પુરુષ

મોટી મોટી તસવીરો.. LIFE કેવી મસ્ત મજાની..!

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

બે શતાબ્દીના સંનિષ્ઠ પત્રકારત્વ દ્વારા અનેક અવનવી સિદ્ધિઓ સાથે નવાં શિખર સર કરીને આ ૧ જુલાઈના ૨૦૩ વર્ષમાં યશસ્વી પ્રવેશી ચૂક્યું છે વાચકોનું લાડકું અખબાર ‘મુંબઈ સમાચાર’.

આવા ‘મુંબઈ સમાચાર’ની ૨૦૦ વર્ષની અનન્ય કામગીરી દર્શાવતી એક ડોક્યુમેન્ટરી-દસ્તાવેજી ફિલ્મનું ટૂંક સમયમાં લોકાર્પણ પણ કરવાના છે ગૃહ પ્રધાન અમિત શાહ.

‘મુંબઈ સમાચાર’એ બે શતાયુ દરમિયાન જે અનેક પ્રકારના સંઘર્ષ પછી આગવી સફળતા મેળવી છે એનું રસપ્રદ તાદૃશ્ય નિરુપણ આ ડોક્યુ-ફિલ્મમાં છે જ, પણ આવા અવસરે પત્રકારત્વ ક્ષેત્રે કશુંક નવું કર્યું હોય-નવી કેડી કંડારી હોય એવાં સામયિકો-દૈનિકોને પણ આપણે જરા પાછું વળીને જોઈ લેવાં જોઈએ. ગઈ કાલના પ્રકાશન સાથે તુલના કરવા નહીં,પણ એમનાં સંઘર્ષ- સફળતા – સિદ્ધિ વિશે વાંચે -જાણે તો આપણો – આજની પેઢીનો પણ જુસ્સો વધે.

  • તો આ વખતે ફલેશ બેકમાં વાત કરીએ, વિશ્ર્વવિખ્યાત ‘લાઈફ’ સાપ્તાહિકના એ એક તંત્રી નહીં – પત્રકાર નહીં, પણ તસવીરકારોનું ડ્રીમ ‘મેગેઝિન’ હતું અમેરિકાના ન્યૂયોર્કથી પ્રગટ થતું આ સાપ્તાહિક. એના માટે એ વખતે મજાકમાં કહેવાતું કે આ એક લેઝી-આળસુ તંત્રી અને જેને લાંબું લખવાનો બહુ કંટાળો આવતો હોય એવા પત્રકારો માટેનું આદર્શ મેગેઝિન છે..!

કારણ એ જ કે ‘લાઈફ’ સામયિકની એક ખાસિયત હતી કે એમાં લાંબાં લેખ-હેવાલ પ્રગટ થતાં નહીં એટલે બીજાં સાપ્તાહિકોના પત્રકારો જેટલી અહીં જહેમત કરવી નહોતી પડતી અને તંત્રીએ પણ એના સંપાદન પાછળ વધુ સમય આપવો પડતો નહીં,પણ તસવીરકારો માટે તો ‘લાઈફ’ મસ્ત મજાનું હતું.

છાપાંઓમાં સ્થળ: સંકોચને કારણે એમનાં જે ફોટાને બે કોલમમાં ‘સૂવડાવી’ દેવામાં આવતાં એને અહીં મોકળું મેદાન મળતું. સારી તસવીરને અહીં બબ્બે પાનાં સુધી બ્લો કરવામાં-મોટી કરવામાં આવતી . એમાંય બીજાં સામયિકોની સરખામણીમાં લાઈફ’ની સાઈઝ મોટી. કદમાં એ લાંબું-પહોળું વધુ એટલે ફોટા ધાર્યા કરતાં વધુ એન્લાર્જ – મોટાં કરી શકાતાં.આને કારણે તસવીરકારને પોતાના ફોટોગ્રાફ માટે મોટું ફલક મળતું . આવાં વિશાળ કેનવાસથી ફોટાની નાટ્યાત્મક રજૂઆત થતી.પરિણામે વાચકો વિસ્મયથી આંખો પહોળી કરીને એ તસવીરો જોઈ રહેતા તો ફોટોગ્રાફર ખુશમખુશ…
લાઈફ એટલે જીવન ..‘લાઈફ’ મેગેઝિન ખુદને પણ એક – બે વાર નહીં,પણ અનેક વાર જીવતદાન મળ્યું છે. કાળક્રમે એનું સ્વરૂપ બદલાયું છે. આજે આપણને નવાઈ લાગે, પરંતુ શરૂઆતમાં ‘લાઈફ’ એક હાસ્ય સાપ્તાહિક તરીકે શરૂ થયેલું! એના પ્રકાશકની ઈચ્છા હતી કે ‘લાઈફ્’ને પણ લંડનના ‘પંચ’ જેવું સાપ્તાહિક બનાવવું. ‘પંચ’ એની હાસ્ય તથા વિનોદી વાચન સામગ્રી ઉપરાત પંચ-ચાબખા મારતાં કાર્ટુન -ઠઠ્ઠા ચિત્રો માટે બહુ લોકપ્રિય હતું, પણ ન જાણે કેમ આ પ્રકારનું ‘લાઈફ’ ખાસ ન ચાલ્યું પછી ‘ટાઈમ’ના પ્રકાશક હેન્રી લ્યુસે ‘લાઈફ’ની નિષ્ફળ બ્રાન્ડ- ટાઈટલ ખરીદી લીધાં. એમની પણ ઈચ્છા હતી કે લાઈફને ‘પંચ’ જેવું બનાવી એને ફરી માર્કેટમાં મૂકવું, પણ છેલ્લી મિનિટે એ વિચાર પલટાયો ને વાચકોને એક નવા જ પ્રકારનું મેગેઝિન મળ્યું, જેણે ફોટો- જર્નાલિઝમની એક નવી જ દિશા ઉઘાડી આપી. એ જમાનામાં જ્યારે કેમેરા અને એને લગતી ટેકનિક હજુ પ્રાયોગિક અને પ્રારંભ કાળમાં હતી- હજુ ડિજિટલ યુગનાં દ્વાર ખૂલ્યાં નહોતા ત્યારે એક સાપ્તાહિક માત્ર ફોટા-તસવીરોને આધારે શરૂ કરી સફળતાપૂર્વક ચલાવવું એ જિદ્દી જિગરનું કામ હતું.

