ’ તરીકે જાણીતા છે.મહારાષ્ટ્રનાં સાંગલી-સતારા-શોલાપુરથી લઈને છેક કર્ણાટકમાંય એ જ પ્રકારના બનતાં ચપ્પલ કોલ્હાપુરી’ તરીકે વેંચાવા લાગ્યા ત્યારે મૂળ કોલ્હાપુરના ચપ્પલ ઉત્પાદકો-વિક્રેતાઓએ પેટન્ટ-ડિઝાઈન- ટ્રેડમાર્કસની સરકારી એજન્સીમાં ઉગ્ર વિરોધ નોંધાવીને કોર્ટે ચઢવાની ચીમકી આપી હતી.. મધ્ય પ્રદેશનું ચંદેરી નગર ત્યાંના રેશમ જેવાં કાપડ અને એમાંથી તૈયાર થતી વિશિષ્ટ પ્રકારની સાડી માટે જાણીતું છે. આવી ચંદેરી સાડી પણ વિવાદમાં અટવાઈ છે, કારણ કે મધ્ય પ્રદેશની બહાર સુરત- બનારસમાં અમુક વણાટની સાડીના ઉત્પાદકોને પણ ‘ચંદેરી સાડી’નો GI ટેગ મળ્યો છે. ચંદેરી નગરના મૂળ સાડી બનાવનારા કહે છે કે અમારી વિશિષ્ટ હસ્ત કારીગરીથી અમને એક ચંદેરી સાડી બનાવતા ૧૫થી ૨૦ દિવસ લાગે,જ્યારે ચંદેરી બહારના ઉત્પાદકો માત્ર સિન્થેટિક – કૃત્રિમ કાપડ લઈ પાવરલૂમ્સ પર ઓછા દિવસમાં ઢગલબંધ સાડી બનાવી એને ‘ચંદેરી સાડી’નું નામ આપી ધૂમ ધંધો કરે છે આ તકરાર પણ GI એજન્સી સુધી પહોંચી છે.
આવી જ આફતનો સામનો ‘મૈસૂર અગરબત્તી’ના ખરા ઉત્પાદકોએ સહન કરવો પડે છે. ચોક્ક્સ પુષ્પોનાં અર્ક તેમજ બીજાં પ્રાકૃતિક તત્ત્વોનાં સંયોજનથી તૈયાર થતી અહીંની સુગંધી અગરબત્તીને GI ટેગ મળ્યો હોવા છતાં કૃત્રિમ અર્ક-પદાર્થોથી અગરબત્તી તૈયાર કરનારા બહારના ઉત્પાદકો એને મૈસુરની ‘અગરબત્તી’ કહીને દેશ-વિદેશમાં વેંચે છે. આ મામલો પણ વાદ-વિવાદના ચક્રમાં અટવાયો છે.
આજે સ્થાનિક કહી શકાય કહી શકાય એવા ૩૭૫થી વધુ મૂળ ઉત્પાદકોએ એમની પ્રોડટ્કસ માટેGI ટેગ મેળવ્યો છે.આમ છતાં, ૩૬૦૦થી વધુ ઉત્પાદન એવાં છે, જેને દેશ-વિદેશના વેચાણ વખતે વાપરવા માટે GI સર્ટિફિકેટ પણ મળ્યાં છે. આના કારણે પણ ઘણી વાર અસલી અને નકલીના ડખા ઊભા થતા રહે છે.
જો કે , કેટલીક પ્રોડક્ટસને GI ટેગને લીધે વિદેશમાં અઢળક આર્થિક ફાયદો પણ થયો છે, જેમકે: રાજસ્થાનની હસ્તકળાથી તૈયાર થયેલી સાંગણેરી સાડી-કુર્તા- શર્ટ વિદેશોમાં ધૂમ વેંચાય છે. ગુજરાત-ખંભાતના ભાલિયા ઘઉની કેનિયા- શ્રીલંકા-ઈન્ડોનેસિયામાં સારી માર્કેટ છે. એ જ રીતે, બિહારના જર્દાલુ-લિચ્ચીની બ્રિટેનમાં અને જલગાંવના કેળાની દુબઈમાં સારી ડિમાન્ડ છે તો આન્ધ્ર-ઓરિસ્સાની અરાકુ તરીકે જાણીતી કોફી ગલ્ફ તેમજ યુરોપમાં લોકપ્રિય છે.આ બધા વચ્ચે, રસગુલ્લા- કોફી-ચા કેરી અને ચોખા એક યા બીજા વિવાદ અને વેંચાણને કારણે અવારનવાર સમાચારમાં ગાજતાં રહે છે.
ઓરિસ્સા-બંગાળના રસગુલ્લાનો વિવાદ તો એવો જબરો રહ્યો કે સરકારે બન્નેને અલગ અલગ GI ટેગ આપીને એ તકરારનો તો કામચલાઉ ઉકેલ આણ્યો છે. દેશ-વિદેશમાં ‘દાર્જિલિંગ ટી’ના નામે થયેલા ઘણા વિવાદ થયા પછી પશ્ર્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કલિમ્પોંગ જિલ્લાનાં ખેતરોમાં કુદરતી રીતે ઉગેલી ચાની પત્તીને જ એ નામ મળે એવો ચુકાદો અપાયો છે. આપણા દેશમાં ૯૦ લાખ કિલોગ્રામથી વધુ ચાનું ઉત્પાદન થાય છે તેમ છતાં, આજે એની સાથે અન્ય ચા પત્તીનું મિશ્રણ થાય છે, જે દાર્જિલિંગની ચા તરીકે અમેરિકા-જાપાન-રશિયા-ચીન સુધ્ધાંમાં ધૂમ ધંધો કરે છે. બંગાળના માલદા જિલ્લાની કેરી ઉપરાંત મહારાષ્ટ્રના રત્નાગીરીની ‘અલ્ફોન્સો’ કેરીને બહેરીન – ગલ્ફ તેમજ યુરોપના દેશોમાં એના GI ટેગના પ્રતાપે ખાસ્સી વેંચાય છે બીજી તરફ, ૪૦ લાખ ટન જેવી તોતિંગ નિકાસ થાય છે એ આપણા ચિરપરિચિત ‘બાસમતી રાઈસ’ ની પેટન્ટ મેળવવા અમેરિકાની એક તગડી કંપનીએ જબરી ધમાલ કરી હતી,પણ સફળતા ન મળી. આજે આપણા GI ટેગવાળા બાસમતી ચોખા પાડોશી પાકિસ્તાનના રાઈસ સાથે વિદેશોમાં તીવ્ર સ્પર્ધામાં છે.
-અને હાં, આસ્થાળુઓ માટે અતિપવિત્ર ગણાતા તિરુપતિ દેવસ્થાનના પ્રસાદ એવાં લાડુને પણ પેટન્ટ – GI ટેગની લડાઈમાં અટવાવું પડ્યું છે. કોર્ટ-કચેરીની લાંબી બબાલ પછી તિરુપતિ દેવસ્થાન અને આન્ધ્ર સરકારને હવે સત્તાવાર GI ટેગનાં ‘દર્શન’ થયા છે..!