પુરુષ

ફીટ રહેવું એ આજના સમયની લક્ઝરી છે

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

વ્લાદિમીર પુતિન છઠ્ઠી વખત રશિયાના પ્રમુખ બન્યા એ આ અઠવાડિયાના સમાચાર છે. જો કે એનાથી રસપ્રદ સમાચાર એ છે કે પુતિન એકોતેર વર્ષના થઈ ગયા છે, છતાં હજુ જાણે એમની ચાળીસીમાં કે જીવનના પચાસમાં દાયકામાં હોય એવા એ યુવાન લાગે છે. એ કંઈ નાનીસૂની વાત નથી, કારણ કે આલ્કોહોલ, તમાકુ કે ખરાબ લાઈફ સ્ટાઈલને પગલે એજિંગ એ આજના સમયની મહત્ત્વની સમસ્યા બની ગયું છે. એજિંગને વળી માત્ર બાહ્ય દેખાવ સાથે જ નિસ્બત નથી. એજિંગ માનસિક સ્થિતિ તેમજ શારીરિક ક્ષમતા સાથે પણ સંબંધ ધરાવે છે. આજે ચાળીસીમાં પ્રવેશેલા આધેડો નીચા નમવાના, દોડવાના કે મહેનતનાં કામ સહજતાથી નથી કરી શકતા. સહેજ મહેનતનું કામ આવે ત્યાં આહકારો બોલાવતા થઈ જાય છે. કે સહેજ વધુ ચાલવું પડે કે સ્ટ્રેસ પડે ત્યાં કમ્મર પર બામ ચોપડતા થઈ જાય છે.

આજના માણસની આ સ્થિતિ ઉપરથી દેખાય એટલી સરળ નથી. સમય કરતાં વહેલાં રોજિંદી ક્ષમતાઓ ગુમાવવી એ ચિંતાજનક છે એટલે ક્ષમતા ન ગુમાવીએ કે પોતાના જીવનના સાઠમાં કે સીત્તેરમાં દાયકામાં પણ આપણે અત્યંત ફીટ રહીએ એ માટે અમુક એફર્ટ્સ-પ્રયાસ કરવા અત્યંત જરૂરી છે. આખરે વ્લાદિમીર પુતિન હોય કે પછી નરેન્દ્ર મોદી હોય કે પછી બોલીવુડમાં અનિલ કપૂર હોય આ લોકો આપણને યુવાન એ ઊર્જાવાન લાગે છે અને પાછળ એમના અથાક પ્રયત્નો જવાબદાર છે. એ કંઈ અમસ્તા જ, માત્ર ઈશ્ર્વરની કૃપાથી યુવાન નથી દેખાતા!

પુતિન કે મોદી કે અનિલ કપૂર વચ્ચે સૌથી પહેલી સામ્યતા એ છે કે એ બધા કસરત બાબતે આળસુ નથી. મોદી યોગના ચાહક છે અને રોજ યોગ કરે છે એ તો હવે જાણીતી વાત થઈ. પુતિન પણ નિયમિત જીમ કરે છે અને અઠવાડિયામાં ત્રણ દિવસ સ્વિમિંગ કરે છે. મળતા અહેવાલો એવું પણ કહે છે કે પુતિનને વહેલી સવારે ચાલવા જવાનો શોખ છે ને એ નિયમિત ચાલવા જાય છે. અનિલ કપૂર પણ હવે તો ૬૮ના થવાના, પરંતુ આ ઉંમરે પણ દિવસના બે કલાક જેટલો સમય એ જીમમાં પસાર કરે છે.

અનિલ કપૂર તો એમ પણ કહે છે કે પોતાની ઊંઘ સાથે એ ક્યારેય બાંધછોડ કરતા નથી. દિવસની સાત કલાક નિયમિત ઊંઘ લેવાની એટલે લેવાની જ….આ વાત સાથે ભૂતપૂર્વ પાકિસ્તાની તેજ દોલંદાજ વાસિમ અક્રમ પણ સહમત છે.. વાસિમ અક્રમ પણ હવે ૫૮ વર્ષના થયા, પરંતુ એમના ચહેરા પર ત્રીસ વર્ષના યુવાનો કરતાં વધુ તેજ છે. એ કહે છે કે રાત્રે વહેલા પથારીમાં પડવું એ અત્યંત અઘરી બાબત છે, પરંતુ હું કોઈ પણ સંજોગમાં એ નિયમ પાળું છું.