અમેરિકન પ્રજાની જન્મજાત ખાસિયત છે : Think Big – Dream Big ..કિંગ સાઈઝ સ્વપ્નાં જૂએ અને પછી એને સાકાર કરવા મંડી પડે ‘ટાઈમ’ના પ્રકાશક હેન્રી લ્યુસની આ જ પ્રકૃતિ હતી. જગતભરમાં બનતી ઘટનાઓના અહેવાલ કુશળ પત્રકારો દ્વારા મેળવી – બાહોશ તંત્રીઓ પાસે ચૂસ્ત એડિટ કરાવી-સંપાદિત કરી ‘ટાઈમ’ વિકલીને હેન્રીએ પત્રકારત્વની ટોચ પર બેસાડ્યુ હતું.
‘ટાઈમ’ સાપ્તાહિકની પ્રતિષ્ઠા-લોકપ્રિયતાથી પ્રેરાઈને એના માલિક-પ્રકાશક હેન્રી લ્યુસે ‘લાઈફ’ સાથે અખતરો કરવાનું સાહસ કર્યું. ‘ટાઈમ’ બનતી ઘટના શબ્દોમાં પ્રગટ કરતી, પણ ‘લાઈફ’માં હેન્રી લ્યુસ અમુક ઘટનાને લોકોની નજર સામે બનતી હોય એમ તસવીરોથી તાદૃશ્ય રજૂ કરવા ઈચ્છતો હતો. આ અખતરો એના માટે ખતરો બની શકે તેમ હતો.સાહસ કદાચ દુ:સાહસમાં પલટાઈ શકે,પણ હેન્રીની હૈયાસૂઝ-દિશાસૂઝ કામ કરી ગઈ.. એનો પ્રથમ અંક ૧૯૩૬ની ૨૩ નવેમ્બરના માર્કેટમાં આવ્યો પછી વાચકોએ એને એવો ગજબનો વધાવી લીધો કે એના વેચાણનો આંક દર અઠવાડિયે ઊંચોને ઊંચો જ જતો હતો – નવા નવા વિક્રમ સર્જતો હતો પ્રથમ ચાર મહિનામાં જ એનો ફેલાવો ૩ લાખ ૮૦ હજારથી લઈને સીધો સડસડાટ ૧૦ લાખ કોપી પર પહોંચી ગયો.. આવી કલ્પના તો ખુદ એના પ્રકાશક હેન્રી લ્યુસે પણ નહોતી કરી

ભલે લોકો મજાકમાં ‘લાઈફ’ને આળસુ ‘તંત્રી-પત્રકારો’નું મેગેઝિન કહેતા, પણ જાણીતા વાર્તાકાર-કવિ-નિબંધકારો પાસે તસવીરો અનુસાર તૈયાર કરાવેલું ટૂંકુ લખાણ એમાં પ્રગટ થતું . પરિણામે દર અઠવાડિયે ‘લાઈફ’મા પ્રકાશિત થતી ઘટના પાછળની હૃદયસ્પર્શી તસવીર-કથાઓ આમ આદમીથી લઈને અમીરોને એકસરખી ગમી જતી હતી.તસવીરો આવી ‘બોલકી’ પણ બની શકે એવો અનેરો અનુભવ અમેરિકા સહિત જગતભરના વાચકોને પહેલી વાર થયો.

માનવીની સંવેદના વ્યક્ત કરતી અનેક અવનવી હૃદયસ્પર્શી તસવીર-કથાઓથી અજબની ચાહના મેળવનારા ‘લાઈફ’ના જીવનનો શ્રેષ્ઠ ટાઈમ -સમય હતો એની અફલાતૂન વોર ફોટોગ્રાફીનો સેક્ન્ડ વર્લ્ડ વોર શરૂ થયું ત્યારે ‘લાઈફ-ટાઈમ’ના ૪૦ જેટલાં પત્રકાર – ફોટોગ્રાફરો પણ યુદ્ધના મોરચે પહોંચી ગયા હતા,જેમાં ૭ તો મહિલા હતી!

એ પછી તો બીજું વિશ્ર્વ યુદ્ધ હોય કે પછી વિયેતનામ- કોરિયા-લાઓસના આંતરવિગ્રહ.. એ બધા ચાલતા સંગ્રામની વચ્ચોવચ્ચ જઈને ‘લાઈફ’ના ફોટોગ્રાફરોએ એ વખતે ઝડપેલી યુદ્ધની તસવીરોમાં કંપાવી મૂકે એવી ભયાનકતાથી લઈને કરુણતા કોઈને પણ હચમચાવી દે તેવી હતી. વોર ફોટો-જર્નાલિઝમની જાણે એ પરાકાષ્ષ્ઠા હતી.

નેપામ બોમ્બના ધડાકા પછી ભભૂકી ઊઠેલી જ્વાળા વચ્ચે નગ્નાવસ્થામાં ભાગતી એક વિયેતનામી બાળા.. પોતાના ખોળામાં છેલ્લા શ્ર્વાસ લેતો એક ઘવાયેલો સાથી સૈનિક યુદ્ધ કેદીના લમણે તાંકવામાં આવેલી પિસ્તોલ ગોળીથી વિંધાઈને યુદ્ધભૂમિ પર ફસડાઈ રહેલો આર્મીનો જવાન..આવી ઘણી બધી તસવીરોએ ‘લાઈફ’ને પ્રસિદ્ધિ અપાવી છે-પ્રતિષ્ઠા વધારી છે, પણ ‘હરણનાં શિંગડા એને જ ભારે પડે’ એવું ‘લાઈફ’ સાથે થયું. વધતી જતી લોકપ્રિયતા સાથે હરણફાળે વધતું જતું સર્ક્યુલેશન ફેલાવાની સાથે મોંઘા થતાં જાહેરખબરના દર અને શ્રેષ્ઠ વાચનસામગ્રી સાથે શ્રેષ્ઠત્તમ તસવીરો પ્રગટ કરવાનો આગ્રહ..આ બધાને લીધે પ્રકાશનના ખર્ચ ઈત્યાદિ એટલા બધા વધી ગયા કે એના ભારથી ‘લાઈફ’ આર્થિક રીતે ભાંગી પડ્યું અને નછૂટકે એનું પ્રકાશન બંધ કરવું પડ્યું.

૨૩ નવેમ્બર- ૧૯૩૬માં શરૂ થયેલું ‘લાઈફ’ જ્યારે ૩૬ વર્ષની આવરદા ભોગવીને ૧૯૭૨માં બંધ પડ્યું ત્યાર એક તબક્કે તો એ દર સપ્તાહે વિક્રમસર્જક ૧૩.૫ મિલિયન કોપી એટલે કે ૧ કરોડ ૩૫ લાખ કોપીનું અધધધ વેચાણ ધરાવતું હતું!

‘લાઈફ’નું પ્રકાશન બંધ પડ્યું,પણ એની નામના એવી હતી કે એની પ્રકાશન કંપની ‘ટાઈમ ઈનકોર્પોર્ટેડ’ને ‘લાઈફ’ ફરી બેઠું કરવાની લાલચ થઈ ને ૧૯૭૮માં એનું પુન:પ્રકાશન થયું, પરંતુ આ વર્ષો દરમિયાન સિનારિયો સાવ બદલાઈ ગયો હતો. ટીવીના આક્રમણ સામે એ ટકી ન શક્યું અને ૨૦૦૦ની સાલમાં ‘લાઈફ’નું ફરી એક વાર ‘મરણ’ થયું. જો કે પાછળથી – ૨૦૦૪થી એ ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ છાપાની સાપ્તાહિક પૂર્તિ તરીકે પ્રગટ થતું હતું. હવે એનું પણ મુદ્રણ અટકાવીને ‘લાઈફ’ને ઓનલાઈન મેગેઝિન તરીકે જીવાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

જોઈએ, હવે જીવન-મરણ વચ્ચે આમ ઝોલાં ખાતું ‘લાઈફ’ ઓનલાઈનરૂપી વેન્ટિલેટર પર હજુ બીજાં કેટલાં વર્ષ ખેંચી કાઢે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button