આ વાત ઘણી મહત્ત્વની છે. આજનો માણસ નિયમિત તેમજ પૂરતી ઊંઘ લેતો નથી. તે પથારીમાં પડે પછીય બે-ત્રણ કલાકો સુધી મોબાઈલ સર્ફ કરે છે. રાત્રે પણ મોબાઈલ પથારીની બાજુમાં રાખે છે. સવારે ઊઠીને તરત જ ત મોબાઈલ હાથમાં લે છે!

આવી સ્થિતિથી શું મન પર નકારાત્મક અસરો ન થાય? એ જે રીતે ઓછી અને અનિયમિત ઊંઘની સીધી અસર આપણાં કાર્ય કે આપણી એકાગ્રતા પર નથી કરતી? કરે જ છે, પરંતુ આપણે એ દિશામાં વિચારતા નથી. આપણે આપણી જાતનો વિચાર કર્યા વિના મોડી રાત સુધી નકામી રિલ્સને સ્ક્રોલ કરતા રહીએ છીએ ને પછી બીજા દિવસે ભારે સૂઝેલા પોપચા સાથે આપણો દિવસ શરૂ કરીએ છીએ! બીજી તરફ, મોદીજી – અનિલ કપૂર કે પુતિન કે પછી વાસિમ અક્રમની આંખોના પોપચા આપણને ક્યારેય સૂઝેલા નહીં લાગે!

આવું જ ખોરાક અને વ્યસનનું છે. અહીં જે ચાર નામ ગણાવ્યા એ ચારેય નામ પોતાના ખોરાક સાથે પણ બાંધછોડ નથી કરતા એટલે કે ક્યારેય નકામું, જંક કહેવાય એવું આરોગતા નથી. એ ઓછો તળેલો, ઓછા કે નહીંવત મસાલાવાળો તેમજ તાજો ખોરાક જ લે છે. મન થયું તો બર્ગર ખાવાનું કે રસ્તા પર ઊભા રહી ભજિયાંની મિજલસ માણવાનું એ બધું હંમેશાં ટાળે છે. ભજિયાં તો ઠીક, જગતની શ્રેષ્ઠ કહી શકાય એવી મીઠાઈ કે એવા આઈસક્રીમ પણ ખાવાનું ટાળે છે. કેમ? તો કે સ્વાદની એમને કશી પડી જ નથી. એમને મન ખોરાકમાંથી પોષણ શું મળે છે એ મહત્ત્વનું છે.
સામે પક્ષે, આપણે છીએ કે ખાવામાં જરાય ધ્યાન રાખતા નથી અને સ્વાદને કેન્દ્રમાં રાખીને આખો દિવસ કંઈ ને કંઈ ખાઈએ છીએ.

એ જ રીતે વ્યસનને લઈને પણ આ પુરુષો અત્યંત સજાગ છે. તમાકુ હોય કે આલ્કોહોલ હોય કે પછી અન્ય કોઈ પણ તત્ત્વ હોય, એ લોકો પોતાના શરીરને એ તત્ત્વોથી દૂર રાખે છે. બલ્કે પોતાનું કામ જ એમના માટે વ્યસન હોય છે. જેની સીધી અસર એમનાં મન અને શરીર પર પડે છે અને એ આપણને અત્યંત પ્રભાવશાળી લાગે છે. ઉપરોક્ત તમામ વાત આપણે પણ જાણીએ જ છીએ, પરંતુ આપણી મર્યાદા એ છે કે એને નિયમિત રીતે અમલમાં મૂકી શકતા નથી. મોદીજી કે અનિલ કપૂર ઊંઘવામાં કે જમવામાં કે કસરતમાં નિયમિત રહે છે એટલે એ યુવાન લાગે છે અને આપણે પચાસ સુધી માંડ પહોંચીએ ત્યાં સુધીમાં કમ્મર ને પગની કે હૃદયની ફરિયાદ લઈને ફરીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button